ગ્લોબલ માર્કેટ પાછળ શેરબજારનો સેન્સેક્સ 213 પોઈન્ટ વધ્યો

અમદાવાદ– શેરબજારમાં ત્રણ દિવસની રજાઓ પછી આજે મજબૂતી રહી હતી. ગ્લોબલ માર્કેટના પોઝિટિવ અહેવાલોને પગલે ભારતીય શેરોના ભાવ ઊંચા ખુલ્યા હતા, ત્યાર બાદ બ્લુચિપ શેરોમાં નવી લેવાલીનો ટેકો આવ્યો હતો. જેથી મજબૂતી જળવાઈ રહી હતી. બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ પણ પ્લસ હતા. પરિણામે ટ્રેડિંગ સેશનને અંતે બીએસઈ સેન્સેક્સ 213.66(0.68 ટકા) વધી 31,497.38 બંધ રહ્યો હતો. અને એનએસઈ નિફટી ઈન્ડેક્સ 70.90(0.72 ટકા) વધી 9859.50  બંધ થયો હતો.

અમેરિકા અને નોર્થ કોરિયા વચ્ચેની તંગદિલી હળવી થઈ છે. જેને પગલે અમેરિકન અને એશિયાઈ સ્ટોક માર્કેટમાં મજબૂતી આવી હતી અને જનરલ સેન્ટિમેન્ટ સુધારા તરફી રહ્યું હતું. પરિણામે ભારતીય શેરબજારમાં પણ નવા વિશ્વાસનું વાતાવરણ જોવાયું હતું. ઓકટોબર એફ એન્ડ ઓ કોન્ટ્રેક્ટ શરૂ થયા છે. અને તેજીવાળા ખેલાડીઓએ નવી લેવાલી કાઢી હતી, જેથી મોટાભાગે તમામ સેકટરના શેરો પ્લસ રહ્યા હતા. એફઆઈઆઈની નવી વેચવાલી ધીમી પડી હોવાના સમાચાર હતા, અને સ્થાનિક નાણા સંસ્થાઓની લેવાલી ચાલુ રહી હતી. મ્યુચ્યુઅલ ફંડોની એસઆઈપીના નાણાનું રોકાણ સતત આવી રહ્યું છે.

  • આજે તેજી બજારમાં કેપિટલ ગુડઝના શેરોમાં પ્રોફિટ બુકિંગથી સામાન્ય નરમાઈ રહી હતી.
  • રોકડાના શેરોમાં ધીમી લેવાલીથી મજબૂતી આગળ વધી હતી. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 118.66 પ્લસ બંધ રહ્યો હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 78.90 પ્લસ બંધ થયો હતો.
  • એસબીઆઈ લાઈફના નવા શેરનું લિસ્ટીંગ 5 ટકા પ્રિમિયમથી થયું હતું. બીએસઈમાં એસબીઆઈ લાઈફનો નવો શેરનો ભાવ રૂ.733.30 ખુલ્યો હતો, જે શરૂમાં ઘટી રૂ.702.25 થઈ અને ત્યાંથી વધી રૂ.738 થઈ અને ટ્રેડિંગને અંતે 708.00 બંધ રહ્યો હતો. જે ઈસ્યુપ્રાઈઝ રૂ.700ની સામે રૂપિયા 8(1.14 ટકા) પ્લસ બંધ રહ્યો હતો.
  • રીલાયન્સ કોમ્યુનિકેશન(આરકોમ)ની એરસેલ સાથેની મર્જર ડીલ રદ થઈ છે, જે સમાચારથી આરકોમના શેરનો ભાવ રૂપિયા 2.10(10.94 ટકા) તૂટી રૂ.17.10 બંધ થયો હતો.
  • ડૉ. રેડ્ડીઝ લેબ અમેરિકામાં રેનવેલા દવાનું જેનરિક વર્ઝન લોન્ચ કર્યું છે. અમેરિકામાં કિડનીની સાથે જોડાયેલી બિમારીની દવા રેનવેલાનું બજાર અંદાજે 188 અબજ ડૉલરનું છે. રેનવેલા શરીરમાં ફોસ્ફરસનું લેવલ કન્ટ્રોલ કરે છે. આ સમાચારથી ડૉ. રેડ્ડી લેબના શેરમાં નવી ખરીદી આવી હતી, અને શેરનો ભાવ રૂ.7.75(0.33 ટકા) વધી રૂ.2337.15 બંધ રહ્યો હતો.
  • ગોદરેજ એગ્રોવેટનો આઈપીઓ ચોથી ઓકટોબરને બુધવારે ખુલશે, અને 6 ઓકટોબરે બંધ થશે. ઈસ્યુ દ્વારા કંપની રૂપિયા 1157 કરોડ એકઠા કરશે. ગોદરેજ એગ્રોવેટના ઈસ્યુની પ્રાઈઝ બેન્ડ રૂ.450-460 છે, અને શેરની લોટ સાઈઝ 32 શેરની છે.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]