1 જાન્યુઆરીએ ભારતમાં કેટલા બાળકો જન્મ્યા એ જાણો છો?

નવી દિલ્હીઃ વિશ્વભરમાં વસ્તી વધારાની સમસ્યા સામે ઝઝૂમી રહેલા બે દેશો એટલે ભારત અને ચીન. નવા વર્ષની શરુઆત પણ આ બંને દેશો માટે કંઈક એવી જ રહી. 2020ના પ્રથમ દિવસે એટલે કે 1 જાન્યુઆરીએ વિશ્વભરમાં લગભગ 4 લાખથી વધુ બાળકોનો જન્મ થયો. જેમાં સૌથી વધુ ભારતમાં 67,385 બાળકોનો જન્મ થયો ત્યાર પછી બીજા નંબરે ચીન આવે છે જ્યાં 46,299 બાળકોનો જન્મ થયો.

આ યાદીમાં સામેલ દેશોમાં ત્રીજા ક્રમ પર નાઈજિરિયા 26,039 બાળકો, પાકિસ્તાન 16,787 બાળકો, ઈન્ડોનેશિયા 13,020 બાળકો, અમેરિકા 10,452 બાળકો કાંગો ગણરાજ્ય 10,247 બાળકો અને ઈથોપિયામાં 8,493 બાળકોન જન્મ થયો. યુનિસેફ દર વર્ષે જાન્યુઆરીમાં નવા વર્ષના દિવસે જન્મેલા બાળકોનો જન્મ દિવસ ઉજવે છે. આખી દુનિયામાં આ દિવસને બાળકના જન્મ માટે શુભ માનવામાં આવે છે.

યુનિસેફે બુધવારે આ આંકડા જાહેર કર્યા હતા. નવા વર્ષના દિવસે આખી દુનિયામાં 3,92,078 બાળકો જન્મ્યા હતા. તેમાંથી 17 ટકા ભારતના છે. યુનિસેફના અંદાજે પેસિફિકના ફિજીમાં દુનિયાનું 2020નું પહેલું બાળક જન્મ્યું હોશે તેવી શક્યતા છે. અમેરિકામાં આ દિવસનું છેલ્લું બાળક જનમ્યું હોવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે યુનિસેફ એ સંયુક્ત રાષ્ટ્રસંઘની બાળકોના વિકાસ માટે કામ કરતી સંસ્થા છે.

જો કે એક અધિકારીનું જણાવ્યું હતું કે દુનિયાના લાખો બાળકો માટે તેમના જન્મનો દિવસ શુભ નથી પણ નીવડતો. 2018માં યુનિસેફે એક સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે 25 લાખ બાળકો જન્મના પહેલા જ મહિનામાં મૃત્યુ પામે છે. તેમાંથી 33 ટકા બાળકો તો પહેલા જ દિવસે મૃત્યુ પામે છે. આમાંથી મોટા ભાગના બાળકો પ્રિમેચ્યોર જન્મ, ડિલીવરી દરમ્યાન કોમ્પ્લિકેશન, સેપ્સિસ જેવા ઈન્ફેક્શનને કારણે મૃત્યુ પામે છે. આ ઉપરાંત દુનિયામાં 25 લાખથી વધુ બાળકો દર વર્ષે મૃત જન્મે છે.

યુનિસેફના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હેનરીટા એચ. ફોરે જણાવ્યું કે, નવુ વર્ષ અને નવા દાયકાની શરુઆત એ આશાઓ અને અપેક્ષાઓને વ્યક્ત કરવાનો અવસર છે જે ન માત્ર આપણા પણ ભાવી પેઢીઓના ભવિષ્ય માટે પણ છે. દર વર્ષે જાન્યુઆરીમાં અમે પ્રત્યેક બાળકના જીવનની સફરની તમામ સંભાવનાઓની યાદ અપાવે છે.

એક અનુમાન મુજબ વર્ષ 2027 સુધીમાં ભારત જનસંખ્યા મામલે ચીનને પાછળ છોડી દેશે. સંયુક્ત રાષ્ટ્રના અનુમાન અનુસાર, 2019થી 2050ની વચ્ચે ભારતની વસ્તી 27.3 કરોડ વધવાનું અનુમાન છે. આ જ સમયગાળામાં નાઈઝીરિયાના વસ્તીમાં 20 કરોડની વૃદ્ધિ થવાનું અનુમાન છે.

આમ થવા પર આ બંને દેશોની કુલ જનસંખ્યા 2050માં વૈશ્વિક વસ્તીમાં વૃદ્ધિના 23 ટકા હશે. 2019માં ચીનની કુલ જનસંખ્યા 1.43 અબજ અને ભારતની 1.37 અબજ રહી. સૌથી વધુ વસ્તી ધરાવતા આ બંને દેશોએ 2019માં વૈશ્વિક જનસંખ્યામાં ક્રમશ: 19 અને 18 ટકાની ભાગીદારી નોંધાવી.