મુંબઈમાં તેંડુલકરના હસ્તે પ્લાઝમા સેન્ટરનું ઉદઘાટન…

મહાન બેટ્સમેન ભારત રત્ન સચીન તેંડુલકરે 8 જુલાઈ, બુધવારે મુંબઈમાં અંધેરી (ઈસ્ટ) ઉપનગરમાં સેવન હિલ્સ હોસ્પિટલમાં પ્લાઝમા થેરપી સેન્ટરનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે કોરોના વાઈરસ મહાબીમારીમાંથી સાજા થયેલા લોકોને અપીલ કરી હતી કે તેઓ પ્લાઝમાનું દાન કરવા માટે રક્તદાન કરવા આગળ આવે.

ઉલ્લેખનીય છે કે કોરોના બીમારીના ઉપચાર માટે પ્લાઝમા થેરપી પણ એક ઉપચારપદ્ધતિ છે. કોરોનામાંથી સાજા થઈ ગયેલા દર્દીઓના રક્તમાં રહેતા પ્લાઝમા ઘટકને લેબોરેટરીમાં અલગ કરવામાં આવે છે. ત્યારબાદ એને અન્ય કોરોના દર્દીના શરીરમાં-લોહીમાં છોડવામાં આવે છે. આ પદ્ધતિથી કોરોના દર્દીના શરીરમાં કોરોના સામે લડવાની રોગપ્રતિકારક શક્તિ વધે છે. આ સારવાર માટે તબીબી સાધનસામગ્રીનો ઉપયોગ કરવા અનુભવી ડોક્ટરોની જરૂર પડે. ચોક્કસ કયો પ્લાઝમા કયા દર્દી પર અસરકારક બનશે એ ડોક્ટર જ જણાવી શકે. જો આ ઉપચાર પદ્ધતિમાં ભૂલ થાય તો દર્દીની હાલત બગડી શકે અને એનું મૃત્યુ પણ નિપજી શકે. મુંબઈમાં દુનિયાનું સૌથી મોટું પ્લાઝમા કલેક્શન સેન્ટર શરૂ કરવાના મહારાષ્ટ્ર સરકારના પ્રયાસો ચાલુ છે. એનો એક ભાગ છે સેવન હિલ્સ હોસ્પિટલ. મુંબઈ મહાનગરપાલિકા અને સેવન હિલ્સ હોસ્પિટલે સાથે મળીને આ પ્લાઝમા સેન્ટરની સ્થાપના કરી છે.