અમેરિકાની દાદાગીરીઃ વિશ્વનું અર્થતંત્ર ડામાડોળ

મેરિકાની દાદાગીરી વધતી જઈ રહી છે. જેનાથી વિશ્વના દેશોનું અર્થતંત્ર ડામાડોળ થવા જઈ રહ્યું છે. અમેરિકાએ ઈરાન પર પ્રતિબંધ લાદીને ભારત સહિત અન્ય દેશોને તેલ આયાત નહીં કરવા કહી દીધું છે, અને ચીનથી આયાત થતી ચીજવસ્તુઓ પર વધુ આયાત ડયૂટી નાંખી દીધી છે. એક તરફ અમેરિકા અને ચીન વચ્ચે બેઠક થવાની હતી, તેના 24 કલાક પહેલાં ટ્રમ્પે ટ્વીટ કરીને ડયૂટી નાંખવાની વાત કરી હતી, ચીને પણ જવાબી પગલાં ભરવા કહી દીધું છે. તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. વિશ્વના બજારોમાં મંદી ભરડો લઈ રહી હોય તેમ વિદેશી રોકાણકારોએ પેનિક કર્યું છે. છેલ્લા 10 દિવસથી વિશ્વના સ્ટોક માર્કેટમાં કડાકો બોલી ગયો છે, લાખો કરોડો રૂપિયાનું મૂડીધોવાણ થયું છે.

અમેરિકાએ ઈરાન પાસેથી ભારતને તેલ ખરીદવાની છૂટ ન આપી, જેને પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ 70 ડૉલરની સપાટી કૂદાવી ગયો હતો, જે સાત મહિનાની નવી ઊંચી સપાટી પહોંચી ગયો હતો. હાલ ભારતમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે, જેથી પેટ્રોલડીઝલના ભાવમાં વધારો હાલ થશે નહીં. પણ 19 મેએ છેલ્લાં તબક્કાનું મતદાન છે, જે પછી ભારતમાં પેટ્રોલડીઝલના ભાવમાં નોંધપાત્ર વધારો ઝીંકાશે, તેમાં કોઈ બે મત નથી. પેટ્રોલડીઝલના ભાવમાં વધારા પછી ફૂગાવાનો દર વધશે, અને તેને કારણે આરબીઆઈ ધીરાણ નીતિને વધુ કડક કરશે, વ્યાજ દરમાં ઘટાડો નહીં કરી શકે. આમ અર્થતંત્રનું ચક્ર અટકી જશે. જીડીપી ગ્રોથ પણ વધતો અટકી જશે.

તાજેતરમાં જ નાણાં મંત્રાલયે સ્વીકાર્યું છે કે અર્થતંત્રમાં નરમાઈ આવી છે. પણ કેન્દ્રમાં નવી સરકાર રચાય પછી જીડીપી ગ્રોથમાં તેજી આવશે, એવો આશાવાદ રજૂ કર્યો છે. પણ પેટ્રોલડીઝલના ભાવમાં વધારો ઝીંકાશે તો પછી જીડીપી ગ્રોથ કેવી રીતે વધીને આવશે. ફૂગાવાનો દર હાલ અંકુશમાં છે, પણ લોકસભાની ચૂંટણીને કારણે હાલ મોંઘવારી વધી છે, સૌ કોઈને તેનો હાલ અનુભવ થઈ રહ્યો છે. ટામેટાના ભાવ, બટાટાના ભાવ, કઠોળના ભાવ, અનાજ અને ખાદ્ય તેલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

9 અને 10 મેના રોજ અમેરિકા અને ચીનના પ્રતિનિધિઓની બેઠક યોજાવાની હતી. જેમાં બંને દેશો વચ્ચેના ટ્રેડવૉરને હળવો કરવા માટે બંને દેશોના વેપારી સંબધોને મજબૂત કરવા અંગે ચર્ચા થવાની હતી. તેના 24 કલાક પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને વિવાદ સર્જી દીધો હતો. ટ્રમ્પે ચીનના 200 અબજ ડૉલરના ઉત્પાદિત વસ્તુઓ પર આયાત ડયૂટી 10 ટકાથી વધારીને 25 ટકા કરવાની ધમકી આપી દીધી હતી. જે પછી બંને દેશના પ્રતિનિધિઓ નિરાશ થયાં હતાં ચીને જવાબી કાર્યવાહીરૂપે પગલાં ભરવા પણ કહી દીધું છે. અમેરિકા ચીન વચ્ચેની બેઠક પર સમગ્ર વિશ્વની નજર છે. જો કે શુક્રવારે ટ્રમ્પે સત્તાવાર રીતે ચીનની ઉત્પાદન કરતી 200 અબજ ડૉલરની મૂલ્યની વસ્તુઓ પર આયાત ડ્યૂટી 10 ટકાથી વધારીને 25 ટકા કરી નાંખી છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક ટ્વીટ કર્યું ને વૈશ્વિક બજારોના 1.36 લાખ કરોડ ડૉલરનું ધોવાણ થયું હતું. ટ્રમ્પે ટ્વીટ કરીને ચીનને ધમકી આપી હતી, તેઓ આયાત ડયૂટી લાદશે, જેનાથી વૈશ્વિક સ્ટોક માર્કેટમાં કડાકો બોલી ગયો હતો. અને વિશ્વના બજારોના મૂડીનું 1.36 લાખ કરોડ ડૉલરનું ધોવાણ થયું હતું. જેનો ફટકો ભારતીય શેરબજારને પણ પડ્યો હતો. ભારતીય શેરબજારમાં એફઆઈઆઈ નેટ સેલર છે. અને સતત સાત દિવસમાં સેન્સેક્સમાં 1300 પોઈન્ટથી વધુનો કડાકો બોલી ગયો છે. ભારતીય શેરબજારમાં ભારે પેનિક છે, તેજીવાળા ખેલાડીઓએ પોતાના લેણના પોટલાં છોડ્યાં હતાં. અને શેરોના ભાવ તૂટી ગયાં હતાં. એક તરફ લોકસભાની ચૂંટણી ચાલી રહી છે, અને બીજી તરફ ટ્રેડવૉરથી ભારે ગભરાટ ફેલાયો છે.

ટ્રમ્પે ટ્વીટ કરીને લખ્યું હતું કે પાછલા 10 મહિનાથી ચીન 50 અબજ ડૉલરની હાઈટેક વસ્તુઓ પર 25 ટકા અને 200 અબજ ડૉલરની મૂલ્યની અન્ય વસ્તુઓ પર 10 ટકા ટેરિફ અમેરિકાને આપે છે. આ ચૂકવણી અમારા માટે આર્થિક પરિણામો માટે જવાબદાર છે. આ 10 ટકા ડ્યૂટી હવે શુક્રવારે વધારીને 25 ટકા કરાશે. ચીનને મોકલાતી 325 અબજ ડૉલરની વધારાની વસ્તુઓ પર કોઈ ટેક્સ લાગતો નથી, પણ હવે તેના પર 25 ટકા ટેક્સ લગાવાશે. ચીનની સાથે હાલ ચર્ચા ચાલુ છે, પણ તે ખૂબ ધીમી ગતિએ ચાલી રહી છે.

અમેરિકા ચીન વચ્ચે બેઠકનો દોર શરૂ થાય તે પહેલાં જ ટ્રમ્પે ટ્વીટ કરીને ચીનને ધમકી આપી દીધી. તો ચીન પણ ગાંજ્યું જાય તેમ નથી. પણ આની ગંભીર વિપરીત અસર એકલા અમેરિકા કે ચીન પર પડે તેમ નથી. ટ્રેડવૉરની ગંભીર અસરો અને તે પણ લાંબાગાળા સુધી વિશ્વના બજારો પર જોવા મળશે. ચીન અને અમેરિકા એ બંને દેશોને તો નુકશાન છે જ. પણ તેની પાછળ અન્ય એશિયાઈ દેશોને પણ વગર વાંકે ડામ દેવા જેવો ઘાટ થશે.બીજી તરફ ઈરાને અમેરિકાને ચેતવણી આપી દીધી છે કે 60 દિવસમાં પ્રતિબંધ નહીં હટે તો ઈરાન ન્યૂક્લિયર બોમ્બની તૈયારીઓ કરશે. ટૂંકમાં અમેરિકાની દાદાગીરીથી વિશ્વના દેશોમાં ગભરાટ છે, ટ્રમ્પની આ કેવી પૉલીસી. વિશ્વની મહાસત્તા હોય તો તેણે તમામ દેશોને સાથે લઈને ચાલવાનું હોય. તમામની પ્રગતિ થાય તેવા નિર્ણયો લેવાના હોય, તેના સ્થાને ‘અમેરિકા ફર્સ્ટ’ની નીતિ ભારત સહિત વિશ્વના અન્ય દેશોની ઈકોનોમીને ડામાડોળ કરશે.