પ્રશ્ન: મારે પ્રેગ્નન્સીનો ત્રીજો મહિનો ચાલી રહ્યો છે. મારા રિપોર્ટ્સમાં હિમોગ્લોબીન ઓછું બતાવે છે. મારા ગાયનેકોલોજિસ્ટે આયર્ન તથા ફોલિક
એસિડની દવા શરૂ કરાવી છે, પરંતુ એવો કયો આહાર છે જે હિમોગ્લોબીન વધારે અને પ્રેગ્નન્સીમાં પણ લઈ શકાય?
– વિભા કાલરીયા (જૂનાગઢ)
ઉત્તર: પ્રેગ્નન્સીનો આ તબક્કો હિમોગ્લોબીન સારા પ્રમાણમાં જાળવી રાખવા માટે હોય છે કારણ કે આ સમયે ભ્રુણમાંથી બાળક તૈયાર થઇ રહ્યું હોય છે. એ માટે આયર્ન ફોલિક એસિડ, કેલ્શિયમ અને પ્રોટીનની જરૂરત વધે છે.

એ માટે આહારમાં પાલક, લીલા પાનવાળા શાકભાજી, ખજૂર, દાળિયા, દાડમ, ગોળ, પૌંવા વગેરે જેવા વધુ આયર્નયુક્ત ખાદ્યપદાર્થોનો ઉપયોગ વધારવો. જો કે એ બાબતનું ધ્યાન રાખવું કે આયર્નના શરીરમાં ભળે અને યોગ્ય ઉપયોગ થાય એ માટે (એબ્ઝોર્પશન) સાથે વિટામિન-સી લેવું જરૂરી છે, જે ખટાશવાળા ફળોમાંથી સારા પ્રમાણમાં મળે છે. જેમ કે અગર પાલકનું સૂપ લઇ રહ્યા છો તો તેમાં ટામેટા અથવા લીંબુ ઉમેરીને ઉપયોગમાં લેવું. દાડમના જ્યુસમાં આયર્ન તેમ જ વિટામિન બંને રહેલા છે છતાં પણ એમાં આંબળાનો રસ ઉમેરી શકાય. પૌવામાં સારા પ્રમાણમાં લીંબુ ઉમેરો. આ પ્રકારના સંયોજનથી હીમોગ્લોબિનનું પ્રમાણ વધારી શકાય.
હાથલાનો જ્યુસ (જેને ફિંડલાનો જ્યુસ પણ કહેવામાં આવે છે) એ થોરના છોડમાંથી મળી આવતો લાલ રંગનો ભાગ છે. તેમાં આયર્નનું પ્રમાણ ખૂબ સારું હોય છે. એ નિયમિત પીવાથી ઝડપથી હિમોગ્લોબીન વધારી શકાય છે. પરંતુ પ્રેગ્નન્સીમાં તેને લેવાની ભલામણ કરતા કોઈ પુરાવા નથી આથી એનો ઉપયોગ આ સમયે કરવો સલાહભર્યો ન કહી શકાય. છતાં પણ આ જ્યુસ નિયંત્રિત માત્રામાં લેવો હોય તો લઇ શકાય.
અલબત્ત, તમારે ડોક્ટરે સૂચવ્યા મુજબ નિયમિત દવા લેવી તો હિતાવહ રહેશે જ.
પ્રશ્ન: કયા પ્રકારનું નમક સ્વાસ્થ્ય માટે વધારે સારું છે?
– હિમાની ઠાકોર (અમદાવાદ)
ઉત્તર: નમક એ આપણી મૂળભૂત જરૂરિયાત છે, જેના વગર ભોજનમાં સ્વાદ આવતો નથી. આ એક પ્રકારનું મિનરલ છે, જે આપણા સ્વાસ્થ્ય માટે પણ જરૂરી છે જો એ નિયંત્રિત માત્રામાં લેવામાં આવે. આપણી મીઠાંની દરરોજની જરૂરિયાત લગભગ પાંચ ગ્રામ છે. એમાંથી બે ગ્રામ જેટલું નમક આપણને કુદરતી ખાદ્યસામગ્રીમાંથી જ મળી રહે છે. બાકીની જરૂરત આપણે મીઠાંને રસોઈમાં ઉમેરીને પૂરી કરીએ છીએ.
ખરેખર જોવા જઇએ તો કોઈપણ પ્રકારનું નમક બેસ્ટ નથી, પરંતુ નિર્ધારિત માત્રામાં લેવા માટે હિમાલયન પિન્ક સોલ્ટ, બ્લેક સોલ્ટ કે પછી કોઈ પણ બ્રાન્ડનું આયોડાઇઝડ સોલ્ટ પ્રમાણસર લઈ શકાય. બ્લડપ્રેશરની કે હાર્ટની તકલીફ ધરાવતી વ્યક્તિ માટે હિમાલયન સોલ્ટ સારું ગણી શકાય કારણ કે એમાં પોટેશિયમ તેમજ સોડિયમની માત્રા પ્રમાણમાં ઓછી હોય છે. કાલા નમક એટલે કે બ્લેક સોલ્ટ પણ જેમને ડાઈજેશનની તકલીફ હોય એમના માટે સારું છે. એ બોડીમાં ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ જાળવવા માટે પણ ઉપયોગી છે. એમાં રહેલા ટ્રેસ મિનરલ્સ પાચનશક્તિ સુધારવામાં મદદ કરે છે.
ઘણા લોકોને ઘણી ચીજમાં મીઠું ઉપરથી નાખવાની આદત હોય છે. દાળ કે શાકમાં નમક ઓછું હોય તો તરત જ ઉપરથી ઉમેરીને લે છે. સલાડમાં તો ઘણા લોકો મીઠું ભભરાવે છે. આ પ્રકારની ટેબલ સોલ્ટની આદત ચોક્સપણે નુકસાન કરી શકે. એમાં તમે કોઈપણ પ્રકારનું મીઠું લો, એ સ્વાસ્થ્ય બગાડનારું સાબિત થશે.
પ્રશ્ન: કહેવાય છે કે શિયાળામાં તલ, ગોળ, ઘી,ખજૂર ,દાળિયા વગેરે ચોક્કસપણે ખાવા જોઈએ. આ ચીજો આ સીઝનમાં લેવાનું શું કારણ છે?
– મીના કોટેચા (રાજકોટ)
ઉત્તર: શિયાળો પોતાની સાથે ઠંડો પવન, ધુમ્મસ અને ખુશનુમા વાતાવરણ લાવે છે, પરંતુ એ સુસ્તી, સાંધાના દુખાવો, શરીર જકડાઈ જવું જેવી ઠંડીને કારણે થતી અનેક સ્વાસ્થ્ય સમસ્યા પણ લાવે છે. આવી સ્થિતિમાં, તલ અને ગોળનું મિશ્રણ સ્વાસ્થ્ય માટે વરદાન સાબિત થઇ શકે છે.
હા, શિયાળાની ઋતુમાં ખજૂર, તલ, ગોળ, ઘી વગેરે તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક રહેશે કારણ કે આ બધા પ્રકારના ખાદ્યો તમને ઘણી મોસમી સમસ્યાથી બચવામાં મદદ કરી શકે છે.
તલ, ગોળ, ખજૂર વગેરેમાં ગરમીની અસર હોય છે. તે શરીરના આંતરિક તાપમાનને જાળવી રાખવામાં મદદ કરે છે. જેનો ઉપયોગ શરીરમાં ઉર્જા અને ગરમી પ્રદાન કરે છે જે આપણને શરદી, ફલૂ અને કફથી બચાવે છે. આ જ કારણથી ઉપરોક્ત સામગ્રીમાંથી બનાવેલી ચીક્કી તથા ખજૂર પાક પણ શિયાળામાં લેવાય છે.
શિયાળામાં કાઠિયાવાડી જમણમાં ગોળ ચોક્કસપણે હોય જ છે કારણ કે ગોળ એ ઉર્જાનો ભંડાર છે. શિયાળામાં શરીરને ગરમ રાખવા ઉપરાંત તમારા ચયાપચયની ક્રિયા જાળવી રાખવા માટે વધુ ઉર્જાની જરૂર પડે છે. ગોળ એ એક કુદરતી ઉર્જા બુસ્ટર છે જે ઝડપથી પચી જાય છે અને ધીમે ધીમે લોહીમાં શર્કરાનું સ્તર વધારે છે, જે તાત્કાલિક ઉર્જા પુરી પડે છે અને થાક પણ દૂર કરે છે.એ આયર્નનો ભરપૂર સ્ત્રોત છે અને એમાંથી કેલ્શિયમ પણ સારા પ્રમાણમાં મળે છે એટલે શિયાળામાં થતા સાંધાના દુખાવામાં પણ એ રાહતનું કામ કરશે.
(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)