રોહિત શર્માની 14મી સદી: ભારતે પાંચમી વન-ડેમાં ઓસ્ટ્રેલિયાને 7-વિકેટથી હરાવી શ્રેણી 4-1થી જીતી

નાગપુર – વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળની ભારતીય ક્રિકેટ ટીમે બેંગલુરુમાં ચોથી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં મળેલા પરાજયથી ચેતી જઈને આજે અહીં વિદર્ભ ક્રિકેટ એસોસિએશન મેદાન પર રમાયેલી પાંચમી અને શ્રેણીની છેલ્લી મેચમાં ઓસ્ટ્રેલિયાને 7-વિકેટથી સજ્જડ રીતે હરાવી દીધું છે અને સિરીઝને 4-1થી હાંસલ કરી આ મુકાબલાનું સમાપન કર્યું છે.

આજની મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મીથે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પણ ભારતના બોલરોના કડક બોલિંગને કારણે ઓસ્ટ્રેલિયાની ટીમ પોતાના હિસ્સાની 50 ઓવરમાં 9 વિકેટના ભોગે માત્ર 242 રન જ કરી શકી હતી.

તેના જવાબમાં ભારતે ઓપનર રોહિત શર્માના 125 રન, અજિંક્ય રહાણે (61) સાથે એની પહેલી વિકેટ માટેની 124 રનની ભાગીદારી અને કેપ્ટન વિરાટ કોહલી (39) સાથે બીજી વિકેટ માટે 99 રનની ભાગીદારીની મદદથી 42.5 ઓવરમાં 3 વિકેટના ભોગે 243 રન કરીને મેચ જીતી લીધી હતી. કેદાર જાધવ 5 અને મનીષ પાંડે 11 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.

કારકિર્દીની 14મી સદીવાળા દાવમાં રોહિત શર્માએ કુલ 109 બોલનો સામનો કર્યો હતો અને એ દરમિયાન 11 ચોગ્ગા અને 5 છગ્ગા ઝીંક્યા હતા. રોહિત શર્માએ આ સાથે વન-ડે ક્રિકેટમાં 6000 રન પૂરા કરી લીધા છે. તદુપરાંત, ભારતમાં વન-ડે ક્રિકેટમાં 2000 રન સૌથી ઝડપે પૂરા કરનાર બેટ્સમેન બન્યો છે.

અજિંક્ય રહાણે (61) – શર્મા સાથે 124 રનની ભાગીદારી

ઓસ્ટ્રેલિયાના દાવમાં ભારતનો સૌથી સફળ બોલર રહ્યો હતો ડાબોડી સ્પિનર અક્ષર પટેલ. એણે પોતાના હિસ્સાની 10 ઓવરમાં માત્ર 38 રન આપીને 3 વિકેટ લીધી હતી. એના શિકાર બેટ્સમેનો હતા – ડેવિડ વોર્નર (53), હેન્ડ્સકોમ્બ (13) અને ટ્રેવિસ હેડ (42).

વોર્નર અને આરોન ફિન્ચ (32)એ પહેલી વિકેટ માટે 66 રન કર્યા હતા. કેપ્ટન સ્ટીવ સ્મીથે 16, માર્કસ સ્ટોઈનીસે 46, વિકેટકીપર મેથ્યૂ વેડે 20, જેમ્સ ફોકનરે 12 રન કર્યા હતા.

ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાએ બે વિકેટ મેળવી હતી તો ભૂવનેશ્વર કુમાર, હાર્દિક પંડ્યા અને કેદાર જાધવે એક-એક બેટ્સમેનને આઉટ કર્યો હતો.

રોહિત શર્માને ‘પ્લેયર ઓફ ધ મેચ’, હાર્દિક પંડ્યાને ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’ ઘોષિત કરવામાં આવ્યો છે.

ઓસ્ટ્રેલિયા પરની આ શ્રેણી જીત સાથે ભારતીય ક્રિકેટ ટીમે વન-ડે ક્રિકેટમાં ફરી નંબર-1 રેન્ક હાંસલ કરી લીધી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]