32 વર્ષની અનાયા માટે રવિવાર એટલે આખા અઠવાડિયાનો થાક ઉતારવાનો દિવસ. પહેલા એ હંમેશા
મિત્રો કે પરિવારના પ્લાન મુજબ ચાલતી. જો કોઈ ફ્રી ન હોય, તો ઘરે બેસી રહેતી અને એકલતા અનુભવતી. પણ ગયા રવિવારે અનાયાએ કંઈક અલગ કર્યું. એણે સુંદર ડ્રેસ પહેર્યો, અરીસા સામે જોઈને મનગમતી લિપસ્ટિક લગાવી અને પોતાની જાતને કહ્યું, “ચાલો આજે તને ડેટ પર લઈ જાઉં!”
એ એકલી જ શહેરના જૂના પુસ્તકાલયમાં ગઈ, કલાકો સુધી મનગમતી નવલકથા વાંચી, પછી એક કેફેમાં બેસીને પોતાની પસંદગીની કોલ્ડ-કોફીનો આનંદ માણ્યો. રસ્તામાં એણે કોઈના અભિપ્રાયની ચિંતા કર્યા વગર ફૂટપાથ પરથી મનગમતા ઈયરિંગ્સ ખરીદ્યા. એ દિવસે જ્યારે અનાયા ઘરે પાછી ફરી, ત્યારે એના ચહેરા પર એક અનોખું તેજ હતું. એને સમજાયું કે અત્યાર સુધી એ જે ખુશી બીજામાં શોધતી હતી, એ તો એની પોતાની અંદર જ હતી. અનાયાની આ સફર એટલે ‘સોલો-ડેટિંગ’.
એક સમય હતો જ્યારે કોઈ સ્ત્રી રેસ્ટોરન્ટમાં એકલી બેઠી હોય, તો લોકો એને ‘એકલી-અટૂલી’ ગણીને એની સામે કરુણા કે ખોટી નજરે જોતા. પણ આજે 2026માં ચિત્ર બદલાયું છે. આજના યુગની સ્ત્રીઓ હવે કોઈના સાથની પ્રતીક્ષા કરવાને બદલે પોતાની જ કંપની એન્જોય કરતા શીખી ગઈ છે. આ ટ્રેન્ડને નામ મળ્યું છે ‘સોલો-ડેટિંગ’.
શું છે આ સોલો-ડેટિંગ?
સોલો-ડેટિંગ એટલે પોતાની જાતને ડેટ પર લઈ જવી. એ માત્ર એકલા ફરવા વિશે નથી, પણ પોતાની જાતને પ્રેમ કરવા વિશે છે. જ્યારે તમે એકલા મૂવી જોવા જાઓ છો, ત્યારે તમારે કોઈની પસંદ-નાપસંદનો વિચાર
નથી કરવો પડતો. જ્યારે તમે એકલા પ્રવાસ કરો છો, ત્યારે તમે તમારી પોતાની ગતિએ દુનિયાને માણી શકો છો. આ પ્રક્રિયા સ્ત્રીને પોતાની આંતરિક શક્તિ અને રુચિઓથી પરિચિત કરાવે છે.
આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા યો વુમનિયા ગ્રુપના ચેર પર્સન ઉર્વિ સોની કહે છે, “સોલો ડેટિંગમાં પોતાની જાત માટે ગુણવત્તાયુક્ત સમય ફાળવી શકાય છે. આ ‘પોતાની સાથે પળ વિતાવવાનો’ એક સુંદર અનુભવ છે, જેમાં એકલા હોવાનો આનંદ માણી શકાય, કોઈ ખાસ વ્યક્તિ સાથે ડેટ પર જતા સમયે જેટલો આનંદ હોય એટલી જ નિખાલસતાથી નવી જગ્યાઓ જોઈ શકાય છે. નવી વસ્તુઓ પણ અજમાવી શકાય. મ્યુઝિક સાંભળવું, પેઈન્ટિંગ દ્વારા કલ્પનાને વાસ્તવિકતામાં લાવવી અથવા નવી જગ્યાઓએ ટ્રાવેલિંગ કરવું આવી એક્ટિવિટીઝ દ્વારા પોતાની જાતને વધુ સારી રીતે ઓળખી શકાય. ટૂંકમાં, સોલો ડેટિંગ એ પોતાની સાથે મૈત્રી કેળવવાની અને ખુશ રહેવાની એક કળા છે.જે દરેક મહિલા માટે એક અમૂલ્ય ભેટ છે”
આત્મનિર્ભરતાનું નવું પરિમાણ
ભારતીય સ્ત્રીઓ હંમેશા ‘સંબંધોની જાળ’માં જીવે છે. ક્યારેક દીકરી, ક્યારેક પત્ની તો ક્યારેક માતા. આ ભૂમિકાઓ
ભજવવામાં એ ઘણીવાર ભૂલી જાય છે કે એને પોતાની અંગત પસંદ શું છે? સોલો-ડેટિંગ એ ‘રીસેટ’ બટન જેવું છે. એ સ્ત્રીને સમજાવે છે કે ખુશ રહેવા માટે હંમેશા બીજાના સર્ટિફિકેટ કે હાજરીની જરૂર નથી.
આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા ડિજિટલ ઇમેજિંગ સ્પેશિયાલિસ્ટ ગીરા બ્રહ્મભટ્ટ કહે છે “સોલો-ડેટિંગ સ્ત્રીમાં ગજબનો આત્મવિશ્વાસ ભરે છે. એકલા મુસાફરી કરતી વખતે જ્યારે એ ટિકિટ બુક કરાવે છે, રસ્તાઓ શોધે છે અને અજાણ્યા શહેરમાં પોતાનું ધ્યાન રાખે છે, ત્યારે એ ખરેખર ‘આત્મનિર્ભર’ બને છે. આ આત્મનિર્ભરતા માત્ર આર્થિક નથી, પણ માનસિક છે. એ સ્ત્રીને માનસિક રીતે એટલી મજબૂત બનાવે છે કે જીવનના મોટા નિર્ણયો લેતા પણ અચકાતી નથી.”
સમાજની નજર અને આંતરિક શાંતિ
જોકે, આજે પણ કેટલાક લોકો એકલી સ્ત્રીને જોઈને અનેક તર્ક-વિતર્ક કરે છે. પણ સોલો-ડેટિંગ કરનારી સ્ત્રીઓ હવે
એ નજરોથી પર થઈ ગઈ છે. એમને સમજાયું છે કે એકલા હોવું અને એકલતા વચ્ચે મોટો તફાવત છે. એકલતામાં દુઃખ છે, જ્યારે એકલા હોવામાં ‘આઝાદી’ છે.
ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા પ્રિયા દવે કહે છે, “સોલો-ડેટિંગ એ કોઈ ફેશન નથી, પણ એક માનસિક જરૂરિયાત છે. દરેક સ્ત્રીએ મહિનામાં એક વાર તો પોતાની જાતને ડેટ પર લઈ જવી જોઈએ. પોતાની સાથે વાતો કરવી, પોતાના મનગમતા પુસ્તક સાથે કોફી પીવી કે શાંતિથી પ્રકૃતિને માણવી આ બધું જ એને રિચાર્જ કરે છે.”
28 વર્ષની આયુષી કહે છે, “પહેલા હું કોઈની રાહ જોતી કે કોઈ ફ્રી હોય તો હું કેફેમાં જાઉં. પણ હવે હું અઠવાડિયામાં એક વાર એકલી આઉટિંગ પર જાઉં છું. એ બે કલાકમાં મને સમજાય છે કે હું કેટલી સક્ષમ અને સ્વતંત્ર છું. મને હવે કોઈના જજમેન્ટનો ડર નથી લાગતો.”
જે સ્ત્રી પોતાની કંપની એન્જોય કરી શકે છે, એને દુનિયાની કોઈ પણ મુશ્કેલી તોડી શકતી નથી. કારણ કે એણે શોધી લીધું છે કે એની ખુશીની ચાવી કોઈ બીજાના ખિસ્સામાં નહીં, પણ એની પોતાની અંદર જ છે.
હેતલ રાવ




