ટીમ પેનની આગેવાની હેઠળની ઓસ્ટ્રેલિયા ટીમને એની જ ધરતી પર ટેસ્ટ સિરીઝમાં 2-1થી હરાવીને ભારતીય ટીમ ખેલજગતમાંથી પ્રશંસા મેળવી રહી છે. કાર્યવાહક કેપ્ટન અજિંક્ય રહાણેની ટીમે 19 જાન્યુઆરી, મંગળવારે બ્રિસ્બેનના ગબ્બા મેદાન પર ઓસ્ટ્રેલિયાને ચોથી અને સિરીઝની આખરી ટેસ્ટ મેચમાં 3-વિકેટથી પરાજય આપ્યો. 328 રનના ટાર્ગેટ સામે ભારતે પાંચમા દિવસે 12મી મેન્ડેટરી ઓવરમાં 7 વિકેટના ભોગે 329 રન કરીને મેચ અને સિરીઝ જીતી લીધી, પ્રતિષ્ઠિત બોર્ડર-ગાવસકર ટ્રોફી પોતાના કબજામાં લીધી. ભારતની આ શાનદાર જીત મુખ્યત્વે વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતના અણનમ 89 રન, ઓપનર શુભમન ગિલના 91 રનને આભારી છે. ભારતીય ટીમે લડાયક ખમીર અને ધૈર્યના પ્રદર્શન દ્વારા આ જીત હાંસલ કરી છે અને પહેલી ટેસ્ટમાં થયેલી શરમજનક હારને ભૂલાવી દીધી છે. પંતને ‘પ્લેયર ઓફ ધ મેચ’ અને ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર પેટ કમિન્સને ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’ ઘોષિત કરવામાં આવ્યો છે. સચીન તેંડુલકર, સૌરવ ગાંગુલી, અનિલ કુંબલે, વિરેન્દર સેહવાગ, હરભજન સિંહ, વી.વી.એસ. લક્ષ્મણ, માઈકલ વોન (ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન) જેવા નામાંકિત ભૂતપૂર્વ ક્રિકેટરોએ ભારતીય ટીમ પર પ્રશંસાના ફૂલો વરસાવ્યા છે. ભારતીય ટીમે ગબ્બા મેદાન પર 32-વર્ષ પછી પહેલી વાર ટેસ્ટ વિજય હાંસલ કર્યો છે.