સરહદ પર વિવાદિત વિસ્તારોમાંથી ચીન, ભારતે સૈનિકોને હટાવ્યા

નવી દિલ્હીઃ કેન્દ્રશાસિત પ્રદેશ અને ચીન સાથે સરહદ બનાવતા લદ્દાખના એક વિવાદિત વિસ્તારમાંથી ભારત અને ચીને પોતપોતાના સૈનિકોને સંપૂર્ણપણે હટાવી લીધા છે, એમ સૂત્રોએ કહ્યું છે. પૂર્વીય લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર બંને દેશના સૈનિકો વચ્ચે ગયા મહિને જ્યાં હિંસક અથડામણ થઈ હતી એ સ્થળેથી ચીની સેના બે કિલોમીટર પાછળ હટી ગઈ છે. સૈનિકોને પાછા હટાવવાની પ્રક્રિયા છેલ્લા બે દિવસોથી જારી હતી. ભારતીય સેનાનાં સૂત્રોએ જણાવ્યું હતું કે પાછા હટાવવાની પ્રક્રિયા બુધવારે પૂરી થઈ ગઈ છે. સૂત્રોએ કહ્યું હતું કે ભારત-ચીનના સૈનિકોની વચ્ચે આજે પેટ્રોલિંગ પોઇન્ટ 15 પર પાછા હટાવવાની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. ચીનના પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ના જવાનો આશરે બે કિલોમીટર સુધી પાછા જઈ ચૂક્યા છે.

ચીની સૈનિકોએ કામચલાઉ માળખાઓને દૂર કરવાનું શરૂ કર્યું

સૂત્રોએ કહ્યું હતું કે હોટ સ્પ્રિંગ્સ અને ગોગરામાં સોમવારે બંને પક્ષો (ભારત-ચીન)ની વચ્ચે આ પ્રક્રિયા શરૂ થઈ હતી. ચીની સૈનિકોએ શનિવારથી પોતે બનાવે માળખાઓને દૂર કરવાનું શરૂ કરી દીધું હતું.

સેનાના અધિકારીઓની વચ્ચે આગળની વ્યૂહરચનાને લઈને મંત્રણા

સેનાનાં સૂત્રોએ વધુમાં કહ્યું હતું કે બંનેની પરસ્પર સહમતિને આધારે બંને દેશના સૈનિકોને હિંસક અથડામણવાળી જગ્યાએ આશરે એકથી દોઢ કિલોમીટર પાછા હટાવી લેવાનું હતું. એક વાર બંને સેનાઓ વચ્ચે થયેલી સહમતિ મુજબ સૈનિકો પાછા હટી જશે, તે પછી બંને દેશના લશ્કરી અધિકારીઓ વચ્ચે આગળની વ્યૂહરચનાને લઈને મંત્રણા થશે.

બંને દેશ LACથી પોતાના સૈનિકોને પાછળ હટાવવા પર સહમત થયા

હાલમાં જ ભારત અને ચીન- બંનેએ સહમતિ દર્શાવી હતી કે સીમા પર શાંતિ જાળવી રાખવા માટે LAC પર સેનાઓએ પાછા હટવું જરૂરી છે. લાંબા સમયથી ચાલી રહેલા ટેન્શનની વચ્ચે રવિવારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોવાલે ચીની વિદેશપ્રધાન વાંગ યીથી આશરે બે કલાક સીમા વિવાદ પર વાતચીત કરી હતી. આ વાતચીતમાં બંને દેશ LACથી પોતાના સૈનિકોને પાછળ હટાવવા પર સહમત થયા હતા. આ પહેલાં સીમા પર ટેન્શનને ઓછું કરવા માટે ભારત-ચીનના ટોચના અધિકારીઓની વચ્ચે વાતચીત થતી રહેતી હતી.

ભારતે પણ એકથી બે કિલોમીટર સુધી સૈનિકોને પાછા બોલાવ્યા

સેનાનાં સૂત્રોએ માહિતી આપી હતી કે ચીની સૈનિકોના પાછા ફરવા સાથે, તેમણે પોતાના તંબૂઓ, વાહનો પણ હિંસક અથડામણ જગ્યાએથી પાછા હટાવી લીધા છે. બીજી બાજુ આ વિસ્તારમાં ભારતે પણ એકથી બે કિલોમીટર સુધી સૈનિકોને પાછા બોલાવી લીધા છે. જોકે ગલવાન નદીના વિસ્તારમાં ચીની સેનાનાં કેટલાંક વાહનો હજી મોજૂદ છે. ભારતીય સેનાના અધિકારીઓનું કહેવું છે કે સેના સંપૂર્ણ રીતે પાછા હટાવી લેવાની પ્રક્રિયા પર ચાંપતી નજર રાખી રહી છે.