Home Blog Page 4

ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી, 8 શહેરમાં 13 ડિગ્રીથી નીચું લઘુત્તમ તાપમાન

ગુજરાતમાં દાંત કકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ગુજરાતના 8 શહેરમાં 13 ડિગ્રીથી નીચું સરેરાશ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. બીજી બાજુ અમદાવાદમાં સતત બીજા દિવસે 12.1 ડિગ્રી સરેરાશ લઘુત્તમ તાપમાન સાથે ઠંડીનો ચમકારો યથાવત્ રહ્યો હતો. અમદાવાદમાં 12.1, ડીસામાં 8.8, વડોદરામાં 11.4, સુરતમાં 15.5, ભુજમાં 9.2, નલિયામાં 3.4, કંડલા 12.4, ભાવનગરમાં 12.6, દ્વારકામાં 13.8, રાજકોટમાં 7.3 અને વેરાવળમાં 15.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

અમદાવાદમાં છેલ્લા ચાર દિવસમાં સતત 6 ડિગ્રી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. હવામાન નિષ્ણાતોને મતે ગુરુવાર-શુક્રવારે ઠંડીમાં સાધારણ ઘટાડો થઈ શકે છે અને ત્યારબાદ 12થી 14 જાન્યુઆરીથી ફરી કડકડતી ઠંડીનો અનુભવ થવાની સંભાવના છે.  ગત રાત્રે નલિયામાં 6.2 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં બીજે જ્યાં ઠંડીનો ચમકારો વધારે અનુભવાયો તેમાં રાજકોટ, ભુજ, ગાંધીનગર, દાહોદ, ડીસા, અમરેલી, ડાંગનો સમાવેશ થાય છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘આગામી 48 કલાક તાપમાનમાં ફેરફારની સંભાવના નહીંવત્ છે. ત્યારબાદ તાપમાનમાં 3 ડિગ્રી જેટલો વધારો થઈ શકે છે.’

આ હૌજ-એ-કુતુબ તમે જોયું છે?

અમદાવાદ શહેરનું કાંકરિયા તળાવ ઐતિહાસિક તો છે જ, સાથે સાથે અમદાવાદની એક જૂની ઓળખ છે. અમદાવાદીઓ અને બહારથી અહીં ફરવા આવતા લોકોનું પ્રિય સ્થળ છે. ઈતિહાસ પ્રમાણે, આ તળાવ કુતુબુદ્દીન અહમદશાહ બીજાએ બાંધ્યું હતું. એ સમયે કાંકરિયા એ હૌજે-એ-કુતુબના નામે ઓળખાતું. પૂર્વ વિસ્તારનું આ તળાવ ઘણીવાર સુકૂભઠ્ઠ થઈ જતું. ગંદકી પણ થતી. પરંતુ વર્ષ 2008માં આ તળાવનું નવીનીકરણ કરવામાં આવ્યું અને એની ફરતે અનેક નવા પ્રકલ્પો વિકસાવવામાં આવ્યા. તળાવની સુંદરતા પર ધ્યાન અપાયું.

શહેરની વચ્ચે આવેલા આ તળાવની અંદર અને આસપાસ સહેલાણીઓ માટે પ્રાણી સંગ્રહાલય, બાલવાટિકા, કિડ્સ સિટી, મિનિ ટ્રેન અટલ એક્સપ્રેસ, બોટિંગ જેવા અનેક આકર્ષણો છે.

દર વર્ષે 25 ડિસેમ્બરથી એક અઠવાડિયા માટે અહીં કાર્નિવલ યોજાય છે, જેમાં રંગારંગ કાર્યક્રમો, એમ્યુઝમેન્ટ અને ખાણીપીણીની મોજ લોકો માણી શકે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

રામ કપૂરની વાત પર કાળઝાળ થઈ એકતા કપૂર, લગાવી ફટકાર

મુંબઈ: એકતા કપૂરે હાલમાં જ તેના શો વિશે ખોટી માહિતી ફેલાવનારાઓને ઠપકો આપ્યો છે. એકતાએ આ માટે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે કોઈનું નામ લીધા વિના કહ્યું હતું કે, ‘મારા શો વિશે ઈન્ટરવ્યુ આપતા નોન-પ્રોફેશનલ કલાકારોએ ચૂપ રહેવું જોઈએ. જ્યાં સુધી હું તેના વિશે બોલું નહીં ત્યાં સુધી ખોટી માહિતી અને વિકૃત વાર્તાઓ ચાલુ રહેશે, પણ જોકે,મૌનમાં ગૌરવ છે.

રસપ્રદ વાત એ છે કે એકતાની આ પોસ્ટ રામ કપૂરના ઈન્ટરવ્યુના એક દિવસ બાદ આવી છે. હાલમાં જ રામ કપૂરે પોતાના શો ‘બડે અચ્છે લગતે હૈં’ વિશે ખુલીને વાત કરી હતી. આ શોને એકતાએ પ્રોડ્યુસ કર્યો હતો. રામે શો દરમિયાન સાક્ષી તંવર સાથેની તેની ઓન-સ્ક્રીન ચુંબન વિશે ખુલાસો કર્યો અને યાદ કર્યું કે કેવી રીતે તેને પ્રેક્ષકો તરફથી પ્રચંડ પ્રતિસાદ મળ્યો.

રામ કપૂરે ખુલાસો કર્યો હતો કે એકતાએ બોલ્ડ સીન સાથે આગળ વધવાનું નક્કી કર્યું હતું, તેમ છતાં તેણે તેના વિશે પોતાનો વાંધો વ્યક્ત કર્યો હતો. રામ કપૂરે સિદ્ધાર્થ કાનનને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, ‘એક્ટર તરીકે મારું કામ મારું કામ કરવાનું છે. મારે કોઈને સમજાવવાની જરૂર નથી. મારું કામ સ્ક્રિપ્ટને અનુસરવાનું છે. હું કેવી રીતે કહી શકું કે હું આ કરી શકતો નથી, તો પછી હું મુખ્ય અભિનેતા નથી. તેથી મેં કંઈ ખોટું કર્યું નથી.’

એકતાએ પોતે આ સીન લખ્યો હતો, તે ઈચ્છતી હતી કે અમે આ સીન કરીએ. મેં એકતાને કહ્યું, ‘શું તને આ વિશે સંપૂર્ણ ખાતરી છે? ટેલિવિઝનમાં આ પહેલા ક્યારેય બન્યું નથી, તે ટેલિવિઝન પર પ્રથમ ચુંબન હતું, જે મોટી વાત છે. ત્રણ પેઢીઓ એકસાથે આ શો જુએ છે.’

પરંતુ એકતાને વિશ્વાસ હતો કે તેણે તે કરવું જ પડશે. મેં કહ્યું, ઠીક છે, હું પહેલા મારી પત્ની પાસેથી ગ્રીન સિગ્નલ મેળવીશ. પછી મેં સાક્ષીને કહ્યું, હું એકતાને હું સંભાળી લઈશ, જો તમને કોઈ સમસ્યા હોય તો મને કહે.’ તમને જણાવી દઈએ કે રામ કપૂર અને સાક્ષી તંવરનો શો ‘બડે અચ્છે લગતે હૈં’ 2011માં પ્રીમિયર થયો હતો.

આ શોમાં રામ કપૂર અને સાક્ષી તંવરે રામ અને પ્રિયાની ભૂમિકા ભજવી હતી. તેમની કેમિસ્ટ્રીને દર્શકોએ ખૂબ વખાણી અને શો હિટ બન્યો. શોની બીજી સીઝનમાં રામ અને સાક્ષીને બદલે નકુલ મહેતા અને દિશા પરમારને લેવામાં આવ્યા હતા. પરંતુ આજે પણ રામ કપૂર આ પાત્રથી જ ઓળખાય છે. આ ટીવી જગતનો સૌથી સુપરહિટ શો રહ્યો છે.

સુરતમાં વધુ ચાર નકલી ડોક્ટરો પકડાયા

સુરતઃ શહેરમાંથી છેલ્લા બે મહિનામાં 50 કરતાં વધુ નકલી ડોક્ટરો પકડાયા હતા. ત્યારે આ કડીમાં  ભેસ્તાન પોલીસે વધુ ચાર બોગસ ડોક્ટરોની ધરપકડ કરી છે. ઉન વિસ્તારમાં અલગ-અલગ ક્લિનિક પર પોલીસે દરોડા પાડ્યા હતા. જિલ્લા આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી કાર્યવાહી કરવામાં આવી છે. મેડિકલ ડિગ્રી વિના એલોપેથીની પ્રેક્ટિસ કરતા હોવાનું બહાર આવ્યું છે.

આ પહેલાં શહેરમાંથી છ જેટલા ઝોલાછાપ ડોક્ટરો  ઝડપાયા હતા, જેઓ કોઈ પણ મેડિકલ ડિગ્રી વિના દર્દીઓના જીવ અને આરોગ્ય સાથે ચેડાં કરતા હતા. જિલ્લા આરોગ્ય વિભાગની ટીમના સાથે રાખવી ડીંડોલી પોલીસ દ્વારા નવાગામ વિસ્તારમાં અલગ-અલગ ક્લિનિક પર છાપો મારી છ જેટલા બોગસ તબીબની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં 2 મહિલા ડોક્ટરનો પણ સમાવેશ થાય છે. BEMSની બોગસ ડિગ્રીને આધારે આ બોગસ તબીબો છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે રીતે મેડિકલ પ્રેક્ટિસ કરતા હતા. પોલીસે એલોપેથીની દવાનો મોટો જથ્થો, ઇન્જેક્શન સહિત ડોક્ટરી સાધન-સામગ્રી કબજે કરી આગળની તપાસ હાથ ધરી હતી.

સુરત પોલીસે છેલ્લા બે મહિનામાં 50 કરતા વધુ નકલી ડોકટરો ઝડપી પાડ્યા હતા, ત્યારે આગામી સમયમાં પણ સુરત પોલીસ આ ઓપરેશન ચાલુ રાખશે અને નકલી ડોકટરોને ઝડપશે, પોલીસે પણ એક જનતાજોગ સંદેશ જાહેર કર્યો છે અને કહ્યું છે કે સ્થાનિકોના ધ્યાનમાં જો આવા બોગસ ડોકટરો આવે તો તે લોકો પણ પોલીસનો સંપર્ક કરી શકશે.

 

અમદાવાદના ફ્લાવર શોને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકર્ડમાં ફરી સ્થાન મળ્યું

અમદાવાદમાં હલા ઈન્ટરનેશનલ ફ્લાનવર શો ચાલી રહ્યો છે. અહિં ફ્લાવરના અવનાવ પ્રદર્શન મુકવામાં આવ્યા છે. આ ફ્લાવરશો માત્ર ગુજરાત નહીં પરંતુ આખા દેશમાં પ્રસિદ્ધ છે. ત્યારે આ ફ્લાવરશોને વધુ એક યશ કલગી મળી છે. અમદાવાદના ઈન્ટરનેશનલ ફલાવરશોને વર્લ્ડ લાર્જેસ્ટ ફલાવર બુકે માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયુ છે. 10.24 મીટર હાઈટ તથા 10.84 મીટર ત્રીજયાવાળા ફલાવર બુકેને વિશ્વના સૌથી મોટા ફલાવર બુકે તરીકે સ્થાન મળ્યુ છે. અગાઉ આ પહેલા આ રેકોર્ડયુનાઈટેડ આરબ એમિરેટસની અલ-એઈન મ્યુનિસિપાલિટીના નામ ઉપર હતો.

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજીત કરવામાં આવેલા ફલાવર-શોને સતત બીજા વર્ષે વૈશ્વિક બહુમાન પ્રાપ્ત થયુ છે.ગત વર્ષે આયોજીત કરવામાં આવેલા ફલાવરશોમાં  સૌથી લાંબી ફલાવર વોલ માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યુ હતુ.સતત બીજા વર્ષે ફલાવરશોમાં વિશ્વના સૌથી મોટા ફલાવર બુકને લઈ સિદ્ધિ મળી છે.યુ.એ.ઈ.ની અલ-એઈન મ્યુનિસિપાલિટીને અગાઉ આ એવોર્ડ 7.7 મીટરના ફલાવર સ્ટ્રકચર માટે 18 ફેબુ્રઆરી 2024ના રોજ આપવામા આવ્યો હતો. ગિનિસ બુકની ટીમ દ્વારા આપવામા આવેલા એવોર્ડને ડેપ્યુટી મેયર જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી, મ્યુનિ.કમિશનર એમ.થેન્નારસન સહીતના મ્યુનિ.પદાધિકારીઓ દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો.

અકસ્માતોમાં ઘાયલોને મળશે 1.50 લાખ સુધી મફત કેશલેસ સારવારઃ ગડકરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે સરકારે માર્ગ અકસ્માતમાં ઘાયલ લોકો માટે નવી યોજના શરૂ કરી છે. આને કેશલેસ ટ્રીટમેન્ટ નામ આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે અકસ્માતના 24 કલાકની અંદર પોલીસને માહિતી મળતાની સાથે જ સાત દિવસનો અથવા વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા સુધીનો સારવારનો ખર્ચ સરકાર દ્વારા ઉઠાવવામાં આવશે.

તેમણે કહ્યું હતું કે કેશલેસ ટ્રીટમેન્ટ કેટલાંક રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે કરવામાં આવી હતી અને હવે તેમાં રહેલી તમામ ખામીઓને સુધારીને ફરીથી લાગુ કરવામાં આવી રહી છે. તેનાથી પીડિતો અને તેમના પરિવારજનોને ફાયદો થશે. જો કોઈ હિટ એન્ડ રન કેસમાં મૃત્યુ પામે છે તો સરકાર 2 લાખ રૂપિયા આપશે. ગડકરી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પરિવહન પ્રધાનો, સચિવો અને કમિશનરોની બે દિવસીય પરિષદ પછી પત્રકારો સાથે તેમણે વાત કરી હતી.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે આ પરિષદમાં પ્રથમ પ્રાથમિકતા માર્ગ સુરક્ષા પર હતી. તેમણે કહ્યું કે સ્કૂલ, ઓટોરિક્ષા અને મિની બસો માટે પણ નિયમો બનાવવામાં આવ્યા છે, કારણ કે આ મોટી સંખ્યામાં મૃત્યુનું કારણ બને છે.

તેમણે કહ્યું કે વર્ષ 2024માં માર્ગ અકસ્માતમાં 1.80 લાખ લોકોનાં મોત થયાં છે. આ સિવાય હેલ્મેટ ન પહેરવાને કારણે 30,000 લોકોનાં મોત થયાં છે. તેમાંથી 66 ટકા 18 થી 34 વર્ષની વય જૂથનાં છે.શાળાઓમાં બહાર નીકળવાના અને પ્રવેશનાં સ્થળોની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે વર્ષેદહાડે 10,000 બાળકોનાં મોત થયાં છે. ડ્રાઇવિંગ લાયસન્સ ન હોવું અને સિગ્નલનું પાલન ન કરવું જેવા રસ્તાના નિયમોને કારણે પણ લોકોએ જીવ ગુમાવ્યા છે, એમ તેમણે કહ્યું હતું.

 

વરુણ ધવન અને નતાશાએ અધધ કરોડનું આ જગ્યાએ ખરીદ્યું એપોર્ટમેન્ટ

મુંબઈ: વરુણ ધવન અને તેની ફેશન ડિઝાઈનર પત્ની નતાશા દલાલે મુંબઈના જુહુ વિસ્તારમાં ખૂબ જ મોંઘી અને વૈભવી પ્રોપર્ટી ખરીદી છે. 5,000 ફૂટથી વધુ વિસ્તારમાં ફેલાયેલા આ એપાર્ટમેન્ટ માટે કપલે માત્ર રૂ. 2.67 કરોડની તો સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી છે.

(Photo: IANS)

વરુણ ધવન અને નતાશા દલાલ હાલમાં તેમના નવા અને આલીશાન ઘરને લઈને ચર્ચામાં છે. અહેવાલ છે કે વરુણ અને નતાશાએ મુંબઈના જુહુ વિસ્તારમાં એક લક્ઝરી એપાર્ટમેન્ટ ખરીદ્યું છે, જેના માટે તેમણે 44.52 કરોડ રૂપિયા ખર્ચ્યા છે.

વરુણ ધવન અને તેની પત્ની નતાશા દલાલે તાજેતરમાં જ ‘ડી ડેકોર ટ્વેન્ટી’માં 44.52 કરોડ રૂપિયામાં એક લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. રિપોર્ટ્સ અનુસાર, આ પ્રોપર્ટીને લઈને ફાઈનલ ડીલ 3 જાન્યુઆરી, 2025ના રોજ થઈ ગઈ છે.

વરુણ અને નતાશાનું આ ઘર 5,000 સ્ક્વેર ફૂટથી વધુમાં ફેલાયેલું

IndexTap.com દ્વારા ઍક્સેસ કરાયેલા દસ્તાવેજો અનુસાર, વરુણ અને નતાશાનું ઘર 5,000 ચોરસ ફૂટથી વધુમાં ફેલાયેલું છે અને તેઓએ આ એપાર્ટમેન્ટ માટે રૂ. 2.67 કરોડની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી છે.

એપાર્ટમેન્ટમાં ચાર કાર પાર્કિંગ

આ એપાર્ટમેન્ટમાં ચાર કાર પાર્કિંગ છે જે આ પ્રીમિયમ પ્રોપર્ટીની વિશેષતા છે. કહેવાય છે કે આ પ્રોપર્ટીની કિંમત 87,089 રૂપિયા પ્રતિ સ્ક્વેર ફીટ છે. આ એપાર્ટમેન્ટ સેલિબ્રિટી રહેવાસીઓ અને વૈભવી જીવનશૈલી માટે જાણીતું છે.

તમને જણાવી દઈએ કે જુહુ અને બાંદ્રા મુંબઈના તે લક્ઝુરિયસ વિસ્તારોમાંથી એક છે જ્યાં ઘણા બોલિવૂડ સ્ટાર્સ અને મોટી હસ્તીઓ રહે છે. અમિતાભ બચ્ચન પાસે જુહુમાં ‘પ્રતિક્ષા’ અને ‘જલસા’ બંગલો છે. ધર્મેન્દ્ર, હેમા માલિની, અક્ષય કુમાર, અજય દેવગન, કાજોલ, ગોવિંદા અને સંજય લીલા ભણસાલી સહિત અન્ય સેલિબ્રિટીઓ પણ જુહુ વિસ્તારમાં રહે છે.

હૃતિક રોશનના જુહુના ઘરને ભાડા પર શિફ્ટ કરવા અંગે ચર્ચા
તમને જણાવી દઈએ કે વરુણ અને નતાશા ગયા વર્ષે 3 જૂન 2023ના રોજ માતા-પિતા બન્યા હતા અને તેમણે એક પુત્રીને જન્મ આપ્યો હતો. સમાચાર હતા કે દંપતી તેમની પુત્રી સાથે રિતિક રોશનના જુહુ વાળા ઘરમાં ભાડા પર શિફ્ટ થવા જઈ રહ્યા છે. એવી ચર્ચા હતી કે આ ઘરના ભાડા પર કપલ દર મહિને 8 લાખ રૂપિયા ખર્ચ કરશે.

આપ સરકારે યોજનાઓથી વધુ જાહેરાતો પર વધુ ખર્ચ કર્યોઃ ભાજપ

નવી દિલ્હીઃ દિલ્હીમાં ચૂંટણીનો શંખનાદ થઈ ચૂક્યો છે. આપ અને ભાજપ વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર જારી છે. ભાજપે આપ સરકારે શરૂ કરેલી યોજનાઓના પ્રચારખર્ચ CAGનો રિપોર્ટ રજૂ કર્યો છે. એમાં દાવો કરવામાં આવ્યો છે કે જાહેરાત પર ખર્ચ કરવામાં આવેલી રકમ અનેક યોજનાઓ માટે ફાળવણી રકમથી વધુ છે.  

ભાજપે દાવો કર્યો હતો કે બિઝનેસ બ્લાસ્ટર્સ સ્કીમ માટે રૂ. 54.08 કરોડ ફાળવવામાં આવ્યા હતા, જ્યારે રૂ. 80.02 કરોડ તેના પ્રચાર માટે ખર્ચવામાં આવ્યા હતા. ઉપરાંત, મેન્ટર્સ ઓફ નેશન સ્કીમ માટે રૂ. 1.9 કરોડ ફાળવવામાં આવ્યા હતા, જ્યારે રૂ. 27.90 કરોડ તેની જાહેરાત પાછળ ખર્ચવામાં આવ્યા હતા. એ જ રીતે પરાળી મેનેજમેન્ટ સ્કીમ માટે રૂ. 77 લાખ ફાળવવામાં આવ્યા હતા, જ્યારે રૂ. 27.89 કરોડ તેના પ્રમોશન માટે ખર્ચવામાં આવ્યા હતા.સ્મોગ ટાવરના નિર્માણ પાછળ રૂ. 20 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો ન હતો, પરંતુ ભાજપે જણાવ્યું હતું કે અહેવાલમાં દાવો કર્યા મુજબ તેની જાહેરાત પાછળ રૂ. 5.88 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. દિલ્હી ભાજપ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલ અને આતિશી દિલ્હી વિધાનસભામાં CAG રિપોર્ટને જાહેર કરવાનું કેમ ટાળી રહ્યા છે? કોર્ટની ફટકાર છતાં દિલ્હી સરકારે કેજરીવાલનો ડર સ્પષ્ટપણે દર્શાવતો કેગ રિપોર્ટ વિધાનસભામાં રજૂ કર્યો નથી.

તેમણે કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2021-22માં જ્યારે દેશ કોરોના મહામારી સામે લડી રહ્યો હતો ત્યારે કેજરીવાલ સરકારે આ ચાર યોજનાઓના નામે સ્વ-પ્રમોશન માટે જનતાના પૈસાનો દુરુપયોગ કર્યો હતો. આમ આદમી પાર્ટીએ આ દાવાઓને સદંતર ફગાવી દીધા હતા. પાર્ટીએ કહ્યું હતું કે કેગ રિપોર્ટ સીલબંધ કવરમાં આવ્યો છે અને હજુ સુધી રજૂ કરવામાં આવ્યો નથી.

દિલ્હીની 70 વિધાનસભા સીટો પર આવતા મહિને 5 ફેબ્રુઆરીએ મતદાન થશે અને પરિણામ આઠ ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે.

 

અમદાવાદમાં 11 થી 14 જાન્યુઆરી ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’ યોજાશે

અમદાવાદ: ઉત્તરાયણના પર્વને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે શહેરની વિશ્વ વિખ્યાત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન 11 થી 14 જાન્યુઆરી કરવામાં આવ્યું છે. વિશ્વના 47 દેશોમાંથી 143 અને અન્ય રાજ્યોમાંથી 52 અને ગુજરાતના 11 શહેરોમાંથી 417 પતંગબાજો આ ઉત્સવમાં સામેલ થશે. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્દઘાટન 11 જાન્યુઆરીએ સવારે 9 કલાકે કરવામાં આવશે. આ ઉપરાંત 12મીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી, રાજકોટ તેમજ વડોદરા તેમજ 13મીએ સુરત, શિવરાજપુર અને ધોરડોમાં પતંગોત્સવ યોજાશે.

અમદાવાદ પતંગ મહત્સવમાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજોની પરેડ, નાઈટ કાઈટ ફ્લાઈંગ, સાંસ્કૃતિક કાર્યક્રમો, પતંગ વર્કશોપ પણ યોજાશે. આ ઉપરાંત હેન્ડીક્રાફ્‌ટ્‌સ અને રિફ્રેશનમેન્ટ સ્ટોલ રાખવામાં આવ્યા છે. આ વખતે ગુજરાતના વિવિધ શહેરોમાંથી 417 પતંગબાજો ભાગ લેવાના છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે જ્યારે પતંગ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો ત્યારે 55 દેશોના 153, 12 રાજ્યોના 68 અને ગુજરાતના 23 શહેરોના 865 પતંગબાજોએ ભાગ લીધો હતો. જેની સરખામણીએ આ વર્ષે પતંગબાજોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ગુજરાતના શહેરોમાંથી લોકો ભાગ લેતાં ઓછા થઇ ગયા છે.

શેખ હસીના બાદ હવે પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયા બાંગ્લાદેશથી લંડન ઉપડ્યા,જાણો કારણ

બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના બાદ હવે તેમના હરીફ અને પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાએ પણ દેશ છોડી દીધો છે. ખાલિદા ઝિયાએ એવા સમયે બાંગ્લાદેશ છોડી દીધું છે જ્યારે મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકારના કાર્યકાળ દરમિયાન તેઓ ઘણા મોટા કેસોમાં નિર્દોષ છૂટી ગયા છે અને તેમને દેશના નવા ભાવિ પીએમ તરીકે જોવામાં આવી રહ્યા છે. પરંતુ શું કારણ છે? દેશમાં ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા જ ખાલિદ ઝિયા બાંગ્લાદેશથી ક્યાં ગયા?

વાસ્તવમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે પૂર્વ વડાપ્રધાન ખાલિદા જિયા કોઈ ગંભીર બીમારીથી પીડિત છે અને તેઓ પોતાની સારવાર માટે મંગળવારે દેશની રાજધાનીથી લંડન જવા રવાના થઈ ગયા છે. જિયાના સલાહકારે આ માહિતી આપી. ખાલિદાના સલાહકાર ઝહીરુદ્દીન સ્વપને ફોન પર જણાવ્યું હતું કે ત્રણ વખતના વડા પ્રધાન અને બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના વડા રહેલા ખાલિદા મંગળવારે મોડી રાત્રે ‘એર એમ્બ્યુલન્સ’માં હઝરત શાહજલાલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી નીકળી હતી. “અમારા વરિષ્ઠ નેતાઓએ તેમને એરપોર્ટ પર વિદાય આપી,” સ્વપને કહ્યું.

જાણો ક્યા કેસમાં તેને 17 વર્ષની સજા થઈ
ઢાકાના ગુલશન વિસ્તારમાં તેમના નિવાસસ્થાનથી એરપોર્ટ તરફ જવાના રસ્તે ઝિયાના કાફલાને 10 કિમીનો વિસ્તાર પાર કરીને એરપોર્ટ સુધી પહોંચવામાં લગભગ ત્રણ કલાક લાગ્યા હતા કારણ કે તેમના હજારો સમર્થકો એકઠા થયા હતા. નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકાર દેશનું સંચાલન કરી રહી છે અને ડિસેમ્બર 2025 અથવા આવતા વર્ષના પહેલા ભાગમાં ચૂંટણી યોજવાની યોજના ધરાવે છે. 2001 અને 2006 વચ્ચે હસીનાના શાસન દરમિયાન ભ્રષ્ટાચારના બે કેસ પ્રકાશમાં આવ્યા બાદ ઝિયાને 17 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.

યુનુસના કાર્યકાળ દરમિયાન નિર્દોષ છુટકારો
યુનુસના કાર્યકાળ દરમિયાન નવેમ્બરમાં જિયાને એક કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા અને મંગળવારે બીજા કેસમાં અપીલની સુનાવણી ચાલી રહી હતી. 79 વર્ષીય ઝિયાને શેખ હસીનાના શાસન દરમિયાન સરકારી આદેશ દ્વારા જેલમાંથી જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા અને તેમની સારવાર દેશમાં ચાલી રહી હતી, પરંતુ હસીનાના વહીવટ દરમિયાન વિનંતીઓ છતાં તેમને સારવાર માટે વિદેશ જવાની મંજૂરી આપવામાં આવી ન હતી.