કબડ્ડી ભારતની સૌથી લોકપ્રિય અને રોમાંચક રમતોમાંથી એક છે. ક્રિકેટની જેમ કબડ્ડી માટે પણ પ્રો કબડ્ડી લીગ (PKL) શરૂ કરવામાં આવી છે.
જેની 12મી સિઝન 29 ઓગસ્ટ, 2025થી શરૂ થઈ રહી છે. આ લીગમાં ગુજરાતની ટીમ ‘ગુજરાત જાયન્ટ્સ’ પણ ભાગ લઈ રહી છે. ગુજરાત જાયન્ટ્સની માલિકી અદાણી ગ્રૂપની રમત-ગમત શાખા, ‘અદાણી સ્પોર્ટ્સલાઇન’ પાસે છે. ગુજરાત જાયન્ટ્સે 2017માં PKLની પાંચમી સિઝનથી આ લીગમાં પ્રવેશ કર્યો હતો. વર્ષ 2017 અને 2018માં ગુજરાતની ટીમ ફાઇનલમાં પહોંચીને રનર-અપ રહી હતી. આ વર્ષે ગુજરાત જાયન્ટ્સની તૈયારી કેવી છે, તે વિશે અમે ટીમના ફિટનેસ કોચ અભિષેક પરિહર સાથે વાત કરી. અમારી ‘છોટી સી મુલાકાત’માં અમે જાણવાનો પ્રયત્ન કર્યો કે, આ વર્ષે ટીમના ખેલાડીઓના ડાયટ, તેમના ફિટનેસ રૂટિન અને મેન્ટલ સ્ટ્રેન્થ માટે પણ કેવાં પ્રકારનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે.
ચિત્રલેખા.કોમ: ગુજરાત જાયન્ટ્સના ફિટનેસ કોચના રૂપમાં તમારી પ્રાથમિક્તાઓ શું છે? સાથે જ તમે હેડ કોચ તેમજ સહાયક કોચને કઈ રીતે સહયોગ કરો છો?
અભિષેક પરિહર: હું એવું માનું છું કે કોઈ પણ ખેલાડીની ફિટનેસ સૌથી વધારે મહત્વની છે, તેની સ્કિલ તો છેલ્લી ઘડીએ પણ ડેવલોપ થઈ શકે છે. પણ ફિટનેસ છેલ્લી ઘડીએ ન આવી શકે. કબડ્ડી એક હાઈ કોમ્બેટ રમત છે. તેમાં ટક્કર થતી રહેતી હોય છે, વાગવાનું પ્રમાણ પણ વધારે હોય છે. ઢીંચણ અને એન્કલની ઈજાઓ તો આ રમતમાં સૌથી વધારે થતી હોય છે. આથી દિવસની શરૂઆતથી જ અમે ખેલાડીઓનું હાઈ રૂટિન રાખીએ છીએ. બાકી સાંજે અમે નેટ ટ્રેનિંગ માટે સમય કાઢીએ છીએ. કોચ સાથે અમારો પ્રોપર ઈન્ટિગ્રેટેડ પ્રોગ્રામ હોય છે. દર અઠવાડિયે અમે નવો પ્લાન બનાવીએ છીએ કે, ક્યા ખેલાડી પર કઈ રીતે કામ કરવું છે. જો કોઈ ખેલાડીનું વજન ઓછું હોય તો તેને ક્યા પ્રોગ્રામમાં દાખલ કરવો? જો કોઈ ખેલાડીનું વજન વધારે હોય તો તેને ક્યા પ્રોગ્રામ દાખલ કરવો? કોઈ ખેલાડીની સ્પીડ વધારે હોય તો તેને કેટલાં જીમ સેશન આપવા છે? હેડ કોચ અને આસિસ્ટન્ટ કોચ સાથે મલીને આ રીતેનો પ્રોગ્રામ ડિઝાઈન કરીએ છીએ.
કબડ્ડીની રમતમાં ગતિ, ચુસ્તી, તાકત અને માનસિક સતર્કતા ખૂબ જ જરૂરી છે, તેને ધ્યાનમાં રાખીને આપે ખેલાડીઓનો ફિટનેસ પ્રોગ્રામ કઈ રીતે તૈયાર કર્યો છે?
મેન્ટલ સ્ટ્રેન્થ તો ટ્રેનિંગ અને એક્સપિરયન્સની સાથે આવે છે. ખેલાડી જે રીતે મહેનત કરતો જાય છે, તેનો કોન્ફિડન્સ ઓટોમેટિકલી એ રીતે વધતો જાય છે. કબડ્ડી એક કોમ્બેટ રમત છે એટલે આમાં એ જ ખેલાડી રમી શકે છે, જેની મેન્ટલ સ્ટ્રેન્થ સારી હોય. અહીં અમે એ લોકોને પોઝિટિવ ઈન્પોર્સમેન્ટ જ આપીએ છીએ. ટ્રેનિંગમાં અમે એમને શીકવીએ છે કે જે પણ કરે તે સુરક્ષિત રીતે કરે. ઈજાઓ શક્ય હોય તેટલી ઓછી થાય.
ગુજરાત જાયન્ટ્સની ટીમ બે સિઝનમાં ઉપ-વિજેતા બની છે, તો આ વર્ષે 12મી સિઝનમાં ટીમના પ્રદર્શનને વધારે સારૂં બનાવવા માટે આપે કઈ ફિટનેસ રણનીતિ તૈયાર કરી છે?
અમે દર વખતે જીતવા માટે જ મેદાનમાં ઉતરીએ છીએ. રણનીતિ તો હંમેશા એ રીતની જ બનતી હોય છે. આ વખતે અમારો પ્લસ પોઈન્ટ એ છે કે અમારી પાસે વધુ યુવા ખેલાડીઓ છે. તેઓ પ્રો-એક્ટિવ છે, ઉત્સાહ સાથે દરેક વસ્તુઓમાં ભાગ લઈ રહ્યા છે. આ વર્ષે અમારા યુવા ખેલાડીઓની સ્પીડ સારી છે. અમારા સીનિયર ખેલાડીઓ અને યુવા ખેલાડીઓમાં કોર્ડિનેશન સારું છે. પોઝિટિવ એટિટ્યૂડ સાથે અમે લોકો ટ્રેનિંગ કરી રહ્યા છીએ.
ડિફેન્ડર અને રાઈડર જેવાં પ્રમુખ ખેલાડીઓની શારીરિક જરૂરિયાતો અલગ-અલગ હોય છે, તેને ધ્યાનમાં રાખીને આપનું પ્લાનિંગ શું છે?
ડિફેન્ડર અને રાઈડર્સ ખેલાડીઓના ઓક્સિજન લેવલ પર સૌથી વધુ કામ કરવું પડે છે. ઓક્સિજનમાં જે તે ખેલાડીઓની વીકનેસ પર કામ કરવામાં આવતું હોય છે. જે તે ખેલાડીની વીકનેસ પર અમે લોકોએ ઓફ સિઝનમાં જ કામ કરી લીધું છે. હવે તો માત્ર તેમની ફિટનેસ પર જ કામ કરી રહ્યા છે.
તમારા ફિટનેસ પ્રોગ્રામમાં ન્યૂટ્રીશનની ભૂમિકા શું છે? આપ ખેલાડીઓની આહાર સંબંધિત જરૂરિયાતોને કેવી રીતે સુનિશ્ચિત કરો છો?
મેં જાતે પણ ન્યૂટ્રીશનનો કોર્સ કરેલો છે. આથી ખેલાડીઓના ડાયેટ ચાર્ટ વગેરેમાં મારું ઈનપુટ 100 ટકા હોય છે. મને ખબર હોય છે કે મારે મારા દરેક ખેલાડીને ક્યો ખોરાક આપવાનો છે અને ક્યો ખોરાક આપવાનો નથી. સૌથી સારી વાત અમારા માટે એ છે કે અદાણી સ્પોર્ટ્સલાઈને અમારો પાદુકોણે-દ્રવિડ સેન્ટર ફોર સ્પોર્ટ્સ એક્સેલન્સમાં જે કેમ્પ લગાવ્યો છે, ત્યાં અમને બીજા પણ વધુ સારા ક્વોલિફાઈડ ન્યૂટ્રિશિયન્સનો લાભ મળી રહ્યો છે. અમે અમારા રાઈડર્સને લો કાર્બ્સ અને હાઈ પ્રોટિન ડાયેટ પર રાખેલા છે. જેથી તેમની સ્પીડ મેઈન્ટેન રહે. ડિફેન્ડર્સને અમે હાઈ કાર્બ્સ ડાયેટ પર રાખ્યા છે.
ગુજરાત જાયન્ટ્સ માટે પ્રી-સીઝન ફિટનેસ કેમ્પ કેવો રહ્યો? આપે કેમ્પમાં ક્યા મુખ્ય ક્ષેત્રો પર કામ કર્યું?
આ વર્ષે મેં જ્યારે કેમ્પ જોઈન્ટ કર્યો ત્યારે મારા ભાગે કામ ખૂબ જ ઓછું આવ્યું છે. કારણ કે અમારા જે ખેલાડીઓ છે, તેઓ પોતે જ પોતાના ફિટનેસને લઈને ખૂબ જ જાગૃત છે. ખેલાડીઓ કેમ્પ શરૂ નહતો થયો તે પહેલાંથી જ પોતાની ફિટનેસ પર કામ કરી રહ્યા છે. આખું વર્ષે ખેલાડીઓ પોતાની સ્ટ્રેન્થ પર, પોતાની સ્પીડ પર કામ કરી રહ્યા છે. ખેલાડીઓએ પોતાની ઈજાઓમાંથી બહાર આવવા માટે પણ ખૂબ જ મહેનત કરીને આવ્યા છે. આથી મારું અડધું કામ તો ત્યાં જ પૂરું થઈ ગયું હતું. વીક પોઈન્ટ ઉપર ખેલાડીઓએ જાતે જ કામ કર્યું છે. મેં માત્ર તેમના પીક પર્ફોમન્સ પર જ કામ કર્યું છે.
(રાધિકા રાઓલ – અમદાવાદ)