પાકિસ્તાન: પ્રદર્શનકારીઓ વધુ આક્રમક બન્યા, કાયદાપ્રધાને રાજીનામું આપ્યું

ઈસ્લામાબાદ- પાકિસ્તાનમાં કટ્ટરપંથી ધાર્મિક જૂથ દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ પ્રદર્શન બાદ દબાણમાં આવીને ત્યાંના કાયદાપ્રધાન જાહિદ હમીદે તેમના પદ ઉપરથી રાજીનામું આપ્યું છે. રાજીનામું આપતા પહેલાં જાહિદ હમીદે હિંસાગ્રસ્ત પાકિસ્તાન સ્થિત પંજાબના મુખ્યપ્રધાન શાહબાજ શરીફ સાથે મુલાકાત કરી હતી.

પાકિસ્તાન સરકારે માહિતી આપી છે કે, પોલીસ અને વિરોધ પ્રદર્શન કરનારાઓ વચ્ચે થયેલી અથડામણમાં અત્યાર સુધી છ લોકોના મોત થયાના સમાચાર છે જ્યારે 200થી વધુ લોકો ઘાયલ થયા છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે સેનાની પણ મદદ લેવામાં આવી રહી છે.

પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ તરફ જતા હાઈવેને બ્લોક કરી પ્રદર્શનકારીઓને હટાવવા માટે પોલીસ અને અર્ધસૈનિકબળ દ્વારા કાર્યવાહી શરુ કરી દેવામાં આવી છે. પાકિસ્તાન સ્થિત સંગઠનો તહરીક-એ-ખત્મ-એ-નબુવ્વત, તહકીક-એ-લબૈક અને સુન્ની તહરીક પાકિસ્તાનના 2000થી વધારે કાર્યકર્તાઓ બે સપ્તાહથી ઈસ્લામાબાદ હાઈવે અને મુર્રી રોડને જામ કરીને પ્રદર્શન કરી રહ્યા હતા. આપને જણાવી દઈએ કે આ રસ્તો ઈસ્લામાબાદના એક માત્ર એરપોર્ટ અને રાવલપિંડીને જોડતો રસ્તો છે.