Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

કેન્ડી – અહીંના પલ્લેકેલે ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાતી ત્રીજી અને સિરીઝની છેલ્લી ટેસ્ટ મેચમાં આજે બીજા દિવસે ભારતે તેના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને ચાઈનામેન બોલર કુલદીપ યાદવની મદદથી જોરદાર રીતે પકડ મેળવી લીધી છે.

ભારતના પહેલા દાવમાં હાર્દિકની કારકિર્દીની પહેલી ઈન્ટરનેશનલ સેન્ચુરી (108)ની મદદથી 487 રનનો મજબૂત સ્કોર કરી શકાયા બાદ કુલદીપ યાદવે બોલિંગમાં 40 રનમાં 4 વિકેટ પાડી દેતાં શ્રીલંકાનો પહેલો દાવ માત્ર 135 રનમાં પૂરો થયો હતો. ગૃહ ટીમના બેટ્સમેનો માત્ર 37.4 ઓવર સુધી જ ભારતના બોલરોનો સામનો કરી શક્યા હતા.

ચાઈનામેન બોલર કુલદીપ યાદવે 4 વિકેટ પાડી

ભારતને 352 રનની લીડ મળી હતી અને કેપ્ટન વિરાટ કોહલીએ શ્રીલંકાને ફોલોઓન કરવાની ફરજ પાડી હતી. દિવસને અંતે, શ્રીલંકાએ તેના બીજા દાવમાં 13 ઓવર બેટિંગ કરી હતી અને ઉપુલ થારંગા (7)ની વિકેટ ગુમાવીને 19 રન કર્યા હતા. થારંગાને ફાસ્ટ બોલર ઉમેશ યાદવે ક્લીન બોલ્ડ કર્યો હતો. કરુણારત્ને અને નાઈટવોચમેન તરીકે આવેલો પુષ્પકુમાર દાવમાં હતો.

આમ, શ્રીલંકા ભારત કરતાં હજી 333 રન પાછળ છે. જો ભારત તેની બાકીની 9 વિકેટ 333 રન પહેલા પાડવામાં સફળ થાય તો શ્રીલંકાની ધરતી પર એનો વ્હાઈટ વોશ કરનાર પહેલી ટીમ બનશે.

અગાઉ, ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ શ્રીલંકાના દાવને શરૂઆતથી જ નબળો પાડી દીધો હતો. એણે કરુણારત્ને (4) અને થારંગા (5)ની વિકેટ લઈને શ્રીલંકાને જે આરંભિક ફટકા માર્યા હતા એમાંથી તે ટીમને છેવટ સુધી કળ વળી શકી નહોતી. એ બંને બેટ્સમેનના કેચ કીપર રિદ્ધિમાન સાહાએ લીધા હતા.

કારકિર્દીની બીજી જ ટેસ્ટ રમતા કુલદીપ યાદવે છેલ્લા પાંચમાંના ચાર પૂંછડિયાઓને આઉટ કર્યા હતા.

કુશલ મેન્ડીસે 18, કેપ્ટન ચાંદીમલે 48, વિકેટકીપર ડીકવેલાએ 29, પુષ્પકુમાર અને સાંદકને 10-10 રન કર્યા હતા. મેથ્યૂસ, પરેરા અને ફર્નાન્ડો ઝીરો પર આઉટ થયા હતા. ઓફ્ફ સ્પિનર આર. અશ્વિને બે વિકેટ લીધી હતી તો હાર્દિક પંડ્યાએ મેથ્યૂસને લેગબીફોર આઉટ કર્યો હતો.

અગાઉ, સવારના સત્રમાં વડોદરાનિવાસી ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા છવાઈ ગયો હતો અને પોતાની કારકિર્દીની પહેલી ઈન્ટરનેશનલ સદી ફટકારી હતી.

લંચ પૂર્વેના સત્રમાં ભારતના 9 વિકેટે 485 રનના સ્કોર પર પંડ્યા 103 રન સાથે દાવમાં હતો. એણે આ સદી માત્ર 86 બોલમાં ફટકારી હતી જેમાં એણે સાત ચોગ્ગા અને સાત છગ્ગા ફટકાર્યા હતા. લંચ બાદ તરત જ પંડ્યા આઉટ થયો હતો અને એ સાથે ભારતનો પહેલો દાવ 487 રનમાં સમાપ્ત થઈ ગયો હતો.

ભારતે 6 વિકેટે 329ના સ્કોર પરથી આજે રમવાનું આગળ વધાર્યું હતું. ગઈ કાલે હાર્દિક 1 રન અને વિકેટકીપર રિદ્ધિમાન સાહા 13 રન સાથે દાવમાં હતો.

સાહા આજે વધુ માત્ર 3 રન જ ઉમેરી શક્યો હતો, પણ હાર્દિકે શ્રીલંકાના બોલરોની એકલે હાથે ધુલાઈ કરવાનું શરૂ કર્યું હતું. એને સાથ મળ્યો હતો કુલદીપ યાદવનો, જેણે 73 બોલ રમીને 26 ર કર્યા હતા. યાદવના આઉટ થયા બાદ મોહમ્મદ શમી જોડાયો હતો, પણ એ માત્ર 13 બોલ (8 રન) રમી શક્યો હતો.

ત્યારબાદ ઉમેશ યાદવે પંડ્યાને સાથ આપ્યો હતો જેથી વડોદરાનિવાસી બેટ્સમેન તેની સદી પૂરી કરી શક્યો હતો. લંચ વખતે ભારતનો સ્કોર 9 વિકેટે 487 રન હતો. પંડ્યા 108 અને ઉમેશ યાદવ 3 રન સાથે દાવમાં હતો.

8મા નંબરે આવીને સૌથી ઝડપી ટેસ્ટ સેન્ચુરી ફટકારનાર હાર્દિક પંડ્યા ભારતનો પહેલો બેટ્સમેન બન્યો છે.

ત્રણ ટેસ્ટની સિરીઝ ભારત પહેલી બે ટેસ્ટ જીતીને પોતાના કબજામાં લઈ ચૂક્યું છે.

ગઈ કાલે વિરાટ કોહલીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ગઈકાલે ઓપનર શિખર ધવને સદી ફટકારી હતી. 123 બોલમાં 17 ચોગ્ગા સાથે 119 રન કરીને તે આઉટ થયો હતો. તેણે અને સાથી ઓપનર લોકેશ રાહુલ (85)ની જોડીએ 188 રનની ભાગીદારી કરી હતી. ચેતેશ્વર પૂજારાએ 8, કેપ્ટન વિરાટ કોહલીએ 42, અજિંક્ય રહાણેએ 17, આર. અશ્વિને 31 રન કર્યા હતા.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS