ભાજપની નવી સરકાર માટે ફરજિયાત છે આ પડકારોનો સામનો

અમદાવાદ– ગુજરાતમાં ભાજપે સતત છટ્ઠીવાર સરકાર બનાવી દીધી છે. સીએમ રુપાણી અને પ્રધાનમંડળે શપથ લઇ લીધાં છે અને કેબિનેટની બેઠક સાથે વિધિવત કામકાજ શરુ પણ થઇ રહ્યું છે. ત્યારે માંડમાંડ જીતેલી સરકાર માટે કેટલાક મોટા પડકાર મોં ફાડીને ઊભા છે જેની સાથે નવી સરકારે તરત જ કામ પાર પાડવાનું છે.1-ગામડાંઓમાં જનાધાર પાછો મેળવવો

રુપાણી સરકારની પ્રથમ પ્રાથમિકતા રહેશે કે ગામડાંઓમાં પક્ષની સ્થિતિ મજબૂત બનાવવી. આ ચૂંટણીમાં જે રીતે આ વિસ્તારો કોંગ્રેસના હાથમાં જતાં રહ્યાં છે તેનાથી કેન્દ્રીય નેતૃત્વ પણ થોથવાઇ ગયું છે. સંસદીય ચૂંટણી પહેલાં નવી સરકારે આ વિસ્તારોમાં લોકપ્રિયતા પાછી મેળવવાનો મોટો પડકાર ઊભો થયો છે.

2- પટેલોની નારાજગી ખાળવી

વિધાનસભામાં 99 પર સમેટાઇ જવામાં પટેલોની નારાજગી ભાજપને ભારે પડી છે. અનામત મામલે ઊભો થયેલો વાવંટોળ પટેલોને કોંગ્રેસ તરફી લઇ જવામાં મોટો ભાગ ભજવ્યો છે. જેમાં 2019 માટે ખતરાની ઘંટડી સમાન છે. પટેલોની પકડ ગુમાવવાથી થયેલું નુકસાન ભરપાઇ કરવાનો પડકાર ઉકેલવો નવી સરકાર માટે ફરજિયાત બનવાનો છે.

3-2019માં ભાજપનો કિલ્લો સલામત રાખવો

ગુજરાત ભાજપનો ગઢ છે તેવું હવે ભાજપ કહી શકવાની સ્થિતિમાં નથી. 2014માં લોકસભા ચૂંટણીઓમાં સંસદની બધી 26 બેઠકો પર જીતીને મોદીના હાથ મજબૂત કરનાર ગુજરાતમાં હવે નદીઓમાં ઘણાં પાણી વહી ગયાં છે. 2019ની ચૂંટણીઓમાં  આ ચિત્ર સર્જાવાની શકયતા નહિવત્ છે ત્યારે કોંગ્રેસના સૂંપડા સાફ કરી શકાવાના એંધાણ દેખાતાં નથી. એકપણ સીટ ગુમાવતાં ભાજપને નુકસાન જ નુકસાન છે. આ પણ એક મોટો પડકાર રુપાણી સરકાર સામે ઊભો છે.

4-વધુ મજબૂત વિપક્ષ સામે બાથ ભીડવાનો પડકાર

61 હતાં તોપણ કોંગ્રેસના ધારાસભ્યો વિધાનસભા શાંતિથી ચાલવા દેવામાં ભાજપને સફળ થવા દેતાં ન હતાં ત્યારે હવે 82ની સંખ્યા સાથે સામે બેઠેલ કોંગ્રેસ વિધાનસભાના કામકાજમાં ભારે ડખો કરશે તે નિશ્ચિત છે. નીતિ નિર્ધારણમાં કોંગ્રેસનો મુખર વિરોધ ભાજપે સહન કરવાનો છે તે પણ નવી સરકાર માટે ઉકેલ માગતો કોયડો છે.

5- યુવા નેતાઓને ખાળવા

વિપક્ષમાં સંખ્યાબળ વધ્યું છે પરંતુ તેમાં વધુ ચહેરા એવા છે જે પહેલીવાર વિધાનસભામાં પગ મૂકશે અને તેમાં પણ કોંગ્રેસના વરિષ્ઠ નેતૃત્વની કમી છે. ત્યારે ભાજપના વરિષ્ઠ નેતાઓએ આ સ્થિતિને પોતાને પક્ષે કરવા માટે યુવા ચહેરાઓની દમામગીરી ખાળવાનું કામ પણ કરવાનું રહેશે. કોંગ્રેસના યુવા ચહેરાઓને ખાળવામાં નવી સરકાર નિષ્ફળ નીવડશે તો તેઓ 2019માં ભાજપ માટે સૌથી મોટો પડકાર બની રહેશે, અળ્પેશ અને જિગ્નેશ જેવા લડાયક મિજાજના આંદોલનકારી નેતાઓ હવ વિધાનસભા બેસવાના છે ત્યારે ભાજપ સરકારે આગવી રણનીતિથી કામ કરવાનો પડકાર છે.