નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 144 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. ભાજપે પોતાના ફાયરબ્રાન્ડ નેતા સુવેંદુ અધિકારીને મુખ્ય મંત્રી મમતા બેનર્જીની બેઠક પરથી ટિકિટ આપી છે. મમતા બેનર્જી હાલમાં ભવાનીપુર બેઠકથી ધારાસભ્ય છે અને આ બેઠક પરથી સુવેંદુ અધિકારીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. એ સાથે જ તેઓ નંદીગ્રામ બેઠક પરથી પણ ચૂંટણી લડશે, જ્યાંથી તેઓ હાલના ધારાસભ્ય છે.
અલિદ્વારપુર બેઠક પરથી પરિતોષ દાસને ટિકિટ આપવામાં આવી છે. આ વખતે પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. ચૂંટણી પંચે મતદાન માટે 23 અને 29 એપ્રિલની તારીખ નક્કી કરી છે, જ્યારે પરિણામો ચોથી મેએ જાહેર કરવામાં આવશે.બંગાળની ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને ભાજપ વચ્ચે સીધી ટક્કર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભાજપે રાજ્યમાં જીત મેળવવા માટે ભારે તૈયારી કરી છે. ચૂંટણીની જાહેરાત બાદ બીજા જ દિવસે ભાજપે 144 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી, જે પાર્ટીની સજ્જતા દર્શાવે છે.
ભાજપે જાહેર કરેલી આ પ્રથમ યાદીમાં 10 મહિલા ઉમેદવારોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ યાદી મુજબ ભવાનીપુર અને નંદીગ્રામથી સુવેંદુ અધિકારી, રેજિનગરથી બાપન ઘોષ, બહરામપુરથી સુબ્રત મિત્રા, ચકદહાથી બંકિમ ચંદ્ર ઘોષ, નૈહાટીથી સૌમિત્ર ચટર્જી, ઉલૂબેરિયા દક્ષિણથી સ્વામી મંગલાનંદ પુરી મહારાજ, પુરસુરાહથી બિમાન ઘોષ, મોયનાથી અશોક ડિન્ડા, દાસપુરથી તપન દત્તા અને આસનસોલ દક્ષિણથી અગ્નિમિત્રા પોલને ટિકિટ આપવામાં આવી છે.


