પાકિસ્તાન: બલુચિસ્તાનમાં SHOના ઘર પર ગ્રેનેડ હુમલો, 5 લોકો ઘાયલ

પાકિસ્તાન: બલુચિસ્તાનમાં એક સ્ટેશન હાઉસ ઓફિસર (SHO)ના ઘર પર ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ચાર બાળકો સહિત પાંચ લોકો ઘાયલ થયા હતા. આ હુમલો એવા સમયે કરવામાં આવ્યો, જ્યારે બળવાખોરો અશાંત પ્રાંતમાં સતત હુમલા કરી રહ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ હુમલો ખુઝદારમાં એસ.એચ.ઓ. કાદિર શેખના ઘરે થયો હતો. ખુઝદારના સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (SSP) જાવેદ ઝેહરીએ મીડિયાને જણાવ્યું હતું કે અજાણ્યા હુમલાખોરોએ હબ સિટીના SHOના ઘર પર ગ્રેનેડ ફેંક્યો હતો, જેમાં તેમના પિતા અને તેમના ભાઈના ચાર બાળકો ઘાયલ થયા હતા.

સતત હુમલાઓ થઈ રહ્યા છે
તેમણે કહ્યું, “પિતાને સારવાર માટે કરાચી લઈ જવામાં આવ્યા છે, જ્યારે બાળકોની સારવાર ચાલી રહી છે. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.” ગયા અઠવાડિયે 440 મુસાફરોને લઈ જતી જાફર એક્સપ્રેસ પર પ્રતિબંધિત અલગતાવાદી જૂથ બલૂચ લિબરેશન આર્મી (BLA)ના આતંકવાદીઓએ હુમલો કર્યો ત્યારથી પ્રાંતના વિવિધ ભાગોમાં અનેક આતંકવાદી હુમલાઓ થયા છે.બળવાખોરોએ 26 બંધકોને મારી નાખ્યા, જેના પગલે સેનાએ બીજા દિવસે બધા 33 બળવાખોરોને મારી નાખ્યા. રવિવારે, નોશ્કીમાં અર્ધલશ્કરી ફ્રન્ટિયર કોર્પ્સની બસ પર એક આત્મઘાતી હુમલાખોરે હુમલો કર્યો, જેમાં પાંચ લોકો માર્યા ગયા અને ઓછામાં ઓછા 30 સૈનિકો ઘાયલ થયા. એક દિવસ પહેલા, ક્વેટામાં બલુચિસ્તાન એન્ટી-ટેરરિઝમ ફોર્સ (ATF) ના પાર્ક કરેલા વાહન પાસે થયેલા વિસ્ફોટમાં એક પોલીસકર્મીનું મોત થયું હતું અને છ અન્ય ઘાયલ થયા હતા.

મોટાભાગના હુમલાઓની જવાબદારી BLA એ લીધી

છેલ્લા એક વર્ષમાં બલુચિસ્તાનમાં આતંકવાદી હુમલાઓમાં વધારો થયો છે. ઈરાન અને અફઘાનિસ્તાનની સરહદે આવેલો આ પ્રાંત લાંબા સમયથી ચાલતા હિંસક બળવાખોરીનું ઘર છે. તેલ અને ખનિજ સમૃદ્ધ આ પ્રાંતમાં બલૂચ બળવાખોર જૂથો વારંવાર સુરક્ષા કર્મચારીઓ, સરકારી પ્રોજેક્ટ્સ અને 60 બિલિયન ડોલરના ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર (CPEC) પ્રોજેક્ટને નિશાન બનાવીને હુમલાઓ કરે છે. ભૂતકાળમાં, આ વિસ્તારમાં રેલ્વે ટ્રેક પર બલૂચ આતંકવાદીઓ દ્વારા રોકેટ અથવા રિમોટ-કંટ્રોલ બોમ્બનો ઉપયોગ કરીને હુમલો કરવામાં આવ્યો છે અને મોટાભાગના હુમલાઓની જવાબદારી BLAએ સ્વીકારી છે.