બ્રિટનના પ્રિન્સ હેરીએ યૂએસ અભિનેત્રી મેઘન સાથે સગાઈ કરી, આવતા વર્ષે લગ્ન

લંડન – બ્રિટનના પ્રિન્સ હેરીએ એમની ગર્લફ્રેન્ડ અને અમેરિકાની અભિનેત્રી મેઘન માર્કલ સાથે સગાઈ કરી લીધી છે અને બંને જણ આવતા વર્ષે લગ્ન પણ કરશે. પ્રિન્સ હેરીના પિતા પ્રિન્સ ચાર્લ્સે આજે એક નિવેદનમાં આની જાહેરાત કરી છે.

33 વર્ષીય પ્રિન્સ હેરી બ્રિટિશ મુગટ માટે ક્રમમાં પાંચમા નંબરે છે. માર્કલ 36 વર્ષની છે. બંનેએ આ મહિનાના આરંભમાં સગાઈ કરી હતી, એમ ક્લેરેન્સ હાઉસ તરફથી જાહેરાત કરવામાં આવી છે.

નિવેદનમાં જણાવાયું છે કે, પ્રિન્સ હેરીએ રાણી એલિઝાબેથ દ્વિતીય તથા શાહી પરિવારના અન્ય નિકટના સભ્યોને જાણ કરી છે. પ્રિન્સ હેરીએ મેઘન માર્કલનાં માતાપિતાનાં આશીર્વાદ પણ મેળવ્યા છે.

પ્રિન્સ હેરી અને મેઘન 2016ના જુલાઈમાં એમનાં મિત્રો મારફત એકબીજાનાં પરિચયમાં આવ્યાં હતાં. પ્રિન્સ હેરીએ તેના અમુક મહિનાઓ બાદ મેઘન સાથે પોતાનાં સંબંધની જાહેરાત કરી હતી. બાદમાં, બંને પ્રેમીપંખીડાએ ટોરન્ટોમાં એક રમતોત્સવ વખતે સાથે દેખા દીધી હતી.

મેઘનનાં પિતા થોમસ માર્કલ અને માતા ડોરીયા રેગલેન્ડે એક નિવેદનમાં જણાવ્યું છે કે મેઘન અને હેરીનાં સગાઈ સંબંધથી અમને બેહદ આનંદ થયો છે. અમે એમને જીવનભર ખુશ રહેવાની અને ખૂબ જ રોમાંચક ભવિષ્ય માટેની શુભેચ્છા આપીએ છીએ.

યુગલ લંડનના કેન્સિંગ્ટન પેલેસમાં નોટિંઘમ કોટેજમાં રહેશે. કેન્સિંગ્ટન પેલેસમાં હેરીના મોટા ભાઈ પ્રિન્સ વિલિયમ એમના ગર્ભવતી પત્ની કેટ તથા બે બાળકોની સાથે રહે છે.

બ્રિટનના શાહી પરિવારમાં કોઈ અમેરિકને લગ્ન કર્યાં હોય એવું છેક 1936માં બન્યું હતું જ્યારે કિંગ એડવર્ડ-8માએ અમેરિકાનાં સોશિયલાઈટ અને છૂટાછેડા લેનાર વોલિસ સિમ્પસન સાથે લગ્ન કર્યા હતા.

મેઘન માર્કલ અમેરિકામાં લીગલ ડ્રામા સ્યૂટ્સમાં રાશેલ ઝેનનું પાત્ર ભજવવા માટે જાણીતી થઈ છે. માર્કલ કેનેડાના ટોરન્ટોમાં રહે છે.

પ્રિન્સ હેરીને પરણ્યા બાદ મેઘન પ્રિન્સ વિલિયમનાં પત્ની કેટની જેમ પ્રિન્સેસ બની શકશે નહીં.

પરંતુ, મોટા ભાઈ વિલિયમની જેમ હેરી લગ્ન કરશે ત્યારે ડ્યૂક બનશે અને મેઘન ડચેસ બનશે.