Home Blog Page 5634

આખરે હનીપ્રીત સામે આવી, કહ્યું કે હું અને મારા પપ્પા નિર્દોષ છીએ

નવી દિલ્હી- ડેરા સચ્ચા સોદાના પ્રમુખ ગુરમીત રામ રહિમને સજા બાદ ફરાર થયેલી તેમની કહેવાતી પુત્રી હનીપ્રીત આખરે સામે આવી છે. પોલિસને સતત ચકમો આપીને ફરાર રહેતી હનીપ્રીત મીડિયાના કેમેરામાં કેદ થઈ હતી અને પોતાને બેગુનાહ સાબિત કરતી હતી. હનીપ્રીતે રામ રહીમને પુરી રીતે નિર્દોષ બતાવ્યા અને કહ્યું કે પપ્પા અને મારો સંબંધ અતિ પવિત્ર છે. સુત્રોમાંથી મળેલી માહિતી પ્રમાણે હનીપ્રીત ગમે ત્યારે આત્મસમર્પણ કરે તેવી શકયતા છે.

હનીપ્રીતે જણાવ્યું કે હવે તે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં જશે અને કાયદાકીય સલાહ લેશે. આપને જણાવી દઈએ કે હનીપ્રીત રાજદ્રોહના કેસનો સામનો કરી રહી છે. પંચકૂલામાં હિંસા ભડકાવવાના આરોપમાં હનીપ્રીત વિરૂદ્ધ સેક્ટર-5 પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. હનીપ્રીત પર આરોપ છે તે તેણે સાધ્વીઓ સાથે રેપ કરવાના મામલામાં દોષીત રામ રહીમને પોલિસ કસ્ટડીમાંથી છોડાવવા માટે એક ષડયંત્ર રચ્યું હતુ.

હનીપ્રીતે મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે મને કશી જ ખબર નથી કે હું કેવી રીતે હરિયાણાથી દિલ્હી આવી. હવે હરિયાણા પંજાબ હાઈકોર્ટમાં હું જઈશ. તો સરેન્ડર કરવાની વાતને લઈને હનીપ્રીતે જણાવ્યું કે હું કાયદાકીય રીતે સલાહ લઈશ. હનીપ્રીતે જણાવ્યું કે હું નેપાળ ગઈ જ નથી હું તો અહીંયા ભારતમાં જ રહી છું. તેણે જણાવ્યું કે હું એટલી ડરી ગઈ હતી કે મારી માનસિક સ્થિતી હું તમારી સમક્ષ નહી વર્ણવી શકું. મને કોઈપણ જાતની પ્રક્રિયાની પણ ખબર નથી. તો રામ રહિમની ધરપકડ વખતે હનીપ્રીત રામ રહિમ સાથે દેખાઈ હતી, આ સવાલ પર જવાબ આપતા હનીપ્રીતે જણાવ્યું કે હું કોર્ટની મંજૂરી બાદ મારા પપ્પા સાથે ગઈ હતી.

દરેક મહિલા માટે અનિવાર્ય એવો ‘મી ટાઈમ’!

જના સમયમાં આપણે મોબાઈલની બેટરી ચાર્જ કરવાનું નથી ચૂકતાં, પણ પોતાને ચાર્જ કરવાનું કેમ અવગણીએ છીએ! સવારે 6 વાગ્યે ઉઠીને ચા-નાસ્તો તૈયાર કરવાનો, બાળકોને સ્કૂલે મોકલવાના, પતિદેવ ઓફિસ ન જાય ત્યાં સુધી નાના-મોટા કામ માટે પણ ઘરમાં દોડાદોડી કરતી મહિલા.કે પછી સવારે ઉઠીને, ચા-નાસ્તો કરીને, ઓફિસ જવામાં મોડું ન થાય તેમ વિચારતા વિચારતા ફટાફટ ઘરની બહાર નીકળતી એક મહિલા.

સવારનો સમય કોઈ પણ મહિલા માટે થકાવનારો હોય છે એ સમજી શકાય. પણ આખો દિવસ થાકની ફરિયાદ કરતા રહીએ તો ક્યાં મેળ આવવાનો? હા, ઘરની અને પરિવારની તમામ જવાબદારી મહત્ત્વની છે તો તમારા માટે એ દિવસનો થોડોઘણો સમય પણ એટલો જ મહત્ત્વનો છે ને!આખરે, તમેહકદાર છો એ સમયના! અને એ પણ તમને ગમે, તમને પસંદ હોય એવી રીતે! જોથોડું પણ પ્લાન કરો તો દિવસની 30 કે 60 મિનીટ તમને રીચાર્જ કરી શકે છે. જેમ‘પાવર નેપ’ પછી તાજગીનો અનુભવ થાય, તેવી જ રીતે આ ગણતરીનો સમય પણ તમને બાકીના સમય માટે વધુ કાર્યક્ષમ અને ખુશનુમા બનાવે છે.

અહીં વાત થઇ રહી છે મહિલાઓના મિત્ર એવા ‘મી ટાઈમ’ વિશે. આ‘મી ટાઈમ’ એટલે‘મારો ટાઈમ’, ‘મારો સમય’ જે સંપૂર્ણપણે મારો હોય! વિચારીને જ કેટલી મજા આવી જાય, નહીં! તમને પણ થતું હશે ને કે દિવસનો થોડો સમય એવો હોય કે જેમાંમને ઈચ્છા થાય તો ટીવી જોઉં, કંઇક ને કંઇક ખાધા કરું, કે પછી કોઈ બૂક વાંચું કે કોઈની સાથે ફોન પર વાત કરું. કે પછી યોગા કે કસરત જ કેમ ન કરું! કંઈ પણ જે મને ગમે, મેરી મરજી.

આ‘મી ટાઈમ’ દરેક મહિલાને પ્રિય હોવો જોઈએ. કારણ કે એ તમારા માટે છે, તમારા પોતાના માટે. એ ટાઈમ પછી 10 મિનીટનો હોય કે 2 કલાકનો. તમેઘણી વાર એવું જોયું હશે કે કોઈ મહિલા તેને ગમતી પ્રવૃત્તિ કરે પછી એકદમ ફ્રેશ દેખાય. તેનો થાક જાણે ઓછો થઇ ગયો તેવું લાગે! કારણ કે ‘મી ટાઈમ’માં તમે જેવા છો, તેવા જ રહો છો. કોઈ બાહ્ય દેખાડો તેમાં નથી હોતો. એ સમય તમે ફક્ત તમારા માટે જીવો છો. એવામાં જો આ ‘મી ટાઈમ’ને તમારા જીવનનું અભિન્ન અંગ બનાવી દેવાય તો તમે દરેક પળ, દરેક દિવસને એન્જોય કરવા લાગશો.

સરળ ભાષામાં કહીએ તો, જેમ કોઈ પણ મશીનનેચોક્કસ સમય પર સર્વિસિંગની જરૂર પડે તેમ આપણી પણ સર્વિસ થવી જોઈએ ને!હા, છ-બાર મહીને, થાક ઉતારવા વેકેશન પર જઈ આવીએ એ અલગ વસ્તુ છે, પણ દરરોજ જો આ ટેવ પાડવામાં આવે તો તમારી અંદર આવતા સકારાત્મકબદલાવને તમારી સાથે તમારી આસપાસના લોકો પણ અનુભવશે. આ‘મી ટાઈમ’ તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે, તો બીજી ઘણી રીતે આ ‘મી ટાઈમ’ તમને ફાયદો પણકરાવી શકે છે:

‘મી ટાઈમ’ કેમ જરૂરી છે?

  • તમને તમારી જાત સાથે રૂબરૂ કરાવે છે જે આજના આ ફાસ્ટ સમયમાં જાણે ક્યાંય ખોવાઈ ગયું છે.
  • અન્ય કામ અને સમય માટે તમને સજ્જ બનાવે છે.
  • તમારા નજીકના સંબંધો વધુ મજબૂત બનાવે છે.
  • તમને એક સરળ જીવનથી રૂબરૂ કરાવે છે જ્યાં કોઈ હરીફાઈ નથી.
  • તમારા વિશે વિચારવાનો સમય તમને મળે છે.
  • તમે વધુ કાર્યક્ષમ બનો છો.
  • તમારી ખુશી, તમારું સ્વાસ્થ્ય તમારા માટે કેટલા મહત્ત્વના છે એની તમને જાણ થાય છે.
  • તમારી નબળાઈઓ જાણી, વિચારી શકો છો, કેવી રીતે તેના પર કામ કરશો તેનો પ્લાન કરીશકો છો.
  • ‘મીટાઈમ’ તમને એકાગ્ર બનાવે છે.

અમને ખબર છે કે દરરોજ એવો સમય કાઢવો કે એમાં બધાં જ કામ પડતા મૂકી દો, એ શરૂઆતમાં અઘરું છે. પણ દરરોજનો એક સમય નક્કી કરો કે જ્યારે તમે કોઈ પણ કામ પડતું મૂકીને તમારા માટે જ ફાળવશો. એના માટે તમારે ‘ગિલ્ટ મોડ’માં જતાં રહેવાની કોઈ જરૂર નથી. 24 કલાકમાંથી થોડો સમય તમારા માટે ફાળવવો એક કોઈ પાપ કે ગુનો નથી. તો મક્કમ નિર્ણય કરી દરરોજ એક નિયત સમય તમારા માટે ફાળવો.

  • એ સમયે તમારી જાતને જ પૂછો કે ‘તારે શું કરવું છે? તને શું ગમે છે?’ ડ્રોઈંગ, ટીવી, બૂક, બેકિંગ, કે પછી કંઈ પણ…પછી ભલે ને તે સમય થોડી મિનિટોનો જ હોય, પણ એ સમય તમને હળવા બનાવશે. તમારું સ્ટ્રેસ લેવલ ઓછું કરશે. હા, ઈચ્છા થાય તો મ્યુઝીક ચાલુ કરી ડાન્સના ઠુમકા મારી લો. સો વાતની એક વાત, તમને જે ગમે તે કરો. જીવનના આવનારા ટાસ્ક માટે પોતાની જાતને તૈયાર રાખવી હોય તો આટલું તો કરવું જ રહ્યું અને જોજો, પછી જીવનમાં કેવો સકારાત્મક બદલાવ આવે છે! જોજો પાછા, આ‘મી ટાઈમ’માં તમારા અધૂરા કામ પૂરા કરવા ના બેસી જતાં..

જતાં જતાં…

બની શકે કે આ ‘મી ટાઈમ’ની જરૂરિયાત તમારી આસપાસના લોકો સમજી ન શકે. પણ પહેલું સુખ તે જાતે નર્યા. નક્કી તમારે કરવાનું છે કે ચીડચીડ કરીને દિવસો કાઢવા છે કે પછી હોંશેહોંશે આ જીવનને અને સંબંધોને માણવા છે!

અમેરિકામાં રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ…

બીજી ઓકટોબરને સોમવારે લાસ વેગાસમાં ગોળીબારની ઘટના બની હતી, જેમાં 59 લોકોના મોત થયા હતા, અને 500થી વધુ ઘાયલ થયા હતા. જેના શોકમાં અમેરિકાના વૉશિંગ્ટન ડીસીના કેપિટોલ હિલ નજીક રાષ્ટ્રધ્વજને અડધી કાઠીએ કરી દેવાયો હતો.

શ્રીનગરઃ BSF કેમ્પમાં ઘુસેલા 3 આતંકવાદી ઠાર, 5 કિલો વિસ્ફોટક મળી આવ્યો

શ્રીનગર– શ્રીનગરના એરપોર્ટની નજીક આવેલા ગોગો હુમહમા વિસ્તારમાં સ્થિત બીએસએફ કેમ્પ પર આતંકી હૂમલો થયો છે. મંગળવારે સવારે અંદાજે 4.30 વાગ્યે આતંકી હૂમલો થયો હતો. આ હૂમલો બીએસએફની 182મી બટાલિયન પર થયો હતો. છેલ્લા સમાચાર મુજબ ત્રણેય આતંકવાદીઓને ઠાર કરાયા છે. આ અથડામણમાં સેનાના ત્રણ જવાનો ઘાયલ થયા છે, જેમાં છેલ્લે મળેલા સમાચાર મુજબ એક સહાયક સબ ઈન્સ્પેક્ટર શહીદ થયા છે.

આતંકવાદીઓ પાસે પ કિલોગ્રામ વિસ્ફોટકનો જથ્થો ઝડપાયો છે. આ વિસ્ફોટક બીએસએફ કેમ્પના દરવાજા પાસેથી મળ્યો છે. જાણવા મળ્યા મુજબ પહેલા આતંકવાદીઓએ આ વિસ્ફોટક પોતાની પાસે રાખ્યો હતો. આતંકવાદીઓ વહેલી પરોઢે 4.30 વાગ્યે બીએસએફ કેમ્પમાં ઘુસવાનો પ્રયત્ન કર્યો હતો. આતંકવાદી ગતિવિધીની ખબર પડતાં જવાનોએ ફાયરિંગ કર્યું હતું, અને ત્યાર પછી બીએસએફના જવાનોએ મોરચો સંભાળી લીધો હતો.

આતંકી જે બિલ્ડીંગમાં હતા, તે બિલ્ડીંગને ચારેતરફથી સુરક્ષાદળોએ ઘેરી લીધા હતા. બિલ્ડીંગની ચારેય બાજુ સીઆરપીએફ, 53આરઆર, બીએસએફ અને એસઓજીના જવાન તૈનાત હતા. આ વિસ્તારમાં એક સ્કુલ હતી, તેને પણ બંધ કરાવાઈ હતી. આઈજી કશ્મીરનું કહેવું હતું કે હજી સુધી એ જાણવા મળ્યું નથી કે આતંકી કયા સંગઠનના હતા.

આતંકવાદી હૂમલાને કારણે શ્રીનગર એરપોર્ટને પણ બંધ કરી દેવાયું હતું. સુત્રોના કહેવા પ્રમાણે શ્રીનગર એરપોર્ટ પર આતંકવાદી હૂમલો થવાની ગુપ્ત જાણકારી મળી હતી, પણ સીઆરપીએફની સઘન સુરક્ષાને કારણે તેઓ એરપોર્ટમાં પ્રવેશી શક્યા ન હતા. આ હૂમલા પાછળ જૈશ એ મુહમ્મદના અફઝલ ગુરુ સ્કવૉર્ડનો હાથ હોવાની આશંકા છે.

 

લાસ વેગાસના ‘મેન્ડલે બૅ’ કોન્સર્ટમાં હત્યાકાંડમાં કોઈ ભારતીય ભોગ બન્યા નથીઃ વિદેશ મંત્રાલય

નવી દિલ્હી/લાસ વેગાસ – અમેરિકામાં નાઈટલાઈફ માટે અને રિસોર્ટ સિટી તરીકે જાણીતા લાસ વેગાસ શહેરમાં રવિવારે રાતે ‘મેન્ડલે બૅ’ હોટેલ એન્ડ કસીનો ખાતે એક મ્યુઝિક કોન્સર્ટ ચાલુ હતો ત્યારે કરવામાં આવેલા અંધાધૂંધ ગોળીબારની ઘટનામાં મરણાંક વધીને ૫૯ થયો છે જ્યારે ઈજાગ્રસ્તોનો આંક ૫૨૭નો જણાવાયો છે.

દરમિયાન, નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે લાસ વેગાસના કોન્સર્ટમાં કરાયેલા હત્યાકાંડમાં કોઈ ભારતીયનો સમાવેશ થયો નથી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ટ્વીટ કરીને જણાવ્યું છે કે લાસ વેગાસના ગોળીબારની ઘટનામાં ભોગ બનેલાઓમાં કોઈ ભારતીય નાગરિકો ફસાયા બન્યા હોવાનો કોઈ અહેવાલ મળ્યો નથી. સેન ફ્રાન્સિસ્કો સ્થિત કોન્સલ જનરલ ઓફ ઈન્ડિયા પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

‘મેન્ડલે બૅ’ ૪૩-માળવાળી લક્ઝરી રિસોર્ટ-હોટેલ અને કસીનો છે. MGM રિસોર્ટ ઈન્ટરનેશનલ કંપની તેની માલિક છે.

દરમિયાન, લાસ વેગાસના શેરીફ જોસેફ લોમ્બાર્ડોએ પત્રકારોને જણાવ્યું હતું કે પોલીસે હુમલાખોરને સ્ટીફન પેડોક તરીકે ઓળખી કાઢ્યો છે જે સ્થાનિક રહેવાસી હતો. પોલીસ અધિકારીઓને બાદમાં ‘મેન્ડલે બૅ’ હોટેલ એન્ડ કસીનો બિલ્ડિંગના ૩૨મા માળ પર મૃત હાલતમાં મળી આવ્યો હતો.

હુમલાખોર મેન્ડલે બૅ હોટેલમાં જ ઉતર્યો હતો. એની રૂમમાંથી ૨૩ રાઈફલો અને ગન્સ મળી આવી હતી. એનાં ઘરમાંથી ૧૯ ગન્સ મળી આવી હતી.

સંગીતનો એ કાર્યક્રમ ત્રણ દિવસનો હતો અને રવિવારે રાતે એનો લ્હાવો લેવા માટે હજારો લોકો એકત્ર થયા હતા. રાતે લગભગ ૧૦.૩૦ વાગ્યાના સુમારે ગાયક જેસન એલ્ડીન સ્ટેજ પર પરફોર્મ કરતો હતો ત્યારે હુમલાખોર ત્રાટક્યો હતો અને બેફામ રીતે ગોળીબાર શરૂ કર્યો હતો.

હુમલો કરાયો હતો ત્યારે કોન્સર્ટ વખતે ૨૨ હજાર લોકો હાજર હતા. ગોળીબાર થતાં લોકોએ નાસભાગ કરી મૂકી હતી.

દરમિયાન અમેરિકાના ફેડરલ વહીવટીતંત્રની દેશીય સ્તરની ગુપ્તચર અને સિક્યૂરિટી પાંખ ગણાતી ફેડરલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (એફબીઆઈ)એ કહ્યું છે કે હુમલાખોર સ્ટીફન પેડોકને કોઈ આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી સંગઠન સાથે સંબંધ નહોતો.

ભારતના કોમોડિટી ડેરિવેટિવ્ઝ માર્કેટમાં ઓપ્શન્સને આવકાર

-મૃગાંક પરાંજપે, એમડી અને સીઈઓ, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા(MCX)

ક્રૂડ તેલના ભાવ જ્યારે 2008માં બેરલદીઠ 147 ડોલરના સ્તરને સ્પર્શ્યા હતા, ત્યારે અમેરિકન એરલાઈન્સ કંપનીઓએ પોતાની આવક સુરક્ષિત રાખવા માટે હેજિંગ સોલ્યુશન્સ શોધવાનું શરૂ કર્યું, જેમાં એક એરલાઈન કંપની બાકાત હતી. આ કંપની કેટલાક વર્ષોથી પોતાના ઇંધણ ખર્ચના લગભગ 95 ટકાનું હેજિંગ કરવા માટે ઓપ્શન્સ કોન્ટ્રેક્ટનો સતત ઉપયોગ કરી રહી હતી. પરિણામે, તેની સ્પર્ધક કંપનીઓ જ્યારે ક્રૂડ તેલના ભાવમાં તીવ્ર વધઘટનો સામનો કરવામાં અસમર્થ રહી પડી ભાંગવાના આરે હતી, ત્યારે આ કંપની ક્રૂડના ભાવની વધઘટની દિશા અને પરિમાણની અવગણના કરીને તેના વેપારના વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રિત કરી શકી હતી. આ કંપની સાઉથવેસ્ટ એરલાઈન્સ હતી.

ડલ્લાસ સ્થિત આ વાહકની ઘણા ઉદ્યોગો દ્વારા તેના હેજિંગ પ્રોગ્રામની સફળતા માટે પ્રશંસા કરવામાં આવી છે. ઓપ્શન્સનો યોગ્ય રીતે ઉપયોગ કરીને, એરલાઈન કંપનીઓ, જેઓ ઇંધણના ભાવના હેજિંગને મુખ્ય આવશ્યકતા ગણે છે, તેઓ પોતાની બિઝનેસ યોજનાઓ જાળવી રાખી શકે છે અને બજારને તેની બિઝનેસ પ્રથાના ટકાઉપણાનો સંકેત આપી શકે છે.

જ્યારે કોમોડિટી ઓપ્શન્સ જેવી લવચીક ડેરિવેટિવ્ઝ પ્રોડક્ટોનો ઉપયોગ હાથ ધરવામાં આવે ત્યારે, સાઉથવેસ્ટ જેવા ઉદાહરણો, કોમોડિટીના ભાવના જોખમો માટે લાગત-પ્રભાવી અને વધુ કાર્યક્ષમ હેજિંગની મહત્તાને ધ્યાનમાં લે છે. જોકે, આવા ઉત્પાદનોને અત્યાર સુધી ભારતમાં મંજૂરી અપાઈ નહોતી.

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા(સેબી) દ્વારા કોમોડિટીઝ ડેરિવેટિવ્ઝ માર્કેટમાં જેની ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી, તે ઓપ્શન્સ ટ્રેડિંગ પર માર્ગદર્શિકાની 13 જૂનના રોજ જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત વર્ષ 2016-17ના કેન્દ્રીય બજેટ રજૂ કરતી વખતે નાણાપ્રધાન દ્વારા તૈયાર કરવામાં આવેલી જાહેરાતને અનુસરે છે, જેમાં તેમણે એવી જાહેરાત કરી હતી કે, સેબી દ્વારા કોમોડિટી ડેરિવેટિવ્ઝ માર્કેટમાં નવી ડેરિવેટિવ્ઝ પ્રોડક્ટો વિકસાવવામાં આવશે. ત્યારબાદ, કોમોડિટી ડેરિવેટિવ્ઝ એડવાઈઝરી કમિટી (સીડીએસી)એ કોમોડિટી બજારોમાં ઓપ્શન્સ પ્રોડક્ટ્સ શરૂ કરવાની ભલામણ કરી હતી, જે 13 જૂનના રોજ રજૂ કરવામાં આવેલી માર્ગદર્શિકામાં પરિણમી.

ભારત અને ચીન જેવા બે મુખ્ય કોમોડિટી-સઘન દેશો તેમના કોમોડિટી ડેરિવેટિવ્ઝ બજારોમાં ઓપ્શન્સ ધરાવતા નથી, ત્યારે તે બંને દેશો ઝડપથી આ ડેરિવેટિવ ઈન્સ્ટ્રુમેન્ટ્સના પ્રારંભ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે અને પસંદ કરાયેલા એક્સચેન્જો પર પસંદગીની કોમોડિટીઝમાં મોક ટ્રેડિંગ હાથ ધર્યું છે. તેમ છતાં, ઘણા વિકાસશીલ રાષ્ટ્રો લાંબા સમયથી તેમના એક્સચેન્જ ટ્રેડેડ કોમોડિટી માર્કેટ્સમાં ઓપ્શન્સ ધરાવે છે.

હેજિંગની અપૂર્ણ જરૂરિયાતને પરિપૂર્ણ કરવી

ઓપ્શન્સનો પ્રારંભ કોમોડિટી બજારોમાં વિવિધ પ્રકારના હિસ્સેદારો, જેઓ પરંપરાગત ડેરિવેટિવ્ઝ પ્રોડક્ટોના ઉપયોગ મારફત હેજ કરવા સક્ષમ ન હતા, તેમની જોખમ સંચાલનની જરૂરિયાતોને લાંબાગાળે પરિપૂર્ણ કરશે. તેના માળખાંને કારણે, ખાસ કરીને ખેડૂતો અને નાના ઉદ્યોગો જેવા નાના હિસ્સેદારો, કે જેઓ અન્ય ડેરિવેટિવ્ઝનો ઉપયોગ કરીને હેજ કરવા માટે નાણાકીય રીતે સદ્ધર ન હોય, તેમના માટે આ પ્રકારની પ્રોડક્ટો બંધબેસતી છે. ઉદાહરણ તરીકે, ઓપ્શનના ખરીદનાર માટે કોઈ માર્જિન કોલ્સ નથી. તેના બદલે ખરીદદારે ઓપ્શનના રાઈટરને એક-સમયની ફી/ પ્રીમિયમની અપફ્રન્ટ ચૂકવણી કરવી પડે છે. આમ, આમાં ખરીદદારો જાણતા હોય છે કે તેમને કેટલી ચૂકવણી કરવી પડશે, જેથી તેઓની આગોતરી ચૂકવણી સરળ બની શકે. આ સુવિધાથી વિપરીત અન્ય ડેરિવેટિવ્ઝ, જેના ટ્રાન્ઝેક્શનમાં માર્જિન કોલ્સનો સમાવેશ થાય છે અને અંડરલાઈંગના બજાર ભાવોની વધઘટના આધારે બદલાતી ચૂકવણીની રકમ ક્યારેય નિશ્ચિત હોતી નથી. ઓપ્શન્સ ખરીદવા માટે કેટલી ચૂકવણી કરવી તે અંગેની જાણ સાથે, ઓપ્શન ખરીદનાર જોખમોથી પણ વાકેફ રહે છે.

ઓપ્શન સાથે સંકળાયેલું જોખમ ઓપ્શન ખરીદવા માટે પ્રીમિયમ તરીકે ચૂકવવામાં આવતી રકમ જેટલું હોય છે, જે બીજા ઘણા અન્ય ડેરિવેટિવ્ઝની સરખામણીમાં ઓપ્શન્સને વધુ પારદર્શક બનાવે છે.

ઓપ્શન્સનું મુખ્ય લક્ષણ, જે હેજર્સને આકર્ષિત કરે છે, તે છે તેમની લવચિકતા. તેના ઉપયોગકર્તા જ્યારે તેના ભાવને બાંધી લેવા હેજ કરવા માટે સક્રિય કરતી વખતે, તેઓ કોઈપણ હકારાત્મક ભાવ એડવાન્સિસનો લાભ લેવા માટેની સુવિધા આપે છે. ઓપ્શનના ધારક કોઈપણ ભાવ વધઘટમાં સંપૂર્ણ રીતે ભાગ લઈ શકે છે, નુકસાન માત્ર તે ઓપ્શન દ્વારા મંજૂર અધિકારો માટે ચૂકવેલી રકમ જેટલું હોય છે. ઓપ્શનમાંથી બહાર નીકળતી વખતે પણ લવચિકતા ઉપલબ્ધ હોય છે, કારણ કે તેમાં ઓપ્શન્સની પોઝિશન બંધ થઈ શકે તેવા અનેક વિકલ્પો છેઃ ઓફસેટિંગ, ઉપયોગ (એક્સરસાઈઝ) અને સમાપ્તિ. અન્ય ઘણા ડેરિવેટિવ્ઝ માટે આ પ્રકારની લવચિકતા પ્રચલિત નથી.

ભારતમાં કોમોડિટી ડેરિવેટિવ્ઝ માર્કેટમાં જ્યારે વાયદા કોન્ટ્રેક્ટ્સ પહેલેથી જ તંદુરસ્ત ટ્રેડિંગ વોલ્યુમ ધરાવે છે, ત્યારે ટ્રેડિંગ અને હેજિંગની વ્યૂહરચનાઓમાં લવચિકતા અને નવીનીકરણ પણ ઉપજાવી શકે છે. સ્ટ્રેડલ, સ્ટ્રેન્ગલ, બટરફ્લાય વગેરે જેવી પરંપરાગત ઓપ્શન્સ-લક્ષી વ્યૂહરચનાઓ, કે જે હેજરો દ્વારા શ્રેષ્ઠ હેજ પ્રાપ્ત કરવા માટે યોગ્ય રીતે ઉપયોગ કરી શકાય છે, તે ઉપરાંત તેઓ પોતાના લાભ માટે નવી વ્યૂહરચનાઓ તૈયાર કરવા માટે વાયદા અને ઓપ્શન્સને પણ ભેગા કરી શકે છે. ખરેખર વાયદા અને ઓપ્શન્સનું મિશ્રણ બજારના સહભાગીઓને ભાવની પ્રતિકૂળ ચાલથી પોતાને સુરક્ષિત રાખવા માટે હેજિંગની વ્યૂહરચના ઓફર કરે છે અને આથી તેમના જોખમ એક્સ્પોઝરનું અસરકારક રીતે હેજ કરવા સક્ષમ બને છે. એક અભ્યાસક્રમ (વેરકમ્મેન 1995)*માં દર્શાવાયું હતું કે, વાયદા સાથે જોડાણમાં ઓપ્શન્સનો ઉપયોગ અસમાનપણું (સંભવિત વ્હેચણીની અસમાનતાનું માપન) ઘટાડવાની છૂટ આપે છે અને તેથી જ્યારે ઓપન પોઝિશનની જાળવણી વખતે વળતરની વહેંચણીમાં વિવિધતા પૂરી પાડે છે.

એસેટ ક્લાસની પહોંચ

બીજા સ્તર પર, લવચિકતા અને સહભાગીતાના ઓછા ખર્ચને કારણે, કોમોડિટી ડેરિવેટિવ્ઝ માર્કેટમાં ઓપ્શન્સ પ્રોડક્ટોની હાજરી, રોકાણકાર વર્ગ માટે બજારને વધુ આકર્ષક પણ બનાવે છે. હાલમાં, ઘણા રોકાણકારો સિક્યોરિટીઝ માર્કેટના અન્ય સેગમેન્ટોથી અલગ વૈવિધ્યકરણની માગ કરી રહ્યા છે, ત્યારે કોમોડિટીઝ ઓપ્શન્સમાં વિસ્તરણ દ્વારા, આ રોકાણકારો માત્ર અન્ય એસેટ ક્લાસ સાથે સહસંબંધ ન ધરાવતા હોય તેવા રોકાણની પહોંચ જ પ્રાપ્ત નથી કરતા, પરંતુ એવી ઓપ્શન્સ પોઝિશનો પણ ધરાવે છે, જે એકબીજા સાથે સહસંબંધ ન ધરાવતી હોય. ઉદાહરણ તરીકે, વ્યક્તિગત સ્ટોક્સ (ઓપ્શન) મોટેભાગે ઈક્વિટી ઈન્ડેક્સ સાથે સંપૂર્ણ રીતે આગળ વધે છે, જે રાજકીય અથવા આર્થિક સમાચારો પ્રાપ્ત થવા સાથે બદલાય છે. બીજી બાજુ, કોમોડિટી ડેરિવેટિવ્ઝ ભાગ્યે જ બધા એક જ દિશામાં અથવા એક જ ગતિમાં આગળ વધશે. ક્રૂડ તેલના ભાવને એલચી અથવા જસતના ભાવ સાથે કોઈ લેવાદેવા નથી. તેથી, આ કોમોડિટીઝમાં ઓપ્શન્સનો ઉપયોગ કરીને પોઝિશનો લેવાથી, રોકાણકાર તેમના પોર્ટફોલિયોના જોખમોને ઘણા ઓછા કરી શકે છે. આ ઉપરાંત, એ પ્રયોગાત્મકપણે સાબિત થયું છે કે, લાંબાગાળે, કોમોડિટી ડેરિવેટિવ્ઝ માર્કેટમાં રોકાણમાંથી જોખમ-ભારિત વળતર (આરએઆર) અન્ય તુલનાત્મક એસેટ વર્ગો કરતાં વધુ સારું છે, જે કોમોડિટી ઓપ્શન્સને રોકાણકારોના તમામ વર્ગોને રોકાણનો વિકલ્પ પૂરો પાડે છે. શાર્પ રેશિયો, જેનો ઉપયોગ મોટાભાગે જોખમ ઉઠાવવા માટે રોકાણકારને એસેટના વળતર સાથે સારી રીતે સરભર કેમ કરી શકાય તેની આકારણી કરે છે, જેમાં કોમોડિટીની હાજરી વિનાના પોર્ટફોલિયો સામે કોમોડિટી ઓપ્શન્સ સાથેના પોર્ટફોલિયોનો માટોભાગે સમાવેશ થાય છે.

કોમોડિટી ઓપ્શન્સનું આવું આકર્ષણ ચોક્કસપણે રિટેલ અથવા સંસ્થાકીય તમામ વર્ગના રોકાણકારોને ઓપ્શન્સ સાથે ઓછા જોખમી વ્યવહારોમાં જોડાવા માટે મદદરૂપ બની શકે છે. પરિણામે, અમે કોમોડિટી ડેરિવેટિવ્ઝ માર્કેટમાં ઘણી વધુ ટ્રેડિંગ રૂચિ જોઈ રહ્યા છીએ, જે ઉચ્ચ પ્રવાહિતા હેઠળ આવતા સંકળાયેલા લાભો સાથે પ્રવાહિતાના ઉચ્ચ સ્તરે (અને ગુણવત્તા) લાવી શકે છે. દાખલા તરીકે, વિવિધ સહભાગીઓના જૂથો દ્વારા, તેમ જ ઓછા ટ્રાન્ઝેક્શન ખર્ચના આધારે ટ્રેડિંગની પસંદગીઓને કારણે, ઓપ્શન્સ ડેરિવેટિવ્ઝ અને અંડરલાઈંગ માર્કેટ્સ વચ્ચે માહિતીની આપ-લે માટે અગ્રણી ભૂમિકા ધારે છે, જે બજારની કાર્યક્ષમતામાં ફાળો આપે છે. બજારના સહભાગીઓ અસરકારક ખર્ચ ઘટાડવા માટે, બજારની સ્થિરતામાં સુધારો કરવા, ચંચળતા ઘટાડવા માટે, બજારની એકહથ્થૂ જમાવટના જોખમમાં ઘટાડો કરવા, ભાવ શોધમાં સુધારો કરવા વગેરે જેવા લાભો પ્રાપ્ત કરી શકે છે. સંશોધન અભ્યાસો દ્વારા એ સ્થાપિત થયું છે કે, જે બજારની તરલતામાં વધારો કરે છે, તે આર્થિક કલ્યાણમાં સુધારો કરે છે, કારણ કે તે પ્રણાલીગત જોખમને ઘટાડે છે. વધુમાં, અત્યંત પ્રવાહી માર્કેટ, માર્કેટ મેનિપ્યુલેશનને અવરોધે છે અને મોટા પાયે જાણકારીની કાર્યક્ષમતા ઊભી કરીને બજારમાં પારદર્શિતાને પ્રોત્સાહન આપે છે. આથી, તરલતાના નિર્માણને પ્રોત્સાહિત કરીને, ઓપ્શન્સ કોમોડિટી બજારોની કાર્યક્ષમતામાં યોગદાન આપી શકે છે અને વધુમાં હેજિંગને ઓછું ખર્ચાળ બનાવી શકે છે.

લાંબા સમયની ભલામણ

ઓપ્શન્સ પ્રોડક્ટોને મંજૂરી દ્વારા ભારતના કોમોડિટી ડેરિવેટિવ્ઝ માર્કેટને મજબૂત બનાવવાની ઘણા વિવેચકો લાંબા સમયથી ભલામણ કરી રહ્યા છે, જે કૃષિ અને બિન-કૃષિ બંને ક્ષેત્રોમાં નબળા વર્ગોના વિશિષ્ટ જોખમ સંચાલનની જરૂરિયાતોને પૂરી કરી શકે છે. કન્ઝ્યુમર અફેર્સ, ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન, ભારત સરકારની સંસદીય સ્થાયી સમિતિએ પોતાના અહેવાલ (2011)માં ઓપ્શન્સ શરૂ કરવાની તરફેણ કરી હતી. આ અગાઉ, કાબરા સમિતિ (1994) અને અભિજિત સેન સમિતિ (2008) જેવી નિષ્ણાત સમિતિઓએ પણ નાના હિસ્સેદારોની જોખમ સંચાલનની જરૂરિયાતોને પૂરી કરવા માટે ભારતમાં ઓપ્શન્સની શરૂઆત કરવાની તરફેણ કરી હતી. આ પ્રકારના ડેરિવેટિવ્ઝ ઈન્સ્ટ્રુમેન્ટને વ્યાપકપણે ટેકો મળી રહ્યો છે, જે ઉપરોક્ત દર્શાવાયેલા પરિબળો અને લાભોને કારણે છે.

ઓપ્શન્સ એ ભાવ વધઘટના વીમાના એક પ્રકારને પ્રદર્શિત કરે છે, જેનો ખર્ચ તેના ટ્રેડિંગ દરમિયાન નક્કી થયેલા ઓપ્શન પ્રીમિયમ જેટલો હોય છે. આમ, આ અર્થમાં કોમોડિટી ઓપ્શન્સ ચોખ્ખી વીમા પ્રોડક્ટ્સ કરતાં ઓછી ઊતરે એમ નથી, જેમાં વીમાનો ખર્ચ ઓપ્શન્સ પ્રીમિયમ બને છે અને તેનો વધુ ફાયદો એ છે કે તે એક્સચેન્જ-ટ્રેડેડ છે તથા તે કાર્યાત્મક સેકન્ડરી માર્કેટ સાથે સંકળાયેલું છે તેમ જ તે કાઉન્ટર પાર્ટીના જોખમોથી મુક્ત છે. આમ, કોમોડિટી ઓપ્શન્સ, મોટાભાગના બાકાત રહી ગયેલા વર્ગોના બજાર સમાવેશતા તરફ લઈ જવા માટે ઘણો મોટો ફાળો આપી શકે છે, જે નાના સહભાગીઓને લાગત પ્રભાવી અને કાર્યક્ષમ હેજિંગ સોલ્યુશન્સ પૂરાં પાડી શકે છે.

* વર્કેમ્મેન, જેમ્સ (1995); “હેજિંગ વીથ કોમોડિટી ઓપ્શન્સ વેન પ્રાઈસ ડિસ્ટ્રિબ્યુશન આર સ્ક્યુડ”, અમેરિકન જર્નલ કૃષિ અર્થશાસ્ત્ર, 77, 935-945

વિકાસશીલ રાષ્ટ્રોમાં કોમોડિટી ઓપ્શન્સ – એક ઝાંખી

બ્રાઝિલઃ અમેરિકામાં વર્ષ 1982માં કોમોડિટી ઓપ્શન્સના પ્રારંભના થોડા સમય બાદ, બીએમ એન્ડ એફબીઓવીઈએસપીએએ વર્ષ 1986માં સોનામાં ઓપ્શન્સ ટ્રેડિંગ શરૂ કર્યું. ત્યારબાદ નેવુંના દાયકાના પ્રારંભમાં કોફી અને લાઈવ કેટલમાં ઓપ્શન્સનો પ્રારંભ થયો હતો.

આર્જેન્ટીનાઃ બ્રાઝિલના કિસ્સામાં, આર્જેન્ટીનાથી મર્કાડો અ ટર્મિનો દ બ્યુનોસ એરેસ એન્ડ રોઝારિયો ફ્યૂચર્સ એક્સચેન્જ દ્વારા નેવુંના દાયકામાં ઘઉં, મકાઈ અને અન્યો જેવી વિવિધ કૃષિ કોમોડિટીઝમાં ઓપ્શન્સ ટ્રેડિંગ શરૂ કર્યું હતું.

દક્ષિણ આફ્રિકાઃ સાઉથ આફ્રિકાના એસએએફઈએક્સ (સેફેક્સ)એ તબક્કાવાર રીતે કોમોડિટીઝ ઓપ્શન્સમાં ટ્રેડિંગ શરૂ કર્યું, જેમાં 1997માં ઘઉં, 1998માં પીળી મકાઈ, 1999માં સૂર્યમુખી બીજ વગેરેના પ્રારંભનો સમાવેશ થાય છે.

(અત્રે અપાયેલા મંતવ્યો લેખકના અંગત છે)

 

યુએસઃ લાસ વેગાસમાં કેસીનોમાં ફાયરિંગમાં 59ના મોત, 400થી વધુ ઘાયલ

લાસ વેગાસ/અમેરિકા- અમેરિકાના લાસ વેગાસમાં ફાયરિંગની ઘટના બની છે. એક બંદૂકધારી શખ્સે ‘મેન્ડલે બૅ’ રિસોર્ટમાં કેસીનો પર હુમલો કર્યો હતો. અહીં મ્યુઝિક ફેસ્ટિવલ ચાલી રહ્યો હતો તે દરમિયાન હુમલાખોર ધસી આવ્યો અને અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતુ. પોલિસે હુમલાખોરને રોકવા માટે જવાબી કાર્યવાહી પણ કરી હતી. હુમલામાં 400 લોકો ઘાયલ થયાં હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે, સાથે જ 59 વ્યક્તિઓના મૃત્યુ પણ થયા છે. હુમલાને પગલે લાસ વેગાસમાં વિમાની સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. ભારતીય સમયપ્રમાણે મોડીસાંજે પોલીસના કહેવા પ્રમાણે ફાયરિંગમાં ઘાયલ થયેલા 406 લોકોને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા છે.

પોલીસે હુમલાખોરને વળતો જવાબ આપતા તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. તેનું નામ સેમ્યુઅલ હૈદી હોવાનું બહાર આવ્યું છે. તો આ સાથે જ હાલ સમગ્ર વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. અને કોઈપણ વ્યક્તિને ઘટના સ્થળ તરફ ન જવા અપીલ કરવામાં આવી રહી છે. આશંકા છે કે અન્યકોઈ જગ્યાએ પણ હુમલાખોરો છુપાયેલા હોઈ શકે છે. જેથી પોલીસે હાલ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સર્ચ ઓપરેશન સહિત લોકોને બચાવવાની કામગીરી હાથ ધરી છે. હાલ હુમલાખોર વિશે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. પોલીસ તપાસ બાદ સમગ્ર મામલે જાણકારી પ્રાપ્ત થશે.

તાજેતરના દિવસોમાં અમેરિકાના ઈતિહાસમાં આ અત્યાર સુધીના ગોળીબારની ઘટનામાં સૌથી ઘાતક ઘટના છે. પોલીસના કહેવા પ્રમાણે બંદુકધારીની ઓળખ થઈ ગઈ છે. તે બંદુકધારી 64 વર્ષનો સ્ટીફન પૈડોક હતો, અને તે સ્થાનિક રહેવાશી છે. સ્વૈટ ટીમે તેને ઠાર કર્યો હતો. હુમલાખોરે સંગીત સમારોહના સ્થળની પાસે ‘મેન્ડલે બૅ’ ના 32માં માળે ગોળીબાર કર્યા હતા.

સ્માર્ટફોનમાં લેવાયેલ ફૂટેજમાં દેખાય છે કે આંતરરાષ્ટ્રીય સમયનુસાર સોમવારે સવારે 5 વાગ્યે ગોળીઓ ચલાવી છે, અને લોકોની બુમાબુમ સંભળાઈ હતી.

કન્સર્ટમાં હાજર લોકોએ જણાવ્યું હતું કે ફાયરિંગનો અવાજ માંડલે બે હોટલ એન્ડ કેસીનોના ઉપરના માળથી કન્ટ્રી મ્યૂઝિકલની ચારે બાજુથી આવી રહી હતી. નજરે જોનારાના કહેવું હતું કે આ ઓટોમેટિક બંદુકની અવાજ હતી. અને કન્સર્ટ વેન્યૂ પર ગોળીઓનો વરસાદ વરસાવી દીધો હતો. જેથી લોકો આમતેમ ભાગી રહ્યા હતા. જેમાં કેટલાક લોકો તો ટ્રોપિકાના હોટલ-કેસીનોના બેઝમેન્ટમાં છિપાઈ ગયા હતા. ઘટનાસ્થળ પર પહોંચીને કેટલાક ઓફિસરોએ પોતાની ગાડીઓની પાછળથી નિશાન તાક્યું હતું. તો કેટલાક લોકો હથિયારો સાથે માંડલે બે હોટલ અને કેસીનો તરફ ગયા હતા. ફાયરિંગની સૂચના પછી લાસ વેગાસ સ્ટ્રિપ અને ઈન્ટરસ્ટેટના 15થી વધુ હિસ્સા બંધ કરાવી દેવાયા હતા.