જસદણ ચૂંટણી જંગમાં કોંગ્રેસને હાથના કર્યાં હૈંયે વાગશે: ભરત પંડયા, જૂઓ વિડિયો

ગાંધીનગર- જસદણની પેટા ચૂંટણીને લઈને ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ચૂંટણીને લઈને આજે ભાજપ તરફથી કુંવરજી બાવળીયા ઉમેદવારી ફોર્મ ભર્યુ છે. જ્યારે કોંગ્રેસ આ મામલે હજુ સુધી મૌન સેવી રહ્યું છે. આ મામલે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રવકતા ભરત પંડયાએ એક નિવેદન આપ્યું જેમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ હતાશા, નિરાશામાં છે તેમજ જસદણમાં તે હાર ભાળી ચુકી છે. કોંગ્રેસ હજુ સુધી ઉમેદવાર જાહેર કરી શકી નથી. કોંગ્રેસની અંદરોઅંદરની તીવ્ર જૂથબંધીનો આ પુરાવો છે.

પંડયાએ વધુમાં જણાવ્યું હતું કે, ભરતસિંહ સોલંકીનું નિવેદન છે કે, “ચુંટણી  વ્યુહરચનાને કારણે તમામ ઉમેદવારોને તૈયાર રહેવાનું કહ્યું છે” એ જ બતાવે છે કે કોંગ્રેસનું નેતૃત્વ છેલ્લી ઘડી સુધી પોતાના ઉમેદવારો સાથે રમત કરે છે તેને કોઈ ઉમેદવારો કે જ્ઞાતિ ઉપર ભરોસો નથી. જે કોંગ્રેસ પોતાના ઉમેદવારો સાથે રમત રમતી હોય તે જનતા સાથે કેટલી હદે રમત રમી શકે છે. આ કોંગ્રેસની માનસિકતા છે. કોંગ્રેસે જાતિવાદ અને વેરઝેર ફેલાવવાનો જે પ્રયાસ કર્યો છે. તે બુમરેંગ સાબિત થશે. “કોંગ્રેસને હાથના કર્યાં હૈયે વાગશે”.

જસદણમાં ભાજપ ભવ્ય બહુમતીથી વિજયી બનશે. તેવો જનતા પર અમને સંપૂર્ણ વિશ્વાસ છે. તેમ પંડયાએ વધુમાં જણાવ્યું હતું.