Home Blog Page 5635

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુજરાતને ODF જાહેર કર્યું

પોરબંદરઃ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિના અવસરે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરની મુલાકાત લીધી હતી. રાષ્ટ્રપતિ કોવિંદે અહીં સ્વચ્છ ભારત અભિયાન હેઠળ આયોજિત સમારોહમાં ભાગ લીધો હતો. રાષ્ટ્રપતિએ પોરબંદર ખાતે માંગરોળ ફેઝ-3 ફિશિંગ હાર્બરનું ખાતમુહૂર્ત કર્યું હતું તેમ જ 45 ગામોને પીવાનું પાણી પહોંચાડવાની યોજનાનું ઉદઘાટન કર્યું હતું.

ગાંધી જયંતિ નિમિત્તે તેમણે ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. ત્યારબાદ રાષ્ટ્રપતિએ કીર્તિ મંદિરમાં ગ્રામીણ ગુજરાતને ખુલ્લામાં શૌચથી મુક્ત રાજ્ય ઘોષિત કરવા માટે આયોજિત એક કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું.રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગ્રામીણ ગુજરાતને ખુલ્લામાં શૌચથી મુક્ત રાજ્ય જાહેર કર્યું હતુ.

રાષ્ટ્રપતિએ આ પ્રસંગે સંબોધન કરતા જણાવ્યું હતુ કે આ શુભ દિવસ પર મહાત્મા ગાંધીજીના જન્મસ્થળની મુલાકાત લેવી મારા માટે સૌભાગ્યની વાત છે. કોવિંદે જણાવ્યું કે ગ્રામીણ ઓડીએફના લક્ષ્યને પ્રાપ્ત કરતા ગુજરાતે ગાંધીજીને સાચી શ્રદ્ધાંજલિ આપી છે. કોવિંદે જણાવ્યું કે સ્વચ્છતા માત્ર સફાઈ કર્મચારીઓની અને સરકારી વિભાગોની જ જવાબદારી નથી પરંતુ આ તમામ લોકોએ સાથે મળીને કરવાનું એક રાષ્ટ્રીય અભિયાન છે. કોવિંદે જણાવ્યું કે 2 ઓક્ટોબર 2019 સુધીમાં સ્વચ્છ ભારત મિશનના લક્ષ્યોને પ્રાપ્ત કરવા તે મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ પર તેમને આપવામાં આવેલી સાચી શ્રદ્ધાંજલિ હશે. ગુજરાત દ્વારા આજે આ દિશામાં એક મોટું પગલું ભરવામાં આવ્યું છે.

ગુજરાત સીએમની માછીમાર સહાય જાહેરાતઃ રુ. 4 લાખ આપશે

માંગરોળ– મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતના સાગરખેડુ માછીમાર પરિવારો માટે માંગરોળમાં જાહેરાત કરતાં કહ્યું કે પાકિસ્તાન જેલમાં બંધક માછીમારના મૃત્યુના કિસ્સામાં રાજ્ય સરકાર તેના પરિવારજનોને 4 લાખ રુપિયાની સહાય આપશે..  માછીમારી દરમિયાન ગુમ કે લાપતા થવાના કિસ્સામાં અગાઉ મૃત્યુ સહાય આપવામાં 7 વર્ષનો સમય થતો હતો તે 1 વર્ષ માં જ આપી દેવાશે. આવા લાપતા કે ગૂમ માછીમારના પરિવાજનોને પણ 4 લાખની સહાય અપાશે.સીએમ વિજય રૂપાણીએ માગરોળમાં બંદર વિકાસકામોની કેટલીક જાહેરાતો કરી છે

માંગરોળ માટે કુલ રૂ. 1,173 કરોડના મૂલ્યના વિકાસકાર્યોની જાહેરાત

રૂ.૨૯૪ કરોડના ખર્ચે નવાબંદર ફિશિંગ હાર્બર
 નવાબંદરમાં રૂ. 294 કરોડના ખર્ચે 22 હેક્ટર ઓનશોર અને ઓફશોર જમીનમાં યુરોપિયન યુનિયનના ધારાધોરણો અનુસારનું ફિશિંગ હાર્બર. આ હાર્બર 1,000 બોટને સમાવી શકશે.

કુલ રૂ. ૮૮૦ કરોડના ખર્ચે માઢવાડ, પોરબંદર ફેઝ-૨, વેરાવળ ફેઝ-૨, અને સૂત્રાપાડા ખાતે ફિશિંગ હાર્બર
 રૂ. 160 કરોડના ખર્ચે માઢવાડમાં 22 હેક્ટરમાં ફિશિંગ હાર્બર બનશે, જેમાં કુલ 569 બોટ લાંગરી શકશે
 રૂ. 146 કરોડના ખર્ચે સૂત્રાપાડામાં 15 હેક્ટર જમીન ઉપર ફિશિંગ હાર્બર બનશે.
 આ ફિશિંગ હાર્બર 1,200 બોટને ધ્યાનમાં રાખીને બનશે.
 રૂ. 200 કરોડના ખર્ચે વેરાવળના વર્તમાન ફિશિંગ હાર્બરના વિકાસનો દ્વિતીય તબક્કો હાથ ધરાશે.
 વેરાવળમાં 4500 બોટ લાંગરી શકે એવી રીતે ફેઝ-2ની રચના
 રૂ. 373 કરોડના ખર્ચે પોરબંદર ફિશિંગ હાર્બરના વિસ્તરણનો દ્વિતીય તબક્કો હાથ ધરાશે
 આ તબક્કો 4,500 બોટને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કર્યો છે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ?

અહેવાલ- ભરત પંચાલ

ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં યોજાશે, તેવો નિર્દેશ કર્યો છે. અમિત શાહે પોરબંદરમાં ગુજરાત ગૌરવ યાત્રા દરમિયાન કહ્યું હતું કે ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં થશે. અમિત શાહે આજે કરેલ નિવેદન ખુબ મોટું માનવામાં આવી રહ્યું છે, જે નિવેદન પછી તમામ પક્ષો એલર્ટ થયા છે અને હવે રાજકારણ પણ ગરમાશે.

અમિત શાહના નિવેદન પછી તેના કેટલાય અર્થ કાઢવામાં આવી રહ્યા છે. હજી સુધી ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખની સત્તાવાર જાહેરાત કરી નથી, તે પહેલાં જ અમિત શાહે નિર્દેશ આપી દીધો છે.

આ દરમિયાન અમિત શાહે રાહુલ ગાંધી પર શાબ્દિક હૂમલો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધી ગુજરાતી ચશ્માં પહેરવાની જરૂરિયાત છે, જે ઈટાલીમાં ન બન્યા હોય તેવા. ત્યાર પછી તેમને ગુજરાતમાં વિકાસ દેખાશે. જો રાહુલ ગાંધીને ગુજરાતના સ્વપ્ન આવતા હોય તો તેને પુરા કરવા માટે તેમણે ઈટાલી નહી, પોરબંદર આવવું પડશે.

વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થયા પહેલા જ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. હમણાં જ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સૌરાષ્ટ્રના ત્રણ દિવસના પ્રવાસે આવ્યાં હતાં. દ્વારકાધીશના દર્શન કરીને તેમણે રોડ શો કર્યો હતો, ત્યારે તેમણે રાજ્ય સરકારની ખૂબ ટીકા કરી હતી. વિકાસનું શું થયું, ત્યારે ગ્રામજનો કહેતાં હતા કે વિકાસ ગાંડો થયો છે. પીએમ મોદીને કામગીરી પર પણ તેમણે આલોચના કરી હતી. પીએમ મોદી એક પછી એક જુઠ્ઠુ બોલી રહ્યાં છે, અને લોકોને ભરમાવી રહ્યા છે. તેઓ એટલું બધું જુઠ્ઠુ બોલ્યાં છે કે વિકાસ પાગલ થઈ ગયો છે.

જવાબમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચારના બ્યુગલ ફૂંકવા માટે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ ગુજરાતમાં ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. આ યાત્રાની શરૂઆત તેમણે કરમસદથી કરાવી છે, જે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું જન્મસ્થાન છે. આજે અમિત શાહે બીજી ગૌરવ યાત્રા પોરબંદરથી શરૂ કરાવી છે. રાહુલ ગાંધીના સૌરાષ્ટ્ર પ્રવાસ પછી ગૌરવ યાત્રા કાઢીને ભાજપ જનતાને સરકારની કામગીરી અને યોજનાઓની જાણકારી આપશે. તેમાંય ખાસ કરીને પટેલોને આકર્ષવાનો પ્રયાસ કરશે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાજ્ય ચૂંટણીપંચે મતદાર યાદી અપડેટ કરવાથી માંડીને વીવીપેટ મશીનથી મતદાન કરાવવા સુધીની તૈયારીઓ કરી છે. ભાજપ, કોંગ્રેસ, આપ, અને શંકરસિંહ બાપુનો જનવિકલ્પ પક્ષે કમર કસી લીધી છે. ચૂંટણીપ્રચારના પ્લાનિંગ ચાલી રહ્યા છે. પ્રદેશ ચૂંટણી ઈન્ચાર્જ અરૂણ જેટલી બે વખત ગુજરાત આવીને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપી ગયાં છે. ગુજરાત વિધાનસભામાં હાલ 182 ધારાસભ્યોની બેઠક છે. જેમાં હાલ ભાજપના 118 ધારાસભ્યો છે. અમિત શાહે 150 પ્લસનો ટાર્ગેટ આપ્યો છે. આમ જોવા જઈએ તો ગુજરાતમાં અંદાજે 22 વર્ષથી ભાજપની સરકાર સત્તામાં રહી છે.

હવે પીએમ મોદી ફરીથી 7-8 ઓકટોબરે ગુજરાત આવી રહ્યા છે, નરેન્દ્ર મોદી બે દિવસમાં અનેક લોકાર્પણ અને ખાત મુહૂર્તના કાર્યક્રમમાં હાજરી આપશે. તેમજ જાહેરસભાની સંબોધન પણ કરશે. તાજેતરમાં જ તેઓ જાપાનના વડાપ્રધાન શિન્ઝો એબે સાથે બુલેટ ટ્રેનનું ખાતમુહૂર્ત કરી ગયા છે. તેમજ રાહુલ ગાંધી પણ બીજી વખત 9-10-11 ઓકટોબર મધ્ય ગુજરાતના ગામડાઓને ખુંદશે, અને કોંગ્રેસના રાજની સિદ્ધિઓને વર્ણવશે. બીજી તરફ શંકરસિંહ બાપુ પણ જનસંવેદના યાત્રા લઈને ગુજરાતના ગામડે ગામડે ફરી રહ્યાં છે. ગુજરાતમાં જનવિકલ્પ આવી ગયો છે, એમ કહીને ચૂંટણીપ્રચાર કરી રહ્યાં છે. એટલે આ વખતે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ-આપ અને જનવિકલ્પ પક્ષ એમ કુલ ચાર પક્ષો વચ્ચે ચૂંટણી લડાશે. જો કે ગુજરાતની જનતાએ બે જ પક્ષને સ્વીકાર્યો છે, એવું અત્યાર સુધીનો ઈતિહાસ બોલે છે.

પણ અમિત શાહે બીજી ઓકટોબરે ગાંધી જયંતિના દિવસે ગુજરાતમાં ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ચૂંટણી યોજવાનો નિર્દેશ આપ્યો છે. આ વખતની ચૂંટણીમાં ખરાખરીનો જંગ મડાશે. કારણ કે પાટીદારો અને ઠાકોર ભાજપની સરકારની સામે ઉભા છે. હવે જોવાનું એ રહે છે કે ભાજપ પાટીદારો અને ઠાકોરોને કેવી રીતે મનાવી લે છે.

આરબ યુવતીઓ મોંઘીદાટ એસયુવી દોડાવતી થશે તો…

સાઉદી અરેબિયા ઉજ્જડ પ્રદેશ હતો. આજે પણ છે, પણ હવે ત્યાં ક્રૂડને કારણે રેલમછેલ છે. પાણીની નહીં પણ પેટ્રોલની રેલમછેલને કારણે અરબ દેશો તથા ખાડીના દેશોમાં મોટી કાર ફેશન બની છે. યુરોપ, અમેરિકા અને જાપાનની મોંઘી એસયુવી રણના ઢુવામાં દોડાવવાનો શેખોને શોખ હોય છે. પણ આવી કાર ચલાવતી કોઈ યુવતી જોવા મળી જાય તો તે જોણું કહેવાય. કેમ કે રૂઢિચૂસ્ત આરબ સમાજમાં મહિલાઓને હજીય બુરખામાં રખાય છે અને તેમને કાર ડ્રાઇવિંગની છૂટ નથી.આ સ્થિતિમાં પરિવર્તન આવી રહ્યું છે. પરિવર્તન ખાનગીમાં આવવા લાગ્યું હતું અને ઘણા ભદ્ર પરિવારમાં મહિલાઓ કાર ચલાવતી થઈ હતી. પણ કાળજી લેવાતી હતી કે કોઈ તસવીર ના પાડે. જો મહિલા કાર ચલાવતી જોવા મળે તો તેનો વિડિયો વાઇરલ થઈ જાય. અરેબિયન યુવતીઓ બુરખો ફેંકના ડાન્સ કરતી હોય કે રમતો રમતી હોય તેવા વિડિયો જોવા મળી જાય છે, પણ તે અપવાદ, નિયમ નહોતો.

હવે નિયમ આવવાનો છે. નિયમ આવતા વર્ષે 2018માં આવશે અને આરબ મહિલાઓને પણ કાર ચલાવવાની છૂટ મળી જશે.

સાઉદી અરેબિયા પર વિશાળ રાજવી પરિવારની પકડ છે, પણ તેમાંય હાલમાં ફેરફારો થયા છે. થોડી ઉદાર એવી નવી પેઢીના હાથમાં શાસન આવ્યું છે. તેથી જાહેરાત થઈ છે કે 2018ના વર્ષમાં કાર ડ્રાઇવિંગની છૂટ મળી જશે. અનાલ અલ શરીફ નામની યુવતીની ધરપકડ 2011માં થઈ હતી. તેણે આ નિયમ ભંગ કરીને ધરપકડ વહોરી લીધી હતી. સોશિયલ મીડિયામાં પણ મનાલ સક્રિય હતી તેથી આ મામલો ચગ્યો હતો. તેણે આ નવો નિયમ જાહેર થયો અને છૂટ મળી તે પછી ઓનલાઇન ખુશી વ્યક્ત કરતાં લખ્યું કે સાઉદી અરેબિયા બદલાઇ જશે. એક એક જળબિંદુથી જ વરસાદ વરસે છે.મનાલને આશા છે તેવી આશા અનેક આરબ યુવતીઓને પણ છે. ક્રૂડને કારણે સમૃદ્ધિ આવી છે, પણ તેને જાહેરમાં માણી શકાતી નથી. પોતાના દરિયાકિનારે બિકીની પહેરીને ફરી શકાય નહીં. તેથી યુરોપ અને અમેરિકાના બીચ પર બિકીનીમાં ફરવા જવા માટે લાખો ડોલર ખર્ચાતા રહ્યાં છે. જોકે કાળજી એટલી લેવાની કે તેની તસવીરો લીક ના થાય. ભવિષ્યમાં એવી ચિંતા પણ ના કરવી પડે અને આરબ દેશોમાં નિયમોમાં ફેરફાર કરીને વધારે સામાજિક મોકળાશ આવશે તેવી આશા નવી પેઢીને છે.
શેખ સલમાને જાહેરાત કરી તે સાથે જ કેટલીક નારીઓ તો કાર લઇને નીકળી પડી હતી. આવી તસવીરો સોશિયલ મીડિયામાં ફરવા લાગી છે. જોકે મહિલાઓને લાયસન્સ આવતા વર્ષે જ અપાશે, પણ ત્યાં સુધીય યુવતીઓ રાહ જોવા માગતી નથી એમ લાગે છે. મંજૂરી ના મળે તો ડ્રાઇવિંગ શા માટે શીખવું એમ માનીને બેસી રહેલી બાનુઓની પૂછપરછ ડ્રાઇવિંગ સ્કૂલોમાં વધી છે. મહિલાઓ માટે ખાસ ડ્રાઇવિંગ ક્લાસ ખોલવા પડે તેવી સ્થિતિ રાતોરાત ઊભી થઈ છે.

પાટવી કુંવર તરીકે રહેલા 32 વર્ષના મોહમ્મદ બિન સલમાન સત્તાના ફેરબદલમાં કિંગ બની ગયા છે. તેમણે પ્રથમથી જ સુધારા માટેની ઝૂંબેશ ઉપાડી લીધી છે અને તેના કારણે હવે બીજી બાબતોમાં પણ મોકળાશ આવશે તેવી અપેક્ષા છે. મોહમ્મદ બિન સલમાન બિઝનેસ સંબંધોના કારણે પશ્ચિમના દેશોમાં વધારે આવનજાવન કરતાં રહ્યા છે. તેની અસર નીચે સાઉદી સમાજમાં મોકળાશ માટેની તેની ઈચ્છા સામે સ્થાનિક વિરોધ પણ હતો, પરંતુ નવી પેઢીમાંથી તેમને સમર્થન મળ્યું છે. અઢળક ધનસંપત્તિ છે, ત્યારે આ વૈભવને ભોગવવા આડે આવતી મર્યાદાઓ તોડી નાખવા નવી પેઢી તૈયાર છે.

જોકે સુધારાની ગતિ કેટલી રહેશે તે નક્કી નથી. કેમ કે દુનિયાભરમાં વહાબી જેહાદી આતંકવાદ માટે નાણાં ધીરતું સાઉદી અરેબિયા રાતોરાત કંઈ ઉદારવાદી દેશ થઈ જાય નહીં. વહાબી પંથ વધારે ચૂસ્ત છે અને ધર્મના નામે બેડીઓ નાખવા માટે મૌલવીઓ તત્પર રહેવાના જ છે. ભૂતકાળમાં પણ મહિલાઓને શિક્ષણ આપવા સહિતના થોડા સુધારાની કોશિશ થયેલી ત્યારે વિરોધ થયો હતો. ઘરના વડીલની મંજૂરી વિના દીકરી ભણી શકે નહિ. તેથી સરકારે શિક્ષણની છૂટ આપી હોય, પણ દીકરીને ઘરેથી ભણવાની મંજૂરી મળે નહી.
પરંતુ આ વખતે કદાચ નવા રાજા વધારે ગંભીર લાગે છે, કેમ કે ડ્રાઇવિંગ લાયસન્સ લેતા પહેલાં મહિલાએ પોતાના પરિવારના વડાની એટલે કે પુરુષની મંજૂરી લેવી પડશે નહી તેવી સ્પષ્ટતા અમેરિકા ખાતેના સાઉદી અરેબિયાના રાજદૂતે કરી છે. સ્ત્રી કારમાં એકલી પ્રવાસ ના કરે, બહાર નીકળે તો સાથે કોઈ પુરુષ હોવો જોઈએ તેવો નિયમ પણ છે. પણ કાર ડ્રાઇવિંગની મંજૂરી સાથે મહિલા એકલી પ્રવાસ પણ કરી શકશે તેવી છૂટ આપોઆપ મળી જશે એવો અણસાર રાજદૂતે આપ્યો છે. પણ સુધારાનો આ અણસાર કેટલો આગળ વધે છે અને વાસ્તવિક કેટલો બને છે તે માટે ચીલાચાલુ રીતે કહેતા હોઈએ છીએ તે કહીએ કે સમય જ તે કહી શકશે.

વિમાની ભાડામાં થઈ શકે છે 15 ટકા જેટલો વધારો

નવી દિલ્હી- વિમાની સેવાના ભાડા પર 15 ટકા વધારે ખર્ચ કરવો પડશે. કારણકે એરલાઈન્સ કંપનીઓ 10-15 ટકા ભાડુ વધારવા માટેનો વિચાર કરી રહી છે. હકીકતમાં ઓગસ્ટ મહિનાથી એવિએશન ટર્બાઈન ફ્યુઅલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ એટીએફની કીમત 6 ટકા વધારવાનો નિર્ણય કર્યો છે. ડૉલરના મુકાબલે રૂપિયો સસ્તો થઈ રહ્યો હોવાના કારણે પ્લેનમાં વપરાતું ઈંધણ મોંઘુ થઈ રહ્યું છે.
તાજેતરમાં આવેલી વૃદ્ધી બાદ દિલ્હી માર્કેટમાં એટીએફ 3,025 પ્રતિ કિલો લીટર મોંઘુ થઈ ગયું છે અને આની કીમત 50,020 રૂપિયાથી વધીને 53,045 પ્રતિ કિલોલીટર થઈ ગઈ છે. એક જ મહિનામાં સતત ત્રીજીવાર ભાવ વધારો થયો છે. ગત મહિને એટીએફનો ભાવ પણ 4 ટકા વઘી ગયો છે.

જો કે એરલાઈન્સ કંપનીઓ ઓન રેકોર્ડ કશું જ કહી નથી રહી, પરંતુ એટીએફના ભાવો સતત વધવાના કારણે અને રૂપિયાનો ભાવ ઓછો થઈ રહ્યો હોવાની બેવડી અસરને પહોંચી વળવા માટે ભાડુ વધારવા સિવાય અન્ય કોઈ યોગ્ય વિકલ્પ એરલાઈન્સ કંપનીઓ પાસે નથી. ભાડુ ન વધારવાનો અર્થ એ થાય કે વર્તમાન એરલાઈન્સ કંપનીઓને પણ કિંગફિશર એરલાઈન્સ જેવી પરિસ્થિતીઓનો સામનો કરવો પડી શકે. એરલાઈન્સ સાથે જોડાયેલા સત્તાવાર સુત્રોના જણાવ્યા અનુસાર અમે લોકો ભાડુ વધારવા પર જલ્દી કોઈ નિર્ણય લઈશું, ફ્લાઈટને મેન્ટેઈન રાખવાનો ખર્ચ વધી ગયો છે જેથી અમારે આ રકમ યાત્રી પાસેથી જ વસુલવી પડશે.

પપેટ દ્વારા સ્વચ્છતાનો સંદેશ

આજે બીજી ઓકટોબર ગાંધી જયંતિના દિવસે અમદાવાદના ગાંધી આશ્રમના દરવાજા પાસે એક ફેમીલી દ્વારા પપેટ દ્વારા સ્વચ્છતાનો સંદેશ અપાઈ રહ્યો હતો. ગાંધી આશ્રમમાં પ્રવેશતાં તમામને પપેટ દ્વારા સ્વચ્છતાં સંદેશ અપાતાં બાળકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. (તસ્વીર- પ્રજ્ઞેશ વ્યાસ)

અમદાવાદઃ ગાંધી આશ્રમમાં પ્રાર્થનાસભા

બીજી ઓકટોબર, સોમવારે મહાત્મા ગાંધીજીની 148મી જન્મજયંતી નિમિત્તે ગાંધીજીના સંસ્મરણોના ભાગ રૂપે અમદાવાદના સાબરમતી આશ્રમ (ગાંધી આશ્રમ)માં પ્રાર્થનાસભાનું આયોજન કરાયું હતું. જેમાં શહેરના અગ્રણીઓ અને આશ્રમના ટ્રસ્ટીઓ મોટી સંખ્યામાં સામેલ થયા હતા. (તસવીરો: પ્રજ્ઞેશ વ્યાસ)ગાંધી આશ્રમમાં ભુલકાઓએ મહાત્મા ગાંધીજીને પુષ્પમાળા અને સુતરની આંટી પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પી હતી, અને ગાંધીજીનો પાઠ ભણ્યા હતા.

કશ્મીરઃ પૂંચમાં પાકિસ્તાને કર્યું સીઝ ફાયરનું ઉલ્લંઘન, 3 નાગરિકોના મોત, પાંચ ઘાયલ

નવી દિલ્હી- જમ્મુ અને કશ્મીરના પૂંચ જિલ્લામાં સરહદ પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલા ફાયરિંગમાં એક 10 વર્ષના એક બાળક સહિત 3 વ્યક્તિનુ મોત થયું છે, જ્યારે પાંચ અન્ય સ્થાનિક નાગરિકો ઘાયલ થયા છે. મૃતક બાળકની ઓળખ અહમદના રૂપમાં થઈ છે. પાકિસ્તાની સેનાએ કર્ની ક્ષેત્રમાં આજે સવારે આશરે 6.30 કલાકે ભારે ફાયરિંગ કર્યું હતુ. પ્રાપ્ત માહિતી અનુસાર ભારતીય સેના આ હુમલાઓનો મજબૂત રીતે વળતો જવાબ આપી રહી છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સેના દ્વારા ભારતીય ચોકીઓ પર કોઈપણ પ્રકારના કારણ વગર ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. ભારતીય સેના પણ પાકિસ્તાનના ફાયરિંગનો જડબાતોડ જવાબ આપી રહી છે. તો બીજી બાજુ કેરન સેક્ટરમાં સુરક્ષાદળોએ ઘૂસણખોરીની કોશિશ કરી રહેલા વ્યક્તિઓને અટકાવ્યા હતા અને એક ઘૂસણખોરને મોતને ઘાટ ઉતાર્યો હતો. ત્યારે આ તમામ વિસ્તારમાં સેના દ્વારા અત્યારે સર્ચ ઓપરેશન ચાલુ છે.

ટેરર ફંડિંગ કેસઃ NIAને મળ્યા સજ્જડ પુરાવા, નહી બચી શકે હુર્રિયતના નેતાઓ

નવી દિલ્હી- ટેરર ફંડિંગ કેસની તપાસ કરી રહેલી નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીને આખરે હુર્રિયતના મોટા નેતાઓ વિરૂદ્ધ પૂરતા પુરાવાઓ મળી ગયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ પુરાવાઓના આધારે હવે સૈયદ અલી શાહ ગિલાની, મીરવાઈઝ ઉમર ફારૂક અને યાસિન મલિક જેવા મોટા અલગાવવાદી નેતાઓ પર ગાળીયો કસવા માટેની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ કેસમાં પાંચ આરોપીઓ છે અને અન્ય પુરાવાને દંડ પ્રક્રિયા સંહિતાની કલમ 164 અંતર્ગત નોંધવામાં આવ્યા છે, જે અદાલતમાં માન્ય હોય છે. નિવેદનોમાં બતાવવામાં આવી રહ્યું છે કેવી રીતે હુર્રિયતના ટોચના નેતાઓએ પાકિસ્તાનથી કાશ્મીરમાં આતંક અને હિંસા ફેલાવવા માટે ફંડ એકત્ર કર્યું હતું.તો આ સિવાય ધરપકડ કરાયેલા એક શખ્સના ઘરે પાડવામાં આવેલા દરોડા દરમિયાન એનઆઈએને કેટલાય એવા દસ્તાવેજો પ્રાપ્ત થયા છે જે હવાલા દ્વારા પાકિસ્તાન સ્થિત સ્ત્રોતોથી હુર્રિયત નેતાઓ સુધી ફંડ પહોંચાડ્યા હોવાની તમામ વાતનો પર્દાફાશ કરે છે. માનવામાં આવી રહ્યું છે કે કોર્ટમાં આ દસ્તાવેજો હુર્રિયતના નેતાઓને બેનકાબ કરવા માટે પુરતા છે.

પુરાવાઓના આધારે હવે સૈયદ અલી શાહ ગિલાની, મીરવાઈઝ ઉમર ફારૂક અને યાસિન મલિક જેવા મોટા અલગાવવાદી નેતાઓ પર ગાળીયો કસવા માટેની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. જોકે સરકારમાં રહેલા એક વર્ગનુ એવું પણ માનવું છે કે આ તકનો ઉપયોગ હુર્રિયત નેતાઓને કશ્મીર પર સરકારનું વલણ લાવવા માટે કરવામાં આવવો જોઈએ. સંયોગ એવો બન્યો છે ધરપકડ કરાયેલા કેટલાક અન્ય લોકોએ પણ મેજીસ્ટ્રેટ સામે પોતાનું નિવેદન નોંધવાવા માટેની ઈચ્છા વ્યક્ત કરી છે. જો કે એનઆઈએ તેમને પુરાવા બનાવવા માટેના પક્ષમાં નથી, તે તેમને આ કેસમાં આરોપી તરીકે જ જોવા માંગે છે.

ખીર

ખીર સ્વાદિષ્ટ બનાવવા માટે ચોખા ધોયા બાદ તેમાં
એકાદ ચમચી દેશી ઘીનું મોણ નાંખો.