મળો અમેરિકામાં મોડેલિંગ કરતાં આ ગુજ્જુ બોયને!

અમેરિકા અને ગુજરાતીઓનો સંબંધ એટલે જાણે ફાફડા-જલેબી જેવી અતૂટ જોડી. ગુજરાતમાંથી દાયકાઓ પહેલા ‘અમેરિકન ડ્રીમ’ સાકર કરવા ગયેલા હજારો પરિવારો તેમની ત્રણ-ચાર પેઢીથી અમેરિકા ખૂબ સફળ જીવન જીવી રહ્યા છે. બિઝનેસમાં તો આપણો દબદબો હતો જ, હવે મોડેલિંગ ક્ષેત્રે પણ એક ગુજરાતીએ કાઠું કાઢ્યું છે! હા, આ વાત છે USAમાં સફળ મોડેલિંગ કારકિર્દી ધરાવતા એક ગુજરાતી ટાબરિયાની.

મૂળ આણંદ જિલ્લાના જેસરવા ગામનાં જસ્મિના પટેલ અને નવસારી જિલ્લાના ચીખલી નજીકના સાદકપુર ગામના ભાવેશ પટેલનો લૉસ એંજલિસમાં જન્મેલો અને ઉછરેલો દીકરો કિશન પટેલ હજુ તેર વર્ષની કાચી વયમાં ગત 3-4 વર્ષથી અમેરિકામાં મોડેલિંગના અનેક પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યો છે. અત્યાર સુધીમાં કિશને અત્યંત નામાંકિત કંપની એપલ, ટારગેટ, ટોયેટા, કેલિફોર્નિયા ટુરિઝમ વગેરેની જાહેરાતમાં મોડેલ તરીકે કામ કર્યું છે. અહીં મહત્વનું છે કે આ કામ તેને યોગાનુયોગ મળી ગયું હોય તેવું નથી. કિશને પોતાના રોજિંદા ભણતરની સાથોસાથ એક્ટિંગનો પણ અભ્યાસ કર્યો છે.

કિશન પટેલ હજુ નર્સરીમાં ભણતો હતો ત્યારથી તેની આસપાસના લોકો તેની ચપળતા અને આવડતને પારખીને તેને એક્ટિંગ સ્કૂલમાં મૂકવાનું સૂચન કરતાં હતા. USAમાં યોજાતી વિવિધ શૈક્ષણિક સ્પર્ધાઓમાં ભારતીય બાળકો સતત ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતાં આવ્યા છે પરંતુ બાળકોની વાત નીકળે ત્યારે એક બહુ અસમાન્ય કહી શકાય તેવો અભ્યાસ છે મોડેલિંગનો.

એક દિવસ પટેલ પરિવાર ડાઈનિંગ ટેબલ પર ભોજન લઈ રહ્યો હતો ત્યારે કિશનના ફઈ મેઘના ભાઈચંદે તેમને બાર્બીઝોન મોડેલિંગ એન્ડ એક્ટિંગ સ્કૂલ વિશે વાત કરી, તેમની 15 વર્ષની દીકરી દિયા ભાઈચંદ આ સંસ્થામાં ભણતી હતી. લગભગ 80 વર્ષ જૂની આ સંસ્થા એક્ટિંગ સ્કૂલ્સમાં ઘણું મોટું નામ ધરાવે છે. કિશનને એક્ટિંગ શીખવાની વાતમાં રસ પડ્યો એટલે માતા-પિતાએ તેની ઈચ્છા વધાવી અને આઠ વર્ષની ઉંમરે કિશન પટેલે આ એક્ટિંગ સ્કૂલમાં એડમિશન લીધું.

બે વર્ષ બાદ જ્યારે આ એક્ટિંગનો કોર્સ પૂરો થયો ત્યારે ત્યાં તાલીમ લીધેલા કલાકારોની પસંદગી કરવા દસેક જેટલી એજન્સી આવી હતી જે પૈકી પાંચ એજન્સીએ કિશન સાથે કામ કરવામાં રુચિ દર્શાવી. 200 વિદ્યાર્થીઓમાં સૌને જ્યારે માંડ એકાદ બે એજન્સી તરફથી ઓફર મળતી હોય ત્યારે એક જ વિદ્યાર્થીને પાંચ ઓફર મળવી એ સિદ્ધિથી ઓછું ન આંકી શકાય. ત્યાર પછી કિશને કુલ આઠથી દસ જેટલા પ્રોજેક્ટ્સ પર કામ કર્યું છે જેમાં સૌથી વધુ બેલા એજન્સી નામની એક ખ્યાતનામ એજન્સી સાથે હોય છે. વિવિધ જાહેરાતોની સાથે તે Slow Clap by Gwen Stefani નામના ડાન્સ વિડીયોમાં પણ ચમક્યો છે.

ઉલ્લેખનીય છે કે મોડેલિંગ દુનિયામાં પગ મૂકતાંની સાથે જ કિશન તેના શાળાકીય અભ્યાસને ભૂલી ગયો હોય તેવું સહેજ પણ નથી. શૂટિંગના દિવસોમાં એજન્સી તરફથી જ કિશન માટે કોઈ ટીચરની વ્યવસ્થા કરવામાં આવે છે જે દિવસના ત્રણ કલાક તેને અચૂક ભણાવે છે જેથી શાળામાં ચાલતા અભ્યાસક્રમમાં તે પાછળ ન રહી જાય. શક્ય હોય ત્યાં સુધી કોઈ પણ જગ્યાએ ઓડિશન આપવા પણ શાળાનો સમય પૂરો થયા પછી જ જાય છે.

કિશન બાળ વયે ઘણી જ સક્રિય દિનચર્યા ધરાવે છે એટલે ક્યારેક હોમવર્ક પૂરું કરવામાં થાક લાગે કે કંટાળો આવે તેવું બને છે પણ માતા-પિતાની વાત સમજીને તેણે અભ્યાસમાં સહેજ પણ પાછીપાની નથી કરી અને હંમેશા A ગ્રેડ સાથે પરીક્ષાઓ પાસ કરી છે.

કિશન પટેલ અમેરિકન નાગરિક છે પણ પરિવારમાં તેને સતત ભારતીય વાતાવરણ પૂરું પાડવામાં આવ્યું છે. એ કડકડાટ ગુજરાતી બોલે છે અને મોજથી દેશી વાનગીઓ આરોગે છે. કિશનના માતા ગૃહિણી છે અને પિતા કેલિફોર્નિયા ખાતે Julio’s Pizza Restaurant, Bar and Banquet નામની રેસ્ટોરાં ચલાવે છે. એના નાના ચીમનભાઈ પટેલ તરફથી પણ એને સતત પ્રોત્સાહન મળતું રહે છે.

ભવિષ્યના આયોજન માટે આમ તો હજુ કિશન સાવ નાદાન કહી શકાય પણ તેમ છતાંય પોતાની બે મહત્વાકાંક્ષા પૂરી કરવા કિશન બહુ જ ઉત્સાહી અને આશાવાદી છે. એક તો તેને એક લોકપ્રિય એક્ટર બનવું છે અને બીજું, પોતાના પિતાનો રેસ્ટોરાં બિઝનેસ સંભાળવો છે.

(જેલમ વ્હોરા)