‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૧૮’ ફાઈનલ માટે ૧૧ નાટક પસંદ થયા

સુરત – ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના નેજા હેઠળ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ પ્રાયોજિત અને ભવન્સ કલ્ચરલ સેન્ટર – અંધેરી દ્વારા આયોજિત ‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૧૮’ (વર્ષ ૧૨મું)નો ફાઈનલ રાઉન્ડ, જે મુંબઈના ભવન્સ-ચોપાટી ખાતે તારીખ ત્રીજી જાન્યુઆરી, ૨૦૧૮થી શરૂ થશે, એ માટે નિર્ણાયકોએ ૧૧ નાટકોને પસંદ કર્યા છે.

નિર્ણાયકો  દેવેન્દ્ર પંડિત (મુંબઈ), અન્નપૂર્ણાબહેન શુક્લ (અમદાવાદ) અને કપિલદેવ શુક્લ (સુરત) એ ગઈ કાલે બુધવારે રાતે સુરતના જીવન ભારતી રંગભવન ખાતે પ્રારંભિક ૨૫ નાટકો પૈકી એમના મતે શ્રેષ્ઠ એવા દસ નાટકોના નામની જાહેરાત કરી હતી. એ વેળાએ સ્પર્ધાના નિરીક્ષક અને જાણીતા નાટ્યકાર પ્રવીણભાઈ સોલંકી અને ભવન્સ કલ્ચરલ સેન્ટર-અંધેરીના લલિતભાઈ શાહ મંચ ઉપર ઉપસ્થિત હતા.

આ માટે સહયોગ આપનાર દરેકનો ભવન્સ કલ્ચરલ સેન્ટરના રમાકાંત ભગતે આભાર વ્યક્ત કર્યો હતો.

પસંદ થયેલા દસ નાટકોની ભજવણી આગામી તારીખ ત્રીજી જાન્યુઆરીથી તેરમી જાન્યુઆરી, ૨૦૧૮ સુધી ભવન્સ – ચોપાટી, મુંબઈ ખાતે કરવામાં આવશે. નિર્ણાયકોએ આ ૧૧ નાટકોની પસંદગી કરતી વખતે એમ કહ્યું, આ સ્પર્ધા જોયા પછી અમને લાગે છે કે ગુજરાતી રંગભૂમિનું ભવિષ્ય ઉજ્જવળ છે. વિષયો, અભિનયકળા અને ભજવણીમાં વૈવિધ્યતા જોવા મળ્યાં છે. આ વખતે સ્પર્ધા તંદુરસ્ત રહી હતી.

નિર્ણાયકોની વાત પરથી એટલું તો સ્પષ્ટ છે કે મુંબઈના દર્શકોને આ વખતે જલસો પડી જવાનો  છે.

અંતિમ સ્પર્ધા માટે પસંદ થયેલા ૧૧ નાટકો આ મુજબ છે.

(૧) પોતપોતાનું કેનવાસ  (સમૃધ્ધિ – અમદાવાદ)

(૨) ‘ડેવી જોન્સ’ એક આંધળી વાર્તા (આઈરીસ સ્ટુડિયો- ભાવનગર)

(૩) રાવતો  (ગીત થિયેટર- વડોદરા)

(૪) બલી અને શંભુ  (એક્ષપ્રેશન ગ્રુપ – સુરત)

(૫) ધ ગેઈમ  (જહાંગીર ગ્રુપ – નવસારી)

(૬) કાચીંડો  (ક્લેપ ટ્રેપ ધ ટ્રુપ – મુંબઈ)

(૭) અભિનેત્રી  (સેવન પ્રોડકશન – સુરત)

(૮) સાત સમુંદર સહુની અંદર  (સીલ્યુટ થિયેટર્સ – સુરત)

(૯) એહતે સાબી (વૈભવ સોની – વડોદરા)

(૧૦) એક વત્તા એક અગિયાર  (થિયેટર ઓફ નેક્સટ જનરેશન – સુરત)

(૧૧) સંતાકુકડી (શિવઅંશમ પ્રોડક્શન – સુરત)

નિર્ણાયકોએ પહેલાં ૧૦ નાટક પસંદ કર્યા હતા અને શક્ય હોય તો અગિયારમું નાટક શિવઅંશમ પ્રોડક્શનના ‘સંતાકુકડી’ને સમાવવાની આયોજકોને વિનંતી કરી હતી, જે માન્ય રાખવામાં આવી.

સુરતનું શ્રી રામકૃષ્ણ એક્ષ્પોર્ટ્સ (એસઆરકે), જીવન ભારતી મંડળ (સુરત), એગ્રોસેલ ઈન્ડસ્ટ્રિઝ (ભૂજ), રાજવી જોશી- રાજ થિયેટર (મુંબઈ) જેવી સંસ્થાઓનાં સહયોગથી આ સ્પર્ધા યોજાઈ. અમદાવાદ, ભાવનગર અને સુરત પછી નાટ્યરંગ હવે મુંબઈના તખ્તે ભજવાશે. ફાઈનલ શિડ્યુલ નીચે મુજબ છેઃ

ભવન્સ-ચોપાટી, મુંબઈ ખાતે ભજવાનાર અંતિમ ૧૧ નાટકોની યાદી…

ક્રમ નાટક કયા શહેરનું ભજવણીની તારીખ સમય
સાત સમુંદર સહુની અંદર સુરત ૩-૧-૨૦૧૮ સાંજે ૭.૩૦
કાચીંડો મુંબઈ ૪-૧-૨૦૧૮ સાંજે ૭.૩૦
બલી અને શંભુ સુરત ૫-૧-૨૦૧૮ સાંજે ૭.૩૦
પોતપોતાનું કેનવાસ અમદાવાદ ૬-૧-૨૦૧૮ સાંજે ૭.૩૦
રાવતો વડોદરા ૭-૧-૨૦૧૮ બપોરે ૩.૩૦
અભિનેત્રી સુરત ૮-૧-૨૦૧૮ સાંજે ૭.૩૦
ધ ગેઈમ નવસારી ૯-૧-૨૦૧૮ સાંજે ૭.૩૦
એહતે સાબી વડોદરા ૧૦-૧-૨૦૧૮ સાંજે ૭.૩૦
એક વત્તા એક અગિયાર સુરત ૧૧-૧-૨૦૧૮ સાંજે ૭.૩૦
૧૦ સંતાકુકડી સુરત ૧૨-૧-૨૦૧૮ સાંજે ૭.૩૦
૧૧ ‘ડેવી જોન્સ’ એક આંધળી વાર્તા ભાવનગર ૧૩-૧-૨૦૧૮ સાંજે ૭.૩૦

 

(અહેવાલઃ ફયસલ બકીલી)

(તસવીરોઃ જીજ્ઞેશ મકવાણા)