Home Blog Page 4513

ક્રાઉન પ્રિન્સ પાકિસ્તાનના પ્રવાસે: ઈમરાનની આશાઓ ફળશે?

ઈસ્લામાબાદ: સંયુક્ત અરબ અમીરાત (યુએઈ)ના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન ગુરુવારે એક દિવસના પ્રવાસે પાકિસ્તાન પહોંચ્યા છે. આ દરમ્યાન તે પરસ્પર હિતો અને ક્ષેત્રીય મુદ્દાઓ અંગે વડાપ્રધાન ઈમરાન ખાન સાથે ચર્ચા કરશે. સમાચાર એજન્સી ડોનના જણાવ્યા અનુસાર ઈસ્લામાબાદ સ્થિત યુએઈના રાજદૂતે એક નિવેદનમાં કહ્યું તેમના એક દિવસીય પ્રવાસ દરમ્યાન ક્રાઉન પ્રિન્સ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાથે મુલાકાત કરશે.

બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંદોને પ્રોત્સાહન આપવા પર ચર્ચા કરશે. યુએઈના ક્રાઉન પ્રિન્સ પાકિસ્તાનના પ્રવાસે એવા સમયે ગયા છે જ્યારે પાકિસ્તાન પોતાની કથળેલી અર્થવ્યવસ્થાને ફરી પાટે ચઢાવવાના રસ્તાઓ શોધી રહ્યું છે. મહત્વનું છે કે, અગાઉ ક્રાઉન પ્રિન્સે 6 જાન્યુઆરી 2019ના રોજ પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. તેમના પ્રવાસના થોડા સમય પછી જ યુએઈએ પાકિસ્તાની અર્થવ્યવસ્થાને પાટે લાવવા ત્રણ બિલિયન ડોલરનું ફંડ આપવાની જાહેરાત કરી હતી.

સાઉદી અરબ અને પાકિસ્તાન વચ્ચે ભલે કશ્મીર મુદ્દે ઈસ્લામિક દેશોના સંગઠન (ઓઆઈસી)ની વિશેષ બેઠક બોલવવા પર સહમતી ન બની હોય પણ એના કારણે ભારતની સાઉદી અરબ કે ઓઆઈસીના અન્ય દેશો સાથેના સંબંધો પર હાલમાં કોઈ અસર પડવાની સંભાવના નથી. એની પાછળનું કારણ એ છે કે, ભારત ઓઆઈસીના તમામ પ્રમુખ દેશો સાથે લાંબી રણનીતિક ભાગીદારીનો પાયો નાખી ચૂક્યું છે. સાથે જ ઓઆઈસીની વિશ્વ સ્તર પર ખરાબ થતી જતી શાખ પણ એક કારણ છે કે, ભારત પ્રતિક્રિયા આપવાને બદલે શાંત છે.

ગુરુ રમાકાન્ત આચરેકરની પુણ્યતિથિ પર સચિનનો ભાવનાત્મક સંદેશ

નવી દિલ્હીઃ દુનિયાના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરના ગુરુ રમાકાંત આચરેકરની આજે પ્રથમ પુણ્યતીથી છે. ગત વર્ષે આજના દિવસે જ સચિનના બાળપણના ગુરુનું 87 વર્ષની ઉંમરે નિધન થયું હતું. સચિને આજે તેમની પ્રથમ પુણ્યતિથિ પર પોતાના ગુરુ સાથે પોતાનો એક જૂનો ફોટો પોસ્ટ કરતા પોતાની શ્રદ્ધાંજલી અર્પિત કરી છે.પોતાના ગુરુજીની પુણ્યતિથિ પર સચિને લખ્યો ભાવનાત્મક સંદેશ  

માસ્ટર બ્લાસ્ટરે આ ફોટો સાથે મરાઠી ભાષામાં એક સંદેશ પણ લખ્યો છે. સચિને આ સંદેશનું અંગ્રેજીમાં પણ ટ્રાન્સલેશન કરીને પોસ્ટ કરી છે. પોતાના આ ભાવનાત્મક સંદેશમાં સચિને લખ્યું કે, આપ નિરંતર અમારા દિલમાં રહેશો, આચરેકર સર!

તેંડુલકરે પોતાના આ સંદેશને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. ગત વર્ષ જ્યારે આચરેકરનું મુંબઈમાં નિધન થયું હતું ત્યારે સચિને તેમને યાદ કરતા એક ભાવનાત્મક સંદેશ લખ્યો હતો. ત્યારે માસ્ટર બ્લાસ્ટરે લખ્યું હતું કે, આચરેકર સરની ઉપસ્થિતિથી સ્વર્ગમાં પણ ક્રિકેટ સમૃદ્ધ થશે. અન્ય વિદ્યાર્થીઓની જેમ મેં પણ ક્રિકેટની ABCD સરના માર્ગદર્શનમાં જ શીખી છે. મારા જીવનમાં તેમના યોગદાનને શબ્દોમાં વર્ણવી ન શકાય.

કોચ આચરેકરને રમતમાં વિશિષ્ઠ યોગદાન માટે વર્ષ 2010 માં પદ્મશ્રી અને દ્રોણાચ્રાચ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આચરેકર સરના શિષ્યોમાં તેંડુલકર સીવાય વિનોદ કાંબલી, પ્રવીણ આમરે, ચંદ્રકાંત પંડિત અને બલવિંદર સિંહ સંધૂ પણ રહ્યા છે.

1 જાન્યુઆરીએ ભારતમાં કેટલા બાળકો જન્મ્યા એ જાણો છો?

નવી દિલ્હીઃ વિશ્વભરમાં વસ્તી વધારાની સમસ્યા સામે ઝઝૂમી રહેલા બે દેશો એટલે ભારત અને ચીન. નવા વર્ષની શરુઆત પણ આ બંને દેશો માટે કંઈક એવી જ રહી. 2020ના પ્રથમ દિવસે એટલે કે 1 જાન્યુઆરીએ વિશ્વભરમાં લગભગ 4 લાખથી વધુ બાળકોનો જન્મ થયો. જેમાં સૌથી વધુ ભારતમાં 67,385 બાળકોનો જન્મ થયો ત્યાર પછી બીજા નંબરે ચીન આવે છે જ્યાં 46,299 બાળકોનો જન્મ થયો.

આ યાદીમાં સામેલ દેશોમાં ત્રીજા ક્રમ પર નાઈજિરિયા 26,039 બાળકો, પાકિસ્તાન 16,787 બાળકો, ઈન્ડોનેશિયા 13,020 બાળકો, અમેરિકા 10,452 બાળકો કાંગો ગણરાજ્ય 10,247 બાળકો અને ઈથોપિયામાં 8,493 બાળકોન જન્મ થયો. યુનિસેફ દર વર્ષે જાન્યુઆરીમાં નવા વર્ષના દિવસે જન્મેલા બાળકોનો જન્મ દિવસ ઉજવે છે. આખી દુનિયામાં આ દિવસને બાળકના જન્મ માટે શુભ માનવામાં આવે છે.

યુનિસેફે બુધવારે આ આંકડા જાહેર કર્યા હતા. નવા વર્ષના દિવસે આખી દુનિયામાં 3,92,078 બાળકો જન્મ્યા હતા. તેમાંથી 17 ટકા ભારતના છે. યુનિસેફના અંદાજે પેસિફિકના ફિજીમાં દુનિયાનું 2020નું પહેલું બાળક જન્મ્યું હોશે તેવી શક્યતા છે. અમેરિકામાં આ દિવસનું છેલ્લું બાળક જનમ્યું હોવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે યુનિસેફ એ સંયુક્ત રાષ્ટ્રસંઘની બાળકોના વિકાસ માટે કામ કરતી સંસ્થા છે.

જો કે એક અધિકારીનું જણાવ્યું હતું કે દુનિયાના લાખો બાળકો માટે તેમના જન્મનો દિવસ શુભ નથી પણ નીવડતો. 2018માં યુનિસેફે એક સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે 25 લાખ બાળકો જન્મના પહેલા જ મહિનામાં મૃત્યુ પામે છે. તેમાંથી 33 ટકા બાળકો તો પહેલા જ દિવસે મૃત્યુ પામે છે. આમાંથી મોટા ભાગના બાળકો પ્રિમેચ્યોર જન્મ, ડિલીવરી દરમ્યાન કોમ્પ્લિકેશન, સેપ્સિસ જેવા ઈન્ફેક્શનને કારણે મૃત્યુ પામે છે. આ ઉપરાંત દુનિયામાં 25 લાખથી વધુ બાળકો દર વર્ષે મૃત જન્મે છે.

યુનિસેફના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હેનરીટા એચ. ફોરે જણાવ્યું કે, નવુ વર્ષ અને નવા દાયકાની શરુઆત એ આશાઓ અને અપેક્ષાઓને વ્યક્ત કરવાનો અવસર છે જે ન માત્ર આપણા પણ ભાવી પેઢીઓના ભવિષ્ય માટે પણ છે. દર વર્ષે જાન્યુઆરીમાં અમે પ્રત્યેક બાળકના જીવનની સફરની તમામ સંભાવનાઓની યાદ અપાવે છે.

એક અનુમાન મુજબ વર્ષ 2027 સુધીમાં ભારત જનસંખ્યા મામલે ચીનને પાછળ છોડી દેશે. સંયુક્ત રાષ્ટ્રના અનુમાન અનુસાર, 2019થી 2050ની વચ્ચે ભારતની વસ્તી 27.3 કરોડ વધવાનું અનુમાન છે. આ જ સમયગાળામાં નાઈઝીરિયાના વસ્તીમાં 20 કરોડની વૃદ્ધિ થવાનું અનુમાન છે.

આમ થવા પર આ બંને દેશોની કુલ જનસંખ્યા 2050માં વૈશ્વિક વસ્તીમાં વૃદ્ધિના 23 ટકા હશે. 2019માં ચીનની કુલ જનસંખ્યા 1.43 અબજ અને ભારતની 1.37 અબજ રહી. સૌથી વધુ વસ્તી ધરાવતા આ બંને દેશોએ 2019માં વૈશ્વિક જનસંખ્યામાં ક્રમશ: 19 અને 18 ટકાની ભાગીદારી નોંધાવી.

આ જીવદયા પ્રેમી સંસ્થાઓએ 2020 માટે લીધા કાંઇક આવા સંકલ્પ

અમદાવાદઃ શહેરની સાબરમતી નદીના રિવરફ્રન્ટ પર જ્યારે 108 અને પોલીસની ગાડીઓ દેખાય એટલે સૌને કૌતુક થાય શું થયુ હશે? કોઇ બનાવ તો નથી બન્યો એ જોવા લોકોના ટોળા બ્રિજ પર ઉમટી પડે.પણ… અહીં  ઉપક્રમ જુદો હતો…108  જોડાયેલા સરકારી અને એનજીઓના કર્મચારીઓએ ન્યુ યરની ઉજવણી કરી.

2 જાન્યુઆરી ગુરુવારની  સવારથી જ GVK EMRI AHMEDABAD 108 , અભયમ, કરુણા, એમએચયુ, ખિલખિલાટ જેવી જીવદયા સાથે જોડાયેલી સરકારી, સ્વૈચ્છિક-સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલો સ્ટાફ એકઠો થયો. લોકોના જીવ બચાવવા સતત પ્રયત્નશીલ રહી જુદી જુદી કામગીરી કરતાં 108 અને અભયમ જેવી તમામ સંસ્થાના રિવરફ્રન્ટ પર એકઠા થયેલા કર્મચારીઓએ નવ વર્ષ 2020માં શ્રેષ્ઠ કામગીરી કરવાના શપથ લીધા હતા.

આખુંય વર્ષ કંન્ટ્રોલ રુમમાં કોલ આવતાની સાથે જ પ્રજાના જીવ બચાવવા અને કાઉન્સીલીંગ કરવા ત્વરિત દોડતા કર્મચારીઓએ નવ વર્ષની ઉજવણી કરી હતી. કર્મયોગી કર્મચારીઓએ કેક કટિંગ કરી જૂની પરંપરાગત રમતો તેમજ આધુનિક રમતો રમ્યા હતાં. આ સાથે ગુજરાતની ઓળખ ગરબાને પણ માણ્યા હતા. તમામ કર્મચારીઓ એકદમ જવાબદારી ભર્યુ કાર્ય કરતા હોવાથી મોટિવેશનલ સ્પીચનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

 

(પ્રજ્ઞેશ વ્યાસ )

ભ્રષ્ટાચારની કાર્યવાહીમાંથી છૂટ મેળવવા સંસદને વિનંતી કરશે નેતન્યાહૂ

જેરુશલમ: ઈઝરાયલની પ્રધાનમંત્રી બેન્ઝામિન નેતન્યાહૂએ કહ્યું કે, તે ભ્રષ્ટાચારની કાર્યવાહીથી બચવા માટે સંસદને વિનંતી કરશે. ઈઝરાયલી એટોર્ની જનરલે ગયા નવેમ્બર મહિનામાં નેતન્યાહૂને ભ્રષ્ટાચારના ત્રણ મામલામાં આરોપી ઠેરવ્યા હતા. તેમના પર લાંચ, છેતરપીંડી અને ભરોસો તોડવાના આરોપ લાગ્યા હતાં.

સૌથી વધુ સમય સુધી ઈઝરાયલના પ્રધાનમંત્રી રહેનારા 70 વર્ષીય નેતન્યાહૂએ કહ્યું કે, હું સંસદના સ્પીકરને કાયદાકીય રીતે છૂટછાટ માટે વિનંતી કરીશ. આ વિનંતીનો હેતુ ઈઝરાયલના ભવિષ્ય માટે તમારી સેવા કરતા રહેવાનો છે. ઈઝરાયલના કાયદા અનુસાર કોઈપણ ચૂંટાયેલા નેતા કાર્યવાહીથી છૂટછાટ મેળવવા માટે સંસદને વિનંતી કરી શકે છે. ઈઝરાયલમાં આવુ પ્રથમ વખત થયું છે કે, કોઈ પદ પર રહેલા પ્રધાનમંત્રીને ભ્રષ્ટાચાર મામલે આરોપી ઠેરવવામાં આવ્યા છે.

નેતન્યાહૂને કુલ ત્રણ મામલે આરોપી ઠેરવવામાં આવ્યા છે જેમાં પ્રથમ મામલામાં તેમના પર દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની શાઉલ ઈલોવિચ પાસેથી લાંચ લેવાનો આરોપ છે. બીજામાં નેતન્યાહૂ અને તેમના પરિવાર પર ઈઝરાયલી બિઝનેસમેન અને હોલીવુડના દિગ્ગજ અર્નોન મિલચેન પાસેથી 2007 અને 2016માં મોંધીદાટ ગિફ્ટો લેવાનો આરોપ છે. જ્યારે ત્રીજા મામલે નેતન્યાહૂ પર આરોપ છે કે, તેમણે યોદિયોથ અહરોનોથ સમાચારપત્રમાં મરજીમુજબનું કવરેજ મેળવવા માટે તેમના પ્રકાશક અર્નોન મોજેસ સાથે ડીલ કરી હતી.

યુગપુરુષ નાટકને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન

ધરમપુરઃ શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરે આ વર્ષે પોતાની સ્થાપનાના 25 વર્ષ પૂરા કર્યા છે. આ પ્રસંગે 29 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધી રજત જયંતી મહોત્સવ મનાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ, શ્રીમદ્ રાજચંદ્રજીના દર્શનથી પ્રેરિત આ બન્ને મહાપુરુષના સંબંધને ઉજાગર કરતા એક અદભૂત નાટકની પ્રસ્તુતી કરવામાં આવી હતી. આ નાટકનું નામ યુગપુરુષ-મહાત્માના મહાત્મા હતું. નાટક સ્વરુપે આપવામાં આવેલી આ શ્રદ્ધાંજલિને ઘણા લોકોએ બીરદાવી હતી. આ નાટક દુનિયાભરના 312 શહેરોમાં એક 1 વર્ષ જેટલા ઓછા સમયગાળામાં 7 જેટલી ભાષામાં 1062 વાર પ્રસ્તુત કરવામાં આવ્યું. આ નાટકના વૈશ્વિક પ્રભાવને જોતા વર્લ્ડ બૂક ઓફ રેકોર્ડ્સ લંડન દ્વારા શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરને નાટક યુગપુરુષના નિર્માતાના રુપમાં 1060 લાઈવ પર્ફોર્મન્સ અને વિશ્વ સ્તર પર 7 ભાષાઓમાં ટીવી પ્રસારણ સાથે આધુનિક ભારતમાં વૈચારિક ક્રાંતિના સંદેશ સાથે વિશ્વનું સૌથી વધારે જોવામાં આવેલા નાટકના રુપમાં નોંધ્યું હતું.

WBR-India ના ટિથી ભલ્લા દ્વારા ગુરુદેવ રાકેશભાઈને આ રોકોર્ડનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.

વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ એક વૈશ્વિક સંસ્થા છે કે જે યુરોપ, ઉત્તર અને દક્ષિણ અમેરિકા, આફ્રીકા, એશિયા અને ઓસ્ટ્રેલિયામાં કાર્યરત છે. પ્રસ્તુત સંસ્થા આંતરરાષ્ટ્રીય રેકોર્ડ અને કાર્યોના ઈન્ટરનેશનલ સર્ટીફિકેશનમાં અગ્રણી સંગઠનો પૈકી એક છે. આ વ્યક્તિત્વ અને શાંતિ તેમજ માનવતા માટે ઉત્કૃષ્ઠ યોગદાનના સ્થાનોને પણ સન્માનિત કરે છે.

પુંસરી ગામને નમૂનેદાર બનાવનાર આ સરપંચને રાષ્ટ્રપતિનું નિમંત્રણ

અમદાવાદઃ પુંસરી ગામના માજી સરપંચને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાના રાષ્ટ્રપતિ ભવનમાં આમંત્રણ આપ્યું છે. પુંસરી ગામના માજી સરપંચ હિમાંશુ પટેલે પુંસરી ગામને દેશ અને દુનિયાના ફલક પર વિકાસ મોડલ મૂકનાર અને અત્યારે દેશભરના ગામડાઓના યુવાન સરપંચોને એક તાંતણે બાંધીને ગ્રામ વિકાસ માટેની વાત મૂકી માર્ગદર્શન પુરુ પાડ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમની કામગીરીની નોંધ લઈને તેમને રાષ્ટ્રપતિ ભવનમાં મળવા માટે બોલાવ્યા છે.

હિમાંશુ પટેલ પુંસરી ગામના સરપંચ તરીકે દસ વર્ષ સુધી રહ્યા છે. ‘આત્મા ગામડાનો અને વિકાસ શહેર’ ના ગાંધીજીના સ્વપ્નને આધારે પુંસરી ગામનો વિકાસ કર્યો છે. પુંસરી ગામમાં ૨ લાખ દેશ-વિદેશના મુલાકાતીઓ આવી ચૂક્યા છે. કેન્યા, તુર્કી, જર્મન, ફ્રાંસ સહિતના ૬૦ દેશોના પ્રતિનિધિઓ પુંસરી આવી ચૂક્યા છે. ગામમાં રોડ રસ્તા પાણી વીજળી આરોગ્ય શિક્ષણ નોંધપાત્ર કામગીરીની ભારતના રાષ્ટ્રપતિએ હકારાત્મક નોંધ લીધી છે.

નવા વરસમાં આ રીતે બનાવો રજાનો પ્લાન, જુઓ રજાઓનું લિસ્ટ

નવી દિલ્હી: થોડાક જ દિવસોમાં 2019નું વર્ષ આપણે બધાને અલવિદા કહી દેશે અને આવનારા 2020ના વર્ષનું આપણે સ્વાગત કરીશું. જો તમે વર્ષ 2020માં આવતી જાહેર રજાઓને લઈને ઉત્સુક હોવ તો એ જાણવું જરૂરી છે કે, કયો તહેવાર કઈ તારીખે આવી રહ્યો છે. 2020 રજાઓની દ્રષ્ટિએ સારું અને ખરાબ એમ બંન્ને રીતે પુરવાર થાય તેમ છે. અમે તમેન જણાવી રહ્યા છીએ રજાઓની માહિતી જેની મદદથી તમે રજાઓમાં ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો.

ખરાબ બાબતો ચકાસવામાં આવે તો પ્રજાસતાક પર્વ 26મી જાન્યુઆરીની રજા જ રવિવારે આવે છે. એટલે કે રજા કપાય તેમ છે. આ ઉપરાંત સ્વતંત્રતા દિવસ, ગણેસોત્સવ, દશેરા તથા દિવાળી પણ વિકેન્ડમાં આવે છે. સારા પાસા જોઈએ તો વર્ષ દરમ્યાન કુલ સાત લાંબા વિકએન્ડ આવે છે.  નવા વર્ષમાં મોટાભાગના તહેવારો શુક્રવારે અને સોમવારે આવી રહ્યા છે. એટલે કે કેટલાક તહેવારોમાં તમે સળંગ ત્રણ દિવસની રજા મળી શકશે. વર્ષના 366 દિવસમાંથી સરકારી કર્મચારી માત્ર 242 દિવસો કામ કરશે. આ કર્મચારીઓને કોઈ વધારાની રજા લીધા વગર 124 રજાઓ માણવાની તક મળશે.

જાન્યુઆરી– આ મહિનામાં મોટાભાગની રજાઓ બુધવારના દિવસે છે. આ વર્ષે નવા વર્ષનો પ્રથમ દિવસ પણ બુધવારે છે. ત્યારબાદ મકર સંક્રાંતિ અને પોંગલનો તહેવાર 15 જાન્યુઆરી બુધવારના દિવસે છે. 26મી જાન્યુઆરીની રજા કપાશે કારણ કે તે રવિવારે છે. વસંત પંચમી 29 જાન્યુઆરી એટલે એ પણ બુધવારે આવે છે.

ફેબ્રુઆરી– 9 ફેબ્રુઆરી રવિવારે ગુરુ રવિદાસ જયંતી છે. 18 ફેબ્રુઆરીએ મહર્ષિ દયાનંદ સરસ્વતી જંયતી છે આ દિવસે મંગળવાર આવે છે. 19 ફેબ્રુઆરી બુધવારે શિવાજી જયંતી છે. જ્યારે 21 ફેબ્રુઆરી શુક્રવારે શિવભક્તો માટે ખાસ પર્વ મહાશિવરાત્રીની રજા આવશે.

માર્ચ– આ મહિના માત્ર બે જાહેર રજા આવે છે. હોળી ધુળેટી 10 માર્ચ મંગળવારે છે. સોમવારની રજા મુકીને સળંગ ચાર દિવસની રજાનો લાભ લઈ શકો છો. આ ઉપરાંત ગુડી પડવાનો તહેવાર 25 માર્ચ બુધવારેના દિવસે છે.

એપ્રિલ– 2 એપ્રિલ ગુરુવારના રોજ રામ નવમીનો તહેવાર છે. 6 એપ્રિલને સોમવારે મહાવીર જયંતી છે. જો તમે ફરવા જવાનો પ્લાન કરી રહ્યા છો તો 10થી 13 એપ્રિલ અનુકુળ રહેશે. 10 એપ્રિલ શુક્રવારે  ગુડફ્રાઈડેની રજા આવશે તો 12 તારીખે રવિવારના દિવસે ઈસ્ટર છે અને 13 તારીખે સોમવારે વૈસાખીનો તહેવાર આવે છે.  એટલે કે તમે ચાર દિવસ રજાનો પ્લાન બનાવી શકો છો. 14મી એપ્રિલે આંબેડકર જયંતિ મંગળવારે છે એટલે તેનો વધારાનો મેળ પણ શકય છે.

મે– 1લી મે શુક્રવારે મજૂર દિવસ છે. 7મીએ બુદ્ધપૂર્ણિમાની રજા ગુરુવારે આવશે. 25 મે સોમવારે ઈદ ઉલ ફિતર અને મહારાણા પ્રતાપ જયંતી ઉજવવામાં આવશે. એટલે કે, તમે 24 અને 25 મે રજાનો પ્લાન કરી શકો છો.

જૂન– 23 જૂન મંગળવારે ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળશે.

ઓગસ્ટ– ઓગસ્ટ મહિનો રજાની મજા માણવા માગતા લોકો માટે ખાસ છે કારણ કે આ મહિનામાં ઢગલાબંઘ રજાઓ આવી રહી છે. મહિનાની શરુઆત બકરી ઈદના તહેવારથી થશે જે શનિવારે છે. વચ્ચે રવિવારની રજા અને 3 ઓગસ્ટ સોમવારે રક્ષાબંધનનો તહેવાર છે. એટલે 1થી3 ઓગસ્ટ રજાનો પ્લાન બનાવી શકો છો. 12 ઓગસ્ટ બુધવારે જન્માષ્ટમીનો તહેવાર છે. સ્વતંત્રતા દિવસ શનિવારે હોવાથી તમે 15 16 વિકેન્ડ પ્લાન કરી શકો છો. એ જ રીતે 22 ઓગસ્ટ શનિવારે વિનાયક ચતુર્થી છે. 30 ઓગસ્ટ રવિવારે મોહરમની રજા કપાશે જોકે, સોમવારે 31મીએ ઓણમની રજા મળશે.

ઓક્ટોબર- આ મહિનામાં ગાંધી જયંતી શુક્રવારે આવશે એટલે ત્રણ દિવસના વીકએન્ડનો લાભ મળશે. જોકે, 25મી ઓકટોબરે દશેરા રવિવારે છે એટલે રજા કપાશે. 30 ઓક્ટોબર શુક્રવારે મિલાદ ઉન નબી છે.

નવેમ્બર– આ વર્ષમાં દિવળીનો તહેવાર 14 નવેમ્બર શનિવારે છે એટલે કે તમે 14 15 નવેમ્બરે રજાનો પ્લાન કરી શકો છો. 29 અને 30 નવેમ્બરે પણ રજાનો પ્લાન બનાવી શકો છો કારણ કે, 30 નવેમ્બરે ગુરુ નાનક જયંતીની રજા છે.

ડિસેમ્બર– આ મહિનામાં નાતાલની રજા 25મી ડિસેમ્બર શુક્રવારે છે એટલે લાંબા વિકએન્ડનો લાભ મળશે.

રાજસ્થાનમાં 100 બાળકોના મોત પછી અશોક ગહેલોતે કર્યો આ ખુલાસો

કોટાઃ રાજસ્થાનના કોટા સ્થિત જેકે લોન હોસ્પિટલમાં 100 બાળકોના મોત થવા મામલે અશોક ગહેલોતે સ્પષ્ટતા કરી છે. આ મામલે કોંગ્રેસ સરકાર ચારેય તરફથી ઘેરાયેલી છે. આ વચ્ચે મુખ્યમંત્રી અશોક ગહેલોતે ટ્વીટ કરીને સ્પષ્ટતા આપતા કહ્યું કે જે કે લોન હોસ્પિટલમાં બાળકોના મોત પર તેમની સરકાર સંવેદનશીલ છે અને આ મામલે રાજકારણ ન થવું જોઈએ. આ પહેલા ભાજપ સિવાય બીએસપી ચીફ માયાવતીએ પણ આ મામલે કોંગ્રેસને નિશાને લીધી હતી. ડિસેમ્બર મહિનામાં હોસ્પિટલમાં 100 બાળકોના મોત થયા છે. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી આ મુદ્દે ગંભીર છે. રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી અવિનાશ પાંડે સાથે તેમણે ચર્ચા કરી છે.

સીએમ અશોક ગહેલોતે પોતાના અધિકારીક ટ્વીટર અકાઉન્ટથી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, જે.કે.હોસ્પિટલ, કોટામાં થયેલા બીમાર બાળકોના મૃત્યુ મામલે સંવેદનશીલ છે. આ મુદ્દે કોઈ રાજનીતિ ન થવી જોઈએ. કોટાની આ હોસ્પિટલમાં બાળકોનો મૃત્યુદર સતત ઓછો થઈ રહ્યો છે. અમે આગળ જતા આને હજી ઓછો કરવાનો પ્રયત્ન કરીશું.

ગહેલોતે પોતાના એક ટ્વીટમાં કહ્યું કે, માં અને બાળક સ્વસ્થ રહે એ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. રાજસ્થાનમાં સૌથી પહેલા બાળકો માટેના ICU ની સ્થાપના અમારી સરકારે 2003 માં કરી હતી. કોટામાં પણ બાળકોના ICU ની સ્થાપના અમે 2011 માં કરી હતી. સ્વાસ્થ્ય સેવાઓમાં વધારે સુધારો કરવા માટે ભારત સરકારે વિશેષજ્ઞ દળનું પણ સ્વાગત છે. અમે તેમની સાથે વિચાર-વિમર્શ કરીને તેમના સહયોગથી રાજ્યમાં ચિકત્સા સેવાઓમાં સુધાર માટે તૈયાર છીએ. નિરોગી રાજસ્થાન અમારી પ્રાથમિકતા છે. મીડિયા કોઈપણ દબાણમાં આવ્યા વગર તથ્ય લોકો સમક્ષ રજૂ કરે.

કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ આજે પાર્ટીના રાજ્ય પ્રભારી અવિનાશ પાંડે પાસેથી તાજેતરની સ્થિતિ અને અશોક ગહેલોત સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાની જાણકારી લીધી. સુત્રો અનુસાર, કોટાની હોસ્પિટલમાં બાળકોના મોતને લઈને દુઃખ વ્યક્ત કરતા સોનિયા ગાંધીએ પાંડે દ્વારા રાજ્ય સરકારને સંદેશ આપ્યો છે કે આ મામલે વધારે કડક પગલા ભરવામાં આવે.

સોનિયા ગાંધી સાથે મુલાકાત બાદ પાંડેએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, મુખ્યમંત્રી અશોક ગહેલોતે કોંગ્રેસ અધ્યક્ષ પાસે વિસ્તૃત રિપોર્ટ મોકલ્યો છે. તેમણે કહ્યું કે, આજની મુલાકાતમાં ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ. સોનિયાજી કોટા મામલે ચિંતિત છે.

પ્રિન્સ હેરી અને મેગને શેર કરી પુત્ર આર્ચીની તસવીરઃ પાઠવી નવા વર્ષની શુભેચ્છા

નવી દિલ્હી: મેગન માર્કલ અને પ્રિન્સ હેરીએ નવા વર્ષની શુભેચ્છા પાઠવતા પોતાના પુત્રની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ સાથે જ બંનેએ 2019ની ઘણી બધી જૂદી જૂદી તસવીરોનું એક વિડિયો મોન્ટાજ પણ શેર કર્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર તેઓએ પોતાના ઈન્સ્ટાગ્રામ (sussexroyal) પેજ પર આ વિડિયો શેર કર્યો છે. વિડિયોની શરુઆતમાં જ પ્રિન્સ હેરી તેમના દિકરાને તેડીને ઉભેલા નજરે પડે છે સાથે જ પ્રિન્સ હેરી બલ્યું કલરના ટોપા અને લીલા રંગના કોટમાં દેખાઈ રહ્યા છે.

તસવીરમાં તેમનો પુત્ર આર્ચી પણ ગ્રે રંગના ટોપો અને મોટા બ્રાઉન કોટમાં દેખાઈ રહ્યો છે. ફોક્સ ન્યૂઝ અનુસાર આ તસવીર કેનાડામાં ક્રિસમસની રજાઓ દરમ્યાનની છે, જ્યાં તેમનો પરિવાર મેગન માર્કલની માતા, ડોરિયા રેગલેન્ડની સાથે સમય વિતાવી રહ્યો હતો.

આ મોન્ટાજને શેર કરતા ડ્યૂક એન્ડ ધ ડચેસ ઓફ સસેક્સએ લખ્યું કે, 2019માં વિતાવેલી આ યાદગાર પળોને ફરી યાદ કરતા અમે તમને નવા વર્ષની શુભેચ્છા પાઠવીએ છીએ. અમારું સમર્થન કરવા બદલ તમારો આભાર. અમને વિશ્વભરના આટલા બધા લોકોને મળીને અત્યંત આનંદ થયો અમે આશા રાખીએ કે 2020નું વર્ષ તમારા બધા માટે ખુશીઓ લઈને આવે.

આ વિડિયો મોન્ટાજમાં તેમણે ક્રિસ માર્ટિન અને કોલ્ડપ્લેના એક ગીતનો ઉપયોગ કર્યો છે. એ બદલ તેમણે ક્રિસ અને કોલ્ડ પ્લેનો પણ આભાર માન્યો છે. મહત્વનું છે કે, ક્રિસમસ પર પણ પ્રિન્સ હેરી અને મેગન માર્કલે પુત્ર આર્ચીની એક તસવીર શેર કરી હતી.