ભારત-અમેરિકા આતંકવાદ સામે લડાઈ લડી રહ્યા છેઃ ઈવાન્કા ટ્રમ્પ

હૈદરાબાદ- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી અને તેમની સલાહકાર ઈવાન્કા ટ્રમ્પ હાલ ભારતની મહેમાન બની છે. ઈવાંકા આજે વહેલી સવારે હૈદરાબાદ પહોંચી હતી. ભારતમાં આવીને ઈવાન્કાએ કહ્યું હતું કે ભારત અને અમેરિકા બન્ને દેશો આતંકવાદની લડાઈ લડી રહ્યા છે. અહીં તે ગ્લોબલ એન્ટરપ્રેન્યોર સમિટમાં હાજરી આપશે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

ઈવાંકાના સમ્માનમાં પીએમ મોદીએ રાત્રી ભોજનનું પણ આયોજન કર્યું છે. ભારત આવીને ઈવાન્કાએ કહ્યું કે, ભારત અને અમેરિકા સાથે મળીને ઘણા કામ કરી શકે છે. હાલમાં બન્ને દેશ આતંકવાદ સામે લડાઈ લડી રહ્યાં છે.

આપને જણાવી દઈએ કે, ઈવાંકાના હૈદરાબાદ પ્રવાસને લઈને શહેરમાં સુરક્ષા વ્યવસ્થા ઘણી સઘન કરી દેવામાં આવી છે. ઈવાંકાની સુરક્ષામાં આશરે 2500 સુરક્ષાકર્મી તહેનાત કરવામાં આવ્યા છે. એક અંદાજ મુજબ ગ્લોબલ એન્ટરપ્રેન્યોર સમિટમાં લગભગ 150 દેશોના પ્રતિનિધિઓ હાજરી આપશે. જેમની સુરક્ષા માટે અંદાજે 10 હજાર જેટલા જવાનો ખડેપગે હાજર રહેશે.

ઈવાંકા સાંજે 4:45 આસપાસ સમિટને સંબોધન કરશે. હૈદરાબાદમાં પોતાના નિર્ધારિત કાર્યક્રમ ઉપરાંત ઈવાંકા ટ્રમ્પ પીએમ મોદી સાથે પણ મુલાકાત કરશે. ત્યારબાદ ડિનરનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ પહેલા ઈવાંકા ટ્રમ્પની હૈદરાબાદ મુલાકાતને અનુલક્ષીને જ્યાં સુધી તેમનો શહેરમાં મુકામ છે ત્યાં સુધી ભિક્ષાવૃત્તિ કરનારા લોકો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને સાર્વજનિક જગ્યાઓ પર ભિક્ષાવૃત્તિ કરવા પર રોક લગાવી છે. વધુમાં તેમણે જણાવ્યું છે કે, આદેશનું પાલન નહીં કરનારા સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.