Home Blog Page 5633

છેલ્લે 5મીએ માસ સીએલ પર જશે

અમદાવાદ-યુનાઇટેડ નર્સીસ ફોરમ અને જીએમઇઆરએસ એસોસિએશન ગુજરાત એકમના ઉપક્રમે પોતાની પડતર એવી સાતમા પગાર પંચની માગણી સહિતના મુદ્દા સ્વીકારવા મુદ્દે વિવિધ કાર્યક્રમો દ્વારા ગુજરાત સરકારને રજૂઆતો કરવામાં આવી રહી છે. અઠવાડિક કાર્યક્રમોનું આયોજન કરી દર રોજ નવા કાર્યક્રમ આપી સરકારના કાને વાત નાંખવાનો પ્રયત્ન આ કર્મચારીઓ કરી રહ્યાં છે.આ કર્મચારીઓ કેન્દ્રીય ધોરણે સમાન કામ સમાન વેતનની રજૂઆત સાથે સાતમા પગારપંચનો વેતન વધારો ઇચ્છી રહ્યાં છે.પહેલી ઓક્ટોબરથી શરુ થયેલા કાર્યક્રમો અન્વયે આજે સિવિલ કેમ્પસના અસ્મિતા ભવન સુધી નર્સીસ ભાઇબહેનોએ મૌન રેલી કાઢવાનું આયોજન કર્યું હતું. તેમણે આ મુદ્દે સત્તાવાળાઓને આવેદનપત્ર પણ આપ્યું હતું. આગામી દિવસોમાં કાળી પટ્ટી ધારણ કરવી, પૂર્ણ નર્સિંગ ડ્રેસના બદલે રંગીન કપડાં પર સફેદ એપ્રન ધારણ કરી તેમ જ સામૂહિક વિરોધના પ્રતીક રુપે પાંચમી ઓક્ટોબરે માસ સીએલનો કાર્યક્રમ પણ આપવામાં આવ્યો છે.

 

આવતા વર્ષના એપ્રિલમાં આવશે ૧૦૦ રૂપિયાની નવી નોટ

૫૦૦ રૂપિયાની ચલણી નોટોને નવી ડિઝાઈન સાથે ચલણમાં મૂક્યા બાદ ભારતીય રીઝર્વ બેન્ક હવે ૧૦૦ રૂપિયાની નવી કરન્સી નોટ ઈસ્યૂ કરવાની છે.

દેશની મધ્યસ્થ બેન્ક ૧૦૦ રૂપિયાની નવી નોટની છપામણીની પ્રક્રિયા આવતા વર્ષના એપ્રિલની આસપાસ શરૂ કરે એવી ધારણા છે.

આરબીઆઈ હાલ ૨૦૦ રૂપિયાની બેન્ક નોટ્સનું પ્રિન્ટિંગ કરી રહી છે. એ પૂરું થયા બાદ ૧૦૦ રૂપિયાની નોટ્સનું પ્રિન્ટિંગ શરૂ કરાશે.

હાલની ૧૦૦ રૂપિયાની નોટનું શું થશે

રીઝર્વ બેન્કના સૂત્રોએ સ્પષ્ટ કર્યું છે કે ૧૦૦ રૂપિયાની નવી ડિઝાઈનવાળી નોટ આવતા વર્ષે ચલણમાં મૂકાયા બાદ જૂની નોટ પણ ચલણમાં જ રહેશે. એને ધીમે ધીમે ચલણમાંથી હટાવી લેવામાં આવશે. ૧૦૦ની નવી નોટને સર્ક્યૂલેશનમાં મૂકાયા બાદ કેશ ફ્લોને કોઈ માઠી અસર નહીં પડે એવો તેમનો દાવો છે.

નવી નોટની સાઈઝ બદલાશે નહીં

નોટબંધી નિર્ણય લાગુ થયા બાદ એના કથિત ફિયાસ્કોમાંથી ભારતીય રીઝર્વ બેન્કે બોધપાઠ લીધો હોય એવું લાગે છે. એણે નક્કી કર્યું છે કે તે ૧૦૦ની નવી નોટની સાઈઝમાં કોઈ ફેરફાર નહીં કરે. તેથી એટીએમ મશીનો યૂઝર્સને શરૂઆતથી નવી ડિઝાઈનવાળી ૧૦૦ની નોટ્સ સરળતાથી ઉપલબ્ધ કરાવી શકશે.

ગયા વર્ષની ૧૬ ડિસેંબરે રીઝર્વ બેન્કે જાહેરાત કરી હતી કે તે દેશની તમામ ચલણી નોટોની ડિઝાઈનમાં ફેરફાર કરશે.

ત્યારથી એણે ૫૦૦ અને ૫૦ની નોટોની ડિઝાઈનમાં ફેરફાર કર્યો છે અને ૨૦૦ તથા ૨૦૦૦ના નવા મૂલ્યવાળી નોટ બહાર પાડી છે.

દેશો શા માટે કરન્સી નોટ્સની ડિઝાઈન બદલે છે

ચલણી નોટોની સંઘરાખોરી, ભ્રષ્ટાચાર રોકવા અને કરચોરોની પહેચાન કરવા માટે દેશો કરન્સી નોટોની ડિઝાઈન બદલે છે.

ભારત સરકારે ગયા વર્ષના નવેંબરમાં સીમાચિન્હરૂપ નિર્ણય લઈને ૫૦૦ અને ૧૦૦૦ના મૂલ્યની ચલણી નોટોને તાત્કાલિક અસરથી અમલમાં આવે એ રીતે વ્યવહારમાંથી પાછી ખેંચી લીધી હતી. એમ કરવા પાછળનો સરકારનો હેતુ કાળા નાણાંનો તાગ મેળવવાનો હતો. એ વખતે આ બે મૂલ્યની ૮૬ ટકા નોટો વ્યવહારમાં હતી.

રીઝર્વ બેન્કનો દાવો છે કે નોટબંધી લાગુ કરાયા બાદ ૧૦૦૦ના મૂલ્યની ૯૯ ટકા પ્રતિબંધિત નોટ્સ બેન્કોમાં પરત થઈ ચૂકી હતી.

ગુજરાતઃ આ કર્મચારીઓને આનંદો ! 7મું પગારપંચ મંજૂર

ગાંધીનગર-નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે જણાવ્યું હતું કે રાજય સરકાર દ્વારા અનુદાનિત ૧૬ બોર્ડ-નિગમોને સાતમા પગાર પંચના લાભ આપવાનો નિર્ણય કર્યો છે. જેનો ૧૭૧૦ કર્મચારીઓને લાભ થશે અને રાજ્ય સરકારને વાર્ષિક રૂ.૧૦.૦૬ કરોડનો વધારાનો બોજ પડશે.

બોર્ડ-નિગમના અધિકારીઓ,કર્મચારીઓ દ્વારા પણ રજુઆતો કરાતાં રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. જે અનુસાર, ગુજરાત જમીન વિકાસ નિગમ, સરદાર સરોવર નર્મદા નિગમ, ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ, ઘેટા અને ઉન વિકાસ નિગમ, ગુજરાત પોલીસ આવાસ નિગમ, ગુજરાત અનુ.જાતિ વિકાસ કોર્પોરેશન, ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ, ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન, ગોપાલક વિકાસ નિગમ, ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ, ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ, ગુજરાત ગ્રામ વિકાસ નિગમ, ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ, ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ, ગુજરાત જમીન વિહોણા મજૂરો અને હળપતિ ગૃહ નિર્માણ બોર્ડના કુલ-૧૭૧૦ કર્મચારીઓને આ લાભો મળશે.

સાતમા પગાર પંચનો લાભ તા.૦૧.૧૦.૨૦૧૭ થી આપવામાં આવશે. ગુજરાત ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના નિવૃત્ત કર્મચારીઓને પેન્શનના લાભો પણ આપવામાં આવતાં હોય છે તેવા ૨૧૭ કર્મચારીઓને પેન્‍શન સુધારણાના લાભો મળશે.

પ્રાથમિક શાળાના વિદ્યા સહાયકોને વેતન વધારાયું

રાજ્યની ૧૦૦ ટકા ગ્રાન્ટ મેળવતી ખાનગી પ્રાથમિક શાળાઓના વિદ્યા સહાયકોના પગારમાં પણ નોંધપાત્ર વધારો કરીને રૂ.૧૯૯૫૦ માસિક વેતન ચૂકવવાનો નિર્ણય કર્યો છે. નિતીન પટેલે જણાવ્યું કે રાજ્યમાં ૧૦૦ ટકા ગ્રાન્ટ મેળવતી ૩૩ જિલ્લાઓની ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૫૫૭ જેટલા વિદ્યા સહાયકો ફરજ બજાવે છે. આ વિદ્યા સહાયકોને અત્યાર સુધી રૂ.૧૧૫૦૦ માસિક વેતન અપાતું હતું તેના બદલે હવે રૂ.૧૯૫૦૦ માસિક વેતન ચુકવાશે. જેનાથી રાજ્ય સરકારને વાર્ષિક રૂ.૫.૬૪ કરોડનું ભારણ પડશે.

ગ્લોબલ માર્કેટ પાછળ શેરબજારનો સેન્સેક્સ 213 પોઈન્ટ વધ્યો

અમદાવાદ– શેરબજારમાં ત્રણ દિવસની રજાઓ પછી આજે મજબૂતી રહી હતી. ગ્લોબલ માર્કેટના પોઝિટિવ અહેવાલોને પગલે ભારતીય શેરોના ભાવ ઊંચા ખુલ્યા હતા, ત્યાર બાદ બ્લુચિપ શેરોમાં નવી લેવાલીનો ટેકો આવ્યો હતો. જેથી મજબૂતી જળવાઈ રહી હતી. બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ પણ પ્લસ હતા. પરિણામે ટ્રેડિંગ સેશનને અંતે બીએસઈ સેન્સેક્સ 213.66(0.68 ટકા) વધી 31,497.38 બંધ રહ્યો હતો. અને એનએસઈ નિફટી ઈન્ડેક્સ 70.90(0.72 ટકા) વધી 9859.50  બંધ થયો હતો.

અમેરિકા અને નોર્થ કોરિયા વચ્ચેની તંગદિલી હળવી થઈ છે. જેને પગલે અમેરિકન અને એશિયાઈ સ્ટોક માર્કેટમાં મજબૂતી આવી હતી અને જનરલ સેન્ટિમેન્ટ સુધારા તરફી રહ્યું હતું. પરિણામે ભારતીય શેરબજારમાં પણ નવા વિશ્વાસનું વાતાવરણ જોવાયું હતું. ઓકટોબર એફ એન્ડ ઓ કોન્ટ્રેક્ટ શરૂ થયા છે. અને તેજીવાળા ખેલાડીઓએ નવી લેવાલી કાઢી હતી, જેથી મોટાભાગે તમામ સેકટરના શેરો પ્લસ રહ્યા હતા. એફઆઈઆઈની નવી વેચવાલી ધીમી પડી હોવાના સમાચાર હતા, અને સ્થાનિક નાણા સંસ્થાઓની લેવાલી ચાલુ રહી હતી. મ્યુચ્યુઅલ ફંડોની એસઆઈપીના નાણાનું રોકાણ સતત આવી રહ્યું છે.

  • આજે તેજી બજારમાં કેપિટલ ગુડઝના શેરોમાં પ્રોફિટ બુકિંગથી સામાન્ય નરમાઈ રહી હતી.
  • રોકડાના શેરોમાં ધીમી લેવાલીથી મજબૂતી આગળ વધી હતી. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 118.66 પ્લસ બંધ રહ્યો હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 78.90 પ્લસ બંધ થયો હતો.
  • એસબીઆઈ લાઈફના નવા શેરનું લિસ્ટીંગ 5 ટકા પ્રિમિયમથી થયું હતું. બીએસઈમાં એસબીઆઈ લાઈફનો નવો શેરનો ભાવ રૂ.733.30 ખુલ્યો હતો, જે શરૂમાં ઘટી રૂ.702.25 થઈ અને ત્યાંથી વધી રૂ.738 થઈ અને ટ્રેડિંગને અંતે 708.00 બંધ રહ્યો હતો. જે ઈસ્યુપ્રાઈઝ રૂ.700ની સામે રૂપિયા 8(1.14 ટકા) પ્લસ બંધ રહ્યો હતો.
  • રીલાયન્સ કોમ્યુનિકેશન(આરકોમ)ની એરસેલ સાથેની મર્જર ડીલ રદ થઈ છે, જે સમાચારથી આરકોમના શેરનો ભાવ રૂપિયા 2.10(10.94 ટકા) તૂટી રૂ.17.10 બંધ થયો હતો.
  • ડૉ. રેડ્ડીઝ લેબ અમેરિકામાં રેનવેલા દવાનું જેનરિક વર્ઝન લોન્ચ કર્યું છે. અમેરિકામાં કિડનીની સાથે જોડાયેલી બિમારીની દવા રેનવેલાનું બજાર અંદાજે 188 અબજ ડૉલરનું છે. રેનવેલા શરીરમાં ફોસ્ફરસનું લેવલ કન્ટ્રોલ કરે છે. આ સમાચારથી ડૉ. રેડ્ડી લેબના શેરમાં નવી ખરીદી આવી હતી, અને શેરનો ભાવ રૂ.7.75(0.33 ટકા) વધી રૂ.2337.15 બંધ રહ્યો હતો.
  • ગોદરેજ એગ્રોવેટનો આઈપીઓ ચોથી ઓકટોબરને બુધવારે ખુલશે, અને 6 ઓકટોબરે બંધ થશે. ઈસ્યુ દ્વારા કંપની રૂપિયા 1157 કરોડ એકઠા કરશે. ગોદરેજ એગ્રોવેટના ઈસ્યુની પ્રાઈઝ બેન્ડ રૂ.450-460 છે, અને શેરની લોટ સાઈઝ 32 શેરની છે.

કોલકાતામાં રોજ લાઈન લાગે છે…

‘ફિફા અન્ડર-17 ફૂટબોલ વર્લ્ડ કપ’ના આરંભનો દિવસ નજીક આવી રહ્યો છે ત્યારે કોલકાતામાં મેચોની ટિકિટ ખરીદવા માટે ફૂટબોલચાહકોમાં ભારે ઉત્સાહ જામ્યો છે. શહેરના સોલ્ટ લેક સ્ટેડિયમમાં મેચની ટિકિટો માટે લોકોની રોજ લાંબી લાઈન લાગે છે. આ ફૂટબોલ સ્પર્ધા 6 ઓક્ટોબરથી દેશના છ શહેરોમાં શરૂ થવાની છે. સોલ્ટ લેક સ્ટેડિયમમાં સ્પર્ધાની ફાઈનલ મેચ ઉપરાંત ગ્રુપ-Fની મેચો, ત્રીજા સ્થાન માટેની મેચ અને એક ક્વોર્ટર ફાઈનલ મેચ રમાવાની છે.

અદાણીનું ટેક્સ હેવન દેશો સાથે કનેક્શન ?

અમદાવાદ-ઓસ્ટ્રેલિયન સમાચાર સંસ્થા દ્વારા પોતાના એક રીપોર્ટમાં ટેક્સ હેવન દેશો સાથેનો બિઝનેસ ગ્રુપ અદાણીનો સંબંધ પ્રકાશમાં લાવવાનો દાવો કરાયો છે. જેમાં જણાવાયું છે કે અદાણી ગ્રુપની બ્રિટિશ વર્જિન આઈલેન્ડમાં કેટલીક મહત્વની સંપત્તિઓ છે જેની જાણકારી અદાણી સમૂહે ઓસ્ટ્રેલિયાની સરકારને આપી નથી.આ રિપોર્ટમાં અદાણી સમૂહના ચેરમેન ગૌતમ અદાણીના મોટાભાઈ વિનોદ અદાણી વિરૂદ્ધ ભારતમાં ચાલી રહેલી તપાસનો હવાલો પણ આપવામાં આવ્યો છે. અદાણીમાં વિનોદ અદાણીના ઘણા શેર છે. રીપોર્ટ અનુસાર અદાણી સમૂહે ઓસ્ટ્રેલિયાની સરકારને 22 અબજ ડોલર ટેક્સ અને રાજસ્વ તરીકે આપવાનો વાયદો કર્યો હતો.અદાણી સમૂહ સાથે જોડાયેલા ટ્રસ્ટો અને કંપનીઓની ચાલાકીના કારણે સરકારને આપવામાં આવતા ટેક્સમાં ભારે ઘટાડો થઈ શકે છે તેવી રજૂઆત કરાઇ હતી.

રીપોર્ટ અનુસાર અદાણી સમૂહની સંપત્તિઓમાં ક્વીન્સલેન્ડમાં મેકે પાસે આવેલા એહોટ પોઈન્ટ કોલ ટર્મિનલ પણ છે. અદાણી સમૂહ પાસે ટર્મિનલના વિસ્તાર સાથે પોર્ટથી ગૈલીલી બેસિન સ્થિત પ્રસ્તાવિત કોલસાની ખાણ સુધી 400 કિલોમીટર લાંબી એક નિયોજિત રેલવે લાઈન બનાવવાનો પણ કોન્ટ્રાક્ટ છે. આ પરિયોજનાઓ માટે અદાણી સમૂહને નોર્ધન ઓસ્ટ્રેલિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફેસેલિટી પાસેથી એક અબજ ડોલર મળેલાં છે.

હનીપ્રીત હરિયાણા પોલીસની શરણે આવી ગઈ; તે એક મહિનાથી ફરાર હતી

ચંડીગઢ – બળાત્કારના ગુનાસર 20 વર્ષ માટે જેલમાં મોકલી દેવાયેલા નકલી બાબા ગુરમીત રામ રહીમ સિંહની દત્તક પુત્રી હનીપ્રીત ઈન્સાન આજે હરિયાણાની પોલીસને શરણે આવી ગઈ છે. પોલીસે એને કસ્ટડીમાં પૂરી દીધી છે અને એને આવતીકાલે હરિયાણાના પંચકુલા શહેરની ટ્રાયલ કોર્ટમાં હાજર કરશે.

હનીપ્રીતને ઝીર્કાપુર-પટિયાલા હાઈઆવે પરથી આજે પંજાબ પોલીસે પકડી હતી અને હરિયાણા પોલીસને હવાલે કરી હતી.

36 વર્ષની હનીપ્રીતનું સાચું નામ પ્રિયંકા તનેજા છે. હનીપ્રીત 2009ની સાલથી રામ રહીમની ગાઢ સહયોગી રહી છે.

બળાત્કારના બે કેસમાં રામ રહીમને ગઈ 25 ઓગસ્ટે સ્થાનિક કોર્ટે દોષી પૂરવાર કર્યા બાદ હરિયાણા, પંજાબ તથા દિલ્હીના જુદા જુદા ભાગોમાં મોટા પાયે ફાટી નીકળેલી હિંસા બાદ હનીપ્રીત ભૂગર્ભમાં ચાલી ગઈ હતી. હરિયાણા પોલીસે હિંસા ભડકાવવા બદલ હનીપ્રીત તથા ડેરા સચ્ચા સૌદા સંપ્રદાયના સભ્યો સામે ફરિયાદ નોંધી હતી.

કોર્ટે રામ રહીમને અપરાધી જાહેર કર્યા બાદ હરિયાણાના પંચકુલા અને સિરસા શહેરોમાં ખૂબ હિંસા ફાટી નીકળી હતી. એમાં 38 જણનાં જાન ગયા હતા અને 264 જણ ઘાયલ થયા હતા.

હનીપ્રીતે ભૂગર્ભમાંથી ટ્રાન્ઝિટ આગોતરા જામીન માટે અરજી નોંધાવી હતી, પણ દિલ્હીની હાઈકોર્ટે તે નકારી કાઢી હતી.

એવા અહેવાલો હતા કે હનીપ્રીત રામ રહિમને જેલમાં મોકલી દેવાયા બાદ નેપાળ ભાગી ગઈ હતી.

આજે પોલીસને શરણે આવતા પહેલાં એક ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં હનીપ્રીતે કહ્યું હતું કે હું ભારતમાં જ છું, નેપાળ ગઈ નથી.

બળાત્કારના બે કેસમાં રામ રહીમને કોર્ટે રૂ. 30 લાખનો દંડ પણ ફટકાર્યો છે.

ફિચે ભારતનું આર્થિક વૃદ્ધિદર અનુમાન ઘટાડી 6.9 ટકા કર્યું

નવી દિલ્હીઃ ફિચ રેટિંગ્સે ભારતના જીડીપી વૃદ્ધિદરના અનુમાન 7.4 ટકાથી ઘટાડીને 6.9 ટકા કર્યું છે. ચાલુ નાણાકીય વર્ષ 2017-18ના એપ્રિલ-જૂનના ત્રિમાસિક ગાળામાં આર્થિક વૃદ્ધિમાં મોટી પડતી આવ્યા બાદ ફિચ રેટિંગ્સે આ અનુમાન ઘટાડ્યું છે. જો કે ક્રેડિટ રેટિંગ એજન્સીએ જણાવ્યું છે કે નાણાકીય વર્ષના બીજા છમાસિક ગાળામાં આર્થિક ગતિવિધિઓમાં તેજી આવવાની આશા છે.

વર્ષ 2016ના નવેમ્બર મહિનામાં નોટબંધી અને આ વર્ષે જુલાઈમાં જીએસટીના પ્રભાવ સહિત અન્ય કારણોથી આર્થિક ગતિવિધિઓ પ્રભાવિત થઈ છે. ફિચ રેટિંગ્સે પોતાના તાજેતરના વૈશ્વિક આર્થિક પરિદ્રશ્યમાં કહ્યું છે કે બેંકોમાં વધેલી બિનનિષ્પાદિત પરિસંપત્તિઓના કારણે ઋણ વૃદ્ધિ અને વેપાર નિવેશ માટે સ્થિતઓ કમજોર છે. આ પહેલા એશિયાઈ એડીબીએ પ્રાઈવેટ કંઝપ્શન, મેન્યુફેક્ચરિંગ અને ઈન્વેસમેન્ટમાં કમજોરીના કારણે ગત મહિને દેશના જીડીપીમાં વૃદ્ધિદરના અનુમાન 7.4 ટકાથી ઘટાડીને 7 ટકા કર્યું હતું.. ભારતનો આર્થિક વૃદ્ધિ દર 2016-17માં 7.1 ટકા રહ્યો હતો.

ફિચ રેટિંગ્સે જણાવ્યું કે વૈશ્વિક અર્થવ્યવસ્થા માં આ વર્ષે સુધારો આવ્યો છે અને વર્ષ 2010 બાદ તે તીવ્ર વૃદ્ધિની દિશામાં અગ્રેસર છે. તેણે જણાવ્યું કે ભારતનો જીડીપી વૃદ્ધિ દર ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 5.7 ટકા રહ્યો હતો જે ગત વર્ષના આ સમયગાળાની સરખામણીએ 6.1 ટકા ઓછો છે. વર્ષ 2013ની શરૂઆતથી આ સૌથી કમજોર વૃદ્ધિદર છે તેમ માની શકાય. જીડીપી વૃદ્ધિદર સતત પાંચ ત્રિમાસિક ગાળાથી નીચો જઈ રહ્યો છે.

વડોદરાઃ કોર્પોરેટર હસમુખ પટેલને ઝાડ સાથે બાંધી માર મરાયો

વડોદરા- શહેરના બાપોદ વિસ્તારના કોર્પોરેટર હસમુખ પટેલ આજે ટોળાંના ભારે રોષનો ભોગ બન્યાં હતાં. દબાણ કરીને બનાવાયેલાં આવાસ તોડી પડાતાં સ્થાનિકોનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો હતો.લોકોએ હસમુખ પટેલને ઝડપી લઇ ઝાડ સાથે રસ્સીથી બાંધી દીધાં હતાં અને માર માર્યો હતો. આ ઘટનાનો વિડીયો પણ બનાવાયો હતો જે ઝડપથી ફેલાઇ ગયો હતો. પોલિસને જાણ થતાં ઘટનાસ્થળે દોડી આવી હસમુખ પટેલને મુક્ત કરાવ્યાં હતાં.

બાપોદના દબાણ તોડી પડાયેલાં લોકોમાં મહિલાઓ સહિત આશેરે 100 જેટલાં લોકોના ટોળાંએ હસમુખ પટેલને ઝાડ સાથે બાંધીને માર માર્યો હતો. આ ઘટનાના પગલે શહેરભરમાં તેમ જ શાસક ભાજપમાં ભારે ચકચાર મચી ગઇ હતી.

નાગરિકો દ્વારા કાનૂની કાર્યવાહીનો વિરોધ કરી નગરસેવકને માર મારવામાં આવવાની ઘટનાનો વિપક્ષ દ્વારા પણ વખોડી કાઢવા સાથે લોકોના રોષનો ભોગ બનવું પડે તેવી ઘટનાઓ ન બને તે રીતે તંત્ર દ્વારા કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું હતું. વિપક્ષે ઘટનાની તપાસ કરવાની માગણી કરી હતી. શાસક પક્ષ દ્વારા આ ઘટના બનવા માટે વિપક્ષ કોંગ્રેસનું કાવતરું હોવાનો આરોપ કરવામાં આવ્યો હતો.

વલસાડના ભિલાડ ચેકપોસ્ટની ગાડીમાંથી 1.14 કરોડ રોકડની લૂંટ

વલસાડ– વલસાડના ભિલાડ ચેક પોસ્ટની રોકડ ભરેલી ગાડી લુંટાઈ છે. અજાણ્યા લૂંટારુંઓએ બંદૂકની અણીએ લૂંટ ચલાવીને રૂપિયા એક કરોડ 14 લાખ લૂંટીને ફરાર થઈ ગયા છે. લૂંટારુઓને શોધવા માટે જિલ્લાની પોલીસ દોડતી થઈ ગઈ છે. ભિલાડના સહારા હોટેલ નજીક બેન્કમાં રૂપિયા ભરવા જઈ રહેલ આર.ટી.ઓ.ની ગાડીમાં રૂપિયા 1 કરોડ 14 લાખ હતા. ત્યાં અચાનક લૂંટારાઓએ બંદૂક બતાવીને ગાડી રોકી હતી, અને લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. ઘટના સ્થળે પોલીસ તુરંત આવી પહોંચી હતી, અને લૂંટ કરીને ભાગેલા વધુ દુર સુધી ન જઈ શકે તે માટે નાકાબંધી કરી હતી, અને સમગ્ર જિલ્લા અને રાજ્યના પોલીસ તંત્રને સંદેશ આપ્યો હતો.