2015થી ગુજરાતમાં બદલાઈ ગઈ છે વોટિંગ પેટર્ન: કોંગ્રેસને ફાયદો ?

ગાંધીનગર– ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય વાતાવરણ ખબ ગરમ છે. રોજ અનેક જાતના સર્વે આવી રહ્યાં છે. પરંતુ કોંગ્રેસને ગુજરાતમાં આંકડાકીય નવજીવન મળ્યું હોય તો તે 2015ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં મળેલી સફળતા. આ ચૂંટણીઓમાં સજીવન થયેલી કોંગ્રેસને તાજાતાજા પાટીદાર અનામત આંદોલનનો ફાયદો મળ્યો છે. આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં આ ફાયદો મળશે કે નહીં તે જોવાનું રહ્યું. જયારે ભાજપ માટે 2002 બાદ નરેન્દ્ર મોદી વગરની આ પહેલી ચૂંટણી છે.
રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં યોજાયેલ આ ચૂંટણીઓ પર પાટીદાર અનામત આંદોલનની સીધી અસર જોઈ શકાતી હતી. જેમાં 300થી વધુ સ્થાનિક સ્વરાજ સંસ્થાઓમાં યોજાયેલ ચૂંટણીમાં ભાજપને મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. ચૂંટણી પરિણામોમાં 2010માં ટોટલ 29% બેઠકો પર કબજો ધરાવતી કોંગ્રેસ 2015માં 47.52% બેઠકો સુધી પહોંચી ગઈ. જયારે સ્થાનિક  સ્વરાજ સંસ્થાઓમાં 64.09% બેઠકો ધરાવતી ભાજપ 2015ની ચૂંટણી બાદ 47.27% બેઠકો પર સમાઇ ગઈ હતી.
આ ઉપરાંત 2015ની આ ચૂંટણીઓએ ગ્રામ્ય અને શહેરી મતદાતાઓના મુદ્દા અને તેમની પ્રાથમિકતાઓ વચ્ચે એક સ્પષ્ટ લીટી દોરી આપી જેના કારણે ગ્રામ્ય અને શહેરી મતદાનની એક નિશ્ચિત પેટર્ન જોઈ શકાય. ભાજપે મહાનગરો અને નગરોમાં વધુ બેઠકો મેળવી તો કોંગ્રેસ ગ્રામ્ય વિસ્તારોની પંચાયતોમાં પંજો ફેલાવ્યો. 31 જિલ્લા પંચાયતો પૈકી કોંગ્રેસે 23 જિલ્લા પંચાયતો પર કબજો જમાવ્યો છે. જયારે ભાજપ માત્ર 8 જ જિલ્લા પંચાયતો પોતાની પાસે જાળવી શક્યું હતું. 2010ની ચૂંટણીમાં કોંગ્રેસનો સંપૂર્ણ રકાસ કાઢી ભાજપે 31 જિલ્લા પંચાયતોને પોતાના કબજામાં લીધી હતી. તો 230 તાલુકા પંચાયત પૈકી 146 બેઠકો પર કોંગ્રેસે કબજો જમાવ્યો હતો. જયારે રાજ્યની 8 માંથી 6 મહાનગરપાલિકામાં ભાજપે કમળ ખીલાવ્યું હતું. આ જીત પણ ભાજપ માટે ખૂબ આકરી રહી હતી.
રાજકોટ મહાનગરપાલિકા કે જેને રાજ્યમાં ભાજપનો ગઢ કહેવાય છે, તેની કુલ 72 બેઠકો પૈકી 38 પર જ ભાજપ કબજો જમાવી જીત હાંસલ કરી શક્યું હતું. આ આંકડો કોંગ્રેસના પલડામાં પડેલી બેઠકો કરતાં ફક્ત ચાર જ બેઠક વધારે છે. તે જ રીતે નગરપાલિકાની ચૂંટણીઓમાં 52 પૈકી 43 નગરપાલિકાઓમાં ભાજપે જીત નોંધાવી હતી. પરંતુ અહીં પણ જો વોટ શેરિંગની વાત કરવામાં આવે તો ભાજપને મળેલા કુલ મતોની ટકાવારી 2.92% ઓછી થઇ હતી. જયારે કોંગ્રેસનો વોટશેર 6.09% વધ્યો હતો. સરેરાશ વોટ જોવામાં આવે તો ભાજપના ભાગે 46.60% અને કોંગ્રેસના ભાગ 43.52 વોટ આવ્યા હતા. જે ભાજપ કરતા માત્ર ચાર વિધાનસભા ચૂંટણીઓ દરમિયાન રહેલા ભાજપ-કોંગ્રેસ વચ્ચેના 10% તફાવત કરતા ઘણો ઓછો છે. આમ હવે આગામી ચૂંટણીમાં પ્રજા કોને સત્તાના સુકાન સોંપે છે તે જોવાનું રહ્યું.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]