રાજસ્થાનમાં 100 બાળકોના મોત પછી અશોક ગહેલોતે કર્યો આ ખુલાસો

કોટાઃ રાજસ્થાનના કોટા સ્થિત જેકે લોન હોસ્પિટલમાં 100 બાળકોના મોત થવા મામલે અશોક ગહેલોતે સ્પષ્ટતા કરી છે. આ મામલે કોંગ્રેસ સરકાર ચારેય તરફથી ઘેરાયેલી છે. આ વચ્ચે મુખ્યમંત્રી અશોક ગહેલોતે ટ્વીટ કરીને સ્પષ્ટતા આપતા કહ્યું કે જે કે લોન હોસ્પિટલમાં બાળકોના મોત પર તેમની સરકાર સંવેદનશીલ છે અને આ મામલે રાજકારણ ન થવું જોઈએ. આ પહેલા ભાજપ સિવાય બીએસપી ચીફ માયાવતીએ પણ આ મામલે કોંગ્રેસને નિશાને લીધી હતી. ડિસેમ્બર મહિનામાં હોસ્પિટલમાં 100 બાળકોના મોત થયા છે. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી આ મુદ્દે ગંભીર છે. રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી અવિનાશ પાંડે સાથે તેમણે ચર્ચા કરી છે.

સીએમ અશોક ગહેલોતે પોતાના અધિકારીક ટ્વીટર અકાઉન્ટથી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, જે.કે.હોસ્પિટલ, કોટામાં થયેલા બીમાર બાળકોના મૃત્યુ મામલે સંવેદનશીલ છે. આ મુદ્દે કોઈ રાજનીતિ ન થવી જોઈએ. કોટાની આ હોસ્પિટલમાં બાળકોનો મૃત્યુદર સતત ઓછો થઈ રહ્યો છે. અમે આગળ જતા આને હજી ઓછો કરવાનો પ્રયત્ન કરીશું.

ગહેલોતે પોતાના એક ટ્વીટમાં કહ્યું કે, માં અને બાળક સ્વસ્થ રહે એ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. રાજસ્થાનમાં સૌથી પહેલા બાળકો માટેના ICU ની સ્થાપના અમારી સરકારે 2003 માં કરી હતી. કોટામાં પણ બાળકોના ICU ની સ્થાપના અમે 2011 માં કરી હતી. સ્વાસ્થ્ય સેવાઓમાં વધારે સુધારો કરવા માટે ભારત સરકારે વિશેષજ્ઞ દળનું પણ સ્વાગત છે. અમે તેમની સાથે વિચાર-વિમર્શ કરીને તેમના સહયોગથી રાજ્યમાં ચિકત્સા સેવાઓમાં સુધાર માટે તૈયાર છીએ. નિરોગી રાજસ્થાન અમારી પ્રાથમિકતા છે. મીડિયા કોઈપણ દબાણમાં આવ્યા વગર તથ્ય લોકો સમક્ષ રજૂ કરે.

કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ આજે પાર્ટીના રાજ્ય પ્રભારી અવિનાશ પાંડે પાસેથી તાજેતરની સ્થિતિ અને અશોક ગહેલોત સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાની જાણકારી લીધી. સુત્રો અનુસાર, કોટાની હોસ્પિટલમાં બાળકોના મોતને લઈને દુઃખ વ્યક્ત કરતા સોનિયા ગાંધીએ પાંડે દ્વારા રાજ્ય સરકારને સંદેશ આપ્યો છે કે આ મામલે વધારે કડક પગલા ભરવામાં આવે.

સોનિયા ગાંધી સાથે મુલાકાત બાદ પાંડેએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, મુખ્યમંત્રી અશોક ગહેલોતે કોંગ્રેસ અધ્યક્ષ પાસે વિસ્તૃત રિપોર્ટ મોકલ્યો છે. તેમણે કહ્યું કે, આજની મુલાકાતમાં ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ. સોનિયાજી કોટા મામલે ચિંતિત છે.