મોટા ભાગના હિન્દુઓ બિનસાંપ્રદાયિક છે એટલે ભારત દેશ બિનસાંપ્રદાયિક છેઃ કુરૈશી (ભૂતપૂર્વ વડા ચૂંટણી કમિશનર)

નવી દિલ્હી – ભૂતપૂર્વ વડા ચૂંટણી કમિશનર એસ.વાય. કુરૈશીનું કહેવું છે કે ભારતીય સમાજમાં અસહિષ્ણુતા વધી રહી છે એ સાચી વાત છે, પરંતુ એ લાંબો સમય નહીં ટકે, કારણ કે મોટા ભાગના હિન્દુ લોકો બિનસાંપ્રદાયિક (સેક્યૂલર) છે.

કુરૈશીએ ભારપૂર્વક એમ પણ જણાવ્યું છે કે નફરતનું વાતાવરણ બહુ લાંબું નહીં ટકે, કારણ કે ભારતના મૂળભૂત સિદ્ધાંતો બિનસાંપ્રદાયિક છે અને એ ટક્યા છે. અનેક મુસ્લિમ દેશોની સરખામણીમાં ભારતમાં મુસ્લિમોની સ્થિતિ ઘણી જ સારી છે.

કુરૈશીએ કહ્યું કે, ભારતમાં અસહિષ્ણુતા વાસ્તવમાં વધી રહી છે, એ છેલ્લા પાંચ-દસ વર્ષથી વધી રહી છે. એ તબક્કાવાર રહી છે. એની શરૂઆત બાબરી મસ્જિદ વિવાદથી થઈ હતી, પણ ત્યારબાદ એ ઘટી હતી. બાદમાં એણે ફરીથી માથું ઊંચક્યું હતું. ચૂંટણીઓ અને વોટ-બેન્કનું રાજકારણ એને પ્રોત્સાહિત કરે છે.

કુરૈશીએ વધી રહેલી અસહિષ્ણુતા માટે વિભાજનકારી મત-બેન્ક રાજકારણને જવાબદાર ગણાવ્યું છે.

કુરૈશીએ હિન્દીમાં લખેલા પુસ્તક ‘લોકતંત્ર કે ઉત્સવ કી અનકહી કહાની’નું તાજેતરમાં જ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ વિમોચન કર્યું હતું. આ પુસ્તકની અંગ્રેજી આવૃત્તિ ટૂંક સમયમાં પ્રકાશિત થનાર છે.

કુરૈશી હાલ અન્ય બે પુસ્તક પણ લખી રહ્યા છે – ફેમિલી પ્લાનિંગ ઈન ઈસ્લામ અને ઈલેક્ટોરલ રીફોર્મ્સ ઈન સાઉથ એશિયા. ઈસ્લામમાં કુટુંબ નિયોજન વિશેનું પુસ્તક ત્રણેક મહિનામાં જ રિલીઝ થશે.