કેવાક છે ભાજપ કોંગ્રેસના ચૂંટણી વાયદાઓ?

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી લોકસભા ચૂંટણી 2024 માટે ભારતીય જનતા પાર્ટીનો ઢંઢેરો ‘સંકલ્પ પત્ર’ 14 એપ્રિલે બહાર પાડ્યો હતો. આ પહેલાં કોંગ્રેસે 5 એપ્રિલના રોજ તેનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો હતો. ચાલો અહીં બંને પક્ષોના ચૂંટણી ઢંઢેરાની સરખામણી કરીએ.

1-મોદીની ગેરંટી વિરુદ્ધ કોંગ્રેસના ન્યાય

ભાજપ

‘મોદી કી ગેરંટી’ શીર્ષક હેઠળ, 2024ની ચૂંટણી માટેના ભાજપના ઢંઢેરામાં 14 વચનો છે તે રાષ્ટ્રના વિકાસના ચાર સ્તંભો – મહિલાઓ, યુવાનો, વંચિતો અને ખેડૂતો – અંતર્ગત પક્ષની પ્રતિબદ્ધતા પર કેન્દ્રિત છે.

કોંગ્રેસ

કોંગ્રેસ પાર્ટીના ઢંઢેરા પર રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાની છાપ જોવા મળી. તેનું શીર્ષક જ ‘ન્યાય પત્ર’ છે. તે પાંચ ‘ન્યાયના સ્તંભો’ પર 25 ગેરંટી સાથે કેન્દ્રિત છે.

 

2- યુવા મતદારો

2024ની લોકસભા ચૂંટણીમાં 18-19 વર્ષના લગભગ 1.8 કરોડ નવા મતદારો છે. બંને પક્ષોએ યુવા મતદારોને ધ્યાને રાખીને ખાસ વચનો આપ્યા છે.

ભાજપ

-પેપર લીક સામે કાયદાનો અમલ કરશે.

-સરકારી નોકરીઓમાં ખાલી જગ્યાઓ સમય મર્યાદામાં ભરવાનું ચાલુ રાખશે.

– ભારતને સ્ટાર્ટઅપ્સ માટે પસંદગીનું સ્થળ બનાવીને સફળતાઓનું નિર્માણ કરશે

– ભારતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા અને મહત્વપૂર્ણ ક્ષેત્રમાં રોજગાર વધારવાની દિશામાં કામ કરવાનું ચાલુ રાખશે.

-તમામ મહત્વાકાંક્ષી ઉદ્યોગ સાહસિકોને તેમના સાહસો શરૂ કરવા અને ચાલુ રાખવામાં મદદ કરવા માટે મુદ્રા ધિરાણ કાર્યક્રમોનું વિસ્તરણ કરશે. મુદ્રા લોન મર્યાદા 20 લાખ સુધી બમણી કરવામાં આવશે.

કોંગ્રેસ

-યુવા ન્યાય કાર્યક્રમ દ્વારા બેરોજગારીના મુદ્દાને યુદ્ધના ધોરણે હલ કરવામાં આવશે.

– 25 વર્ષથી ઓછી ઉંમરના દરેક ડિપ્લોમા ધારક અથવા કૉલેજ ગ્રેજ્યુએટને ખાનગી અથવા જાહેર ક્ષેત્રની કંપની સાથે એક વર્ષની એપ્રેન્ટિસશિપ પ્રદાન કરવા માટે નવો એપ્રેન્ટિસશિપનો અધિકાર કાયદો લાવવો.

-કેન્દ્ર સરકારમાં વિવિધ સ્તરે મંજૂર કરાયેલી લગભગ 30 લાખ ખાલી જગ્યાઓ ભરશે.

-કોવિડ-19 રોગચાળાને કારણે 1 એપ્રિલ, 2020 થી જૂન 30, 2021 દરમિયાન લાયક જાહેર પરીક્ષાઓ લખવામાં અસમર્થ એવા અરજદારોને એક વખતની રાહત આપશે.

3- વરિષ્ઠ નાગરિકો

ભાજપ અને કોંગ્રેસ બંનેએ વરિષ્ઠ નાગરિકો માટે ખાસ કરીને આરોગ્યના પાસા પર ધ્યાન આપવાની યોજનાઓ અને વચનો આપ્યા છે.

ભાજપ

-70 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને આવરી લેવા માટે આયુષ્માન ભારત યોજનાનો વિસ્તાર કરશે.

-વરિષ્ઠ નાગરિકો માટે દેશભરમાં પવિત્ર તીર્થયાત્રાઓ ફરવા માટે અનુકૂળ સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારો સાથે કામ કરશે.

કોંગ્રેસ

– વિકલાંગ વ્યક્તિઓના અધિકારો અધિનિયમ, 2016નો કડક અમલ કરવામાં આવશે.

– રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ હેઠળ વરિષ્ઠ નાગરિકો, વિધવાઓ અને વિકલાંગ વ્યક્તિઓ માટેના પેન્શનમાં યોગદાનને વધારીને 1,000 રૂપિયા પ્રતિ માસ કરશે.

-વરિષ્ઠ નાગરિકો માટે જાહેર પરિવહન (રેલ અને માર્ગ)માં મુસાફરી રાહતો પુનઃસ્થાપિત કરશે.

4- ખેડૂતો

ભૂતકાળના ઢંઢેરાની જેમ, બંને રાજકીય પક્ષોએ ખેડૂતોને વચનો આપ્યા છે.

ભાજપ

– ઝડપી અને વધુ સચોટ આકારણી, ઝડપી ચૂકવણી અને ઝડપી ફરિયાદ નિરાકરણની ખાતરી કરવા માટે વધુ તકનીકી હસ્તક્ષેપો દ્વારા પીએમ ફસલ બીમા યોજનાને વધુ મજબૂત બનાવશે.

-સમય-સમય પર એમ.એસ.પી. વધારવાનું ચાલુ રાખશે.

કોંગ્રેસ

-સ્વામિનાથન કમિશનની ભલામણ મુજબ સરકાર દ્વારા દર વર્ષે જાહેર કરવામાં આવતી ન્યૂનતમ ટેકાના ભાવ (MSP)ની કાનૂની ગેરંટી આપશે.

-કૃષિ નાણા પર કાયમી કમિશનની નિમણૂક કરશે. જે સમયાંતરે કૃષિ ધિરાણની હદ અને લોન ભરપાઈ કરવાની જરૂરિયાત અંગે રિપોર્ટ કરશે.

5- મહિલા મતદારો

2024માં 96.8 કરોડ જેટલા ભારતીયો મતદાન કરવા માટે લાયક છે. તેમાંથી 49.7 કરોડ પુરૂષો, 47.1 કરોડ મહિલાઓ અને 48,000 ટ્રાન્સજેન્ડર છે. દરેક પક્ષનું ભવિષ્ય નક્કી કરવામાં મહિલા મતદારો ચાવીરૂપ છે.

ભાજપ

-3 કરોડ ગ્રામીણ મહિલાઓને ‘લખપતિ દીદી’ બનવા માટે સશક્ત બનાવશે.

-એનિમિયા, સ્તન કેન્સર, સર્વાઇકલ કેન્સર અને ઑસ્ટિયોપોરોસિસની રોકથામ અને નાબૂદ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરતી હાલની આરોગ્ય સેવાઓનો વિસ્તાર કરશે.

– સ્ત્રીઓ માટે સ્વસ્થ જીવન સુનિશ્ચિત કરશે. સર્વાઇકલ કેન્સરને દૂર કરવા પર કેન્દ્રિત પહેલ શરૂ કરીશું

-સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવા માટે મહિલા અનામત બિલને વ્યવસ્થિત રીતે લાગુ કરીશું.

કોંગ્રેસ

-દરેક ગરીબ ભારતીય પરિવારને દર વર્ષે 1 લાખ રૂપિયા આપવા માટે મહાલક્ષ્મી યોજના શરૂ કરવાનો સંકલ્પ.

-2025થી શરૂ થતી કેન્દ્ર સરકારની નોકરીઓમાં 50 ટકા મહિલાઓ માટે અનામત રાખશે.

-દરેક જિલ્લામાં ઓછામાં ઓછી એક સાવિત્રીબાઈ ફૂલે છાત્રાલય સાથે દેશમાં કાર્યરત મહિલા છાત્રાલયોની સંખ્યા બમણી કરશે.

6- આરોગ્ય

કોવિડ-19 રોગચાળા પછી આરોગ્ય વધુ નોંધપાત્ર મુદ્દો બની ગયો છે. ભાજપે, તેના ઢંઢેરામાં, તેણે કટોકટીનો સામનો કેવી રીતે કર્યો છે તેને હાઇલાઇટ કરે છે. જ્યારે કોંગ્રેસે તેના રાજસ્થાન સરકારના મોડેલની તર્જ પર વીમાનું વચન આપ્યું છે.

ભાજપ

-દેશભરમાં ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળ પૂરી પાડવા માટે AIIMSના નેટવર્કને મજબૂત બનાવશું.

-મજબૂત હેલ્થકેર માટે PM-ABHIM નો વિસ્તાર કરીશું.

-દેશભરના નાગરિકોને ઉચ્ચ ગુણવત્તાની ઓછી કિંમતની દવાઓ પૂરી પાડવા માટે જન ઔષધિ કેન્દ્રના નેટવર્કનું વિસ્તરણ કરશે.

કોંગ્રેસ

-યુનિવર્સલ હેલ્થકેર માટે 25 લાખ રૂપિયા સુધીના કેશલેસ વીમાનું રાજસ્થાન મોડલ અપનાવવામાં આવશે.

-હોસ્પિટલો, ક્લિનિક્સ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, મોબાઈલ હેલ્થકેર યુનિટ્સ, દવાખાનાઓ અને આરોગ્ય શિબિરો જેવા જાહેર આરોગ્ય કેન્દ્રોમાં આરોગ્ય સંભાળ સાર્વત્રિક અને મફત હશે. મફત આરોગ્ય સંભાળમાં ટેસ્ટ, નિદાન, સારવાર, શસ્ત્રક્રિયા, દવાઓ અને પુનર્વસનનો સમાવેશ થશે.

-2028-29 સુધીમાં કુલ ખર્ચના 4 ટકા હાંસલ કરવા માટે આરોગ્ય માટે બજેટની ફાળવણી દર વર્ષે તબક્કાવાર વધારવામાં આવશે.

7-ભારતીય અર્થતંત્ર

ભાજપ ભારતને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાનું વચન આપે છે અને કોંગ્રેસ આગામી દસ વર્ષમાં દેશની જીડીપી બમણી કરવાનું વચન આપે છે.

ભાજપ

-ખાતરી આપે છે કે દેશને ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનાવશે.

-ફુગાવાનો દર નીચો રાખશે અને ભારતના આર્થિક સામર્થ્ય માટે પ્રતિબદ્ધ રહેશે.

-નાગરિકો માટે રોજગાર, સ્વ-રોજગાર અને આજીવિકાની તકો વધારવા માટે પ્રયત્નશીલ રહેશે.

-દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવનાર કરદાતાઓને સન્માનિત કરશે.

કોંગ્રેસ

-આગામી 10 વર્ષમાં જી.ડી.પી. બમણી કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

-અસંગઠિત કામદારોના અધિકારોને સ્પષ્ટ કરવા અને તેનું રક્ષણ કરવા તેમજ સામાજિક સુરક્ષા વધારવા માટે કાયદો બનાવશે.

-રોજગાર અને વેતન તેમજ રોકાણ અને નફા તરફી કર નીતિઓને પુનઃસ્થાપિત કરશે.

8-શિક્ષણ

બંન્ને રાષ્ટ્રીય પક્ષોએ શિક્ષણના ક્ષેત્રમાં ધ્યાન કેન્દ્રિત કરવાના વચન આપ્યા છે.

ભાજપ

-ભંડોળ, ક્ષમતા નિર્માણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન અને સંશોધન અનુદાન દ્વારા હાલની સંસ્થાઓને અપગ્રેડ કરવાનું ચાલુ રાખશે.

-રાષ્ટ્રીય શિક્ષણ નીતિ દ્વારા શાળા સ્તરે ફરજિયાત ગતિશીલ અભ્યાસક્રમ અપનાવીને અને ઉચ્ચ શિક્ષણમાં ઉભરતી તકનીકોમાં ઉદ્યોગ-સંબંધિત અભ્યાસક્રમ અને કૌશલ્ય વિકાસનો સમાવેશ કરીને યુવા ભવિષ્યને તૈયાર કરશે.

કોંગ્રેસ

-સાર્વજનિક શાળાઓમાં ધોરણ 1 થી ધોરણ 12 સુધીનું શિક્ષણ ફરજિયાત અને મફત બનાવવા માટે શિક્ષણ અધિકાર કાયદામાં સુધારો કરશે.

-રાજ્ય સરકારો સાથે પરામર્શ કરીને નેશનલ એજ્યુકેશન પોલીસીની પુનઃવિચારણા કરશે અને તેમાં સુધારો કરશે.

-વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવા માટે શાળા અને કોલેજના અભ્યાસક્રમોમાં STEM વિષયોના અભ્યાસ પર ભાર મૂકવામાં આવશે.

9- રાષ્ટ્રીય સુરક્ષા

દરેક પક્ષ માટે રાષ્ટ્રીય સુરક્ષા પણ એક મોટો ચૂંટણી મુદ્દો છે.

ભાજપ

-ભારત-ચીન, ભારત-પાકિસ્તાન અને ભારત-મ્યાનમાર સરહદો પર મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને વેગ આપશે.

-ડાબેરી ઉગ્રવાદથી પ્રભાવિત વિસ્તારોમાં રહેતા લોકો સુધી વિકાસ અને કલ્યાણકારી યોજનાઓ પહોંચે તેની ખાતરી કરશે.

-આર્મ્ડ ફોર્સીસ અને સેન્ટ્રલ સશસ્ત્ર પોલીસ દળોને અત્યાધુનિક શસ્ત્રો, સાધનસામગ્રી અને ટેક્નોલોજીથી વધુ સજ્જ કરશે. જેથી કોઈપણ વર્તમાન અને નવા જોખમોનો ઝડપી નિકાલ કરવામાં મદદ મળી શકે.

કોંગ્રેસ

-અગ્નિપથ યોજનાને રદ કરશે.

– એક વ્યાપક રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચના બહાર પાડશે.

-પારદર્શિતા અને સૈન્ય સર્વસંમતિ સુનિશ્ચિત કરવા માટે સી.ડી.એસ.ની નિમણૂકની પ્રક્રિયાને સંસ્થાકીય બનાવશે.

-વન રેન્ક વન પેન્શન (OROP)નો અમલ 26 ફેબ્રુઆરી 2014ના યુપીએ સરકારના આદેશ અનુસાર કરવામાં આવશે.

10- પર્યાવરણની જાળવણી

હવે પર્યાવરણના મુદ્દાઓ પણ રાજકીય ઢંઢેરામાં જોવા મળી રહ્યા છે.

ભાજપ

-નેશનલ ક્લીન એર પ્રોગ્રામ (NCAP) રાષ્ટ્રના તમામ પ્રદેશોમાં ખાસ કરીને 2029 સુધીમાં 60 શહેરોમાં લાગુ કરવામાં આવશે.

-તમામ મુખ્ય નદીઓના સ્થિતિ અને સ્વચ્છતા સુધારવા માટે તબક્કાવાર પ્રક્રિયા હાથ ધરશે.

કોંગ્રેસ

-વાયુ પ્રદૂષણની સમસ્યાનો તાકીદે સામનો કરવા માટે NCAPને મજબૂત બનાવશે.

– પર્યાવરણીય ધોરણો સ્થાપિત કરવા, દેખરેખ રાખવા અને લાગુ કરવા અને રાષ્ટ્રીય અને રાજ્ય આબોહવા પરિવર્તન માટે સ્વતંત્ર પર્યાવરણ સંરક્ષણ અને આબોહવા પરિવર્તન સત્તામંડળની રચના કરશે.

(રાધિકા રાઓલ – અમદાવાદ)