આતંકીઓની યાદીમાંથી પોતાનું નામ હટાવવા હાફિઝે UNમાં કરી અરજી

ઈસ્લામાબાદ- નજરકેદમાંથી ગત સપ્તાહે છુટ્યા બાદ મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ અને આતંકી સંગઠન જમાત-ઉદ-દાવાનો ચીફ  હાફિઝ સઈદ હવે પોતાના પર લાગેલા આતંકીનું લેબલ હટાવાનો પ્રયાસ કરી રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે હાફિઝે યુનાઈટેડ નેશનમાં અરજી દાખલ કરીને માગ કરી છે કે, તેનું નામ આતંકવાદીઓની યાદીમાંથી હટાવામાં આવે.

જમાત-ઉદ-દાવાના ચીફ હાફિઝ સઈદને સંયુક્ત રાષ્ટ્રએ મુંબઈ 26/11ના આતંકી હુમલા બાદ ડિસેમ્બર 2008માં આતંકી જાહેર કર્યો હતો. જોકે, અમેરિકાએ હાફિઝને મુંબઈ હુમલા પહેલાં જ મે-2008માં વૈશ્વિક આતંકી જાહેર કર્યો હતો. એટલું જ નહીં અમેરિકાએ હાફિઝ સઈદ પર 1 કરોડ ડોલરનું ઇનામ પણ રાખ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહે જ પાકિસ્તાન કોર્ટે હાફિઝ સઈદ વિરુદ્ધ પુરાવાઓનો અભાવ જણાવી તેને નજરકેદમાંથી મુક્ત કર્યો હતો. કેદમાંથી છુટ્યા બાદ હાફિઝે ફરી કશ્મીર રાગ આલાપ્યો હતો અને કશ્મીરને લઈને ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું હતું કે, તે કશ્મીરને આઝાદ કરાવા માટે ત્યાંના લોકોની મદદ કરશે. અમેરિકાએ હાફિઝને છોડ્યા બાદ ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું કે, તેની ફરીવાર ધરપકડ થવી જોઇએ.

આપને જણાવી દઈએ કે, આ વર્ષે 31 જાન્યુઆરીના રોજ હાફિઝ સઈદ અને તેના 4 સહયોગીઓ અબ્દુલ્લાહ ઉબૈદ, મલિક ઝફર ઇકબાલ, અબ્દુલ રહેમાન આબિદ અને કાઝી કાશીફ હુસૈનને પાકિસ્તાન સ્થિત પંજાબ પ્રાંતની સરકારે એન્ટી ટેરરીઝમ એક્ટ હેઠળ નજરકેદ કર્યા હતા.