Home Blog Page 2

ગુજરાતમાં રવિ પાકનું વાવેતર વધ્યું, ઘઉં, મકાઈ અને ચણાનું રેકોર્ડબ્રેક ઉત્પાદન

અમદાવાદ: ગત વર્ષે રાજ્યમાં ખેડૂતોને રવિપાકના સારા ભાવ મળ્યા હતા. અને ચોમાસાની સિઝન દરમિયાન સારા વરસાદના પગલે આ વર્ષે રવિ પાકના વાવેતરમાં નોંધપાત્ર વધારો થયો છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન રવિ પાકોનો સામાન્ય વાવેતર વિસ્તાર સરેરાશ 46.07 લાખ હેક્ટર હતું. જેની સરખામણીએ ચાલુ વર્ષે અત્યાર સુધીમાં જ ખેડૂતોએ 47.55 લાખ હેક્ટર વિસ્તારમાં રવિ પાકનું વાવેતર કર્યું છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં હજુ પણ રવિ પાકોનું વાવેતર ચાલુ હોવાથી વાવેતરનો આંકડો વધવાની સંપૂર્ણ સંભાવના છે.

ગુજરાતમાં દર વર્ષે રવિ પાકમાં સૌથી વધું ઘઉંનું ઉત્પાદન નોંધાય છે. જે પ્રથા આ વર્ષે પણ યથાવત્ રહી છે. અત્યાર સુધીમાં કુલ 13.42 લાખ હેક્ટર વિસ્તારમાં ઘઉંનું રેકોર્ડબ્રેક વાવેતર નોંધાયું છે. જે ગત વર્ષની સરખામણીએ 109 ટકા જેટલું વધારે છે. આ ઉપરાંત ધાન્ય પાકમાં મકાઈનું પણ આ વર્ષે કુલ 1.35 લાખ હેક્ટરમાં વાવેતર નોંધાયુ છે, જે ગત વર્ષની સરખામણીએ 118.92 ટકા જેટલું છે. રાજ્યમાં આ વર્ષે કઠોળ પાકમાં ચણાનું પણ મબલખ વાવેતર નોંધાયું છે. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન રાજ્યના આશરે 6.29 લાખ હેક્ટર વિસ્તારમાં ચણાનું વાવેતર નોંધાયું હતું, જેની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં કુલ 8.39 લાખ હેક્ટર વિસ્તારમાં ચણાનું વાવેતર થયું છે, જે ગત વર્ષની સરખામણીમાં 133.38 ટકા જેટલું છે. જીરા પાકનું 4.74 લાખ હેક્ટર વિસ્તારમાં તેમજ તેલીબિયા પાકોમાં રાઈનું કુલ 2.57 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. આ વર્ષે ડુંગળીના ઉત્પાદમાં 133.33 ટકા જેટલો વધારો આવ્યો છે. ગત વર્ષે 69 હજાર હેક્ટરમાં વાવેતર થયું હતું જેની સાથે આ વર્ષે 92 હજાર હેક્ટરમાં વાવેતર નોંધાયું છે. આ ઉપરાંત બટાકાના પાકમાં 115.55 ટકાના વધારા સાથે 1.56 લાખ હોક્ટરમાં વાવેતર નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં કુલ 19.88 લાખ હેક્ટરમાં રવિ પાકોનું વાવેતર થયું છે. જેમાં ચણા પાકનું 6.17 લાખ હેક્ટરમાં વાવેતર મહત્તમ નોંધાયું છે. આ ઉપરાંત કચ્છ ઝોનમાં 1.93 લાખ હેકટર, ઉત્તર ગુજરાત ઝોનના જિલ્લાઓમાં 12.96 લાખ હેક્ટરમાં, મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં 9.16 લાખ હેક્ટરમાં અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં 3.61 લાખ હેક્ટરમાં રવિ પાકોનું વાવેતર નોંધાયું છે.

Oscar 2025: આ પાંચ ભારતીય ફિલ્મોની ઓસ્કરમાં એન્ટ્રી…

મુંબઈ: ફિલ્મ ‘લાપતા લેડીઝ’ બેશક ઓસ્કારની રેસમાંથી બહાર થઈ ગઈ છે, પરંતુ ભારતીય ફિલ્મોના આ પ્રતિષ્ઠિત એવોર્ડમાં હજુ પણ આશાનું કિરણ બાકી છે. 97મા એકેડેમી એવોર્ડ માટે માત્ર બે મહિના બાકી છે ત્યારે એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સે આ વર્ષના ઓસ્કાર માટે લાયક 323 ફીચર ફિલ્મોની યાદી બહાર પાડી છે. તેમાંથી, 207 ફિલ્મોએ પ્રતિષ્ઠિત પુરસ્કારોમાં શ્રેષ્ઠ પિક્ચર કેટેગરી માટે પાત્રતાની જરૂરિયાતો પૂરી કરી છે, રસપ્રદ વાત એ છે કે, સ્પર્ધક ફિલ્મોમાં પાંચ ભારતીય ફિલ્મોનો પણ સમાવેશ થાય છે, જે 207 ફિલ્મોની યાદીમાં સ્થાન મેળવવામાં સફળ રહી છે.

આ દિવસે વોટિંગ શરૂ થશે

આ યાદીમાં સામેલ ભારતીય ફિલ્મોમાં કંગુવા (તમિલ), ધ ગોટ લાઇફ (હિન્દી), સંતોષ (હિન્દી), સ્વતંત્ર વીર સાવરકર (હિન્દી), ઓલ વી ઇમેજિન એઝ લાઇટ (મલયાલમ-હિન્દી) અને ગર્લ્સ વિલ બી ગર્લ્સ (હિન્દી-અંગ્રેજી)નો સમાવેશ થાય છે. ) ના નામ છે. આ ફિલ્મના નામાંકન માટેનું વોટિંગ આવતીકાલે, બુધવાર, જાન્યુઆરી 8, 2025થી શરૂ થશે અને 12 જાન્યુઆરી, 2025 સુધી ચાલુ રહેશે, જેમાં એકેડમી જાન્યુઆરી 17, 2025ના રોજ અંતિમ નામાંકનોની જાહેરાત કરશે.

કોને મળશે નોમિનેશન?

મનોબાલા વિજયબાલે ‘કંગુવા’ફિલ્મની ઓસ્કર નોમિનેશન યાદીમાં સ્થાન બનાવવા વિશે X પર પોસ્ટ શેર કરી છે. તેણે લખ્યું છે કે,’કંગુવા’ ઓસ્કાર 2025માં પ્રવેશી છે. ભારતીય દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે કોઈ ભારતીય ફિલ્મ નોમિનેટ થાય છે કે કેમ.

ઓસ્કાર ક્યારે યોજાશે?

કંગુવા ફિલ્મ લગભગ 350 કરોડના બજેટમાં બની હતી. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી હતી. હવે આ ફિલ્મ ઓસ્કારમાં વિશ્વભરની 323 ફિલ્મો સાથે સ્પર્ધા કરી રહી છે. આ ફિલ્મમાં સૂર્યાલીડ રોલમાં છે. આ ફિલ્મમાં તેના સિવાય બોબી દેઓલ અને દિશા પટણી જેવા સ્ટાર્સ પણ છે. આ ફિલ્મ પ્રાઇમ વિડિયો પર ઉપલબ્ધ છે. ઓસ્કરની વાત કરીએ તો તે 2 માર્ચ, 2025ના રોજ લોસ એન્જલસમાં યોજાશે.

સુરતમાં ગેસ લીકમાં થયેલા ધડાકામાં છ લોકો ઘાયલ

સુરતઃ શહેરમાં એક ઘરમાં ગેસ લીક થવાને કારણે ભીષણ ધડાકો થયો છે, જેમાં એક જ પરિવારના છ લોકો ગંભીરપણે ઇજાગ્રસ્ત થયા હતા. આ તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે સ્થાનિકોની મદદથી હોસ્પિટલ ખસેડાયા. શહેરમાં વહેલી સવારે ગેસ સિલિન્ડરમાં ધડાકો થયો હતો. સિલિન્ડરમાં થયેલા બ્લાસ્ટ એટલો બધો પ્રચંડ હતો કે એક વ્યક્તિ ચોથા માળે વોશરૂમમાં બેઠો હતો, જે ધડાકાને કારણે દીવાલ તૂટતાં ત્રીજા માળે આવીને પડ્યો હતો.  

શહેરના પુર્ણા વિસ્તારમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાની ઘટના બની હતી. પુર્ણાની રાધે કૃષ્ણ સોસાયટીના એક મકાનમાં વહેલી સવારે સિલિન્ડર ફાટતાં મોટો ધડાકો થયો. જેથી આગ લાગી હતી. આ આગની જવાળાઓએ આસપાસના વિસ્તારને ભરડામાં લેતાં છ લોકો દાઝી ગયા હતા. સ્થાનિકો દ્વારા તમામને રેસ્કયુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા. તમામને સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્ હતા. આ ઘટનામાં પતિ-પત્ની, બે દીકરી અને એક પુત્રને ઈજા પહોંચી હતી.

રાધે ક્રિષ્ના સોસાયટીમાં બીજા માળે રાજસ્થાની પરિવાર દુર્ઘટનાનો શિકાર થયો હતો. આ દુર્ઘટનામાં એક જ પરિવારના લોકો દાઝી ગયા હતા. ડોક્ટરોએ તમામની હાલત સ્થિર હોવાનું જણાવ્યું. આ ઘટનાની માહિતી મળતાં ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ અને આગ કાબુમાં લેવા પ્રયાસ કર્યો. ઘટનાની મળેલ પ્રાથમિક જાણકારી મુજબ ગેસ પાઈપમાં લીકેજ થવાના કારણે ધડાકો થયો હતો.

 

 

India Open Super 750: લક્ષ્ય સેન અને પીવી સિંધુ કરશે ભારતીય ટીમનું નેતૃત્વ!

ઈન્ડિયા ઓપન સુપર 750 બેડમિન્ટન ટૂર્નામેન્ટ 14મી જાન્યુઆરીથી નવી દિલ્હીમાં શરૂ થઈ રહી છે.  ભારતની અત્યાર સુધીની સૌથી મોટી ટીમનું નેતૃત્વ લક્ષ્ય સેન અને પીવી સિંધુ કરશે. આ ટૂર્નામેન્ટમાં ઓલિમ્પિક ચેમ્પિયન વિક્ટર એક્સેલસન, એન સે યંગ અને વર્લ્ડ નંબર 1 ખેલાડી શી યુકી જેવા સુપરસ્ટાર પોતાનો જાદુ ફેલાવતા જોવા મળશે. ઈન્ડિયા ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટની મેચ ઈન્દિરા ગાંધી સ્ટેડિયમ અને કે કેડી જાધવ ઈન્ડોર હોલમાં રમાશે. આ સિવાય આ ટૂર્નામેન્ટમાં ભારતના કુલ 21 ખેલાડીઓ ભાગ લેશે.

‘વિશ્વ મંચ પર ભારતીય બેડમિન્ટનનો વિકાસ અને ઉદય…’

ભારતીય બેડમિન્ટન એસોસિએશનના જનરલ સેક્રેટરી સંજય મિશ્રાએ એક નિવેદન બહાર પાડ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે સુપર 750 સ્પર્ધામાં આટલા ભારતીય ખેલાડીઓની ભાગીદારી દર્શાવે છે કે ભારતીય બેડમિન્ટનનો વિશ્વ સ્તરે કેટલો વિકાસ થયો છે. વિશ્વ મંચ પર ભારતીય બેડમિંટનના વિકાસ અને ઉદયની આ એક નોંધપાત્ર નિશાની છે. તેમણે વધુમાં કહ્યું કે, આ તો માત્ર શરૂઆત છે – 2025 એવું વર્ષ હશે જેમાં મોટા નામોની સાથે વધુ નામો પણ સામેલ થશે. આ ટૂર્નામેન્ટની અગાઉની આવૃત્તિમાં ભારતના 14 ખેલાડીઓએ ભાગ લીધો હતો, પરંતુ આ વખતે આ સંખ્યા વધીને 21 થઈ ગઈ છે.

ભારતીય બેડમિંટનના ઇતિહાસ પર એક નજર..

ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી ઈન્ડિયા ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટ 2023માં ફાઇનલમાં પહોંચ્યા હતા, પરંતુ તેઓ ખિતાબ જીતવામાં નિષ્ફળ રહ્યા હતા. આ બંને દિગ્ગજ ખેલાડીઓએ મેન્સ ડબલ્સની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી. આ સિવાય એચએસ પ્રણય ઈન્ડિયા ઓપન સુપર 750 બેડમિન્ટન ટૂર્નામેન્ટ 2024ની મેન્સ સિંગલ્સની સેમિફાઈનલમાં પહોંચી ગયો હતો. ચાઇના માસ્ટર્સ 2024 સેમી ફાઇનલિસ્ટ ચિરાગ અને સાત્વિક મેન્સ ડબલ્સમાં ભારતનું નેતૃત્વ કરશે. વાસ્તવમાં પેરિસ ઓલિમ્પિક બાદ સાત્વિક ઈજાને કારણે મેદાન પર વધારે જોવા મળ્યો નથી. તેથી, આ ખેલાડી માટે ફરીથી ફોર્મ મેળવવું એક મોટો પડકાર હશે.

CREDAI ગાંધીનગર દ્વારા ટ્રાઇ-સિટી પ્રોપર્ટી ફેસ્ટનું આયોજન

ગાંધીનગર: કોન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (CREDAI) ગાંધીનગર દ્વારા 10, 11 અને 12 જાન્યુઆરીના રોજ ટ્રાઈ-સિટી પ્રોપર્ટી ફેસ્ટનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં બુમિંગ ટ્રાઇ સિટી ગાંધીનગર, અમદાવાદ અને ગિફ્ટ સિટીના રિયલ એસ્ટેટના શ્રેષ્ઠ એકમોનું પ્રદર્શન કરશે. આ કાર્યક્રમમાં ટોચના 65 ડેવલપર્સ દ્વારા 120 થી વધુ પ્રોજેક્ટ દર્શાવવામાં આવશે, જે સંભવિત ઘર ખરીદનારાઓ અને રોકાણકારો માટે અનન્ય પસંદગીના વિકલ્પો પ્રદાન કરશે. આ ફેસ્ટમાં ઓન-ધ-સ્પોટ હોમ લોન મંજૂરી, રૂ.1 લાખ સુધીના ડિસ્કાઉન્ટ સાથે ઇન્સ્ટન્ટ ઑફર્સ, દર એક કલાકે લકી ડ્રો સહિતના આકર્ષક ઈનામો પણ આપવામાં આવશે. આ ઉપરાંત મુલાકાતીઓ મેગા લકી ડ્રોમાં ભાગ લઇ શકે છે, અને ન વેચાયેલી ઇન્વેન્ટરીના સ્ટોલ સુધી પહોંચી શકશે, જે ખરીદદારો માટે એક સુવર્ણ તક બનશે.

CREDAI ગાંધીનગરના ચેરમે પ્રવીણ પટેલે જણાવ્યું હતું કે, “ગાંધીનગર, અમદાવાદ અને ગિફ્ટ સિટીને સમાવેશ કરતો ટ્રાઇ-સિટી વિસ્તાર અમર્યાદિત વ્યાપારી તકો અને સ્થળાંતર કરનારાઓના ધસારાને કારણે દેશમાં સૌથી ઝડપથી વિકસતા પ્રદેશોમાંનો એક છે. ટ્રાઇ-સિટી પ્રોપર્ટી ફેસ્ટ એ પ્રદેશની શ્રેષ્ઠ અને સૌથી આશાસ્પદ રિયલ એસ્ટેટ ઑફરનું પ્રદર્શન કરવા અને સાક્ષી બનવા માટેનું યોગ્ય સ્થળ છે. ડેવલપર્સ મોટી સંખ્યામાં ખરીદદારો સાથે જોડાઈ શકે છે, અને ખરીદદારો તેમના બજેટ અને જરૂરિયાતને અનુરૂપ વિવિધ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ જોઇ શકશે.”

8,650 ચોરસ મીટર જગ્યામાં ફેલાયેલું, ટ્રાઇ-સિટી પ્રોપર્ટી ફેસ્ટ 30,000 થી વધુ મુલાકાતીઓને આકર્ષે તેવી અપેક્ષા છે, જે રિયલ એસ્ટેટ માટે ઝડપથી ઉભરતું હોટસ્પોટ, મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સમૃદ્ધ બિઝનેસ ઇકોસિસ્ટમ અને ફાસ્ટ-ટ્રેક કનેક્ટિવિટી દ્વારા સંચાલિત પ્રદેશની વધતી જતી રુચિને પ્રતિબિંબિત કરે છે. આ સ્થળ 1,000 થી વધુ કાર અને 450 જેટલા ટુ-વ્હીલર માટે પાર્કિંગની જગ્યા ધરાવે છે.

ગાંધીનગર એક વહીવટી હબ છે, જે 80-મીટર રિંગ રોડ, ન્યુ નોલેજ કોરિડોર, સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ 2, સેમિકન્ડક્ટર, AI, બાયોટેકનોલોજી સહિતના વિવિધ ઉભરતા ક્ષેત્રોમાં રોકાણના પ્રવાહ જેવા પ્રોજેક્ટ્સ દ્વારા વિકાસના માર્ગને પ્રોત્સાહન આપે છે. મેટ્રો રેલ પ્રોજેક્ટને કારણે ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે સારી કનેક્ટિવિટી પણ રાજ્યની રાજધાનીમાં રિયલ એસ્ટેટ માર્કેટને બુટ કરશે તેવી અપેક્ષા છે. GIFT સિટી, ભારતનું એકમાત્ર ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટર (IFSC) છે, જે રોકાણ તક માટે ઉભરી આવ્યું છે, અને કેટલીક મોટી વૈશ્વિક કોર્પોરેશનો અને નાણાકીય સંસ્થાઓને આકર્ષિત કરે છે. અમદાવાદ, તેના કોસ્મોપોલિટન કલ્ચર, મેટ્રો રેલ અને BRTS જેવા વિકસતા શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ગુજરાતના સૌથી મોટા રિયલ એસ્ટેટ માર્કેટ સાથે ગાંધીનગર અને GIFT સિટીને સંપૂર્ણ રીતે પૂરક બનાવે છે.

CREDAI ગાંધીનગરના પ્રેસિડેન્ટ જશુ પટેલે આ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, “પ્રોપર્ટી ફેસ્ટ ભારતના સૌથી ઝડપથી વિકસતા રિયલ એસ્ટેટ માર્કેટમાં ટ્રાઇ-સિટીના પરિવર્તનને પ્રકાશિત કરશે. ઉમદા કનેક્ટિવિટી, વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉભરતા અર્થતંત્ર સાથે, આ વિસ્તાર ઘર ખરીદનારાઓ અને સંભવિત રોકાણકારો માટે આદર્શ સ્થાન છે. આ વિસ્તારમાં પ્રોપર્ટી માર્કેટમાં રોકાણ કરવા અને  વિકાસનો લાભ લેવાનો આ યોગ્ય સમય છે.”

ટ્રાઇ-સિટી પ્રોપર્ટી ફેસ્ટ વિવિધ બજેટ પ્રમાણે રહેણાંક અને કોમર્શિયલ સેગમેન્ટમાં મિલકતોની શ્રેણીનું પ્રદર્શન કરશે. સાત બેંકો પણ પ્રોપર્ટી ફેસ્ટમાં ભાગ લઈ રહી છે, રસ ધરાવતા ખરીદદારો માટે સ્થળ પર જ મંજૂરીની ખાતરી આપે છે. સંલગ્ન ક્ષેત્રોની પાંચ કંપનીઓ પણ ભાગ લઈ રહી છે. આ ફેસ્ટ ગાંધીનગરમાં PDEU મેટ્રો સર્કલ પાસે 10 થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાશે.

શું ઈંગ્લેન્ડ અફઘાનિસ્તાન સામે નહીં રમે? ECB એ આપ્યો આ જવાબ

ICC ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા મોટી માહિતી સામે આવી રહી છે. હકીકતમાં, 160 થી વધુ બ્રિટિશ રાજકારણીઓએ ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) ને અફઘાનિસ્તાન સામેની ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટ મેચનો બહિષ્કાર કરવા વિનંતી કરી છે. આ નેતાઓ માને છે કે તાલિબાન શાસન દ્વારા મહિલાઓના અધિકારોના દમન સામે ECBએ અવાજ ઉઠાવવો જોઈએ. આ સિવાય ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાકિસ્તાન મેચનો બહિષ્કાર કરો. ઈંગ્લેન્ડ અને પાકિસ્તાનની ટીમો 26 ફેબ્રુઆરીએ લાહોરમાં સામસામે ટકરાશે.

ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટે શું કહ્યું?

જો કે આના પર ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટનો જવાબ આવ્યો છે. ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટે આ માંગને ફગાવી દીધી છે. આ રીતે ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે 26 ફેબ્રુઆરીએ મેચ રમાશે. જો કે ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટે મહિલાઓ વિરુદ્ધ તાલિબાનના કાયદાની આકરી ટીકા કરી હતી, પરંતુ તેઓએ સ્પષ્ટ કર્યું હતું કે મેચ પર તેની કોઈ અસર નહીં થાય. આ પહેલા લેબર સાંસદ ટોનિયા એન્ટોનિયાઝીએ ECBને પત્ર લખ્યો હતો. જેમાં હાઉસ ઓફ કોમન્સ અને હાઉસ ઓફ લોર્ડ્સના સાંસદોના હસ્તાક્ષર હતા, જેમાં નિગેલ ફરાજ અને જેરેમી કોર્બીનનો સમાવેશ થાય છે.

નોંધનીય છે કે, ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટના ચીફ એક્ઝિક્યુટિવ રિચર્ડ ગોલ્ડને સંબોધિત પત્રમાં આ વાત કહેવામાં આવી છે. અમે ઇંગ્લેન્ડની પુરૂષ ટીમના ખેલાડીઓ અને અધિકારીઓને તાલિબાન હેઠળ અફઘાનિસ્તાનમાં મહિલાઓ અને છોકરીઓ સાથેના ખરાબ વર્તન સામે બોલવા વિનંતી કરીએ છીએ. પત્રમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે અમે ECBને અફઘાનિસ્તાન સામેની આગામી મેચના બહિષ્કાર અંગે વિચારણા કરવા વિનંતી કરીએ છીએ જેથી સ્પષ્ટ સંકેત મળે કે આવી ગેરવર્તણૂક સહન કરવામાં આવશે નહીં. જયારે આપણે લિંગ ભેદભાવ સામે ઊભા રહેવું જોઈએ અને અમે અફઘાનિસ્તાનની મહિલાઓ અને છોકરીઓને એકતા અને આશાનો મજબૂત સંદેશ મોકલવા માટે ECBને વિનંતી કરીએ છીએ.

SVPI એરપોર્ટના પેસેન્જર્સ અને કાર્ગોમાં FY25ના Q3માં દ્વિઅંકી વૃદ્ધિ

અમદાવાદઃ વૈશ્વિક સ્તરે વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોના ફ્લેગશિપ ઈન્ક્યુબેટ અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડની પેટા કંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી  Q3-FY25માં મુસાફરોની સંખ્યામાં મજબૂત વૃદ્ધિ જોવા મળી છે. 3.5 મિલિયનથી વધુ મુસાફરોએ એરપોર્ટ પરથી ફ્લાઇટ લીધી છે. જે અગાઉના વર્ષની ત્રણ મિલિયન (Q3 FY24)ની સંખ્યા કરતાં 18 ટકા વધુ છે.

FY25ના Q3માં SVPI એરપોર્ટ પર 27,000થી વધુ એરક્રાફ્ટ ટ્રાફિક મુવમેન્ટ (ATMs)ના સંચાલન સાથે 15 ટકાનો વધારો જોવા મળ્યો. આ મજબૂત વૃદ્ધિ ગંતવ્યોમાં નવાં સ્થળો અને એરલાઇન્સના ઉમેરાથી ફ્લાઇટ ફ્રીક્વન્સીમાં વધારાનું પરિણામ છે.  22 ડિસેમ્બર, 2024એ SVPI એરપોર્ટ પર 324 ATM સાથે 44,253 મુસાફરોની અવરજવર જોવા મળી હતી, જે વર્તમાન નાણાકીય વર્ષમાં સૌથી વધુ છે, ત્યાર બાદ 12 ડિસેમ્બર અને 13 ડિસેમ્બરે અનુક્રમે 318 ATM સાથે 43,881 અને 325 ATM સાથે 43,408 મુસાફરોને સેવા આપી હતી.

છેલ્લા ત્રિમાસિક ગાળામાં અમદાવાદ એરપોર્ટ પર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નવીનતા અને ગંતવ્યોમાં ઉમેરો કરવામાં આવ્યો હતો. જેમાં ટર્મિનલ-2 એક્સટેન્ડેડ ચેક-ઇન હોલ, ઇન્ટર-ટર્મિનલ ઇલેક્ટ્રિક શટલ સેવા, બિન-ભારતીય સિમ કાર્ડ ધરાવતા પ્રવાસીઓ માટે વાઇ-ફાઇ કૂપન ડિસ્પેન્સર્સ તથા દા નાંગ, ગુવાહાટી, દીમાપુર તિરુવનંતપુરમ, કોલ્હાપુર અને કુવૈતની નવી ફ્લાઇટ્સ તેમજ કોચી અને કોલકાતા માટે ફ્રીક્વન્સીઝમાં વધારાનો સમાવેશ થાય છે.

ડિસેમ્બર, 2024માં ભારતના એકમાત્ર અમદાવાદ એરપોર્ટને ઊર્જા સંરક્ષણ માટેની અસાધારણ પ્રતિબદ્ધતા માટે નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ્સ (NECA) 2024 પ્રતિષ્ઠિત સર્ટિફિકેટ ઓફ મેરિટ મળ્યો હતો. બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી આયોજિત આ એવોર્ડ ભારત સરકારના પાવર મંત્રાલય દ્વારા એનાયત કરવામાં આવે છે.

ગત વર્ષની સરખામણીએ Q3-FY25માં આંતરરાષ્ટ્રીય એરલાઇન્સ, કાર્ગોની સંખ્યામાં 17 ટકાની નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી. એરપોર્ટે 17,900 MTથી વધુ કાર્ગોનું સંચાલન કર્યું છે, જેમાં 1850 MTથી વધુ આંતરરાષ્ટ્રીય કાર્ગોનો સમાવેશ થાય છે. જે નાણાકીય વર્ષના Q3 આંકડાઓ કરતાં 300 ટકાથી વધુનો વધારો સૂચવે છે. સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ મુસાફરોના અનુભવને ઉત્કૃષ્ટ બનાવવા તેમ જ સીમલેસ મુસાફરી માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને અસરકારક કનેક્ટિવિટી માટે પ્રતિબદ્ધ છે.

CEPTના પૂર્વ વિદ્યાર્થીઓની ગ્લોબલ એલ્યુમની મીટ 2025નું આયોજન

અમદાવાદ: CEPT યુનિવર્સિટીમાં 6 જાન્યુઆરીના રોજ ગ્લોબલ એલ્યુમની મીટ 2025 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર વિશ્વના કુલ 25 શહેરોમાંથી 500 જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં 15 ભારતના અને 10 આંતરરાષ્ટ્રીય સ્થળો – લંડન, લેસ્ટર, ન્યૂયોર્ક, એટલાન્ટા, સિડની અને ટોરોન્ટોથી આવ્યા હતા.ભારતમાં પુણે, મુંબઈ, બેંગલુરૂ, દિલ્હી, કોલકાતા, સુરત, હૈદરાબાદ, કોચી અને વડોદરા સહિતના સ્થળોથી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની મીટ એક સાથે યોજાઈ હતી. અમદાવાદ સ્થિત કેમ્પસમાં સાથી સ્નાતકો, ફેકલ્ટી મેમ્બર્સ, સ્ટાફ મેમ્બર્સ અને વિદ્યાર્થીઓ સાથે જોડાવા માટે 150થી વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમના અલ્મા મેટર પર પાછા ફર્યા. આ એક વાર્ષિક ઇવેન્ટ છે. જે દર વર્ષના પ્રથમ શનિવારે ઉજવવામાં આવે છે. જેમાં તમામ ફેકલ્ટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને યુનિવર્સિટી સમુદાય સાથે પુનઃજોડાણ કરવા માટેનું એક નેટવર્ક મળે છે. સંસ્થા તેમને એક પ્લેટફોર્મ પૂરું પાડે છે.આ કાર્યક્રમમાં UKના સુરેશ પટેલ (બેંચ-1965) કે જેઓ CEPTના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું નેતૃત્વ કરે છે તેઓ ખાસ હાજર રહ્યા. આ સિવાય USAના કિરીટ દેસાઈ(બેંચ-1963), ભારતના નિસર્ગ શાહ (બેંચ-1906 (અન્ડર ગ્રેજ્યુએટ)), ભારતના મહેશ દેસાઈ (બેંચ-1969 (અન્ડર ગ્રેજ્યુએટ)), ભારતના પૂનમ સોલંકી (બેંચ-1909(અન્ડર ગ્રેજ્યુએટ), ભારતના સુનિતા ધોટે (બેંચ-2016), ગુરપ્રીત સિંઘ (બેંચ-1973) અને વિશ્વભરના અન્ય ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની આ મીટનો ઉદ્દેશ્ય અનુભવો અને સ્મૃતિઓના આદાન-પ્રદાનને સરળ બનાવવા માટેનો હતો. યુવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને જેઓ એક સમયે સુંદર CEPT કેમ્પસને પોતાનું ઘર કહેતા હતા તેમની વચ્ચે સૌહાર્દની નવી ભાવનાને પ્રોત્સાહન આપવાનો હતો.ગ્લોબલ એલ્યુમની મીટ 2025 એ વિશ્વભરમાં CEPT યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના મજબૂત અને વાઇબ્રન્ટ નેટવર્કનું નિદર્શન કર્યું. આ મેળાવડાઓ જીવનભરના જોડાણોને ઉત્તેજન આપવા, અનુભવોની વહેંચણી અને યુનિવર્સિટીના સતત વિકાસ અને સફળતાને સમર્થન આપવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે.

શું સ્ત્રીઓની સફળતા ત્વચાના રંગ પર આધાર રાખે છે?

શ્યામલી એક કંપનીમાં મિડ-લેવલ મેનેજર હતી. પોતાનું કામ નિષ્ઠાપૂર્વક કરતી. પરંતુ એના શ્યામ રંગના કારે દરરોજ એની અવગણના થાય. શ્યામલીને એના પિતાની શીખવેલી એક વાત બાળપણથી યાદ હતી કે, ‘ગુણ અને પરિશ્રમ તારી ઓળખ છે, તારો રંગ નહીં.’ પણ જીવનના વિવિધ તબક્કાઓમાં એ સામાજિક ભેદભાવનો ભોગ બની હતી. કોલેજમાં જ્યારે એ ટોપર હતી, ત્યારે પણ વિદ્યાર્થીઓ એનાથી દુર રહેતા.

જ્યારે શ્યામલીને સારી કંપનીમાં નોકરી મળી ત્યારે એને લાગ્યું કે હવે અહીં તો મારી અવગણના નહીં જ થાય. પરંતુ એની આ આશા ઠગારી નીવડી. એ જે બોર્ડરૂમ મીટિંગમાં હાજરી આપતી ત્યાં ઘણી વાર એની વાતો અવગણાતી. સહકર્મચારીઓ એને હળવાશથી લેતા. એને કામમાં પાછળ રાખવામાં આવતી. કંપનીમાં કોઈપણ કાર્યક્રમ હોય એમાં શ્યામલી ભાગ લેવા ઇચ્છે તો પણ કોઈને કોઈ બહાને એને એમાંથી બાકાત રખાતી.

કંપનીમાં એનાથી વધારે મહેનતી કોઈ ન હતું છતાં “શ્યામ રંગના લોકો સાથે ક્લાયન્ટ મજબૂત જોડાણ નથી બનાવી શકતા.” એવું કારણ ધરીને એને નવા પ્રોજેક્ટની લીડર બનાવવામાં ન આવી.

આમ છતાં શ્યામલીનો આત્મવિશ્વાસ અડગ રહ્યો. એક દિવસ કંપનીએ એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ માટે મીટિંગ યોજી. શ્યામલીએ પોતાના તમામ ડેટા અને સંશોધન પર કામ કરીને સરસ પ્રેઝન્ટેશન આપ્યું. આ જોઈને તમામ લોકો ચકિત થઈ ગયા. એના આઈડિયાઝ બધાને પસંદ આવ્યા એટલું જ નહીં, આ પ્રોજેક્ટના પરિણામે કંપનીને કરોડોનો નફો પણ થયો. એ પહેલાં પણ શ્યામલીએ અનેક વખત પોતાના ગુણો અને બુદ્ધિમત્તાના ઉદાહરણ આપ્યા હતા, પરંતુ આ વખતે જાણે એની પ્રામાણિકની સાચી ઓળખ બધાને થઈ.

હવે શ્યામલીને એના ઓફિસમાં બધા જ માનથી બોલાવે છે. બોસ અમુક વખતે શ્યામલીની સલાહ પણ લે છે. ટૂંકમાં શ્યામલી એના શ્યામવર્ણના કારણે થતી અવગણનાને ઘણી પાછળ છોડી ચૂકી છે.

જો કે શ્યામલીને તો એની સાચી ઓળખ મળી ગઈ, પરંતુ સમાજમાં આજે પણ બ્લેક કે શ્યામવર્ણી યુવતી કે મહિલાઓની અવગણના થાય છે સામાન્ય રીતે એવી માન્યતા હોય છે કે દેખાવમાં સુંદર મહિલાઓમાં જ દરેક કામ કરી શકે. પરંતુ રૂપાળી દેખાતી સ્ત્રી જ બુદ્ધિશાળી હોય એ જરૂરી નથી.

સ્ત્રીઓના કામનું અવમૂલ્યન કરવાનું બંધ કરો

આજના યુગમાં પણ, જ્યાં સમાજ વિકાસ અને સમાનતાની વાત કરે છે, ત્યાં સ્ત્રીઓના રૂપ અને રંગના આધાર પર એમની ક્ષમતાને અવગણવાનું ચલણ યથાવત છે. જ્યાં એક સ્ત્રીની ઓળખ એના કર્મથી થવી જોઈએ, ત્યાં સમાજમાં કદાચ એક સૂક્ષ્મ ભેદભાવ છુપાયેલો છે કે ‘રૂપાળી યુવતિ કે મહિલાએ સારું કામ કરવું સહજ છે, જ્યારે શ્યામવર્ણી મહિલાના કાર્ય પર સવાલ ઉભા થાય છે.’

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા સુરતની નવયુગ કોમર્સ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. રૂચિ હાર્દિક દેસાઈ કહે છે કે, “આપણા સમાજમાં વર્ષોથી સોસાયટીના નોર્મ્સ અનુસાર રંગભેદ ચાલતો આવ્યો છે. ત્વચાનો રંગ વ્યક્તિના મુલ્યને નક્કી કરી શકતો નથી. શ્વેત કે શ્યામ ત્વચાનો રંગ માત્ર મેલેનાઇનના પ્રમાણથી નક્કી થાય છે. આ કોઈનું આઈક્યુ લેવલ, પ્રદર્શનની ક્ષમતા કે સર્જનાત્મકતા નક્કી કરતો નથી. ત્વચા એ માત્ર ત્વચા છે અને એના આધારે કોઈ મહિલા પ્રત્યે પોતાનો અભિપ્રાય આપવો મૂર્ખતા સમાન છે. એક વાત માનવી રહી કે ફેર ત્વચા આકર્ષણ કરી શકે પરંતુ જો એનામાં લાયકાત ન હોય તો એ લાંબો પ્રભાવ પાથરવામાં નિષ્ફળ નીવડે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો  ‘ફેર એન્ડ લવલી’ ક્રીમ વિરુદ્ધ 80,000 પીટિશન ફાઇલ કરાઈ હતી, જેના કારણે એનું નામ બદલવું પડ્યું. માર્કેટિંગમાં પણ શ્યામ રંગને નકારતા વખતે લોકો ભૂલી જાય છે કે જો શ્યામ ત્વચામાં પ્રાકૃતિક તેજ હોય, તો એ વધુ આકર્ષક લાગે છે. આજના સમયમાં, કલરીઝમના આ નકામા કલ્ચરમાંથી બહાર આવવું અત્યંત જરૂરી છે. ત્વચાનું તેજ મહત્વનું છે, રંગ નહીં.”

ઉલ્લેખનીય બાબત છે કે હિન્દુસ્તાન યુનિલીવર (HUL)એ એના સૌંદર્ય પ્રસાધન માટેની જાણીતી ક્રીમ ‘ફેર એન્ડ લવલી’ નામમાંથી ‘ફેર’ શબ્દ હટાવી લીધો છે. ફેર એન્ડ લવલી નામ સામે બોલીવૂડમાં બ્લેક બ્યુટી તરીકે ઓળખાતી અભિનેત્રીએ નંદિતા દાસે વિરોધ દર્શાવ્યો હતો. એ પછી તો આ જ ક્રીમની એડમાં કામ કરતી અને બોલિવૂડમાં ફેર અભિનેત્રી તરીકે જાણીતી યામી ગૌતમે પણ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતુ કે કોઈ પણ મહિલા રંગના આધારે કામીયાબી ન મેળવી શકે. એ પછી તો અનેક અભિનેત્રીઓ આ વિરોધમાં જોડાઈ હતી

રૂપ અને ક્ષમતાનો કોઈ સંબંધ નથી

સ્ત્રીની બુદ્ધિ, શૈક્ષણિક પાત્રતા અને કાર્યદક્ષતાને એનું ચહેરાનું રંગરાણું નક્કી કરી શકે નહીં. જીવનના અનેક ક્ષેત્રોમાં એવી સ્ત્રીઓનો ઉદાહરણો છે, જેઓ કાળા કે શ્યામવર્ણના હોવા છતાં ઊંચા શિખરો સર કરી રહી છે. હકીકતે, કાળાં કે શ્યામવર્ણના રંગને કારણે અનેક મહિલાઓને કામ અથવા તકની નબળા પ્રતિસાદોનો સામનો કરવો પડે છે. રૂપ અને રંગના આધારે સ્ત્રીઓનું મૂલ્યાંકન કરવું એ અશિક્ષિત અને જૂની માન્યતાઓમાંથી પેદા થયેલો ભ્રમ છે.

અમદાવાદના સેફ(રસોઈકળામાં નિપુણ) ચંદન જીતેન્દ્ર પરમાર ચિત્રલેખા.કોમને કહે છે કે, “રૂપરંગથી કોઈની સક્ષમતા નક્કી કરવી અન્યાય છે. કાળા માણસમાં પણ એવી આવડત હોય શકે છે, જે સ્વરૂપવાનમાં ન હોય. કોઈની ત્વચાનો રંગ એના કર્મ, કૌશલ્ય અને પ્રતિભા માટે અવરોધ બની શકે નહીં. ગુણ અને કાર્યક્ષમતા જ વ્યક્તિની સાચી ઓળખ છે. એવી અનેક મહિલાઓ છે જે શ્યામવર્ણી હોય પરંતુ પોતાના ક્ષેત્રમાં નામના મેળવી હોય. માટે આવી વિમુખતાથી સમાજમાં છૂટકારો લાવવો જોઈએ. રૂપ ક્યારેય મુખ્ય હોય નહીં, પરંતુ વ્યક્તિના વ્યક્તિત્વ અને ગુણધર્મો જ એનું મુલ્ય નક્કી કરે છે.”

ત્વચાના રંગે વ્યક્તિની કિંમત નક્કી નથી થતી

સામાન્ય રીતે ફિલ્મ, મીડિયા અને જાહેરાતોના કારણે રૂપાળાં ચહેરાંને વધુ મહત્વ મળે છે. શ્યામવર્ણી સ્ત્રીઓ સાથે ઘણી જગ્યાએ ભેદભાવ થાય છે. એમને સુંદરતા સાથે જોડવામાં નથી આવતી, અને ઘણી વાર તેઓ પર અયોગ્યતાના લાંછન લાગી જાય છે.

રેખા શૈલેષ પરમાર ચિત્રલેખા.કોમને કહે છે કે, “આજના યુગમાં પણ જો કોઈને એના ત્વચાના રંગથી જજ કરવામાં આવે છે, તો એ ઘણી દુઃખદ વાત છે. ત્વચાનો રંગ એ માત્ર કુદરતી લક્ષણ છે, જે પરમાત્માની સુંદર કૃપા છે. એ વ્યક્તિની ક્ષમતા, મહેનત અથવા માનસિકતા નક્કી કરતું નથી. સમાજે એ સમજવું જોઈએ કે વ્યક્તિની સફળતા એના કાર્ય, વિચારશક્તિ અને વ્યક્તિત્વ પર આધાર રાખે છે, ન કે તેના દૈહિક લક્ષણો પર. ત્વચાના રંગને લઈને પડતા ભેદભાવ ખૂબ અન્યાયકારક છે અને એ માનસિક બળવાખોરી છે. દરેકને પોતાના સ્વરૂપ માટે ગર્વ હોવો જોઈએ અને આવી તુચ્છ માનસિકતાને જડમૂળથી દૂર કરવા માટે શિક્ષણ અને સમજણ પેદા કરવી જરૂરી છે.”

વિશ્વ અને ભારતમાં અનેક સ્ત્રીઓ છે, જેઓ પોતાના કામ અને બુદ્ધિથી વિશ્વમાં એક નવી ઓળખ ઉભી કરી છે, જેઓના માટે એમનો રંગ ન તો અવરોધ બન્યો અને ન તો એમની સફળતાને વ્યાખ્યાયિત કરી શક્યો. એક સ્ત્રીનું જીવન એનો રંગ કે રૂપ નક્કી કરતો નથી, એ એના કાર્ય અને સમજદારીથી સમજાય છે. સમાજે હવે સ્ત્રીઓના રૂપની બહાર જોઈ એમની સફળતાઓને સમજવાની જરૂર છે. ત્વચાનો રંગ કોઈના માર્ગમાં અવરોધ બની શકે છે, પરંતુ ગુણો એ અવરોધને પાર કરીને એના મનને વધુ મજબૂત બનાવે છે. સુંદરતા રૂપમાં નથી, કાર્યમાં છે.

હેતલ રાવ

અમિત શાહે દિલ્હીમાં ભારતપોલ પોર્ટલ લોન્ચ કર્યું

દેશમાં ગુનાખોરીને અંકુશમાં લેવા પોલીસ અવનવા પ્રયોગો કરતી રહે છે. પોલીસકર્મીઓની સંખ્યા વધારવા અને ટેક્નોલોજીની મદદથી ગુનાને અંકુશમાં લેવાના પ્રયાસો કરવામાં આવે છે. આ ઉપરાંત CBI જેવી કેન્દ્રીય એજન્સીઓ પણ રાષ્ટ્રીય સુરક્ષા અને મોટા ગુનાઓ પર કાર્યવાહી કરે છે. પરંતુ આજે પણ દેશમાં ગુનાઓ કરીને વિદેશ ભાગી ગયેલા ગુનેગારોને પાછા લાવીને સજા આપવી એ સુરક્ષા એજન્સીઓ માટે કોઈ પડકારથી ઓછું નથી. આ માટે ભારતીય એજન્સીઓ ઈન્ટરપોલ સહિત અન્ય વિદેશી સુરક્ષા એજન્સીઓની મદદ લે છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારીતા મંત્રી અમિત શાહે આજે સવારે એટલે કે 7મી જાન્યુઆરીના રોજ દિલ્હીથી ભારત પોલ પોર્ટલ લોન્ચ કર્યું હતું. પોર્ટલ લોન્ચ કરતા સમયે તેમણે જણાવ્યું હતું કે ભારતપોલ આપણા દેશની આંતરરાષ્ટ્રીય તપાસને નવા યુગમાં લઈ જશે. અગાઉ CBI એકમાત્ર એવી એજન્સી હતી જે ઈન્ટરપોલ સાથે કામ કરવા માટે માન્ય હતી, પરંતુ હવે ભારતપોલ દ્વારા દરેક ભારતીય એજન્સી અને તમામ રાજ્યોની પોલીસ ઈન્ટરપોલ સાથે સરળતાથી જોડાઈ શકશે. અમે ગુનાખોરીને અંકુશમાં લેવા માટે કાર્યક્ષમતાથી કામ કરવાનું ચાલુ રાખીશું.

વધુમાં તેમણે જણાવ્યું કે, CBI દ્વારા જ ભારતપોલ બનાવવામાં આવ્યું છે. ઈન્ટરપોલની જેમ જ ભારતપોલ પોર્ટલ બનાવવામાં આવ્યું છે. આ સાથે તપાસ એજન્સીઓને સાયબર અને નાણાકીય ગુનાઓ સહિત અન્ય ગુનાઓમાં ઈન્ટરન્શનલ પોલીસની તાત્કાલિક મદદ મળશે. આ પોલ દ્વારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની પોલીસ ગુનેગારો અને વિદેશ ભાગી ગયેલા ગુનાઓ વિશે ઈન્ટરપોલ પાસેથી માહિતી મેળવી શકશે. ઇન્ટરપોલ ઉપરાંત અન્ય દેશોની તપાસ એજન્સીઓને પણ જોડી શકાય છે. આ ઉપરાંત અમિત શાહે કાર્યક્રમમાં સીબીઆઈના 35 અધિકારીઓને પોલીસ મેડલથી સન્માનિત કર્યા હતા. આ અધિકારીઓને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ અને સારી તપાસ માટે કેન્દ્રીય ગૃહ મંત્રી મેડલ એનાયત કરવામાં આવ્યા છે.