Home Blog Page 5636

મહાત્મા ગાંધીને વડાપ્રધાનના વંદન

મહાત્મા ગાંધીની 148મી જન્મ જયંતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં રાજઘાટ પર મહાત્મા ગાંધીની સમાધિ પર જઈને બે હાથ જોડીને નમન કર્યા હતા, તેમજ સમાધિની પ્રદક્ષિણા કરી હતી.

રાષ્ટ્રપિતા ગાંધીજીને રાષ્ટ્રપતિની શ્રદ્ધાંજલિ

આજે બીજી ઓકટોબરને ગાંધીની 148મી જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નવી દિલ્હીના રાજઘાટ પર આવેલ મહાત્મા ગાંધીની સમાધિ પર ફૂલ ચઢાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

રાષ્ટ્રનાયક, રાષ્ટ્રનિર્માતા, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને ૧૪૮મી જન્મજયંતી નિમિત્તે ભાવપૂર્ણ સ્મરણાંજલિ

૭૦ વર્ષ પહેલાં જેમની આગેવાની નીચે ચાલેલી અહિંસક લડત બાદ ભારત અંગ્રેજોનાં શાસનની ચુંગાલમાંથી મુક્ત બની એક આઝાદ દેશ બન્યો હતો, જન માનસમાં નવી આશાઓ અને આકાંક્ષાઓ સાથે એ દિવસથી એક નવા, સ્વતંત્ર ભારતના ઈતિહાસનું નવું પ્રકરણ શરુ થયું હતું, એવા આઝાદીની ચળવળના સૂત્રધાર મહાત્મા ગાંધીની આજે ૧૪૮મી જન્મતિથિ છે. બીજી ઓક્ટોબર,૧૮૬૯ (ભાદરવા વદ બારસ, વિ.સં ૧૯૨૫)ના રોજ ગુજરાતના પોરબંદર શહેરમાં જન્મેલા મોહનદાસ કરમચંદ ગાંધી એક બાળકમાંથી ઉન્નત પ્રકારનું જીવન જીવીને વિશ્વમાં મહાત્મા ગાંધીના નામે અમર બની ગયા.

મહાત્મા ગાંધીએ ગુજરાત અને ભારતને ગૌરવ અપાવ્યું છે.

એવા વિશ્વવંદનીય ગાંધીજીનું આજે એમની જન્મ જયંતીએ સ્મરણ કરી, એમણે ચરિતાર્થ કરેલા જીવન મૂલ્યોને આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ એ જ બાપુને સાચી શ્રધાંજલિ આપી ગણાશે.

ગાંધીજી આજીવન સત્ય અને અહિંસાના માર્ગ પર ચાલ્યા હતા. એમના એ સિદ્ધાંતોને સમગ્ર દુનિયાએ અપનાવ્યા છે. માટે જ એમના જન્મદિવસને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

(હિંદુસ્તાનની આઝાદી વિશે ગાંધીજીનો સ્વર સાંભળો)

પાંચમી વન-ડે જીતવા સાથે ભારતનો 4-1થી શ્રેણીવિજય…

વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળ ભારતીય ક્રિકેટ ટીમે 1 ઓક્ટોબર, રવિવારે નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન મેદાન પર રમાયેલી પાંચમી અને સિરીઝની છેલ્લી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં 7-વિકેટથી જીત મેળવીને સિરીઝ 4-1થી જીતી લીધી હતી. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મીથે ટોસ જીત્યા બાદ એની ટીમે તેના હિસ્સાની 50 ઓવરમાં 9 વિકેટના ભોગે 242 રન કર્યા હતા. તેના જવાબમાં ભારતે રોહિત શર્માના શાનદાર 124 રન, અજિંક્ય રહાણેના 61 અને બંને વચ્ચે 124 રનની ઓપનિંગ ભાગીદારી, વિરાટ કોહલીના 39 રનની મદદથી 42.5 ઓવરમાં 3 વિકેટના ભોગે 243 રન કરીને મેચ જીતી લીધી હતી. રોહિત શર્માને પ્લેયર ઓફ ધ મેચ અને હાર્દિક પંડ્યાને ઓલરાઉન્ડ દેખાવ બદલ પ્લેયર ઓફ ધ સિરીઝ ઘોષિત કરવામાં આવ્યો છે.

રોહિત શર્માની 14મી સદી: ભારતે પાંચમી વન-ડેમાં ઓસ્ટ્રેલિયાને 7-વિકેટથી હરાવી શ્રેણી 4-1થી જીતી

નાગપુર – વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળની ભારતીય ક્રિકેટ ટીમે બેંગલુરુમાં ચોથી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં મળેલા પરાજયથી ચેતી જઈને આજે અહીં વિદર્ભ ક્રિકેટ એસોસિએશન મેદાન પર રમાયેલી પાંચમી અને શ્રેણીની છેલ્લી મેચમાં ઓસ્ટ્રેલિયાને 7-વિકેટથી સજ્જડ રીતે હરાવી દીધું છે અને સિરીઝને 4-1થી હાંસલ કરી આ મુકાબલાનું સમાપન કર્યું છે.

આજની મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મીથે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પણ ભારતના બોલરોના કડક બોલિંગને કારણે ઓસ્ટ્રેલિયાની ટીમ પોતાના હિસ્સાની 50 ઓવરમાં 9 વિકેટના ભોગે માત્ર 242 રન જ કરી શકી હતી.

તેના જવાબમાં ભારતે ઓપનર રોહિત શર્માના 125 રન, અજિંક્ય રહાણે (61) સાથે એની પહેલી વિકેટ માટેની 124 રનની ભાગીદારી અને કેપ્ટન વિરાટ કોહલી (39) સાથે બીજી વિકેટ માટે 99 રનની ભાગીદારીની મદદથી 42.5 ઓવરમાં 3 વિકેટના ભોગે 243 રન કરીને મેચ જીતી લીધી હતી. કેદાર જાધવ 5 અને મનીષ પાંડે 11 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.

કારકિર્દીની 14મી સદીવાળા દાવમાં રોહિત શર્માએ કુલ 109 બોલનો સામનો કર્યો હતો અને એ દરમિયાન 11 ચોગ્ગા અને 5 છગ્ગા ઝીંક્યા હતા. રોહિત શર્માએ આ સાથે વન-ડે ક્રિકેટમાં 6000 રન પૂરા કરી લીધા છે. તદુપરાંત, ભારતમાં વન-ડે ક્રિકેટમાં 2000 રન સૌથી ઝડપે પૂરા કરનાર બેટ્સમેન બન્યો છે.

અજિંક્ય રહાણે (61) – શર્મા સાથે 124 રનની ભાગીદારી

ઓસ્ટ્રેલિયાના દાવમાં ભારતનો સૌથી સફળ બોલર રહ્યો હતો ડાબોડી સ્પિનર અક્ષર પટેલ. એણે પોતાના હિસ્સાની 10 ઓવરમાં માત્ર 38 રન આપીને 3 વિકેટ લીધી હતી. એના શિકાર બેટ્સમેનો હતા – ડેવિડ વોર્નર (53), હેન્ડ્સકોમ્બ (13) અને ટ્રેવિસ હેડ (42).

વોર્નર અને આરોન ફિન્ચ (32)એ પહેલી વિકેટ માટે 66 રન કર્યા હતા. કેપ્ટન સ્ટીવ સ્મીથે 16, માર્કસ સ્ટોઈનીસે 46, વિકેટકીપર મેથ્યૂ વેડે 20, જેમ્સ ફોકનરે 12 રન કર્યા હતા.

ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાએ બે વિકેટ મેળવી હતી તો ભૂવનેશ્વર કુમાર, હાર્દિક પંડ્યા અને કેદાર જાધવે એક-એક બેટ્સમેનને આઉટ કર્યો હતો.

રોહિત શર્માને ‘પ્લેયર ઓફ ધ મેચ’, હાર્દિક પંડ્યાને ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’ ઘોષિત કરવામાં આવ્યો છે.

ઓસ્ટ્રેલિયા પરની આ શ્રેણી જીત સાથે ભારતીય ક્રિકેટ ટીમે વન-ડે ક્રિકેટમાં ફરી નંબર-1 રેન્ક હાંસલ કરી લીધી છે.

મોટા ભાગના હિન્દુઓ બિનસાંપ્રદાયિક છે એટલે ભારત દેશ બિનસાંપ્રદાયિક છેઃ કુરૈશી (ભૂતપૂર્વ વડા ચૂંટણી કમિશનર)

નવી દિલ્હી – ભૂતપૂર્વ વડા ચૂંટણી કમિશનર એસ.વાય. કુરૈશીનું કહેવું છે કે ભારતીય સમાજમાં અસહિષ્ણુતા વધી રહી છે એ સાચી વાત છે, પરંતુ એ લાંબો સમય નહીં ટકે, કારણ કે મોટા ભાગના હિન્દુ લોકો બિનસાંપ્રદાયિક (સેક્યૂલર) છે.

કુરૈશીએ ભારપૂર્વક એમ પણ જણાવ્યું છે કે નફરતનું વાતાવરણ બહુ લાંબું નહીં ટકે, કારણ કે ભારતના મૂળભૂત સિદ્ધાંતો બિનસાંપ્રદાયિક છે અને એ ટક્યા છે. અનેક મુસ્લિમ દેશોની સરખામણીમાં ભારતમાં મુસ્લિમોની સ્થિતિ ઘણી જ સારી છે.

કુરૈશીએ કહ્યું કે, ભારતમાં અસહિષ્ણુતા વાસ્તવમાં વધી રહી છે, એ છેલ્લા પાંચ-દસ વર્ષથી વધી રહી છે. એ તબક્કાવાર રહી છે. એની શરૂઆત બાબરી મસ્જિદ વિવાદથી થઈ હતી, પણ ત્યારબાદ એ ઘટી હતી. બાદમાં એણે ફરીથી માથું ઊંચક્યું હતું. ચૂંટણીઓ અને વોટ-બેન્કનું રાજકારણ એને પ્રોત્સાહિત કરે છે.

કુરૈશીએ વધી રહેલી અસહિષ્ણુતા માટે વિભાજનકારી મત-બેન્ક રાજકારણને જવાબદાર ગણાવ્યું છે.

કુરૈશીએ હિન્દીમાં લખેલા પુસ્તક ‘લોકતંત્ર કે ઉત્સવ કી અનકહી કહાની’નું તાજેતરમાં જ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ વિમોચન કર્યું હતું. આ પુસ્તકની અંગ્રેજી આવૃત્તિ ટૂંક સમયમાં પ્રકાશિત થનાર છે.

કુરૈશી હાલ અન્ય બે પુસ્તક પણ લખી રહ્યા છે – ફેમિલી પ્લાનિંગ ઈન ઈસ્લામ અને ઈલેક્ટોરલ રીફોર્મ્સ ઈન સાઉથ એશિયા. ઈસ્લામમાં કુટુંબ નિયોજન વિશેનું પુસ્તક ત્રણેક મહિનામાં જ રિલીઝ થશે.

ડાબા હાથ વિના જન્મેલો ગુરુદાસ રાઉત જબરો નેટ બોલર છે

વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમ દુનિયાની એક પછી એક ટીમને શ્રેણીમાં હરાવીને હાલ જોરદાર ફોર્મમાં રહી છે ત્યારે સૌનું ધ્યાન એક વિકલાંગ ક્રિકેટર તરફ આકર્ષિત થયું છે. આ વિશિષ્ટ ક્રિકેટર છે ગુરુદાસ રાઉત, જે નાગપુરનો રહેવાસી છે. એને જન્મથી જ ડાબો હાથ નથી. છતાં એ ગજબનો ઉત્સાહી ક્રિકેટર છે. એ નેટ બોલર તરીકે જાણીતો છે અને નાગપુરમાં જ્યારે ભારતીય ક્રિકેટ ટીમ મેચ રમવા આવે ત્યારે આપણા ખેલાડીઓને વિદર્ભ ક્રિકેટ એસોસિએશનના મેદાન ખાતે નેટ પ્રેક્ટિસ કરાવવા માટે એ બોલિંગ કરવા અચૂક પહોંચી જાય છે.

એક વખત ગુરુદાસે નેટમાં બોલિંગ કરીને મહાન બેટ્સમેન સચીન તેંડુલકરને ક્લીન બોલ્ડ કરી બતાવ્યો હતો.

ગુરુદાસ માત્ર બોલિંગ કરે છે એટલું જ નહીં, એ બેટિંગ પણ કરે છે અને સરસ ફિલ્ડિંગ પણ સરસ કરી જાણે છે.

બેટિંગમાં એણે ડાબોડી ફાસ્ટ બોલર ઈરફાન પઠાણને પ્રભાવિત કર્યો હતો તો એક વાર દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન ડેવિડ મિલરે ફટકારેલા બોલને કેચ કરીને સૌને અચંબામાં પાડી દીધા હતા.

ગુરુદાર રાઉત કહે છે, ભૂતકાળમાં ઘણા લોકો મારી મજાક ઉડાવતા હતા, મને ધમકી આપતા હતા અને મારી નકલ કરીને પજવતા હતા. એવા લોકોનું કહેવું હતું કે એક હાથવાળો છોકરો ક્રિકેટર કેવી રીતે બની શકે. ‘પરંતુ આજે હું ક્રિકેટર બની ગયો છું. ‘તું તો અપંગ છે, આઘો રહે નહીં તો વાગી જશે, તારો જમણો હાથ પણ જતો રહેશે’ એવી પણ કેટલાકે કમેન્ટ્સ કરી હતી, પણ એવું સાંભળવાની મને હવે આદત પડી ગઈ છે. ક્રિકેટની રમત પ્રત્યેનો મારો પ્રેમ જરાય ઓછો થયો નથી, ઊલટાનું એ વધતો જ ગયો છે, અને આજે હું ક્રિકેટર બની ગયો છું. હું મારી મજાક ઉડાવનારાઓને કોઈ જવાબ આપતો નથી,’ એમ ગુરુદાસ કહે છે.

ગુરુદાસ નાગપુરમાં સ્થાનિક રેશિમબાગ ક્રિકેટ ક્લબના ગ્રાઉન્ડ ખાતે એકવાર મેચ જોવા ગયો હતો. ત્યાં સ્ટેન્ડમાં ઊભીને એના એક મિત્ર સાથે ચા પીતો હતો. એવામાં એક બેટ્સમેને ફટકો માર્યો હતો અને બોલ એ બંનેની તરફ આવતો દેખાયો હતો. ગુરુદાસે પળવારની પણ રાહ જોયા વગર પોતાનો ચાનો કપ ફેંકી દીધો હતો અને એકલા જમણા હાથે બોલને કેચ કરી લીધો હતો. લેધર બોલવાળી ક્રિકેટ સાથે પોતાનો એ પહેલો સીધો કોન્ટેક્ટ હતો, એવું ગુરાદાસ કહે છે. ‘એ ઘટના પછી ત્યારબાદ ઉત્તમ મિશ્રાએ મને એમની ક્લબમાં સામેલ કર્યો હતો. ત્યાં મને કોચની મદદ અપાઈ હતી અને ક્રિકેટની સામગ્રી પણ આપવામાં આવી હતી.’

2006માં ગુરુદાસે મહારાષ્ટ્રના વિકલાંગ ક્રિકેટરોની ટીમમાં સ્થાન પણ મેળવ્યું હતું. પાકિસ્તાનના વિકલાંગ ક્રિકેટરોની ટીમ જ્યારે ભારતના પ્રવાસે આવી હતી ત્યારે ગુરુદાસ ભારતીય ટીમનો કેપ્ટન હતો. એ વખતે ભારતે પાકિસ્તાન સામેની વન-ડે મેચોની સિરીઝ 3-0થી જીતી હતી.

ગુરુદાસ રાઉત રોજ બેથી ત્રણ કલાક સુધી ક્રિકેટની પ્રેક્ટિસ કરે છે અને જિમ્નેશિયમમાં જઈને કસરત પણ કરે છે.

ગુરુદાસ ઓસ્ટ્રેલિયા સામે પાંચમી વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમવા નાગપુર આવેલી ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીને પણ મળ્યો હતો.

યાત્રાધામ શિર્ડીમાં ઈન્ટરનેશનલ એરપોર્ટનું રાષ્ટ્રપતિ કોવિંદે કર્યું ઉદઘાટન, પહેલી ફ્લાઈટ મુંબઈ રવાના થઈ

શિર્ડી (મહારાષ્ટ્ર) – મહારાષ્ટ્ર રાજ્યના અને દેશનાં પ્રસિદ્ધ યાત્રાધામ શિર્ડી ખાતે એરપોર્ટ શરૂ કરવામાં આવ્યું છે. એહમદનગર જિલ્લામાં આવેલા શિર્ડીમાં નવા બંધાયેલા એરપોર્ટની આજે લોકાર્પણ વિધિ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંપન્ન કરી હતી. આ સાથે જ દુઃખીઓનાં બેલી એવા સાઈબાબાના સમાધી સ્થળ મંદિર માટે જગપ્રસિદ્ધ આ યાત્રાધામ ખાતેથી વિમાન સેવાનો આરંભ થયો છે.

સવારે 10.30 વાગ્યે શિર્ડી એરપોર્ટ પર ઉતરાણ કરનાર સૌપ્રથમ વિમાન રાષ્ટ્રપતિ કોવિંદનું હતું, જેઓ નવી દિલ્હીથી આવી પહોંચ્યા હતા.

શિર્ડીમાં એરપોર્ટ શરૂ થવાથી રાજ્યના આર્થિક પાટનગર મુંબઈથી શિર્ડી માત્ર 40 મિનિટમાં પહોંચી શકાશે. શિર્ડી યાત્રાધામ મુંબઈથી આશરે 238 કિ.મી. દૂર આવેલું છે.

શિર્ડીથી મુંબઈ ઉપરાંત દિલ્હી, ભોપાળ તથા અન્ય અમુક શહેરો માટે વિમાન સેવા શરૂ કરવાનું નક્કી કરાયું છે, પણ હાલપૂરતું શિર્ડીથી મુંબઈ વિમાન સેવા ઉપલબ્ધ થશે. ધીમે ધીમે અન્ય શહેરો સુધી એ સેવા લંબાવવામાં આવશે.

આજે અહીંથી રવાના કરાયેલી પહેલી ફ્લાઈટ મુંબઈ માટેની હતી – એલાયન્સ એરની. રાષ્ટ્રપતિ કોવિંદે લીલી ઝંડી બતાવીને ફ્લાઈટને રવાના કરાવી હતી. એ પ્રસંગે મહારાષ્ટ્રના રાજ્યપાલ વિદ્યાસાગર રાવ, કેન્દ્રીય સિવિલ એવિએશન પ્રધાન અશોક ગજપતિ રાજુ, મહારાષ્ટ્રના મુુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ઉપસ્થિત રહ્યા હતા. યોગાનુયોગ, રાષ્ટ્રપતિ કોવિંદનો આજે 71મો જન્મદિવસ છે.

એક સાથે આવેલી રજાઓ અને વિજયાદશમીના મુહૂર્તને લીધે હજારો ભાવિકો સાઈબાબાના દર્શન માટે શિર્ડી આવ્યા છે.

દેશભરમાંથી આવેલા લાખો ભાવિકોને દર્શનનો લાભ મળી રહે એ માટે સાઈ મંદિર ગઈ કાલે આખી રાત ચાલુ રાખવામાં આવ્યું હતું.

શિર્ડી સ્થિત સાઈબાબા મંદિર સાઈબાબાના મહાનિર્વાણનું 100મું વર્ષ મનાવી રહ્યું છે એ અવસરે તેમજ વિજયાદશમીના તહેવારને ધ્યાનમાં લઈને શિર્ડીના એરપોર્ટનું આજે ઉદઘાટન કરવામાં આવ્યું છે.

શિર્ડી એરપોર્ટે ગયા મહિને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) સંસ્થા પાસેથી કમર્શિયલ વિમાનસેવા શરૂ કરવા માટેનું એરોડ્રોમ લાઈસન્સ હાંસલ કર્યું હતું.

યાત્રાધામ શિર્ડીમાં દરરોજ આશરે 60 હજાર લોકો સાઈબાબા મંદિરે દર્શન કરવા આવતા હોય છે. આમાંના 10-12 ટકા લોકો વિમાન સેવાનો લાભ લે એવો એરપોર્ટ સત્તાવાળાઓનો અંદાજ છે.

એરોડ્રોમનું માલિકીપણું અને વિકાસની જવાબદારી મહારાષ્ટ્ર એરપોર્ટ ડેવલપમેન્ટ કંપની (MADC)એ પોતાને હસ્તક લીધી છે.