એમસીએકસઃ કયા સે કયા હો ગયા!

એમસીએકસ (મલ્ટી કોમોડિટીઝ એસચેંજ) હાલ ચર્ચામાં છે, ખાસ કરીને તેનું નવું ટ્રેડિંગ પ્લેટફોર્મ શરૂ થયાના પ્રથમ દિવસોમાં જ વારંવાર નિષ્ફળ જવાને કારણે આ ચર્ચા પ્રકાશમાં આવી હતી, તાજેતરમાં જ આ એકસચેંજે તેને ટ્રેડિંગ સોફટવેર આટલા વરસોથી પુરાં પાડનાર ૬૩ મુન્સ ટેકનોલોજિસ (અગાઉનું નામ ફાઈનાન્સિયલ ટેકનોલોજિસ) સાથે તેના ઓડિન નામના ટ્રેડિંગ સોફટવેરનો કોન્ટ્રેકટ રદ કરીને એ ટીસીએસ જેવી જાણીતી-પ્રતિષ્ઠિત કંપનીને આપ્યા પછીની આ વાત છે. આવા પ્રયાસ એમસીએકસે અગાઉ પણ કર્યા હતા અને છેલ્લી ઘડી સુધીના પ્રયાસ નિષ્ફળ ગયા બાદ તેણે ૬૩ મુન્સ સાથેનો કરાર ત્રણથી ચાર વાર રિન્યુ કરવો પડયો હતો.

આવું ઘણીવાર થયા બાદ પણ એમસીએકસે ટીસીએસને કરાર આપી દીધો અને પ્રથમ દિવસથી જ તેના ટ્રેડિંગમાં એક યા બીજી ક્ષતિઓ-સમસ્યાઓ ઊભી થતા ટ્રેડર્સ-બ્રોકર્સ સભ્યોની ફરિયાદો વધવા લાગી હતી, અલબત્ત, ટીસીએસના સતત પ્રયાસથી આ સ્થિતી હવે થાળે પડી રહી હોવાનું જાણવા મળે છે. જોકે એમસીએકસની આમાં નામોશી થઈ એ નોંધવું રહયું. આને કારણે ટ્રેડર્સ વર્ગમાં એક પ્રકારનો ભય રહી શકે. કારણ કે ટેકનિકલ ગુંચ એ સોદાની અધ્ધરતા ઊભી કરી શકે છે.

 નિયમન તંત્ર સેબીએ એમસીએકસને નવા ટ્રેડિંગ સોફટવેર માટે મંજુરી આપી હતી, જો કે આવી મંજુરી આપવામાં ખોટું થયું ન કહી શકાય, પણ એ પછી ટ્રેડિંગમાં સતત ગુંચ-ટેકનિકલ ક્ષતિ સર્જાતી રહે, સોદા પાર ન પડે અથવા અમુક કોમોડિટીઝમાં સોદા થાય, અમુકમાં ન થાય એવું બન્યું હતું, તેમછતાં નિયમન તંત્ર સવાલ ઊઠાવ્યા કે નહી?  તેના સવાલોને યોગ્ય જવાબ મળ્યા કે નહી? જે પણ હોય આખરે દોષ તો એકસચેંજનો જ ગણાય, જેણે ટેસ્ટ કર્યા બાદ નવું ટ્રેડિંગ મંચ કાર્યરત બનાવ્યું હોવાછતાં આમ બન્યું. અર્થાત કયાંક તો કાચું કપાયું હતું. જોકે પોતાના સભ્યોને તકલીફ ન પડે અને તેમના ઉકેલ આવે એ માટે એકસચેંજ અને ટીસીએસ સતત પ્રયત્નશીલ રહયા અને મેમ્બર્સને સહન કરવું પડે નહી એવા પગલાં લેતા રહયા હતા.

એકસચેંજની સિસ્ટમ સામે ફરિયાદો

એમસીએકસના ટ્રેડિંગ સભ્યો ટ્રેડિંગ દરમ્યાન વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહયા હોવાની ફરિયાદ થતી રહી હતી, આ વિશે એકસચેંજનું વારંવાર ધ્યાન પણ દોરાયું હતું. સોદાઓના ભાવોમાં પણ ગુંચવણો ઊભી થઈ હતી. સોદાના કન્ફર્મેશનમાં વિલંબ થયો હતો, ભાવોમાં ભળતા તફાવત દેખાઈ રહયાની ફરિયાદ પણ થઈ હતી. ભાવો અપડેટ થઈ રહયા નહોતા, નવા ઓર્ડર લઈ શકાતા નહોતા. આ સંજોગોમાં ટ્રેડર્સ વર્ગને નુકશાન ભોગવવાનું આવે તો કોણ જવાબદાર રહેશે? કોણ એકશન લેશે? સામાન્ય સંજોગ કરતા એકસચેંજનું ટ્રેડિંગ દૈનિક વોલ્યુમ પચાસ ટકા નીચે ગયું છે. આવી સ્થિતીમાં એકસચેંજ સહિત દેશની અને ઉધોગની વિશ્વસનીયતા સામે સવાલ ઊભા થાય એ સહજ છે. 

 ટ્રેડિંગ વોલ્યુમનું પતન કયારથી?

વાસ્તવિકતા એ છે કે એમસીએકસની સ્થાપના મુળ ફાઈનાન્સિયલ ટેકનોલોજીસે કરી હતી, આમ એમસીએકસના મુળ સ્થપાક જિજ્ઞેશ શાહ હતા, આજે પણ ઘણાં લોકો એવું માને છે કે એમસીએકસ જીજ્ઞેશ શાહનું છે. જયારે કે છેલ્લા દસ વરસથી સરકારે એમસીએકસને બીજી મેનેજમેન્ટને સોંપી દીધું હતું. આ વાત જાહેર હોવાથી તેની ચર્ચામાં પડયા વિના આપણે જોયું છે કે એફટી (ફાઈનાન્સિયલ ટેકનોલોજિસ) ના હાથમાં એમસીએકસ હતું ત્યારે તેનો વિકાસ કેવો જબરદસ્ત હતો, તેણે જગતમાં સફળતાની ઊંચાઈના કેવા ડંકા વગાડયા હતા, અને છેલ્લા દસ વરસમાં મેનેજમેન્ટ બદલાયા બાદ એમસીએકસની દશા શું થતી ગઈ છે અને હાલ શું છે એ સૌની નજર સામે છે.

એમસીએકસ જયારે ૬૩ મુન્સ ટેકનોલોજીસનું હતું

અહી એ નોંધવું મહત્વનું છે કે એમસીએકસ જયારે ફાઈનાન્સિયલ ટેકનોલોજીસ-૬૩ મુન્સના મેનેજમેન્ટ હેઠળ હતું ત્યારે તેણે વિવિધ મહત્વના સીમાચિન્હો હાંસલ કર્યા હતા, જેમ કે એમસીએકસ ૨૦૧૨ માં પ્રથમ લિસ્ટેડ એકસચેંજ બન્યું હતું, તેનો આઈપીઓ ૫૪ ગણો વધુ ભરાયો હતો. તેના રૂ. ૧૦ ના શેરનો દસ વરસમાં ભાવ રૂ. ૧૦૩૨ સુધી ગયો હતો. તેણે રૂ.૫૦ કરોડની સામે બેંકો-શેરધારકોને ૧૧૫૩ કરોડ રૂપિયાના ડિવિડંડ અને બોનસના લાભ આપ્યા હતા.  તેણે ૧૦ વરસમાં ૯૬૩ કરોડ રૂપિયાની કેશ રિઝર્વ ઊભી કરી હતી. એકસચેંજે દસ લાખ જોબ ઊભી કરી હતી. એમસીએકસનું ટર્નઓવર ૨૦૧૨-૧૩માં ભારતના જીડીપી કરતા બમણું હતું. સૌથી ધ્યાનકર્ષક બાબત મુજબ એમસીએકસ તેના પ્રથમ માત્ર ૧૦૦૦ દિવસમાં યુનિકોર્ન બની ગયું હતું. આખરે સૌથી શ્રેષ્ઠ અને ગૌરવની વાત એ હતી કે એમસીએકસ એ સમયે ગોલ્ડ, સિલ્વર, નેચરલ ગેસ, ક્રુડના કામકાજ માટે વિશ્વના ટોચનું અગ્રણી સ્થાન પામ્યું હતું.  

૬૩ મુન્સના નવા પ્લાન

દરમ્યાન ૬૩ મુન્સ ટેકનોલોજીસે હવેપછી સંભવત ડિસેમ્બરથી ત્રણ નવા ક્ષેત્રમાં ઝંપલાવવાનું નકકી કર્યુ છે, જેમાં સાયબર સિકયુરિટી, વેબ ૩.૦, બ્લોકચેન અને લીગલટેકનો સમાવેશ થાય છે. આ તમામ વિષય વર્તમાન અને ભાવિ સમય માટે અતિઆવશ્યક ગણાય છે, જેની ડિમાંડ સતત રહેશે અને વધશે એવી શકયતા ઊંચી છે.

 

(જયેશ ચિતલિયા)