RILનો ચોખ્ખો નફો 39% ઘટ્યો, પણ જિયો કંપની ઝળકી

નવી દિલ્હીઃ કોરોના વાયરસની ગંભીર અસર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના બિઝનેસ પર પણ પડી છે. નાણાકીય વર્ષના ચોથા ત્રિમાસીક ગાળામાં કંપનીનો વાર્ષિક આધાર પર નફો આશરે 39 ટકા ઘટીને 6348 કરોડ રુપિયા રહ્યો. જ્યારે ત્રીજા ત્રિમાસિક ગાળામાં આરઆઈએલનો નફો 11640 કરોડ રુપિયા રહ્યો હતો. તો ગત વર્ષે આ જ સમયગાળામાં કંપનીનો નફો 10,362 કરોડ રુપિયા રહ્યો હતો. હકીકતમાં, ચોથા ત્રિમાસિક ગાળામાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને 4267 કરોડ રુપિયાની ખોટ થઈ છે. જો કે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીની રેવન્યૂમાં વાર્ષિક આધાર પર સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. આ 2.3 ટકા ઘટીને 1.39 લાખ કરોડ રુપિયા રહ્યું.

ચોથા ત્રિમાસિક ગાળામાં ટેલીકોમ વેન્ચર જિયોએ જોરદાર દેખાવ કર્યો છે. જિયોનો નફો વાર્ષિક આધાર પર 177.5 ટકા અને ત્રિમાસિક આધાર પર 72.7 ટકા વધીને 2,331 કરોડ રુપિયા રહ્યો જ્યારે આ સમયમાં જિયોની આવક 14835 કરોડ રુપિયા રહતી. સબ્સક્રાઈબર બેઝ 26.30 ટકાથી વધીને 38.75 કરોડ થઈ ગયો છે.

ચોથા ત્રિમાસિક ગાળામાં કંપનીનો રિફાઈનિંગ વ્યાપાર ઘટીને 84854 કરોડ રુપિયા રહ્યો કે જે ગત ત્રિમાસિક ગાળામાં 1.03 લાખ કરોડ રુપિયા હતો. માર્કેટ કેપિટલાઈઝેશનની દ્રષ્ટીએ ભારતની સૌથી મોટી લિસ્ટેડ કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે બોર્ડ બેઠકમાં 6 રુપિયા 50 પૈસા પ્રતિ શેર ડિવિડન્ડના પ્રસ્તાવને પણ મંજૂરી આપી છે.

તો કંપનીના બોર્ડે 30 એપ્રીલના રોજ રાઈટ્સ ઈશ્યુને પણ મંજૂરી આપી દીધી છે. આ રાઈટ ઈશ્યુ 1257 રુપિયા પ્રતિ શેરના ભાવ પર લાવવામાં આવશે. રાઈટ્સ ઈશ્યુની સાઈઝ 53125 કરોડ રુપિયા હશે. આ રાઈટ ઈશ્યૂ અંતર્ગત 15 શેર પર એક રાઈટ શેર જાહેર થશે. 29 વર્ષ બાદ કંપની સાર્વજનિક રુપથી ફંડ એકત્ર કરશે.