આખરે હનીપ્રીત સામે આવી, કહ્યું કે હું અને મારા પપ્પા નિર્દોષ છીએ

નવી દિલ્હી- ડેરા સચ્ચા સોદાના પ્રમુખ ગુરમીત રામ રહિમને સજા બાદ ફરાર થયેલી તેમની કહેવાતી પુત્રી હનીપ્રીત આખરે સામે આવી છે. પોલિસને સતત ચકમો આપીને ફરાર રહેતી હનીપ્રીત મીડિયાના કેમેરામાં કેદ થઈ હતી અને પોતાને બેગુનાહ સાબિત કરતી હતી. હનીપ્રીતે રામ રહીમને પુરી રીતે નિર્દોષ બતાવ્યા અને કહ્યું કે પપ્પા અને મારો સંબંધ અતિ પવિત્ર છે. સુત્રોમાંથી મળેલી માહિતી પ્રમાણે હનીપ્રીત ગમે ત્યારે આત્મસમર્પણ કરે તેવી શકયતા છે.

હનીપ્રીતે જણાવ્યું કે હવે તે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં જશે અને કાયદાકીય સલાહ લેશે. આપને જણાવી દઈએ કે હનીપ્રીત રાજદ્રોહના કેસનો સામનો કરી રહી છે. પંચકૂલામાં હિંસા ભડકાવવાના આરોપમાં હનીપ્રીત વિરૂદ્ધ સેક્ટર-5 પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. હનીપ્રીત પર આરોપ છે તે તેણે સાધ્વીઓ સાથે રેપ કરવાના મામલામાં દોષીત રામ રહીમને પોલિસ કસ્ટડીમાંથી છોડાવવા માટે એક ષડયંત્ર રચ્યું હતુ.

હનીપ્રીતે મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે મને કશી જ ખબર નથી કે હું કેવી રીતે હરિયાણાથી દિલ્હી આવી. હવે હરિયાણા પંજાબ હાઈકોર્ટમાં હું જઈશ. તો સરેન્ડર કરવાની વાતને લઈને હનીપ્રીતે જણાવ્યું કે હું કાયદાકીય રીતે સલાહ લઈશ. હનીપ્રીતે જણાવ્યું કે હું નેપાળ ગઈ જ નથી હું તો અહીંયા ભારતમાં જ રહી છું. તેણે જણાવ્યું કે હું એટલી ડરી ગઈ હતી કે મારી માનસિક સ્થિતી હું તમારી સમક્ષ નહી વર્ણવી શકું. મને કોઈપણ જાતની પ્રક્રિયાની પણ ખબર નથી. તો રામ રહિમની ધરપકડ વખતે હનીપ્રીત રામ રહિમ સાથે દેખાઈ હતી, આ સવાલ પર જવાબ આપતા હનીપ્રીતે જણાવ્યું કે હું કોર્ટની મંજૂરી બાદ મારા પપ્પા સાથે ગઈ હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]