ઈવાન્કા હૈદરાબાદમાં; ગ્લોબલ આન્ટ્રપ્રન્યોરશિપ સમિટમાં બનશે આકર્ષણનું કેન્દ્ર

હૈદરાબાદ – યૂએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રી અને એમના સલાહકાર ઈવાન્કા ટ્રમ્પ અહીં આવી પહોંચ્યાં છે. તેઓ જાગતિક ઉદ્યમવૃત્તિ શિખર સંમેલન (GES Summit)માં હાજરી આપવા માટે અહીં આવ્યાં છે. આ સંમેલનમાં પીએમ નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહેવાના છે.

પીએમ મોદી આજે સંમેલનનું ઉદઘાટન કરશે, જેમાં 127 દેશોના 1200 જેટલા યુવા ઉદ્યોગસાહસીઓ હાજરી આપશે જેમાં મહિલાઓ પણ સામેલ છે. આજે સાંજે ઈવાન્કા પીએમ મોદીને પણ મળશે.

ઈવાન્કા (મૂળ નામ ઈવાના મેરી) ટ્રમ્પ, જેઓ પોતે એક ઉદ્યોગસાહસી મહિલા છે, તેઓ ગઈ મધરાતે હૈદરાબાદના શમશાબાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યાં હતાં. તેઓ એમનાં પતિ જેરીડ કુશનરની સાથે ભારત આવ્યાં છે. તેઓ શિખર સંમેલનના ઉદઘાટન સત્રમાં સંબોધન કરશે. તેઓ બે પેનલ ચર્ચામાં ભાગ પણ લેશે, જેનો થીમ છે મહિલા ઉદ્યોગસાહસીઓ. ઈવાન્કા બુધવારે યોજાનાર ચર્ચામાં ઈનોવેશન્સ, કૌશલ્ય અને ટ્રેઈનિંગ વિશે પોતાનાં વિચારો રજૂ કરશે. ઈવાન્કા ફેશન ડિઝાઈનર, લેખિકા, બિઝનેસવુમન અને અમેરિકન ટીવી પર્સનાલિટી પણ છે. હૈદરાબાદમાં ઈવાન્કા હોટેલ વેસ્ટઈનમાં ઉતર્યાં છે.

આ શિખર સંમેલનમાં સેંકડો આમંત્રિત ઈન્વેસ્ટર્સ અને ઈકોસિસ્ટમનાં સમર્થકો પણ હાજરી આપવાના છે.

આ શિખર સંમેલનનું આયોજન ભારત અને અમેરિકાએ સાથે મળીને કર્યું છે.

36 વર્ષીય ઈવાન્કા ભૂતકાળમાં ભારત આવી ચૂક્યાં છે, પણ યૂએસ પ્રમુખના સિનિયર સલાહકાર તરીકે તેઓ આ પહેલી જ વાર ભારત આવ્યાં છે. એમની સાથે અમેરિકાના અનેક ટોચના વહીવટીય અધિકારીઓ તેમજ અનેક ભારતીય-અમેરિકન્સ પણ આવ્યાં છે. અમેરિકાના 38 રાજ્યોના 350 જેટલા પ્રતિનિધિઓ ઈવાન્કા ટ્રમ્પની સાથે આવ્યાં છે.

એરપોર્ટ પર ભારત સ્થિત અમેરિકાના રાજદૂત કેનેથ જસ્ટરે ઈવાન્કાનું સ્વાગત કર્યું હતું. કેનેથ જસ્ટરની સાથે હૈદરાબાદનાં યૂએસ કોન્સલ જનરલ કેથરીન હડ્ડા પણ હાજર હતાં.

httpss://twitter.com/ANI/status/935329460399652864