ઝિમ્બાબ્વેમાં રાજકીય ડ્રામાનો અંત, નાંગગાગવા બન્યાં નવા રાષ્ટ્રપતિ

હરારે- ઝિમ્બાબ્વેમાં એમર્સન નાંગગાગવાએ નવા રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળી લીધો છે. આ સાથે જ દેશમાં ચાલી રહેલાં રાજકીય ડ્રામાનો અંત આવ્યો છે. પૂર્વ રાષ્ટ્રપતિ રોબર્ટ મુગાબેના નજીકના સમર્થક માનવામાં આવતા નાંગગાગવાએ રાજધાની હરારેમાં નેશનલ સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે તેના હજારો સમર્થકો, અન્ય મહાનુભાવો તેમ જ વિદેશી રાજદૂતોની હાજરીમાં પદ અને ગોપનીયતાના શપથ ગ્રહણ કર્યાં હતાં.

નાંગગાગવાના શપથ ગ્રહણ સમારોહ વખતે હરારેમાં નેશનલ સ્પોર્ટ્સ સ્ટેડિયમ અને તેની આસપાસના વિસ્તારોમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સ્ટેડિયમમાં નાંગગાગવાના આશરે 60 હજાર જેટલાં સમર્થકો હાજર રહ્યાં હતાં, જેમણે સંગીતના તાલે નવા રાષ્ટ્રપતિની નિયુક્તિને વધાવી લીધી હતી.

આપને જણાવી દઈએ કે, દક્ષિણ આફ્રિકાના દેશ ઝિમ્બાબ્વેમાં 37 વર્ષ શાસન કર્યા બાદ હાલમાં જ પૂર્વ રાષ્ટ્રપતિ રોબર્ટ મુગાબેને સૈનિક હસ્તક્ષેપ બાદ તેમનું પદ છોડવાની ફરજ પડી હતી. આ પહેલા તત્કાલીન રાષ્ટ્રપતિ રોબર્ટ મુગાબેએ ઉપરાષ્ટ્રપતિ નાંગગાગવાને તેમના પદ ઉપરથી બરખાસ્ત કર્યાં હતાં.

શપથ ગ્રહણ સમારોહ દરમિયાન ઉપસ્થિત જનમેદનીને સંબોધન કરતાં નાંગગાગવાએ કહ્યું કે, દેશની નવી આર્થિક નીતિ રોજગાર અનુલક્ષીને હશે. વધુમાં તેમણે કહ્યું કે, દેશની જનતાએ સાથે મળીને સહયોગથી કાર્ય કરવું પડશે. નાંગગાગવાએ ઝિમ્બાબ્વેની જનતાને કહ્યું કે, ‘તમે, હું અને આપણે સૌ સાથે મળીને રાષ્ટ્રનું નિર્માણ કરીશું’.