ઓપન & ક્લોઝ…

`આટલી સાદી વાત તેમને કેમ સમજાતી નથી? ગમે તેટલી માથાફોડી કરવા છતાં નકામું છે. હું એકદમ ફ્રસ્ટ્રેટ થઈ ગયો છું.’ ફિલ નાઈટ, `નાયકી શૂઝ’ના નિર્માતા જાપાનમાં તેમના ગુરુ સામે બેસીને પોતાની સમસ્યા જણાવતા હતા. તેમનો ઉચાટ તેમના દરેક શબ્દમાંથી છલકાતો હતો અને જાપાનીઝ ગુરુ જો કે શાંતિથી નિર્વિકાર ચહેરાથી તેમને સાંભળતા હતા. તેમની વાત પૂરી થયા પછી ફિલ નાઈટે ગુરુ પાસે આશાની નજરે જોયું કે આ વિફલતામાંથી બહાર આવવા તેઓ કોઈક માર્ગ સૂચવશે. ફિલની વાત પૂરી થઈ છે એ જાણતાં ગુરુ તેમની જગ્યા પરથી ઊભા થયા. ફિલને લઈને તે ઈમારતના પાછળના દરવાજા તરફ ગયા. ત્યાંનાં ઊંચાં ઊંચાં બાંબૂનાં ઝાડ પાસે જોઈને કહ્યું,`આ બાંબૂનાં બીજ વાવ્યાં પછી આરંભમાં પાંચ વર્ષ કશું ઊગતું નથી. ઉપર કશું જ દેખાતું નથી.જો કે તે સમયમાં બાંબૂ પોતાનાં મૂળિયાં ઊંડાણમાં ફેલાવતો હોય છે. એક વાર તે મૂળિયાં પાક્કાં થઈ જાય એટલે છઠ્ઠા વર્ષે અમુક અઠવાડિયામાં જ બાંબૂનું તે ઝાડ એંશીથી નેઉ ફૂટ વધે છે. તારી ટીમ પણ મૂળિયાં ફેલાવી રહી છે. થોડું થોભ, ઈટ ટેક્સ ટાઈમ! એક વાર તેમનું શીખવાનું બરોબર થઈ જાય પછી જો કેટલી ઝડપથી તેઓ આગળ વધશે અને તને જોઈએ તે પરિણામ આપશે.’ ફિલ નાઈટ કહે છે, `આ એક માર્ગદર્શનથી હું ખાસ્સો શાંત થઈ ગયો. મારી અંદર પેશન્સ વધ્યું અને હું વ્યાપક દ્રષ્ટિકોણથી બાબતો સામે જોવા લાગ્યો, અન્યોને સમજવાનું મારા માટે આસાન બન્યું.’ ફિલ નાઈટના `શૂ ડોગ’ જીવન ચરિત્રમાંથી અને ઓનલાઈન ઈન્ટરવ્યૂઝમાંથી આ કિસ્સો મને જાણવા મળ્યો. મારા મન પર આ સંદેશ કાયમનો કંડારાઈ ગયો છે.

`ઈટ ટેક્સ ટાઈમ’ આ શબ્દ મારા સતત ઉચાટ કરતા મનને શાંત કરે છે. તેમાંથી વીણા વર્લ્ડમાં નિર્માણ થઈ `કન્ટિન્યુઅસ લર્નિંગ પ્રોસેસ.’ `જ્ઞાન ગ્રહણ કરીએ, અન્યોમાં-ટીમમાં તેનું આદાન-પ્રદાન કરીએ, એકબીજા પાસેથી શીખતા રહીએ’, આ નિશ્ચય અમે કર્યો અને સતત તે દિશામાં આગળ વધવાનું શરૂ કર્યું. આથી રોચક લર્નિંગ સેશન્સ અમે બધાં મળીને નિર્માણ કરી શક્યાં તેની અલગ ખુશી છે. તેમાંથી જ એક લીડરશિપ લર્નિંગ સેશન અથવા જેને અમે `લીડરશિપ મીટ’ કહીએ છીએ તે દર મહિનાના ચોથા ગુરુવારે હોય છે. 100થી વધુ મેનેજર્સ અને ઈનચાર્જીસ તેમાં ભાગ લે છે. સામાન્ય રીતે 3 થી 4 કલાકનું આ સેશન આઈડિયાઝ, ઈનપુટ્સ, ફીડબેક, ડિસ્કશન અને ક્નસ્ટ્રક્ટિવ કોન્વર્સેશન્સના માસ્ટર ક્લાસ બની જાય છે. આ ટીમ એટલે માણસોને ઘડતા માણસો. ઘડનારો જો બરોબર નહીં હોય તો આગળનું બધું જ બગડતું જાય છે, જેને લીધે આ બધી બાબતોને વાર લાગે તો પણ અમે શીખવું અને શીખવવું એ એક મિશન તરીકે ઝીલી લીધું. પહેલાં આપણે પરિપૂર્ણ બનીએ પછી અન્યોને સુધારવાનો આપણો અધિકાર છે આ એક સાદું સૂત્ર તેની પાછળ છે. આથી પ્રથમ અમે અમને, એટલે કે, પોતે પોતાને જોખ્યા કે હું કયા પ્રકારનો/ની લીડર છું? મારી લીડરશિપની ઓરિજિનલ સ્ટાઈલ શું છે? મારા જઠઘઝ એનાલિસિસ એટલે કે, સ્ટ્રેન્ગ્ધ, વીકનેસીસ, ઓપોર્ચ્યુનિટીઝ અને થે્રટ્સએમ ચારેય બાજુથી મેં પોતાની પરીક્ષા એકદમ પ્રામાણિકતાથી લીધી છે અને ટીમમાંના દરેકે તે લીધી હશે તેની મને ખાતરી છે. જે સ્ટ્રેન્ગ્સ છે તે વધારવી, વીકનેસીસ જાણી લઈને તેની પર માત કરવા પ્રયાસોની પરાકાષ્ઠા કરવી, ઓપોર્ચ્યુનિટી ફક્ત એક વાર દ્વાર ખખડાવે છે, જેથી હાથમાંથી છટકી જવા નહીં દેવી જોઈએ અને થે્રટ્સથી ગભરાઈ નહીં જતાં તે પડકારનો સામનો કરવો એ એકસરસાઈઝથી જ ખરેખર તો શરૂઆત થઈ. તે પછી લીડરની મહત્ત્વની ક્વોલિટી, એટલે કે, `આઈ મસ્ટ ટેક અ ચાર્જ,’ પછી તે સિચ્યુએશન હોય, પ્રોબ્લેમ હોય કે આર્ગ્યુમેન્ટ, લીડરે સામે આવવું જ જોઈએ અને તેવા લીડર આપણે છીએ ખરા? તેનું મથન થયું.

અહીં મને કેપ્ટન ચેસલી (સલી) સુલેન બર્ગર યાદ આવે છે. પંદર-એક વર્ષ પૂર્વે યુ.એસ. એરવેઝથી વિમાન ન્યૂયોર્ક જવા માટે ઊપડ્યું અને ફક્ત થોડી મિનિટમાં જ બંને એન્જિન બંધ પડી ગયાં. કોઈ મદદ શક્ય નહોતી, મૃત્યુ સામે હતું, આવા સમયે કેપ્ટન સલીએ ફક્ત બે શબ્દ ઉચ્ચાર્યા, `માય પ્લેન’ અને તે ભીષણ પ્રસંગની સંપૂર્ણ જવાબદારી લઈને વિમાન હડસન નદી પર ઉતાર્યું. 155 પ્રવાસીઓના પ્રાણ બચી ગયા. એકેય જીવિત હાનિ નહીં થઈ. તે પછી મિડિયા સામે તેમણે કહ્યું, `આ સફળતા મારી નથી, તે આખી ટીમની છે.’ આ દાખલો એટલે લીડરે કેવા હોવું જોઈએ તેનું હાર્દ છે. આપણી પર જ્યારે સંકટ આવે ત્યારે `મારું’ કહેવાની અને તેની જવાબદારી લેવાની તાકાત હોવી જોઈએ અને જ્યારે સફળતા મળે ત્યારે તે આપણા બધાની એવું કહેવાની નમ્રતા રાખવી જોઈએ. આવી ઘણી બધી ડે ટુ ડેની વાતો અમે ચર્ચા કરી. આપણી ટીમ જ્યારે આપણી પાસે રજા માગવા આવે ત્યારે આપણે પ્રથમ વાક્ય શું બોલીએ તે પરથી લીડરનું વ્યક્તિત્વ સમજાય છે. `વેરી ગૂડ, ક્યારેક તને પણ બ્રેકની જરૂર હતી. રિફ્રેશ રિજ્યુવિનેટ થઈને પાછો આવ’ કહે છે કે `હવે ફરી રજા? હાલમાં જ તો લીધી હતી?’ એવું કહીને એપ્રુવલ આપવા નાહક વિલંબ કરે છે અને પોતાનો બ્યુરોક્રેટિક એપ્રોચ બતાવી દે છે?

મારું નોલેજ અને મારી સ્પીડ વધારવા માટે હું શું પ્રયત્ન કરું છું? તે પણ મહત્ત્વનો ભાગ દરેક મિટિંગના ડિસ્કશનમાં હોય છે. અડધી મિટિંગ રિકેપ અને ડિસ્કશનમાં થયા પછી એક નવા ટોપિક તરફ અમે વળીએ છીએ, તેની પર ચર્ચા કરીએ છીએ, એક મારો ટોપિક હતો અને એક નીલનો. નીલનો પોઈન્ટ હતો, ફીડબેક સ્વીકારવી અને ફીડબેક આપવી તે દરેક લીડરનું કામ છે. આપણા વિશે કોઈ ફીડબેક આપતું હોય તો તે આપણે ખુલ્લા મનથી સ્વીકારીને, આપનાર વિશે કોઈ પણ ભેદ નહીં રાખતાં પોતાની અંદર સુધારણા કરવી તે લીડરશિપનું મહત્વનું તત્વ છે, પરંતુ જે સમયે આપણે આપણા ટીમ મેમ્બરને ફીડબેક આપીએ ત્યારે `સુધારણા’ એ બાબત કેન્દ્રસ્થાને રાખીને આપણે અનેક બાબતોનું ભાન રાખવું પડે છે. તેમાં આપણને ક્લિયર ફીડબેક આપવાનો જ હોય છે, પરંતુ તેને લીધે તે માણસને ઠેસ નહીં પહોંચે તેનું ભાન રાખવું જોઈએ. નીલે નેટફ્લિક્સના રીડ હેસ્ટિંગના `નો રુલ રુલ્સ’ પુસ્તકનો સંદર્ભ આપ્યો. નેટફ્લિક્સમાં ઓડિટોરિયમમાં સી.ઈ.ઓ. વિશે પણ ખુલ્લેઆમ ફીડબેક આપવાની છૂટ છે, કારણ કે `એકબીજાની સહાયથી એકબીજાને સુધારીએ’આ પદ્ધતિ છે. જો કે તે અલગ-અલગ દેશોમાં ફેલાવા લાગ્યું ત્યારે તેમની આ અમેરિકન પદ્ધતિ મુશ્કેલીમાં આવી. જાપાનમાં ફીડબેક ધીમેથી ફક્ત તે માણસને જ ખાનગી રીતે કહેવાની રીત છે. દેશો પ્રમાણે તેને બદલવું પડ્યું. લીડરને પણ માણસો પ્રમાણે ફીડબેક આપવાની પદ્ધતિમાં ફેરફાર કરવાનું ફાવવું જોઈએ. નીલે, તમે ટીમ મેમ્બરને કઈ રીતે ફીડબેક આપો છે અને તેમાં કઈ રીતે ફેરફાર થાય છે તેનો દાખલો આગામી મિટિંગમાં શેર કરવા માટે કહ્યું. મારો ટોપિક હતો `ઓપન એન્ડ ક્લોઝ.’

દરેક ઓર્ગેનાઈઝેશનમાં અનેક બાબતો હોય છે. પછી તે એકાદ પ્રોજેક્ટ હોય કે એકાદ પ્રોમિસ, એકાદ પ્રોબ્લેમ હોયકે એકાદ આર્ગ્યુમેન્ટ… બાબતો બનતી રહે છે અને આપણી સામે નવાં નવાં કામો તૈયાર થતાં રહે છે અને કામની વાત આવે એટલે તે કરવું જ પડે છે. અસલી લીડરને કામ ટાળવાનું નહીં આવડે. ઘણીવાર એવું બને છે કે આપણે કામની શરૂઆત કરીએ છીએ, પરંતુ તે કામ નક્કી થયા પ્રમાણે આગળ વધે ખરું? તેમાં કોઈ મુશ્કેલી તો આવતી નથી ને? અને મહત્ત્વપૂર્ણ એ છે કે તે કામ પૂર્ણ થયું ખરું? આ જોવામાં આવતું નથી અને કામ અધૂરું રહે છે, ભુલાઈ જવાય છે. આવાં અધૂરાં કામો આપણા બેક ઓફ ધ માઈન્ડમાં અધૂરાપણાનો વસવસો લઈને મુકામ કરે છે. અગાઉ સરકારી ઓફિસના ટેબલ પર ભેગી ફાઈલો દેખાતી તે રીતે. આપણા અજાણતા આપણી ક્રિયાત્મક શક્તિ પર તેની અસર થાય છે. અગાઉ મેં ક્યાંક વાંચ્યું હતું, `મોસ્ટ ઓફ ધ પીપલ ડાઈડ ડ્યુ ટુ ઈનકમ્પ્લીટ ટાસ્ક્સ.’ કામો અધૂરાં રહેવાની કેટલી મોટી કિંમત. કામ પૂર્ણ કરવું તે દરેક લીડરે શીખવું જોઈએ. કામ શરૂ કરતી વખતે તે દરેકના દ્રષ્ટિપથમાં `સ્ટાર્ટ ટુ એન્ડ’ ચિત્ર પૂર્ણપણે હોવું જોઈએ. આપણા માજી વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયી વિશે એક કિસ્સો યાદ આવ્યો. કહેવાય છે કે કારગિલ યુદ્ધના સમયે અટલજી પાસે યુદ્ધ શરૂ કરવાનો ઓર્ડર માગવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું, `જબ તક મુઝે યે પતા નહીં કી મૈ યે યુદ્ધ કબ ઔર કહાં ખત્મ કરુ તબ તક મૈં યે શુરૂ કરને કી ઓર્ડર કૈસે દૂ?’ લીડરશિપ માટે તેનાથી મોટી ટ્રેનિંગ શું હોઈ શકે? દરેક લીડરે શરૂ કરેલું કામ પૂરું કરવાની નૈતિક જવાબદારી સમજવી જોઈએ. ક્યારેક અમુક પ્રોજેક્ટ્સ બંધ પણ કરવા પડશે અને તે પણ લીડરને ફાવવું જોઈએ.

અતિશય સમાજોપયોગી વિચારમાંથી નેનો કારનો જન્મ થયો. જો કે અમુક કારણોસર જનતાએ તેને નકારી. આવા સમયે પરાણે આગળ વધવાને બદલે નિષ્ફળતા સ્વીકારી અને પ્રોજેક્ટ બંધ કરીને પારદર્શી રીતે તેનું કમ્યુનિકેશન કર્યું. `ક્લીન ક્લોઝર’ એવું આ વિશે કહી શકાય. ક્યારેક પ્રોજેક્ટ અવરોધાય ત્યારે એક પૉઝ આપવો, રિફ્લેક્ટ કરવું, રી-અલાઈન અથવા રિજેક્ટ કરવાનો નિર્ણય લેવાનું બહુ મહત્ત્વનું છે. અમે આ મિટિંગમાં દસ મિનિટની એક એસાઈનમેન્ટ પણ કરી જેમાં આ સો જણે તેમની પાસેનાં હાલના જ પૂર્ણ થયેલાં કામો અને ઘણા સમયથી પડતર કામની લિસ્ટ બનાવી અને પૂર્ણ કર્યાની ખુશી અને અધૂરું રહ્યાનું દુઃખ આ બંનેનું મનોમન મંથન કર્યું. એકાદ બાબત, પછી તે શિક્ષણ હોય કે બિઝનેસ પ્રોજેક્ટ, શરૂ કરીને તે અધૂરી છોડવાનું નુકસાન આપણા બધાએ જ અનેક વાર અનુભવ્યું હશે. મહાભારતના અભિમન્યુનો દાખલો તો આપણી સામે સદીઓથી છે. ચક્રવ્યૂહ ભેદીને અંદર પ્રવેશવાનું શિક્ષણ તો તેને મળ્યું હતું, પરંતુ તેમાંથી બહાર આવવાનું નહીં અને તેનું પરિણામ આવવું જોઈએ તે જ આવ્યું. કોડેકનું પણ આવું જ છે. 1975માં સ્ટીવ નામે એન્જિનિયરે કોડેકમાં પ્રથમ ડિજિટલ કેમેરા તૈયાર કર્યો અને તે મેનેજમેન્ટને બતાવ્યો, પરંતુ તેને કારણે આપણો ફિલ્મ બિઝનેસ જોખમમાં આવશે એ ભયથી તે શોધ અભેરાઈએ ચઢાવી દીધી. 2000 વર્ષમાં જ્યારે ડિજિટલ રિવોલ્યુશનથી દુનિયા વ્યાપ્ત બની ત્યારે પણ કોડેકે ગંભીરતા સમજી નહીં અને એક સમયે દુનિયા પર રાજ કરનારી કંપનીએ 2012માં દેવાળિયું ફૂંક્યું. સમયસર જૂની બાબતોને અલવિદા કરવી અને નવી સ્વીકારવી તે અનિવાર્ય છે. જો આવું નહીં કરી શકાય તો સમય આપણને કોડેકની જેમજ ક્લોઝર આપે છે. કહેવાનું તાત્પર્ય એ જ કે શરૂ કરેલું કામ પૂર્ણ કરવું, કોઈને પ્રોમિસ કર્યું હોય તો તે અચૂક ડિલિવરી કરવી, એકાદ વાદ-વિવાદમાંથી માર્ગ કાઢવો, આપણા લાઈફ પાર્ટનર સાથે થયેલી તૂ-તૂ મૈ-મૈ દિવસ પૂરો થવા પૂર્વે ખતમ કરાય તે લીડરશિપનાં અથવા સારા વ્યક્તિત્વનાં લક્ષણો છે. તેમાં આપણે જેટલું પ્રાવીણ્ય મેળવીશું તેટલું આનંદિત જીવન જીવી શકીશું. ક્લોઝર એટલે લીડરશિપ અને કમ્પ્લીશન એટલે રિસ્પેક્ટઃ માણસોનો, સમયનો અને પ્રોસેસનો.

(વીણા પાટીલ)

veena@veenaworld.com

(વીણા પાટીલ, નીલ પાટીલ અને સુનિલા પાટીલના દર અઠવાડિયે અખબારોમાં પ્રસિદ્ધ થતા લેખ વીણા વર્લ્ડની વેબસાઇટ veenaworld.com પર વાંચવા માટે ઉપલબ્ધ છે.)