અચીલા ભલાઃ કચ્છે કંડારી પ્રવાસનની નવી કેડી…

એજ્યુકેશનલ ટુરિઝમનો નવતર કૉન્સેપ્ટ પ્રવાસીઓને, ખાસ કરીને બચ્ચાંને અહીં ખેંચી રહ્યો છે

ચ્છના દુર્ગમ એવા બન્ની વિસ્તારના એક નાનકડા ગામમાં બાળકો આંધળોપાટો, સત્તોડિયો જેવી રમત કિલકિલાટ કરતાં રમી રહ્યાં છે. આ જોતાં આનંદની સાથે અચરજ એટલા માટે થાય, કેમ કે કચ્છી બચ્ચાંવની સાથે સાથે દૂર-સુદૂર શહેરથી ને અમુક તો ફોરેનથી આવેલાં બાળકો પણ મોજથી રમી રહ્યાં છે.

બ્લૉક પ્રિન્ટિગની કળા હસ્તગત કરતાં ચાઈલ્ડ ટુરિસ્ટ

આમ તો શિયાળો શરૂ થતાં આવાં દ્રષ્ય કચ્છમાં ઠેર ઠેર જોવા મળે. હાલ નાદુરસ્ત તબિયત ધરાવતા અમિતાભ બચ્ચન કચ્છ પ્રવાસનની જાહેરાતમાં કહે છેને ?કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા… જો કે હવે ઉમેરવું પડે કે કચ્છ સે નહીં સીખા તો કુછ નહીં સીખા… કુછ દિન તો ગુજારિયે કુછ સીખને કે લિયે.

હા, કચ્છ હવે પ્રવાસને પણ શૈક્ષણિક બનાવી દીધો છે.

પ્રવાસનની આ નવી કેડી કંડારવાનું શ્રેય હોય છે. કચ્છમાં વર્ષોથી કાર્યરત સંસ્થા હુન્નરશાળાને. આ પ્રવાસનની નવી રીતનું નામ છે એજ્યુકેશનલ ટુરિઝમ અને આ હુન્નરશાળાને વિકસાવવા અને એને વધુ ને વધુ લોકભોગ્ય બનાવવા માટે પરિશ્રમ કરી રહ્યાં છે. પ્રોજેક્ટનાં કો-ઓર્ડિનેટર નીલમ સોમપુરા. હુન્નરશાળાના માધ્યમથી આકાર પામેલી લર્નિંગ વિથ કમ્યુનિટી આંક કચ્છ એ સ-રસ એજ્યુકેશનલ ટુર બની રહે છે.

દેશના પશ્ચિમ ભાગમાં છેક છેવાડે આવેલા કચ્છ પ્રદેશની ઘણી વિશેષતા છે. નાના રણથી લઈ મોટું રણ, બહારથી આવતાં પક્ષી, અભયારણ્ય, કુદરતી સંપત્તિ, અલગ અલગ ભૌગોલિકપરિસ્થિતિ, બન્ની ગ્રાસ લૅન્ડ… આવાં તો અનેક આકર્ષણ કચ્છને અલૌકિક બનાવે છે.

બીજી બાજુ, મક્તાના મઢ, લખપત, સફેદ રણ, માંડવી બીચ, જેસલ-તોરલની સમાધિ, કાળો ડુંગર, કોટેશ્વર, નારાયણ સરોવર છે. કચ્છનાં જોવાલાયક સ્થળોની યાદી મોટી છે.

  • પણ કચ્છને શૈક્ષણિક રીતે જોવું હોય તો ?

બસ, આ જ છે હુન્નરશાળા. કચ્છને પ્રવાસન સાથે નિકટતાથી પિછાણવા એજ્યુકેશન ટુરિઝમનો આ નવતર કૉન્સેપ્ટ-પરિકલ્પનાને લીધે દેશની ટોચની સ્કૂલો-કૉલેજો હવે અહીં ખેંચાઈ રહી છે.

દર વર્ષે કચ્છમાં ભારતની નહીં. અન્ય દેશોની શાળાઓ પણ અનેક બાળકોને કચ્છના પ્રવાસે લાવે છે. કચ્છ બહાર વસતાં બાળકોને ગામની સંસ્કૃતિ, જીવનધોરણની મોબાઈલ-ઇન્ટરનેટના યુગમાં કલ્પના જ ન હોય એ સ્વાભાવિક છે. બસ, અહીં જ ચિત્રમાં આવે છે કચ્છમાં કાર્યરત હુન્નરશાળા.

‘હુન્નરશાળા’માં બાળકોને લાકડાનું કામ શિખવાડમાં આવે છે

અહીંની એસીટી, ખમીર, સહજીવન જેવી કેટલીક સંસ્થાને આ વિચાર આવ્યો અને આવી વિધવિધ પ્રવૃત્તિ સાથે વર્ષોથી જોડાયેલા સંદીપભાઈ વિરમાણીના માર્ગદર્શન તળે શરૂ થયું કચ્છનું શૈક્ષણિક પ્રવાસન. આ નવીનતમ વિચાર તળે છેલ્લાં આઠ વર્ષથી મુંબઈથી માટુંગાની શિશુવન, સોમૈયા સ્કૂલ, બેંગલુરુથી વૅલી સ્કૂલ, ક્રિયેટિવ, નીવ સ્કૂલ, અમદાવાદની રિવરસાઈટ જેવી અનેક સ્કૂલ પોતાનાં બાળકોને દર વર્ષે કચ્છના શૈક્ષણિક પ્રવાસે લઈ આવે છે.

શું ઉદ્દેશ છે એજ્યુકેશનલ ટુરિઝમનો ?

કચ્છમાં એવી ઘણી સંસ્થા છે જે પોતાના વિષયોમાં નિષ્ણાત છે. કચ્છને શૈક્ષણિક રીતે જોવા માટે અનેક મુદ્દાને ધ્યાનમાં રાખવામાં આવે છે. પાણી, કચ્છની કારીગરી, ભાતીગળ સંસ્કૃતિ, પરંપરાગત બાંધકામ, પશુધન, અગરિયા, માછીમારી, વગેરેને શૈક્ષણિક પ્રવાસમાં વણી લેવામાં આવે છે.

હુન્નરશાળાની વાત કરીએ તો એમાં બાળકો અલગ અલગ ટેકનોલોજી શીખે છે. માટીના બ્લૉક બનાવે, થેચ શીખે, રેમ્ડ અર્થ કરે. આ બધું બાળકોએ માત્ર પુસ્તકમાં વાંચ્યું હોય છે. એમને પ્રત્યક્ષ અનુભવ નથી. એમને જાણીને નવાઈ લાગે છે કે માટીમાંથી પણ મકાન બને છે. આ ઘણી જૂની ટેકનિક છે. માટીના મકાનની ક્ષમતા પણ બીજા મકાન જેટલી જ છે એવી સમજ કેળવે છે. બાળકો પ્રત્યક્ષ પોતાના હાથેથી બધી ટેકનોલોજીમાં કામ કરે છે.

કિશોરો સમજી રહ્યા છે અહીંની વિવિધ પ્રકારની સૉઈલની ખાસિયત

એવી જ રીતે ખમીરમાં કચ્છની પરંપરાગત કળાઓ ધબકે છે. એમાં કામ કરતા વિવિંગ, બ્લોક પ્રિન્ટિંગ, ડાઈ, પોટરી, બેલમેકિંગ વગેરેના કારીગરો સાથે બાળકો દિવસ પસાર કરે છે. જેમાં એમની રહેણીકરણી, કામનો પ્રકાર, પ્રોડક્શન વિશે સમજ કેળવે છે. સહજીવનમાં કચ્છનાં પશુધન વિશે અને બન્નીનાં ભૂંગામાં રહેતા લોકોનાં જનજીવન વિશે બાળકોને જાણવાની ખૂબ મજા આવે છે. બન્નીની ઈકો સિસ્ટમને બાળકો સમજે છે. બન્નીની પરંપરાગત પાણીની સિસ્ટમ (વીરડા) જુએ છે. કોલસા બનાવવાની પ્રક્રિયાને સમજે છે. માલધારીઓ સાથે એમનાં જીવન વિશે સવાલો કરી એક દસ્તાવેજ તૈયાર કરે છે. વીસરાઈ ગયેલી સ્થાનિક રમતો એ બન્નીનાં બાળકો સાથે રમે છે. અહીંથી બાળકો પ્રવાસની ગમ્મત માણતાં માણતાં ગજવે જ્ઞાન ભરીને સાથે લઈ જાય છે.

સેતુ ઝુંબેશના ઈન્ટરઍક્ટમાં બાળકો કચ્છના બીજા છેડે આડેસરમાં આવેલા મીઠાના અગરિયાનાં જીવન વિશે પણ જાણે છે. એમના પ્રશ્નો સમજે છે. સૉલ્ટપાનની મુલાકાત લે છે. સેતુ સંસ્થા દ્વારા એમને મીઠું પકવવાની પ્રોસેસ વિશે પણ જાણકારી આપવામાં આવે છે. ભૂજની ઐરડ કમ્યુનિટી સંસ્થા વર્ષોથી કચ્છના પાણીના મુદ્દે કામ કરી રહી છે. એમની મદદથી બાળકો ભૂજની જૂની પાણીની સિસ્ટમ તેમ જ વરસાદી હાર્વેસ્ટિંગ માટેની જાણકારી મેળવે છે. પરંપરાગત કૂવા, તળાવ પહેલાં કઈ રીતે કામ કરતાં એનાથી માહિતગાર થાય છે. કચ્છના ભદ્રેશ્વર ટ્રેડિશનલ પોર્ટ, મુન્દ્રાનું મૉડર્ન પોર્ટ, સુઝલોન વિન્ડ મિલ્સની પણ બાળકોને મુલાકાત કરાવવામાં આવે છે. માંડવીમાં શિલ્પ મ્યુઝિયમ પણ જુએ છે.

છારીઢંઢમાં બહારથી આવતાં (માઈગ્રેટેડ) પક્ષીઓ વિશે એ કચ્છના પક્ષીવિદો પાસેથી ઘણી જાણકારી મેળવે છે. કચ્છની હડપ્પન સંસ્કૃતિ અને કચ્છનાં અલગ અલગ ફોસિલ્સ (અશ્મિ)ને પણ સમજે છે.

કચ્છના સફેદ રણને તો નરેન્દ્ર મોદીએ વિશ્વભરમાં જાણીતું બનાવી દીધું છે ત્યારે હવે જો કચ્છના પ્રવાસ વખતે બાળકો જ શા માટે, વિશ્વની કોઈપણ ઉંમરની વ્યક્તિ આ બધું પણ જ્ઞાન મેળવે તો સોનામાં સુગંધ ભળે.

વધુ માહિતી માટેઃ ભૂજની હુન્નરશાળા

નંદાબહેન સોમપુરા- 9879510299

અહેવાલ-તસવીરોઃ સુનીલ માંકડ