છેલ્લે 5મીએ માસ સીએલ પર જશે

અમદાવાદ-યુનાઇટેડ નર્સીસ ફોરમ અને જીએમઇઆરએસ એસોસિએશન ગુજરાત એકમના ઉપક્રમે પોતાની પડતર એવી સાતમા પગાર પંચની માગણી સહિતના મુદ્દા સ્વીકારવા મુદ્દે વિવિધ કાર્યક્રમો દ્વારા ગુજરાત સરકારને રજૂઆતો કરવામાં આવી રહી છે. અઠવાડિક કાર્યક્રમોનું આયોજન કરી દર રોજ નવા કાર્યક્રમ આપી સરકારના કાને વાત નાંખવાનો પ્રયત્ન આ કર્મચારીઓ કરી રહ્યાં છે.આ કર્મચારીઓ કેન્દ્રીય ધોરણે સમાન કામ સમાન વેતનની રજૂઆત સાથે સાતમા પગારપંચનો વેતન વધારો ઇચ્છી રહ્યાં છે.પહેલી ઓક્ટોબરથી શરુ થયેલા કાર્યક્રમો અન્વયે આજે સિવિલ કેમ્પસના અસ્મિતા ભવન સુધી નર્સીસ ભાઇબહેનોએ મૌન રેલી કાઢવાનું આયોજન કર્યું હતું. તેમણે આ મુદ્દે સત્તાવાળાઓને આવેદનપત્ર પણ આપ્યું હતું. આગામી દિવસોમાં કાળી પટ્ટી ધારણ કરવી, પૂર્ણ નર્સિંગ ડ્રેસના બદલે રંગીન કપડાં પર સફેદ એપ્રન ધારણ કરી તેમ જ સામૂહિક વિરોધના પ્રતીક રુપે પાંચમી ઓક્ટોબરે માસ સીએલનો કાર્યક્રમ પણ આપવામાં આવ્યો છે.