ઓળખી લો, ગુજરાતની આ વૈશ્વિક ધરોહરોને…

અમદાવાદ: વિશ્વ ધરોહર દિવસ, જે સમગ્ર વિશ્વમાં સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ અને જાળવણીને પ્રોત્સાહન આપે છે. આ દિવસ રિમાઈન્ડર છે, જે લોકોને યાદ અપાવે છે કે સાંસ્કૃતિક વારસો એ માત્ર ભૂતકાળની વસ્તુ નથી પરંતુ એવી મૂલ્યવાન ભેટ છે આજે પણ સુસંગત છે અને ભવિષ્યને આકાર આપવાનું ચાલું રાખશે. દર વર્ષે 18 એપ્રિલના રોજ વિશ્વ ધરોહર દિવસ (World Heritage Day)ઉજવવામાં આવે છે. સાંસ્કૃતિક વારસો, ઐતિહાસિક સ્મારકો અને પુરાતત્વીય સ્થળોનું જતન કરવાના ઉદ્દેશ સાથે આ દિવસ મનાવવામાં આવે છે. વર્લ્ડ હેરિટેજ ડેની ઉજવણી એક ખાસ થીમ સાથે થતી હોય છે. આ વર્ષની થીમ “ડિસ્કવર એન્ડ એક્સપિરિયન્સ ડાયવર્સિટી (Discover and experience diversity)છે. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજની યાદીમાં ભારતના 42 સ્થળોને સ્થાન મળ્યુ છે. સૌપ્રથમ વખત 1983 આગ્રા ફોર્ટ (આગ્રાનો લાલ કિલ્લો)ને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટમાં દરજ્જો મળ્યો હતો. છેલ્લે 2023માં પશ્ચિમ બંગાળના શાંતિનિકેતને આ યાદીમાં સ્થાન મળ્યુ છે. ગુજરાતમાં કુલ ચાર વર્લ્ડ હેરિટેજ સાઈટ છે. જેમાં ચાંપાનેર, અમદાવાદ શહેર, ધોળાવીરા અને રાણકી વાવનો સમાવેશ થાય છે. વર્લ્ડ હેરિટેજ ડે પર આપણે ગુજરાતની આ ચાર વર્લ્ડ હેરિટેજ સાઈટ વિશે જાણીએ…

1. ચાંપાનેર- પાવાગઢ (2004)

(તસવીર સૌજન્ય: યુનેસ્કો વેબસાઈટ/ગુજરાત ટુરિઝમ)

ચાંપાનેર પાવાગઢની તળેટીમાં આવેલું બહુ પ્રાચીન સ્થળ હોવાનુ મનાય છે. 8મી સદીમાં વનરાજ ચાવડા દ્વારા વસાવવામાં આવ્યું હતું. ચાંપાનેર નામ તેમના મિત્ર સેનાપતિ ચાંપા (જે પાછળથી ચાંપારાજ તરીકે ઓળખાયા) પરથી પાડવામાં આવ્યું. ગુજરાતનું પ્રથમ અને ભારતનું 26મુ વર્લ્ડ હેરિટેજ સ્થળ છે. ટોચ પર પાવાગઢનું મંદિર અને તળેટીમાં હાલમાં ત્યજી દેવાયેલી જામા મસ્જિદ છે. વિવિધ યુગો, રાજાઓ અને ધર્મોની હેરિટેજ ઈમારતોનું મિશ્રણ હોવાનું કહેવાય છે. પાંચ મનોહર પ્રવેશદ્વારો સુશોભિત કોતરણીથી ખુબ જ સુંદર અને આકર્ષક લાગે છે. જુમ્મા મસ્જિદને કેન્દ્રમાં રાખીને નગરનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં હિન્દુ, જૈન અને મુસ્લિમોનાં સ્થાપત્ય આવેલાં છે. ચાંપાનેરની કલાવારસાને ધ્યાને રાખી યુનેસ્કો દ્વારા 2004માં વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મળ્યો અને તેને ‘ચાંપાનેર-પાવાગઢ આર્કિયોલોજિકલ પાર્ક’ એવું નામ આપવામાં આવ્યું.

2. રાણકી વાવ/ રાણીની વાવ (2014)

(તસવીર સૌજન્ય: યુનેસ્કો વેબસાઈટ/ગુજરાત ટુરિઝમ)

પાટણમાં આવેલી રાણકી વાવ ભારતની સૌથી સુંદર વાવો પૈકીની એક ઐતિહાસિક વાવ છે. સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમની યાદમાં તેમની પત્ની રાણી ઉદયમતી દ્વારા વાવ બાંધવામાં આવી હતી. 11મી સદીમાં પ્રજા માટે પાણીની વ્યવસ્થાના હેતુ સાથે વાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું. રાણકી વાવ 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે. આ વાવ જયા પ્રકારની વાવ છે. ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા ઇ.સ.1986માં વાવમાં ભરાયેલી માટીને બહાર કાઢવા ઉત્ખનન કાર્યવાહી બાદ વાવ તેના મૂળ સ્વરૂપમાં જોવા મળી હતી. દિવાલો પર વિવિધ ધાર્મિક કલાકૃતિઓ અને શિલ્પની અદ્ભૂત કોતરણીઓ છે. તેમજ વાવમાં દેવીદેવતાઓની સાથે અપ્સરા અને નાગકન્યાઓની મૂર્તિઓ કંડારવામાં આવી છે. અહીંયા એક નાનો દરવાજો છે, જે સિદ્ધપુર જતા 30 કિમી એક બોગદામાં ખુલે છે. આરબીઆઈએ 2018માં બહાર પાડેલી જાંબલી રગંની 100 રૂપિયાની ચલણી નોટમાં પાછળના ભાગ પર રાણકી વાવ દર્શાવવામાં આવી છે.

3. અમદાવાદ શહેર (2017)

(તસવીર સૌજન્ય: પ્રજ્ઞેશ વ્યાસ)

ઈ.સ 1411માં અહમદશાહે શહેરનો પાયો નાખ્યો હતો. તેણે પોતાના નામ પરથી અહમદાબાદ નામ રાખ્યું હતું, જે બાદમાં અમદાવાદ તરીકે ઓળખાયું. અમદાવાદ દેશનું પ્રથમ હેરિટેજ શહેર છે. સાબરમતી નદીના કિનારે વસેલું આ શહેર પહેલા નાની પોળમાં જ સીમીત હતું જે હવે મોટુ મહાનગર બની ગયું છે. અત્યારના અમદાવાદમાં સાંસ્કૃતિક, ધાર્મિક અને આધુનિકતાનો સમન્વય જોવા મળે છે. હેરિટેજ મકાનો, પ્રાચીન ઈમારતો, તળાવ, કુવા, આશ્રમ, કિલ્લો અને ત્રણ દરવાજા તથા ઐતિહાસિક આર્કિટેક્ચરના નમૂના અમદાવાદમાં છે. આ ઉપરાંત પોળમાં હેરિટેજ વોક, રોબોટિક ગેલેરી, સાયન્સ સીટી, માણેક ચોકમાં ગુજરાતી ભોજનની મજા અને ફરવા લાયક સ્થળોનો આનંદ માણવા માટે દેશ વિદેશથી લોકો અહીં આવે છે. એંગ્રેજો માટે ભારતનું માન્ચેસ્ટર ગણવામાં આવતં હતું. 2017માં અમદાવાદને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો પ્રાપ્ત થયો હતો.

4. ધોળાવીરા (2021)

(તસવીર સૌજન્ય: યુનેસ્કો વેબસાઈટ/ગુજરાત ટુરિઝમ)

કચ્છના ભચાઉમાં આવેલું ધોળાવીરા પાંચ હજાર વર્ષ જૂની સંસ્કૃતિ ધરાવતું નગર છે. તે સમયે લગભગ પચાસ હજાર લોકો આ નગરમાં રહેતા હોવાનુ અનુમાન છે. મોહેં-જો-દડો અને હડ્ડપામાં કાચી પાકી ઈંટો દ્વારા બાંધકામ કરવામાં આવેલુંછે. સ્થાનિક લોકો ધોળાવીરાને કોટડો કે કોટડા ટિંબા કહે છે. કોઈ પણ સામાન્ય ગામ જેવું જ લાગતું આ ગામ એક અસામાન્ય ઇતિહાસ ધરબીને બેઠું છે. નગરમાં પાણીની વ્યવસ્થા, રાજમહેલ કે પ્રાંતના મહેલની રચના અને લોકોની જીવનશૈલીને આજે પણ આર્દશ માનવામાં આવે છે. શહેરના અવશેષો 100 હેક્ટરમાં ફેલાયેલા છે. ગુજરાતમાં સિંધુ સંસ્કૃતિનું એક સમૃદ્ધ કેન્દ્ર છે. યુનેસ્કો દ્વારા 2021માં ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજની યાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું.

ઐતિહાસિક વારસો અને સંસ્કૃતિની ઓળખ સમા આ સ્થળોને માણવા અને જાણવાની સાથે જાળવવા એ એક જવાબદારી છે.

(નિરાલી કાલાણી)