અમદાવાદઃ એશિયાઈ બજારોમાં જોરદાર તેજી વચ્ચે ઘરેલુ શેરબજાર ભારે ઉછાળા સાથે બંધ થયું હતું. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત બાદ વિશ્વભરનાં શેરબજારોમાં તેજીનો માહોલ સર્જાયો હતો. આ સાથે નિફ્ટીએ ટ્રેડિંગ સેશનમાં 24,000ને પાર કરી લીધો હતો. નિફ્ટી બેન્કમાં પાંચ વર્ષની સૌથી મોટી તેજી આવી હતી. BSEની લિસ્ટેડ કંપનીઓના કુલ માર્કેટ કેપમાં આશરે રૂ. 16 લાખ કરોડનો વધારો થયો હતો. નિફ્ટી 500ના 150થી વધુ શેરોમાં પાંચ ટકા કરતાં વધુ તેજી થઈ હતી.આ સાથે ઇન્ડેક્સ હેવી વેઇટ HDFC બેંક, ICICI બેંક, L&T અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL)ના શેરોમાં તેજીથી બજારને સહારો મળ્યો.
BSE સેન્સેક્સ 3 ટકાથી વધુ વધારા સાથે 77,290 પર ખૂલ્યો હતો, ટ્રેડિંગ દરમિયાન તે 77,635 સુધી પહોંચ્યો હતો. અંતે સેન્સેક્સ 2946.32 પોઇન્ટના ઉછાળા સાથે 77,562.90 પર બંધ થયો હતો. એ જ રીતે નિફ્ટી-50 873.70 પોઇન્ટ ઊછળી 23,997.35 પર બંધ થયો હતો.બજારના વિશ્લેષકે જણાવ્યું હતું કે યુદ્ધવિરામને વિસ્તૃત પ્રાદેશિક સ્થિરતા તરફના મહત્વપૂર્ણ પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે. હોર્મુઝ જલડમરુમધ્ય ફરી ખૂલવાથી ભારતને તાત્કાલિક ફાયદો થયો છે. જેને કારણે FY27ની આવક (EPS) વૃદ્ધિ પરના નકારાત્મક જોખમમાં ઘટાડો થયો છે. તેમણે વધુમાં જણાવ્યું કે સેન્ટિમેન્ટમાં આવેલા સુધારાને કારણે 10 વર્ષીય બોન્ડ યીલ્ડમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને રૂપિયા મજબૂત થયો છે. આરબીઆઈએ નીતિ દર યથાવત રાખવાનો નિર્ણય લેતાં નાણાકીય શેરોને વધુ સપોર્ટ મળ્યો છે..
વ્યાજદર 5.25 ટકા પર યથાવત
રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટીએ (MPC) બુધવારે નીતિ દર અંગેનો નિર્ણય જાહેર કર્યો. ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે સમિતિએ સર્વસંમતિથી રેપો રેટ 5.25 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. મધ્યપૂર્વના તણાવને ધ્યાનમાં રાખીને સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી (SDF) દર 5% પર જ રાખવામાં આવ્યો છે.

વેલ્યુ બાયિંગમાં વધારો
બજાર નિષ્ણાતોના જણાવ્યા મુજબ યુદ્ધવિરામની ખબર પછી રોકાણકારોમાં જોખમ લેવાની ભાવના વધી અને બજારમાં વ્યાપક વેલ્યુ બાયિંગ જોવા મળી. સોનું અને ચાંદી જેવી કીમતી ધાતુઓમાં પણ ઉછાળો નોંધાયો.
ઇન્ડિયા VIXમાં ઘટાડો
બજારમાં ભય અને અનિશ્ચિતતાનું માપદંડ માનવામાં આવતો ઇન્ડિયા વોલેટિલિટી ઇન્ડેક્સ (India VIX) 5 ટકા ઘટીને 19.85 પર આવી ગયો. આ ઘટાડો બજારમાં અનિશ્ચિતતા ઓછી થવાનો અને રોકાણકારોના વિશ્વાસમાં વધારો થવાનો સંકેત આપે છે, જે તેજી માટે સકારાત્મક માનવામાં આવે છે.


