ડાબા હાથ વિના જન્મેલો ગુરુદાસ રાઉત જબરો નેટ બોલર છે

વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમ દુનિયાની એક પછી એક ટીમને શ્રેણીમાં હરાવીને હાલ જોરદાર ફોર્મમાં રહી છે ત્યારે સૌનું ધ્યાન એક વિકલાંગ ક્રિકેટર તરફ આકર્ષિત થયું છે. આ વિશિષ્ટ ક્રિકેટર છે ગુરુદાસ રાઉત, જે નાગપુરનો રહેવાસી છે. એને જન્મથી જ ડાબો હાથ નથી. છતાં એ ગજબનો ઉત્સાહી ક્રિકેટર છે. એ નેટ બોલર તરીકે જાણીતો છે અને નાગપુરમાં જ્યારે ભારતીય ક્રિકેટ ટીમ મેચ રમવા આવે ત્યારે આપણા ખેલાડીઓને વિદર્ભ ક્રિકેટ એસોસિએશનના મેદાન ખાતે નેટ પ્રેક્ટિસ કરાવવા માટે એ બોલિંગ કરવા અચૂક પહોંચી જાય છે.

એક વખત ગુરુદાસે નેટમાં બોલિંગ કરીને મહાન બેટ્સમેન સચીન તેંડુલકરને ક્લીન બોલ્ડ કરી બતાવ્યો હતો.

ગુરુદાસ માત્ર બોલિંગ કરે છે એટલું જ નહીં, એ બેટિંગ પણ કરે છે અને સરસ ફિલ્ડિંગ પણ સરસ કરી જાણે છે.

બેટિંગમાં એણે ડાબોડી ફાસ્ટ બોલર ઈરફાન પઠાણને પ્રભાવિત કર્યો હતો તો એક વાર દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન ડેવિડ મિલરે ફટકારેલા બોલને કેચ કરીને સૌને અચંબામાં પાડી દીધા હતા.

ગુરુદાર રાઉત કહે છે, ભૂતકાળમાં ઘણા લોકો મારી મજાક ઉડાવતા હતા, મને ધમકી આપતા હતા અને મારી નકલ કરીને પજવતા હતા. એવા લોકોનું કહેવું હતું કે એક હાથવાળો છોકરો ક્રિકેટર કેવી રીતે બની શકે. ‘પરંતુ આજે હું ક્રિકેટર બની ગયો છું. ‘તું તો અપંગ છે, આઘો રહે નહીં તો વાગી જશે, તારો જમણો હાથ પણ જતો રહેશે’ એવી પણ કેટલાકે કમેન્ટ્સ કરી હતી, પણ એવું સાંભળવાની મને હવે આદત પડી ગઈ છે. ક્રિકેટની રમત પ્રત્યેનો મારો પ્રેમ જરાય ઓછો થયો નથી, ઊલટાનું એ વધતો જ ગયો છે, અને આજે હું ક્રિકેટર બની ગયો છું. હું મારી મજાક ઉડાવનારાઓને કોઈ જવાબ આપતો નથી,’ એમ ગુરુદાસ કહે છે.

ગુરુદાસ નાગપુરમાં સ્થાનિક રેશિમબાગ ક્રિકેટ ક્લબના ગ્રાઉન્ડ ખાતે એકવાર મેચ જોવા ગયો હતો. ત્યાં સ્ટેન્ડમાં ઊભીને એના એક મિત્ર સાથે ચા પીતો હતો. એવામાં એક બેટ્સમેને ફટકો માર્યો હતો અને બોલ એ બંનેની તરફ આવતો દેખાયો હતો. ગુરુદાસે પળવારની પણ રાહ જોયા વગર પોતાનો ચાનો કપ ફેંકી દીધો હતો અને એકલા જમણા હાથે બોલને કેચ કરી લીધો હતો. લેધર બોલવાળી ક્રિકેટ સાથે પોતાનો એ પહેલો સીધો કોન્ટેક્ટ હતો, એવું ગુરાદાસ કહે છે. ‘એ ઘટના પછી ત્યારબાદ ઉત્તમ મિશ્રાએ મને એમની ક્લબમાં સામેલ કર્યો હતો. ત્યાં મને કોચની મદદ અપાઈ હતી અને ક્રિકેટની સામગ્રી પણ આપવામાં આવી હતી.’

2006માં ગુરુદાસે મહારાષ્ટ્રના વિકલાંગ ક્રિકેટરોની ટીમમાં સ્થાન પણ મેળવ્યું હતું. પાકિસ્તાનના વિકલાંગ ક્રિકેટરોની ટીમ જ્યારે ભારતના પ્રવાસે આવી હતી ત્યારે ગુરુદાસ ભારતીય ટીમનો કેપ્ટન હતો. એ વખતે ભારતે પાકિસ્તાન સામેની વન-ડે મેચોની સિરીઝ 3-0થી જીતી હતી.

ગુરુદાસ રાઉત રોજ બેથી ત્રણ કલાક સુધી ક્રિકેટની પ્રેક્ટિસ કરે છે અને જિમ્નેશિયમમાં જઈને કસરત પણ કરે છે.

ગુરુદાસ ઓસ્ટ્રેલિયા સામે પાંચમી વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમવા નાગપુર આવેલી ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીને પણ મળ્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]