રોહિંગ્યા સંકટ: રિપોર્ટિંગ કરનારા પત્રકારોને મ્યાંમાર સેનાએ લાપતા કર્યા

મ્યાંમાર- મ્યાંમારના રોહિંગ્યા સંકટ પર કામ કરનારા પત્રકારોના લાપતા થયાના સમાચાર મળી રહ્યાં છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, પત્રકારોને સમજીવિચારીને સેના દ્વારા ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ યુવા રોહિંગ્યા સ્વયંસેવક વર્ષોથી ખાનગી રીતે મ્યાંમારમાં મુસ્લિમ લઘુમતીઓ સાથે થઈ રહેલા અત્યાચારનું રિપોર્ટિંગ કરી રહ્યાં હતાં અને સ્માર્ટફોનના માધ્યમથી તેના ફોટા અને વીડિયો ક્લિપ દેશની બહાર મોકલી રહ્યાં હતાં.

માનવાધિકાર સમૂહે દાવો કર્યો છે કે, મ્યાંમારની સેનાએ અનેક સંવાદદાતાઓનો નરસંહાર કર્યો છે અને તેમના નેટવર્કને તોડવા માટે અનેક પત્રકારોનું અપહરણ કર્યાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેથી હવે આ રાજ્યોમાં જે કંઈ પણ ઘટનાઓ બની રહી છે તેનું ઘણું ઓછું રીપોર્ટીંગ કરવામાં આવે છે. આપને જણાવી દઈએ કે, રોહિંગ્યા સમુદાયના સમાચારો ઉપર એક અંગ્રેજી અખબારમાં રોહિંગ્યા શરણાર્થી અને સ્થાનિક લેવલે સંપાદકનું કામ કરી રહેલા મોહમ્મદ રફીકે જણાવ્યું કે, સૈન્ય કાર્યવાહી શરુ થયા બાદથી રખાઈન પ્રાંતના 95 ટકાથી વધુ મોબાઈલ સંવાદદાતાઓ લાપતા થયાના સમાચાર છે.

મોહમ્મદ રફીકે વધુમાં જણાવ્યું કે, સેના દ્વારા હજી પણ રોહિંગ્યાઓના ગામોમાં દુષ્કર્મ, હત્યા અને આગ લગાડવાની ઘટનાઓને અંજામ આપવામાં આવી રહી છે. જેથી રોહિંગ્યા મોબાઈલ નેટવર્ક હવે લગભગ નિષ્ક્રિય થઈ ગયા છે. જેથી અમારા સુધી વિસ્તૃત જાણકારી પહોંચી શકતી નથી. એક અંગ્રેજી અખબારે મોહમ્મદ રફીકના અહેવાલથી જણાવ્યું કે, માનવાધિકાર સંગઠનો પણ રોહિંગ્યા મોબાઈલ રીપોર્ટરો દ્વારા હિંસા સંબંધિત માહિતી એકઠી કરી રહ્યું હતું. હવે અમારા સહિત અન્ય મીડિયા આઉટલેટને પણ રખાઈન સંબંધિત માહિતી નથી મળી રહી.