દીપિકા પદુકોણ અને રણવીર સિંહને પરણી ગયાને 15 દિવસ થઈ ગયા. સોશિયલ મિડિયામાં એમનાં લગ્ન તેમજ રિસેપ્શનના પુષ્કળ ફોટા ફરી રહ્યાં છે. એમનાં ચાહકો-પ્રશંસકો ઉત્સાહથી શેર કરી રહ્યાં છે. આ ઉપરાંત એક એવો વિડિયો પણ છે જે ખૂબ દિલચસ્પીથી જોવાઈ રહ્યો છે. અને એ છે દીપ-વીર જોડીએ મુંબઈમાં યોજેલાં એમનાં વેડિંગ રિસેપ્શનમાં દીપિકાએ પહેરેલી સાડીની બનાવટનો!
જાણીતા ફેશન ડિઝાઈનર અબુ જાની તેમજ સંદીપ ખોસલાની જોડીએ મુંબઈ રિસેપ્શન માટે દીપિકાની સાડી તૈયાર કરી હતી. આ સાડી તૈયાર કરવામાં એની ઝીણવટભરી ડિઝાઈન હાથેથી કરવામાં આવી હતી.
દિપિકાએ પોતાનાં લગ્નના પોશાકોમાં પારંપારિક પદ્ધતિ તેમજ રંગો જાળવી રાખ્યા. પણ એના લગ્નના બીજા રિસેપ્શન માટે એણે ટ્રેન્ડ બદલ્યો હતો અને વ્હાઈટ કલરને પ્રાધાન્ય આપીને એણે ગોલ્ડન તથા વ્હાઈટ કલરની થીમ રાખી હતી. આ નવદંપતીનાં પોષાકના રજવાડી દેખાવની ચોમેર ચર્ચા ચાલી રહી છે.
ફેશન ડિઝાઈનરની આ જોડી દીપિકાનાં વખાણ કરતા થાકતી નથી. એમણે કહ્યું, ‘અત્યાર સુધી દીપિકાએ અમે ડિઝાઈન કરેલા વસ્ત્રો પહેર્યાં છે. એણે જયારે અમને એનાં રિસેપ્શન માટે શિફોન ચિકનકારી એમ્બ્રોઈડરીની સાડી ડિઝાઈન કરવા કહ્યું ત્યારે અમને ઘણો ઉત્સાહ થયો હતો. કારણ કે, ચિકનકારી એમ્બ્રોઈડરી અમારી પહેલી પસંદ હતી. દીપિકાની પસંદ પણ એના સૌંદર્ય જેવી જ અદ્દભુત છે. અભિનયમાં એ સર્વોત્તમપણાને જેટલું મહત્ત્વ આપે છે એટલું જ મહત્ત્વ એણે તેનાં લગ્ન-રિસેપ્શન વખતનાં પોશાકોમાં પણ રાખ્યું હતું. એના તાલમેલે આખા પ્રસંગને દીપાવ્યો હતો.’
‘અમને આ સાડી તૈયાર કરતાં ઘણો રોમાંચ થયો હતો. એમાં લખનઉથી આવેલી મહિલા આર્ટિસ્ટોએ હાથેથી એમ્બ્રોઈડરી કરી હતી. તથા હાથીદાંત અને સ્વારોસ્કી ક્રિસ્ટલનું વર્ક તેમજ સોનેરી ઝરદોસીનું કોમ્બિનેશન કરવામાં આવ્યું હતું. જેને લીધે સાડીમાં ઘણો ઉઠાવ આવ્યો હતો. સાડી તૈયાર કરતાં અંદાજે 16,000 કલાક લાગ્યાં હતા. એમાં મેચિંગ જ્વેલરી પણ જાતે જ ડિઝાઈન કરવામાં આવી હતી.’
અબુ જાની-સંદીપ ખોસલાએ માત્ર દીપિકાનો જ નહીં, પણ સમગ્ર પદુકોણ પરિવારનાં સભ્યોનાં ડ્રેસ પણ તૈયાર કર્યા હતા. માતા ઉજાલા પદુકોણ અને પ્રકાશ પદુકોણ ચિકનકારીમાં સજ્જ થયાં હતાં તો નાની બહેન અનિશા રેશમમાં શોભતી હતી.
દીપિકાની સાડીની બનાવટનો વિડિયો ફેશન ડિઝાઈનર અબુ જાની અને સંદીપ ખોસલાએ જાહેર કર્યો છે. આ છે, એ વિડિયો…
httpss://www.instagram.com/p/Bqw8Ez8DdgQ/