કર્ણાટકમાં ધર્મસંસદની પૂર્ણાહૂતિ: રામ મંદિર પર કોઈ પ્રસ્તાવ પાસ ન થયો

ઉડુપિ- કર્ણાટકના ઉડુપિમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજીત ત્રણ દિવસની ધર્મ સંસદની પૂર્ણાહૂતિ થઈ ગઈ છે. આ ધર્મ સંસદમાં અયોધ્યામાં રામ મંદિર નિર્માણ, જનસંખ્યા સંતુલન અને ગૌરક્ષા જેવા વિવિધ મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા.

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે ‘અયોધ્યામાં રામ મંદિર બનશે’ ના ઉદઘોષ સાથે જે ધર્મ સંસદના આયોજનની શરુઆત કરી હતી, એ ધર્મ સંસદમાં મંદિરને લઈને કોઈ જ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો ન હતો. ધર્મ સંસદના પ્રથમ દિવસે RSS પ્રમુખ મોહન ભાગવતે રામ મંદિર સહિત અનેક મુદ્દે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.

RSS પ્રમુખ મોહન ભાગવતે ધર્મ સંસદના મંચ ઉપરથી જાહેરાત કરી હતી કે, અયોધ્યામાં રામ મંદિર જ બનશે. તેમના આ નિવેદનની ઘણી આલોચના પણ થઈ હતી અને વિવાદ પણ થયો હતો. કેટલાક મુસ્લિમ સંગઠનોએ મોહન ભાગવતના આ નિવેદનની નિંદા કરી હતી અને સુપ્રીમ કોર્ટના નિર્ણય પર પડકાર ગણાવ્યો હતો. બાબરી મસ્જિદ એક્શન કમિટિએ જણાવ્યું કે, રામ મંદિર કેસ સુપ્રીમ કોર્ટમાં વિચારણાધીન છે, જેથી RSS પ્રમુખ મોહન ભાગવતનું આ નિવેદન ન્યાયાલયને પડકાર સમાન કહી શકાય.

જોકે, ધર્મ સંસદના છેલ્લા દિવસે વિશ્વ હિન્દૂ પરિષદના અધ્યક્ષ પ્રવિણ તોગડીયાએ પણ મોહન ભાગવતના વક્તવ્યનું સમર્થન કર્યું હતું. પ્રવિણ તોગડીયાએ કહ્યું કે, અયોધ્યામાં ફક્ત મંદિરનું નિર્માણ જ થશે. ત્યાં મસ્જિદ નહીં બને. જોકે પ્રવિણ તોગડીયાએ મંદિરનું નિર્માણ ક્યારે થશે તેને લઈને તેને લઈને કોઈ નિશ્ચિત તારીથ જણાવી ન હતી, પરંતુ કર્ણાટકના વિશ્વ હિન્દૂ પરિષદના એક અન્ય નેતાએ તો અયોધ્યામાં મદિરનું નિર્માણ ક્યારે થશે તેને લઈને નિશ્ચિત તારીખ પણ જણાવી હતી.