લાસ વેગાસના ‘મેન્ડલે બૅ’ કોન્સર્ટમાં હત્યાકાંડમાં કોઈ ભારતીય ભોગ બન્યા નથીઃ વિદેશ મંત્રાલય

નવી દિલ્હી/લાસ વેગાસ – અમેરિકામાં નાઈટલાઈફ માટે અને રિસોર્ટ સિટી તરીકે જાણીતા લાસ વેગાસ શહેરમાં રવિવારે રાતે ‘મેન્ડલે બૅ’ હોટેલ એન્ડ કસીનો ખાતે એક મ્યુઝિક કોન્સર્ટ ચાલુ હતો ત્યારે કરવામાં આવેલા અંધાધૂંધ ગોળીબારની ઘટનામાં મરણાંક વધીને ૫૯ થયો છે જ્યારે ઈજાગ્રસ્તોનો આંક ૫૨૭નો જણાવાયો છે.

દરમિયાન, નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે લાસ વેગાસના કોન્સર્ટમાં કરાયેલા હત્યાકાંડમાં કોઈ ભારતીયનો સમાવેશ થયો નથી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ટ્વીટ કરીને જણાવ્યું છે કે લાસ વેગાસના ગોળીબારની ઘટનામાં ભોગ બનેલાઓમાં કોઈ ભારતીય નાગરિકો ફસાયા બન્યા હોવાનો કોઈ અહેવાલ મળ્યો નથી. સેન ફ્રાન્સિસ્કો સ્થિત કોન્સલ જનરલ ઓફ ઈન્ડિયા પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

‘મેન્ડલે બૅ’ ૪૩-માળવાળી લક્ઝરી રિસોર્ટ-હોટેલ અને કસીનો છે. MGM રિસોર્ટ ઈન્ટરનેશનલ કંપની તેની માલિક છે.

દરમિયાન, લાસ વેગાસના શેરીફ જોસેફ લોમ્બાર્ડોએ પત્રકારોને જણાવ્યું હતું કે પોલીસે હુમલાખોરને સ્ટીફન પેડોક તરીકે ઓળખી કાઢ્યો છે જે સ્થાનિક રહેવાસી હતો. પોલીસ અધિકારીઓને બાદમાં ‘મેન્ડલે બૅ’ હોટેલ એન્ડ કસીનો બિલ્ડિંગના ૩૨મા માળ પર મૃત હાલતમાં મળી આવ્યો હતો.

હુમલાખોર મેન્ડલે બૅ હોટેલમાં જ ઉતર્યો હતો. એની રૂમમાંથી ૨૩ રાઈફલો અને ગન્સ મળી આવી હતી. એનાં ઘરમાંથી ૧૯ ગન્સ મળી આવી હતી.

સંગીતનો એ કાર્યક્રમ ત્રણ દિવસનો હતો અને રવિવારે રાતે એનો લ્હાવો લેવા માટે હજારો લોકો એકત્ર થયા હતા. રાતે લગભગ ૧૦.૩૦ વાગ્યાના સુમારે ગાયક જેસન એલ્ડીન સ્ટેજ પર પરફોર્મ કરતો હતો ત્યારે હુમલાખોર ત્રાટક્યો હતો અને બેફામ રીતે ગોળીબાર શરૂ કર્યો હતો.

હુમલો કરાયો હતો ત્યારે કોન્સર્ટ વખતે ૨૨ હજાર લોકો હાજર હતા. ગોળીબાર થતાં લોકોએ નાસભાગ કરી મૂકી હતી.

દરમિયાન અમેરિકાના ફેડરલ વહીવટીતંત્રની દેશીય સ્તરની ગુપ્તચર અને સિક્યૂરિટી પાંખ ગણાતી ફેડરલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (એફબીઆઈ)એ કહ્યું છે કે હુમલાખોર સ્ટીફન પેડોકને કોઈ આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી સંગઠન સાથે સંબંધ નહોતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]