લોન ભરપાઈ ન કરવાનો ગુનોઃ અભિનેતા રાજપાલ યાદવને 3 મહિનાની સિવિલ જેલ

નવી દિલ્હી – રૂ. પાંચ કરોડની રકમની એક લોન ન ચૂકવવા બદલ દિલ્હી હાઈકોર્ટે બોલીવૂડ અભિનેતા રાજપાલ યાદવને ત્રણ મહિનાની સિવિલ જેલની સજા ફટકારી છે.

રાજપાલ યાદવે એક ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું, ‘અતા પતા લાપતા’. એ ફિલ્મ માટે એણે અને એની પત્ની રાધા યાદવે 2010માં લોન લીધી હતી.

દિલ્હી હાઈકોર્ટે ફેંસલો સંભળાવ્યા બાદ તરત જ દિલ્હી પોલીસે રાજપાલને કસ્ટડીમાં લીધો હતો.

‘અતા પતા લાપતા’ ફિલ્મ 2012માં રિલીઝ થઈ હતી. એ રાજકીય કટાક્ષના વિષયવાળી હતી.

દિગ્દર્શક તરીકે રાજપાલની એ પહેલી જ ફિલ્મ હતી. એમાં રાજપાલે મુખ્ય ભૂમિકા ભજવી હતી. એની પત્ની રાધા યાદવે ફિલ્મનું નિર્માણ કર્યું હતું.

ફિલ્મમાં પીઢ ચરિત્ર અભિનેતા અસરાની, ઓમ પુરી, આશુતોષ રાણા, મનોજ જોશી, ગોવિંદ નામદેવ, દારા સિંહ, વિક્રમ ગોખલે, વિજય રાઝ, સત્યદેવ દુબે જેવા એક્ટરોએ પણ ભૂમિકા ભજવી છે.

ફિલ્મ બોક્સ ઓફિસ પર પીટાઈ ગઈ હતી અને એના રીવ્યૂ પણ બહુ ખરાબ આવ્યા હતા.

ફિલ્મ 2012ની બીજી નવેંબરે રિલીઝ થઈ હતી.

રાજપાલ યાદવની નવી ફિલ્મ આવી રહી છે ‘ટોટલ ધમાલ’. આ કોમેડી ફિલ્મ આવતા વર્ષના આરંભમાં રિલીઝ થવાની છે.