રીલાયન્સને ગમી ગયાં બ્રિટનની 250 વર્ષ જૂની હેમ્લીઝના રમકડાં, વિશ્વબજારમાં ઝૂકાવ્યું

મુંબઈઃ રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સહયોગી કંપની રીલાયન્સ બ્રાન્ડ્સ અને હોંગકોંગમાં લિસ્ટેડ સી બેનર ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સે સંયુક્તપણે બ્રિટનની રમકડાં કંપની ખરીદી લીધી છે. જે માટે હેમ્લીઝ બ્રાન્ડના માલિક સી બેનર ઇન્ટરનેશનલ પાસેથી હેમ્લીઝ ગ્લોબલ હોલ્ડિંગ્સ લિમિટેડનો 100 ટકા હિસ્સો ખરીદવા માટે નિશ્ચિત કરાર ગુરુવારે કર્યાં હતાં. આ સોદાનું મૂલ્ય કેશ કન્સીડરેશનમાં 67.96 મિલિયન પાઉન્ડ છે.

1760માં સ્થપાયેલી હેમ્લીઝ 250 વર્ષના ઇતિહાસ સાથે વિશ્વની સૌથી જૂની અને સૌથી મોટી રમકડાંની દુકાન તરીકે અને રમકડાંને જીવંત બનાવીને વિશ્વભરના બાળકોના ચહેરા પર સ્મિત રેલાવાની ખ્યાતિ ધરાવે છે. હેમ્લીઝ રમકડાંની ગુણવત્તા અને વિસ્તૃત શ્રેણીની સાથે થીયેટર, મનોરંજન અને તેના રીટેલના અનુભવના ઉપયોગનું અનોખું મોડલ ધરાવે છે. વૈશ્વિક સ્તરે હેમ્લીઝ 18 દેશોમાં 167 સ્ટોર્સ ધરાવે છે. ભારતમાં રિલાયન્સ હેમ્લીઝની માસ્ટર ફ્રેન્ચાઇઝી ધરાવે છે અને હાલમાં 29 શહેરોમાં 88 સ્ટોર્સ ધરાવે છે, જેમાંથી એક સ્ટોર અમદાવાદમાં આવેલો છે. આ હસ્તાંતરણથી રિલાયન્સ બ્રાન્ડ્સને વૈશ્વિક ટોય રીટેલ ઇન્ડસ્ટ્રીમાં પ્રભુત્વશાળી કંપની તરીકે પદાર્પણ કરશે.

રિલાયન્સ બ્રાન્ડ્સના પ્રેસિડેન્ટ અને સી.ઇ.ઓ. દર્શન મહેતાએ જણાવ્યું હતું કે, “છેલ્લાં કેટલાક વર્ષોમાં હેમ્લીઝ બ્રાન્ડ હેઠળ ભારતમાં અમે ટોય રીટેલિંગ વ્યવસાયમાં મહત્વપૂર્ણ અને નફાકારક વ્યવસાયનું નિર્માણ કર્યું છે. ભૌતિક રીટેલિંગનો અનોખો અનુભવ વૈશ્વિક સ્તરે નવો માપદંડ બન્યો તેના દાયકાઓ અગાઉ આ 250 વર્ષ જૂની ઇંગ્લીશ ટોય રીટેલરે પ્રયોગાત્મક રીટેલિંગનો પાયો નાંખ્યો હતો. હેમ્લીઝ બ્રાન્ડ અને વ્યવસાયના વૈશ્વિક હસ્તાંતરણે રિલાયન્સને ગ્લોબલ રીટેલની અગ્રણી પંક્તિમાં સ્થાન અપાવ્યું છે. વ્યક્તિગત રીતે તો લાંબા સમયથી સેવેલું સ્વપ્ન સાકાર થયું છે.”

હેમ્લીઝે તેનો ફ્લેગશીપ સ્ટોર રીજેન્ટ સ્ટ્રીટ લંડનમાં 1881 શરૂ કર્યો. સાત મજલાને આવરી લેતો 54,000 ચોરસ ફૂટમાં પથરાયેલો ફ્લેગશીપ સ્ટોર રમકડાંની 50,000 લાઇન ધરાવે છે. આ લંડનનું ખૂબ જ મહત્વપૂર્ણ પ્રવાસી આકર્ષણ છે, જેમાં દર વર્ષે લગભગ 50 લાખ મુલાકાતીઓ આવે છે. વર્ષ દરમિયાન ચાલતા રહેતાં કાર્યક્રમો, પરેડ્સ નિદર્શનો અને વિસ્તૃત પ્રદર્શનોની વિશ્વભરતના બાળકો અને તરુણો મુલાકાત લે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]