‘વિરાટ’ પરફોર્મન્સઃ ટીમ ભારત વિજયપથ પર અગ્રેસર

ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં શાનદાર અણનમ 48મી સદી અને રવિન્દ્ર જાડેજા તથા કુલદીપ યાદવની સ્પિન બોલિંગના તરખાટના જોરે ભારતે 19 ઓક્ટોબર, ગુરુવારે પુણેમાં એમસીએ સ્ટેડિયમ ખાતે બાંગ્લાદેશને વર્લ્ડ કપ-2023ની મેચમાં 7-વિકેટથી પરાજય આપ્યો. સ્પર્ધામાં ભારતની આ લગાતાર ચોથી જીત છે. બાંગ્લાદેશે તેના હિસ્સાની 50 ઓવરમાં 8 વિકેટે 256 રન કર્યા બાદ ભારતે 41.3 ઓવરમાં 3 વિકેટના ભોગે 261 રન કરીને મેચ જીતી લીધી હતી. કોહલી 97 બોલમાં 4 છગ્ગા, 6 ચોગ્ગાની મદદથી 103 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. મેચ જીતવા ભારતને 2 રનની જરૂર હતી. કોહલી વ્યક્તિગત 97 રનના સ્કોર પર દાવમાં હતો. તેણે સિક્સર ફટકારીને ભારતને મેચ જીતાડી અને સાથોસાથ પોતાની સદી પૂરી કરી. એને ‘પ્લેયર ઓફ ધ મેચ’ ઘોષિત કરવામાં આવ્યો હતો. કે.એલ. રાહુલ 34 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. કેપ્ટન રોહિત શર્માએ 48, શુભમન ગિલે 53 અને શ્રેયસ ઐયરે 19 રન કર્યા હતા. સ્પર્ધામાં ભારતની હવે પછીની મેચ 22 ઓક્ટોબરે ધરમસાલામાં ન્યૂઝીલેન્ડ સામે છે. (તસવીરકારઃ દીપક ધુરી)